For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શા માટે મા તારાએ વામાખેપાને ઢોર માર માર્યો?

Updated: May 4th, 2024

શા માટે મા તારાએ વામાખેપાને ઢોર માર માર્યો?

- સનાતન તંત્ર -પરખ ઓમ ભટ્ટ

- ભરપેટ ભોજન જમીને તૃપ્ત થયા બાદ વામાખેપા ઊભા થયા અને પોતાના અસલી મિજાજમાં આવ્યા. હાથમાં સોટી લઈને દ્વારને લાત મારીને તેઓ માની મૂર્તિ પાસે પહોંચી ગયાં

જો એક ચિત્રમાં દ્વિતીય મહાવિદ્યા મા તારાના સ્વરૂપને ધ્યાનથી જોશો, તો એમના હાથોમાં કાતર, કપાલ, કમળ અને ખડ્ગ જોવા મળશે. કર્મના બંધનોમાંથી મુક્ત કરી, ભવસાગર પાર કરાવનારી હોવાને કારણે તેમણે કાતર ધારણ કરી છે. સંસારના બંધનોને કાપવા માટે જે ખડ્ગનો તેઓ પ્રયોગ કરે છે એ એમણે પોતાના બીજા હાથમાં ધારણ કર્યુ છે. અહંકારમુક્ત મસ્તક - જે સ્વયં મા તારાએ પોતાના તૃતીય હાથમાં ધારણ કર્યુ છે એ - કપાલ સ્વરૂપે વિકારરહિત મનનું નિરૂપણ કરે છે. આવો સાધક કમળ સમાન કોમળ અને કાદવ વચ્ચે હોવા છતાં સંપૂર્ણ નિર્મળ રહીને જગતમાં પોતાની સુવાસ ફેલાવે છે. 

વામાખેપા આવા જ એક સાધક હતા, જેમણે પોતાની ભક્તિની સુવાસ વિશ્વભરમાં ફેલાવી હતી. શ્યામા સાધના થકી એમણે ભૈરવી સિદ્ધ કરી અને કઈ રીતે એમને મા તારાની અસીમ કૃપા પ્રાપ્ત થઈ, એ આપણે ગયા અઠવાડિયે જોયું. હવે ત્યાંથી આગળની એક એવી ઘટના અંગે વાત કરીશું, જેણે વામાખેપાને ધરમૂળથી બદલી નાખ્યા. 

એક દિવસ વામાખેપાને બરાબરની ભૂખ લાગી. એમણે માતાને પૂછયું કે ભોજનની વ્યવસ્થા કઈ રીતે થઈ શકે? મા તારાએ પ્રત્યુત્તરમાં એમને મંદિર (તારાપીઠ)માં ધરાવવામાં આવેલો પ્રસાદ (ભોગ) ગ્રહણ કરી લેવા કહ્યું. વામાખેપા તો ભૂખ ભાંગવા માટે તરત મંદિરમાં પહોંચી ગયા. મા તારાને ધરાવવામાં આવેલો ભોગ હજુ તો વિધિ-વિધાન સાથે એમને અર્પણ કરવામાં આવે, એ પહેલાં જ વામાખેપાએ જમણ સમાપ્ત કરી દીધું. આ દ્રશ્ય જોઈને મંદિરના પૂજારી અને શ્રદ્ધાળુઓ અત્યંત ક્રોધે ભરાયા. વામાખેપાને મારી-પીટીને તેઓ ગામની બહાર લઈ ગયા. ખૂબ અપમાનિત થયેલાં વામાખેપા તો પોતાના નિજાનંદમાં જ હતાં! એમને તો માન-અપમાનની કદી કોઈ અસર નહોતી થતી. ગામની બહાર સ્મશાનના વૃક્ષ નીચે બેસીને ઈજાગ્રસ્ત હાલતમાં તેઓ દિવસો સુધી પડી રહ્યાં. ગામની રાણીને એક રાતે સ્વપ્નમાં મા તારાએ દર્શન દીધાં. રાણીએ જોયું તો માતાના દેહ ઉપર ઠેકઠેકાણે ચીરાં પડેલાં હતાં અને એમાંથી લોહી ટપકી રહ્યું હતું. સ્પષ્ટપણે જણાતું હતું કે મા ઈજાગ્રસ્ત છે! રાણીએ જ્યારે એમને આ અવસ્થા પાછળનું કારણ જણાવવા વિનંતી કરી ત્યારે માતાએ કહ્યું કે મારા પુત્રનું અહીં અપમાન થયું છે. જો એને આદર-સત્કાર સાથે પરત નહીં લાવવામાં આવે, તો હું હંમેશા માટે આ ગામને છોડીને જતી રહીશ અને બધું નષ્ટ થઈ જશે. 

