For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સસ્તી ચીજવસ્તુઓના ઓનલાઈન માર્કેટમાં નવો ધમધમાટ

Updated: May 5th, 2024

સસ્તી ચીજવસ્તુઓના ઓનલાઈન માર્કેટમાં નવો ધમધમાટ

ભારતમાં અત્યારે રોજબરોજના ઉપયોગની, અનબ્રાન્ડેડ ચીજવસ્તુઓ ખરીદવા માટે બે ઓનલાઇન શોપિંગ એપ ખાસ્સી પોપ્યુલર છે. એક છે ‘મિશો’ અને બીજી છે તેની હરીફાઈમાં ફ્લિપકાર્ટ કંપનીએ લોન્ચ કરેલી ‘શોપ્સી’. આ બંને પ્લેટફોર્મ પર કપડાં, ઘડિયાળ, શૂઝ, જ્વેલરી તથા કિચનવેર વગેરે કેટેગરીમાં બ્રાન્ડેડ ઉપરાંત અનબ્રાન્ડેડ ચીજવસ્તુઓ મોટા પ્રમાણમાં વેચાતી હોય છે. આમાંની મોટા ભાગની વસ્તુઓની કિમત સરેરાશ રૂા. ૫૦૦થી ઓછી હોય છે અને કેટલીક ચીજવસ્તુઓની કિમત તો માંડ રૂા.૫૦ જેટલી હોય છે.

ભારતનાં મોટા ભાગનાં શહેરોમાં ફૂટપાથ પર જે ચીજવસ્તુઓ વર્ષોથી વેચાતી રહી છે એવી વસ્તુઓ હવે આવા પ્લેટફોર્મ પર મોટા પાયે વેચાવા લાગી છે. સામાન્ય રીતે આવી ઓછી કિમતની ચીજવસ્તુઓથી લોકો આ પ્લેટફોર્મ તરફ આકર્ષાય છે અને પછી તેના પરથી બ્રાન્ડેડ, મોંઘી ચીજવસ્તુઓની ખરીદી કરવા તરફ વળે છે. આ પ્લેટફોર્મ પર વેચાતાં કપડાં પણ રિટેલ શોપ્સમાં વેચાતાં કપડાં જેવી જ ગુણવત્તાનાં પરંતુ ઓછી કિમતનાં હોય છે.

હવે એમેઝોન કંપનીએ પણ આ કેટેગરીમાં મિશો અને શોપ્સીની હરીફાઈમાં ઝંપલાવ્યું છે. એમેઝોન પ્લેટફોર્મ પર મોટા પ્રમાણમાં અનબ્રાન્ડેડ ચીજવસ્તુઓ ઉપલબ્ધ છે, તેમ છતાં કંપનીએ તેને માટે ‘બાઝાર’ નામે એક નવું પ્લેટફોર્મ ડેવલપ કર્યું છે.  કંપનીએ તેની ભારત માટેના પ્લેટફોર્મ (amazon.in) પર જ એક અલગ સ્ટોર તરીકે એમેઝોન બાઝારની શરૂઆત કરી છે. આ પ્લેટફોર્મ પર રૂ. ૬૦૦થી ઓછી કિંમતની જાતભાતની ચીજવસ્તુઓ વેચાશે. ફ્લિકકાર્ટે તેની મ્ૂળ વેબસાઇટથી અલગ ‘શોપ્સી’ એપ લોન્ચ કરી, પણ એમેઝોનના કિસ્સામાં ‘બાઝાર’ મૂળ સાઇટનો જ ભાગ રહેશે. ટૂંક સમયમાં તેની એપમાં ‘બાઝાર’નો આઇકન દેખાવા લાગે તેવી શક્યતા છે. એમેઝોન કંપની તેના પર વેચાણ કરતા વેપારીઓ પાસેથી ઝીરો કમિશન ચાર્જ કરે તેવી શક્યતા છે.

Gujarat