જંગલના ભવ્ય કાઈટ ફેસ્ટિવલ પહેલાં પક્ષીઓનું મહાસંમેલન
- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- પક્ષીસમાજની એપ 'પાંખ'માં નોટિફિકેશન આવ્યુંઃ 'પતંગોત્સવ સંદર્ભે મહાસંમેલનનું આયોજન થયું છે. પ્રમુખ ગગનભાઈ ગરૂડે આપ સૌને હાજર રહેવા ખાસ આમંત્રણ આપ્યું છે. ઉત્તરાયણ પહેલાં જ પતંગો ઉડવાનું શરૂ થયું હોવાથી ધ્યાન રાખીને સંમેલનમાં આવજો!'
'ગરૂડગામી ભગવાન વિષ્ણુનો જય હો!' સંગઠનમંત્રી કબૂતર કાનાફૂસિયાએ ઈષ્ટદેવના જયજયકારથી સંમેલન શરૂ કર્યું. પક્ષીસમાજના પ્રમુખ ગગન ગરૂડ, માર્ગદર્શક હીરજી હંસ, મહામંત્રી કાગડો કંકાસિયા, ખજાનચી હોલાજી હઠીલા, માદાપાંખના પ્રમુખ કાબરબહેન કલબલાટિયા સહિતના તમામ હોદ્દેદારોનું ફૂલહારથી સ્વાગત કર્યા પછી સંમેલનમાં ભાષણનો સિલસિલો શરૂ થયો. જંગલમાં લગભગ બધાં જ સંમેલનોમાં આ સમયગાળો સૌથી કંટાળાજનક ગણાતો. 'આ એક વાત કરીને હું મારું ભાષણ પૂરું કરું છું' - એમ કહીને ભાષણમાં જેનો વારો આવતો એ બીજી પાંચ વાતો ઉમેરતા. એનાથી શ્રોતાઓ હાંફી જતા. ઘણા શ્રોતા તો એ સ્થિતિનો નજીકથી સામનો ન કરવો પડે એટલે પાછળ બેસીને ઝોકું ખેંચી કાઢતા.
પક્ષીસમાજના આ વાર્ષિક સમારોહમાં પણ એવું જ થયું. એક તરફ સમાજના અગ્રણીઓ - કાબરબહેન કલબલાટિયા, હોલાજી હઠીલા, કાગડો કંકાસિયો, હીરજી હંસના ભાષણો ચાલતા હતા, બીજી તરફ પતંગોના દોરાથી માંડ માંડ બચીને આવેલા ઘણાં પંખીઓ થાકીને ઝોકે ચડી ગયા હતા.
'હવે હું વિનંતી કરીશ કે પક્ષીસમાજના પ્રમુખ શ્રી ગગનભાઈ ગરૂડ આપણને સૌને પ્રેરણા પૂરાં પાડતાં બે શબ્દો કહે. આપણે સૌ પંજાના ગડગડાટ અને પાંખોના ફડફડાટથી તેઓશ્રીને વધાવી લઈએ. માનનીય શ્રી ગગનભાઈ ગરૂડ!' હતો એટલો ઉત્સાહ ઠાલવીને કાર્યક્રમના સંચાલક કબૂતર કાનાફૂસિયાએ જાહેરાત કરી. અવાજ વધ્યો હોવાથી ઊંઘી ગયેલા પક્ષીઓ ય જાગ્યાં, આસપાસમાં જરાક અધખુલ્લી આંખે નજર નાખીને પંજા ટકરાવવા લાગ્યાં.
પાંખોના ફફડાટથી સંમેલન ગાજી ઉઠયું. કોલાહલ શાંત થયો પછી છટાથી ડોક ઘુમાવીને ગગનભાઈ ગરૂડે કહ્યુંઃ 'વંદે વિષ્ણુ!'
'વંદે વિષ્ણુ... વંદે વિષ્ણુ...' પક્ષીસમાજે એકીસૂરે પ્રતિભાવ આપ્યો. ગગન ગરૂડે ભાષણ શરૂ કર્યુંઃ 'મંચસ્થ અગ્રણીઓ, પક્ષીસમાજના સૌ વહાલા સભ્યો અને બચ્ચાઓ. આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણના પતંગોથી બચવાની વિચારણા કરવા ભેગા થયા છીએ. જે પક્ષીઓ આજે આપણી વચ્ચે છે એમાંથી ઘણાં કદાચ પતંગોત્સવ પછી નહીં હોય. મૃત્યુ પામતા અને ઈજાગ્રસ્ત થતા પક્ષીપરિવારોને સંગઠનની 'સહાય સમિતિ' જરૂરી બધી જ સહાય કરશે. આપણે મહારાજા સિંહને પણ દર વર્ષની જેમ આ વર્ષે પતંગોત્સવમાં માર્યા ગયેલાં પક્ષીઓના પરિવારને યોગ્ય સરકારી વળતર મળે તે માટે રજૂઆત કરીશું. હું અને સમાજના હોદ્દેદારો અહીંથી સીધા મહારાજા સિંહને જ મળવા જઈશું.'
