For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જાહેરાતોનાં જિંગલોનો અસ્ત .

Updated: Apr 30th, 2024

જાહેરાતોનાં જિંગલોનો અસ્ત                              .

જિંગલ એટલે સંગીતની અલગ જ દુનિયા. એવી દુનિયા જ્યાં સંગીતના નાના ટુકડાઓ સીધા દિલોદિમાગમાં વસી જાય અને તે જિંગલ સાથે જોડાયેલી વસ્તુ પણ મગજમાં વસી જાય. 'હર એક ફ્રેન્ડ જરૂરી હોતા હૈ' - આટલું વાંચીને તો એ બ્રાન્ડ યાદ આવે કે ન આવે પણ એ જિંગલનું સંગીત મનમાં સંભળાય. બાળકો આખાં ને આખાં ગીત મુખડા-અંતરા સાથે યાદ રાખી શકતા નથી, પણ કોઈ પાપડની જાહેરાતમાં સસલું આવે અને બેકગ્રાઉન્ડમાં જિંગલ વાગે તો એ પાપડ પણ યાદ રહી જાય, એ જિંગલ પણ યાદ રહી જાય અને એ ક્યારેય ભુલાય પણ નહી. બાળકો ગાવાની શરૂઆત જિંગલથી કરતા હોય છે- આ બાળ મનોચિકિત્સકોનું નિરીક્ષણ છે. બાળકોના કંઠમાં ગાયન મૂકવાનો શ્રેય જિંગલને જાય છે. આ જ જિંગલ હવે લુપ્ત થઈ રહ્યાં છે.

જિંગલની મીઠી મધુરી દુનિયા કેટલાય સમયથી અસ્ત થઈ રહી હતી અને આપણું કદાચ તે પ્રત્યે ધ્યાન પણ નથી. રીલ, મોબાઈલ, થ્રીજી-ફોરજી-ફાઈવજી, શોર્ટ વીડિયો, ઓટીટી વગેરેના શંભુમેળામાં જિંગલો બનતા બંધ થઈ ગયાં અને તેની કોઈને કાનોકાન ખબર પણ ન પડી. હવેની જાહેરાતમાં ધૂમધડાકા વાળું બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય છે, માહિતીઓનો ખડકલો હોય છે કે અમુક ડેરીની જાહેરાતમાં આવે એવા ચબરાકીયા સ્ટેટમેન્ટ હોય છે. પણ મીઠું મધુરું જિંગલ નથી હોતું જે કાન અને દિમાગમાં જ નહિ પણ દિલમાં વસી જતું હતું.

જેમ કે, બુલંદ ભારત કી બુલંદ તસવીર... આ લાઈન વાંચીને શું યાદ આવે? માત્ર ચાર સેકન્ડનું આ જિંગલ. જેમાં દેશની વાત આવી જાય, પ્રોડક્ટ આવી જાય અને ભવિષ્યનું વિઝન પણ આવી જાય. એમાં વળી એને બાળકો યાદ પણ રાખે. ૧૯૮૯નું આ જિંગલ હજુ પણ બધાને યાદ છે. કેટલી બધી મેમરીઝ નજર સામે તરવરી ઉઠે. આ એ સમય હતો કે ભારતમાં આર્થિક મુક્તિનું રમ્ય પ્રભાત ઊગી રહ્યું હતું, રેડિયોનું રાજ ધીમે ધીમે ઢીલું પડી રહ્યું હતું અને લોકો ધીમે ધીમે ટેલિવિઝન સેટ તરફ ફરી રહ્યા હતા. ધાર્મિક સિરિયલોના બ્રોડકાસ્ટિંગ વખતે સડકો ઉપર સન્નાટો છવાઈ જતો અને એક એપિસોડમાં બે બ્રેક-એડવર્ટાઇઝમેન્ટ આવે ત્યારે આવતી જાહેરાતો પણ રસપૂર્વક જોવાતી. લોકો જાહેરાતો આવતી હોય ત્યારે વોલ્યુમ બંધ ન કરી દેતા કે ઊભા થઈને ચાલ્યા ન જતા. જાહેરાતો જોવાની પણ એક આદત હતી, કારણ કે એમાંથી આનંદ મળતો. એ જાહેરાતો ત્યારે જોવાતી પણ ખરી અને સંભળાતી પણ ખરી. જેમ કે, રેખા, જયા, હેમા ઔર સુષ્મા... એટલા શબ્દો વાંચતા જ મનમાં આખું જિંગલ વાગવા માંડયુંને? જિંગલની આ બ્યુટી હતી.

