For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

1320 મથકોમાં આજે ઈવીએમ રવાના થશે

Updated: May 6th, 2024

1320 મથકોમાં આજે ઈવીએમ રવાના થશે

- લોકસભાની ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ: ગાંધીનગર જિલ્લાના

- સવારથી પાંચ સ્થળોએથી બીયુ-સીયુ અને વીવીપેટનું ડિસ્પેચીંગ  થશે : 330 કંટ્રોલ યુનિટ અને 462 વીવીપેટ રિઝર્વ રખાયા : દહેગામ અને દક્ષિણના વિસ્તારમાં બે-બે બેલેટ યુનિટ વપરાશે

ગાંધીનગર : છેલ્લા ઘણા સમયથી લોકસભાની ચૂંટણીની રાહ જોવાતી હતી તે ચૂંટણી હવે આવી ગઈ છે ત્યારે ગાંધીનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી પૂરી કરી દેવાઈ છે અને આવતીકાલે જિલ્લાના પાંચ અલગ અલગ સ્થળોએથી પાંચ વિધાનસભા ક્ષેત્રોમાં આવેલા ૧,૩૨૦ જેટલા મતદાન મથકોમાં સઘન સુરક્ષા વ્યવસ્થા સાથે ઈવીએમ પહોંચતા કરી દેવામાં આવશે. જિલ્લા તંત્ર દ્વારા ૧૩૨૦ કંટ્રોલ યુનિટની સાથે ૧૩૨૦ વીવીપેટ અને ૧,૯૧૯ બેલેટ યુનિટ રવાના કરવામાં આવશે. જ્યારે ૩૩૦ કંટ્રોલ યુનિટ , ૪૬૨ વીવીપેટ અને ૪૮૧ બેલેટ યુનિટ રિઝર્વ રાખવામાં આવશે. સાંજ સુધીમાં તમામ મતદાન મથકોમાં પોલીંગ પાર્ટી દ્વારા સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ઈવીએમ પહોંચતા કરી દેવામાં આવશે. 

છેલ્લા દોઢ મહિનાની ચૂંટણી પ્રક્રિયા બાદ હવે મતદાનના દિવસને ગણતરીના જ કલાકો બાકી રહયા છે ત્યારે લોકસભાની ચૂંટણી માટે ગાંધીનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન સલામતી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવનાર છે. 

મંગળવાર સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા હાથ ધરાવાની હોવાથી આવતીકાલે સવારે નવ કલાકે જિલ્લાના પાંચ મથકો સે-૧૫ કોમર્સ કોલેજ, સરકારી એન્જીનીયરીંગ કોલેજ સે-૨૮,સેન્ટ ઝેવીયર્સ હાઇસ્કુલ- કલોલ, એસડી.આર્ટ્સ એન્ડ બીઆર કોમર્સ કોલેજ-માણસા અને એમ.બી.પટેલ આટ્સ એન્ડ કોમર્સ કોલેજ-દહેગામમાંથી જિલ્લાના ૧,૩૨૦ જેટલા મતદાન મથકો ઉપર ઈવીએમ રવાના કરી દેવામાં આવશે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર મેહુલ કે.દવેએ જણાવ્યું હતું કે જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન કરાવવી અને લોકો વધુને વધુ મતદાન કરે તે માટે પ્રયાસ કરવામાં આવશે. આવતીકાલે ૧૩૨૦ જેટલા મતદાન મથકોમાં ૧૩૨૦ ઈવીએમ રવાના થશે જેમાં કંટ્રોલ યુનિટ, વીવીપેટ અને ૧,૯૧૯ બેલેટ યુનિટ પહોંચતા કરાશે. ચૂંટણી તંત્રએ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટ૩૩૦ કંટ્રોલ યુનિટ, ૪૬૨ વીવીપેટ અને ૪૮૧ બેલેટ યુનિટ રિઝર્વમાં રાખી દીધા છે. ઓફલાઈન અને ઓનલાઈન ફરિયાદોના મોનીટરીંગ માટે રાઉન્ડ ધી કલોક કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવશે. ઈવીએમ અને વીવીપેટ માટે અલગથી ક્ંટ્રોલરૂમ રાખવામાં આવ્યો છે.

એટલું જ નહી જિલ્લાના ૬૬૦ મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટીંગ કરવામાં આવશે અને તે માટે અલગથી કંટ્રોલરૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે. આવતીકાલ સાંજ સુધીમાં જિલ્લાના તમામ મતદાન મથકો ઉપર સઘન સુરક્ષા વ્યવસ્થા સાથે પોલીંગ પાર્ટી દ્વારા ઈવીએમ પહોંચતા કરી દેવામાં આવશે.

 જિલ્લામાં ચૂંટણીના દિવસે કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે હેતુથી પોલીસ દ્વારા પણ સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે અને કવીક રીસ્પોન્સ ટીમો પણ તૈયાર કરી દેવામાં આવી છે. 


Gujarat