'ગગન ગરૂડ જિંદાબાદ... ગગન ગરૂડ જિંદાબાદ...' પક્ષીસમાજે નારા લગાવ્યા. કોલાહલ શાંત થયો પછી ગગન ગરૂડે સાવધાની રાખવાના સૂચનો કર્યાઃ 'શક્ય હોય તો ઉત્તરાયણ અગાઉ સપ્તાહભરના દાણા-પાણીની વ્યવસ્થા કરી રાખવી. અનિવાર્ય ન હોય તો બહાર નીકળવું નહીં. કાતિલ દોરીથી સલામત અંતર રાખવું. હેલ્પલાઈન નંબરો યાદ રાખી લેવા ને બચ્ચાઓને ય યાદ રખાવી લેવા. સરકારી સહાયના ભરોસે બેસી ન રહેવું, આપણે સૌએ એકબીજાની મદદ કરવી. આપણને મદદ કરવા આવતા જંગલવાસીઓ પર ગુસ્સો ઉતારીને તેમને ચાંચો ન મારવી. વૃક્ષોમાં ઠેર-ઠેર ધારદાર દોરા ફસાયેલા રહેતા હોવાથી સહપરિવાર દૂરના મેદાની પ્રદેશમાં થોડા દિવસ નીકળી જવું.'
ગગન ગરૂડના ભાષણનું લાઈવ સ્ટ્રીમિંગ 'પાંખ' એપમાં થતું હતું. અસંખ્ય પંખીઓ આ ભાષણ સાંભળતા હતા. પ્રમુખે ભાષણ આટોપ્યુંઃ 'સૌ સલામત રહેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વંદે વિષ્ણુ!'
'અહીં હાજર સભ્યો અને લાઈવ સ્ટ્રીમિંગ જોઈ રહેલાં પક્ષીઓમાંથી કોઈને સવાલો હોય તો એ ટૂંકમાં, મુદ્દાસર પૂછી શકે છે.' સંચાલક કબૂતર કાનાફૂસિયાએ આગળની પ્રક્રિયા હાથ ધરી.
'દોરા બહુ ધારદાર ન હોય એનું કંઈક થાય તો સારું. એ અંગે આપણાં સમાજની રજૂઆતનું શું થયું છે?' પહેલી હરોળમાંથી મસ્તરામ મોરે હોદ્દેદારોને સવાલ કર્યો.
'મહારાજા સિંહે પ્રતિબંધ મૂકી દીધો છે. મહારાજા સિંહ આપણાં સૌનું ખાસ ધ્યાન રાખે છે.' સિંહસમર્થક કાગડાભાઈ કંકાસિયાએ જવાબ આપ્યો.
'પ્રતિબંધનું પાલન થતું નથી. મહારાજા સિંહના ખાસ ગણાતા ઉદ્યોગપતિ ગુલામદાસ ગધેડાની કંપની જ આવા દોરા બનાવે છે. પગલાં કેમ ભરાતાં નથી?' મસ્તરામ મોરે આક્રમક થઈને પૂછ્યું.
'પ્રતિબંધો ને કાયદા આપણાં સૌ માટે છે. જંગલના એક વર્ગને એ બધામાંથી મુક્તિ મળે છે. આપણે સૌએ આપણું ધ્યાન જાતે જ રાખવું પડશે!' હીરજી હંસે પ્રેક્ટિકલ જવાબ આપીને વાત પૂરી કરી.
'પતંગોમાં ફસાઈને પડી જતાં માળાઓ સમયસર બનાવી શકાતા નથી. મહારાજા સિંહની યોજના તો ચાલે છે, પરંતુ એનો લાભ બધા પક્ષીઓને મળતો નથી. એ સ્થિતિમાં કંઈક...' ચક્રધર ચકલાનો સવાલ પૂરો થાય તે પહેલાં જ કબૂતર કાનાફૂસિયાએ કહ્યુંઃ 'દોસ્ત, સરકારી યોજનાઓ માત્ર જાહેર થવા માટે હોય છે.'
સવાલ-જવાબ સેશન ચાલતું હતું ત્યાં જ સંમેલનમાં પતંગોના ધારદાર રંગ-બેરંગી દોરા આવીને પડયા. તેનાથી પંખીઓમાં ભાગદોડ મચી ગઈ. હોદ્દેદારો અને સભ્યો બધા જીવ બચાવીને ભાગ્યા.
વાત એમ હતી કે જંગલની સરકારે પક્ષીસંમેલનના સ્થળે જ વિદેશના જંગલોમાંથી આવેલા મહેમાનો માટે પતંગો કાપવાની વિશેષ સ્પર્ધા યોજી હતી. એમાં વિદેશી પ્લેયર્સ ધારદાર દોરીઓ લઈને આવી પહોંચ્યા હતા, જે પતંગોની સાથે સાથે પાંખો પણ કાપતા હતા. પક્ષીઓની ચીસાચીસ અને પતંગોત્સવની ચિચિયારીઓ વચ્ચે સ્પર્ધા સંપન્ન થઈ.