For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કાલે લોકસભા ચૂંટણીમાં મતદાન સીએપીએફના જવાનો રહેશે તૈનાત

Updated: May 6th, 2024

કાલે લોકસભા ચૂંટણીમાં મતદાન સીએપીએફના જવાનો રહેશે તૈનાત

- જિલ્લાના 10 તાલુકાના 26 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2030 મતદાન મથકો પર સજ્જડ સુરક્ષા જાપ્તા વચ્ચે 

- 7 વિધાનસભા મત વિભાગના ડિસ્પેચિંગ અને રીસિવીંગ સેન્ટર પર તથા ઈવીએમ સ્ટ્રોંગરૂમમાં જમા થઈ જાય ત્યાં સુધી રહેશે ત્રિ-સ્તરીય સુરક્ષા કવચ 

ભાવનગર : ભાવનગર જિલ્લાના ૧૦ તાલુકાના ૨૬ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ૨૦૩૦ મતદાન મથકો પર સજ્જડ સુરક્ષા જાપ્તા વચ્ચે તા.૭મી મેને મંગળવારના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન થનાર છે ત્યારે ભાવનગર પોલીસે તેના ડિપ્લોયમેન્ટ પ્લાનને અંતિમ ઓપ આપી દીધો છે. જે મુજબ જિલ્લામાં પોલીસ જવાનો ઉપરાંત, બી.એસ.એફ.ની ત્રણ, આર.પી.એફ.ની ૨ અને આર.એ.એફ.ની ૧ સહિત કુલ સીએપીએફની કુલ ૬ કંપની તૈનાત રહેશે.  

ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદભાઈ પટેલે આજે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, તા. ૭ મેના રોજ લોકશાહીનું મહાપર્વ ઉજવાવા જઈ રહ્યું છે. ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય તથા મતદારો નિર્ભિક રીતે પોતાના લોકશાહી અધિકારનો ઉપયોગ કરી મતદાન કરી શકે તે માટે જિલ્લા પોલીસ તંત્રએ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. જે મુજબ જિલ્લાના ૧૦ તાલુકાના ૨૬ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ૧૧૯૨માં બિલ્ડીંગના ૨૦૩૦ જેટલા મતદાન મથક પર મતદાન થનાર છે.  

 જિલ્લામાં સીએપીએફની ૬ કંપનીના જવાનો તૈનાત કરવામાં આવેલ છે. છેલ્લા ચાર દિવસથી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ પ્રકારના ગામને ફૂટ પેટ્રોલિંગ, એરિયા ડોમિનેશનમાં કવર કરી લેવામાં આવેલ છે. મતદાનના દિવસે ૭ બિલ્ડીંગ દીઠ ૧ એવી ૧૭૦ પોલીસ સેક્ટર મોબાઈલ પેટ્રોલિંગમાં રહેશે. તમામ વિધાનસભા પર ડીવાયએસપી કક્ષાના અધિકારીનું સુપરવિઝન રહેશે. 

 જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન દીઠ એક ક્યુઆરટી તૈનાત રાખવામાં આવશે. પોલીસ સ્ટેશન વિસ્તારમાં મતદાનના દિવસે ચૂંટણીલક્ષી કે કાયદો-વ્યવસ્થાને અનુલક્ષીને કોઈપણ પ્રશ્ન, મુશ્કેલી કે કોલ આવે તો પોતાના જ્યુરિડિક્શન વિસ્તારમાં પોલીસ સ્ટેશન વિસ્તારની આ ક્યુઆરટી કાર્યરત રહેશે. 