હવે ઇન્સ્ટાગ્રામનો જમાનો છે. ત્રીસ સેકન્ડની રીલ દેશમાં સૌથી વધુ જોવાય છે. એમાં વિઝયુઅલ્સ વધુ હાવી થઈ જાય છે. માટે દ્રશ્ય માધ્યમને સરભર કરવા મ્યુઝિક ટુંકુ પણ લાઉડ કરી નાખવામાં આવે છે. જનમાનસ ગ્લેમર જોવા ટેવાઈ ગયું છે. સેનેટરી વેર્સ હોય કે એરલાઇન્સની જાહેરાત - ગ્લેમર ભરપૂર બતાવવામાં આવે છે. હવે સિમેન્ટની જાહેરાતમાં સેક્સી સ્ત્રીનું શું કામ? આ બધાં તત્ત્વોને કારણે જિંગલ બનતાં જ બંધ થઈ ગયાં. જિંગલની જરૂર જ ન રહી. પણ હવે આઇપીએલ મેચની વચ્ચે વચ્ચે જે પણ કંઈ કોમર્શિયલ જાહેરખબરો આવે છે તે યાદ રહે છે? જો યાદ રહી ગઈ હશે તો એ એકપણ જાહેરાતનું મ્યુઝિક યાદ રહ્યું છે?

હવે મોટા ભાગે લોકો પોતાને ગમતો પ્રોગ્રામ પછી એ સિરિયલ હોય કે સ્પોર્ટ્સ મેચ - મોબાઈલમાં જુએ છે કે કોઈ પ્લેટફોર્મ ઉપર જોઈએ છીએ. એ પ્લેટફોર્મમાં જાહેરાતો રીમુવ કરવાના પૈસા ભરીને સબસ્ક્રિપશન લેતા હોય છે. લેપટોપ, ટેબેલટ, મોબાઈલ ફોન કે ટીવીમાં આવું જોવાતું હોય છે. માટે જાહેરાતો એમાં આવતી નથી. જાહેરાતો ગેમ રમતા કે ફેસબુકના વીડિયો વચ્ચે આવતી હોય છે. ત્યારે કન્ઝયુમર તેના મોબાઇલનું વોલ્યુમ ધીમું કરી નાખે છે કે મોબાઈલ સાઈડમાં મૂકી દે છે. પછી ફરીથી પોતાનો વિડિયો રીઝયુમ કરે છે.

હવે જાહેરાતો માટે બીજા રસ્તાઓ અપનાવવામાં આવે છે. કપિલના શોમાં જાહેરાતો થાય છે. ટાઈટલ સ્પોન્સર કે ઇવેન્ટ સ્પોન્સર બનાવીને બ્રાન્ડને પ્રમોટ કરવામાં આવે છે. ચાર રસ્તા ઉપર એલઇડી સ્ક્રીન ઉપર વીડિયો ફોર્મેટમાં જાહેરાત કરવામાં આવે છે. રચનાત્મક રીતે જાહેરાતોના બેનર બનાવવામાં આવે છે. ખાસ તો ઈન્સ્ટાગ્રામ ઉપર જે પ્રખ્યાત ઈન્ફ્લુએન્સર હોય છે એને પ્રોફેશનલી રોકવામાં આવે છે અને બ્રાંડીગ કરવામાં આવે છે. જાહેરાતો વધુ પડતી ફોકસ્ડ થઈ ગઈ છે. માટે પહેલાંની જાહેરાતોમાં જે સંગીતની મીઠાશ હતી એ મીઠાશની હવે ગેરહાજરી વર્તાય છે. જેણે એ જિંગલનો જમાનો જોયો છે એ પોતાના સમયની સ્મૃતિઓ વાગોળી શકે અને એમને એ ભૂતકાળ યાદ કરવાનો પૂરતો હક્ક છે.

Gujarat