 જિલ્લામાં કુલ ૭ જગ્યાએ ડિસ્પેચિંગ અને રીસિવિંગ સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. આ તમામ સેન્ટર પર આવતીકાલ તા. ૬થી ત્રિ-સ્તરીય બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. મતદાન પૂર્ણ થયા બાદ જ્યારે ઈવીએમ રીસિવિંગ સેન્ટર પર આવે ત્યાંથી સ્ટ્રોંગરૂમ લઈ જવા માટે પાયલોટ તથા એસ્કોર્ટસની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન પૂર્ણ થયા બાદ એકવાર ઈવીએમ સ્ટ્રોંગરૂમમાં જમા થઈ જાય ત્યારબાદ મત ગણતરીના દિવસ સુધી ત્રિ-સ્તરીય બંદોબસ્ત જે-તે સ્ટ્રોંગરૂમ પર રાખવાનું આયોજન કરાયેલ છે. જિલ્લામાં સંવેદનશીલ મતદાન મથકો પર બાજ નજર રહેશે, વેબકાસ્ટીંગ થશે અને સીએપીએફનું અર્ધુ સેક્શન ફરજ માટે ખડેપગે રહેશે. રાઉન્ડ-ધ-ક્લોક કાર્યરત પોલીસ કંટ્રોલ રૂમમાં મતદાનના દિવસે પીઆઈ કક્ષાના અધિકારી તૈનાત રહેશે. 

જિલ્લામાં 1156 હથિયાર જમા લેવાયા

જિલ્લામાં કૃષિ પાક રક્ષણ, સ્વરક્ષણ માટે ૧૨૫૨ જેટલા હથિયાર પરવાના મંજૂર થયેલ છે. જેમાં ૯૬ પરવાનેદારને મુક્તિ આપવામાં આવી છે. જ્યારે લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ૧૧૫૬ પરવાનેદારના હથિયાર જમા લેવામાં આવેલ છે. અસામાજિક પ્રવૃત્તિ સબબ ૪૩ શખ્સ વિરૂદ્ધ પાસાની દરખાસ્ત કરવામાં આવી. જેમાં ૧૦ શખ્સને પાસા તળે ડીટેઈન કરી અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવેલ છે. ૧૦૦ જેટલી હદપારી અંગેની દરખાસ્ત મૂકવામાં આવી છે. ગેરકાયદે હથિયાર અંગેના ત્રણ કેસ કરવામાં આવ્યા છે. ચૂંટણી જાહેર થયા બાદથી અત્યાર સુધીમાં કુલ ૫૩ નાસતા ફરતા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. ૧૨ કેસમાં ઈંગ્લીશ દારૂ ઝડપી લેવામાં આવ્યો છે. પ્રોહિબિશન એક્ટની કલમ ૯૩ અન્વયે ૧૧૪૫ શખ્સના જામીન લેવડાવવામાં આવ્યા છે જ્યારે આ જ કલમ હેઠળ ૨૦ શખ્સના જામીન રદ્દ કરાવવામાં આવ્યા છે. 

સોશિયલ મીડિયા પર દ્વેષ ફેલાવતી પોસ્ટ મૂકવા બદલ બે ગુના દાખલ

ભાવનગર જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે અલગ-અલગ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર કોઈપણ નાગરિક તરફથી ઉશ્કેરણીજનક, અપમાનજનક તેમજ વાંધાજનક ખોટા મેસેજ, મોર્ફ કરેલ ફોટોગ્રાફ વગેરે પોસ્ટ નહીં કરવા પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે. આમ છતાં એક ફેસબુક એકાઉન્ટ ધારકે ફેસબુક પર વાંધાજનક, ઉશ્કેરણીજનક કોમેન્ટ કરી જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવું કૃત્ય કરેલ હોય તેમજ ફેસબુકમાં બનાવેલ એક જ્ઞાતિના ગૃપ સંચાલકે અલગ-અલગ જ્ઞાતિઓ વચ્ચે દુશ્મનાવટની, ધિક્કારની અને દ્વેષની લાગણીને પ્રોત્સાહન આપે તેવી પોસ્ટ કરેલ કરેલ હોવાનું જણાઈ આવતા ભાવનગર, સોશિયલ મીડિયા મોનિટરીંગ સેલ દ્વારા કુલ ૨ ગુના ભાવનગર શહેર ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવવામાં આવેલ છે. 

Gujarat