પરસેવામાં લથબથ રાણીની આંખો ઝાટકાભેર ઊઘડી ગઈ અને તેઓ ગામની બહાર ભાગ્યાં. ચાર દિવસથી ભૂખ્યા-તરસ્યાં વામાખેપા વૃક્ષ નીચે અર્ધજાગૃત અવસ્થામાં સૂતાં હતાં. વરસાદી ઋતુ હોવાને કારણે ચારેકોર પાણી-પાણી! રાણીએ ગામવાસીની સાથે મળીને વામાખેપાને આદરભેર ગામમાં અંદર પ્રવેશ કરાવ્યો અને ભરપેટ ભોજન કરાવ્યું. સાથોસાથ, જે પંડિત-પૂજારીએ એમનું અપમાન કર્યુ હતું, તેઓને મા તારાના મંદિરની સેવામાંથી ફરજમુક્ત કર્યા. વામાખેપાને જે વિધિ-વિધાન સાથે મા તારાની આરતી-પૂજા-અર્ચના કરવી હોય, એ રીતે કરવા દેવાની છૂટ આપી દેવામાં આવી. 

ભરપેટ ભોજન જમીને તૃપ્ત થયા બાદ વામાખેપા ઊભા થયા અને પોતાના અસલી મિજાજમાં આવ્યા. હાથમાં સોટી લઈને દ્વારને લાત મારીને તેઓ માની મૂર્તિ પાસે પહોંચી ગયાં.  

'મેં તો તમારી આજ્ઞાાનું જ પાલન કર્યુ હતું ને માતા?' વામાખેપાની ફરિયાદ શરૂ થઈ ગઈ, 'તમે જ તો મને મંદિરમાંથી ભોજન કરી લેવા જણાવ્યું હતું અને મેં તમારી સૂચનાનું પાલન કર્યુ. આમ છતાં, શા માટે મને અપમાનનો સામનો કરવો પડયો?'

આ બાજુ કપાટ આપોઆપ બંધ થઈ ગયા. રાબેતા મુજબ, ગર્ભગૃહમાંથી મારપીટના અવાજો સંભળાવા માંડયા. બધા ગભરાઈ ગયા. એવું લાગતું હતું હતું જાણે મા તારા અને વામાખેપા વચ્ચે ભીષણ મહાયુદ્ધ શરૂ થઈ ગયું હોય! થોડી વાર સુધી આમ ચાલ્યું. વચ્ચે વચ્ચે વામાખેપાની ચીસો અને બૂમબરાડાનો સ્પષ્ટ અવાજ લોકોને સંભળાઈ રહ્યો હતો. 

એકાએક બધું શાંત થઈ ગયું અને કપાટ ખૂલ્યાં. ઈજાગ્રસ્ત હાલતમાં વામાખેપા બહાર આવ્યા, પરંતુ આ એ વામાખેપા નહોતાં જેમને ગામવાસી ઓળખતાં હોય! એમની અવસ્થા જોઈને સ્પષ્ટ હતું કે મા તારાએ એમને બરાબરનો મેથીપાક આપ્યો છે! તેઓ સંપૂર્ણપણે બદલી ચૂક્યાં હતાં. જે ઉદ્ધંડ, ક્રોધી અને આક્રોશથી ભરેલાં વામાખેપા મંદિરમાં ગયા હતા એ કદી બહાર જ ન આવ્યાં.  

માએ એવા વામાખેપાને બહાર મોકલ્યા, જે શાંત, સૌમ્ય અને હસમુખા હતાં. માએ દિવ્ય અને મહાજ્ઞાાનના પ્રકાશથી ભરી દીધાં હતાં. આ ઘટના પછી એમના મુખમાંથી કદી ગાળ અથવા અપશબ્દ સાંભળવા ન મળ્યાં. એમણે કદી ઊંચા અવાજે કોઈની સાથે વાત ન કરી. જે વ્યક્તિ એમની પાસે પોતાનું દુ:ખ-દર્દ લઈને આવતાં, એમને તેઓ વચનમાત્રથી સ્વસ્થ કરીને પાછા મોકલતાં. તેઓ સ્વયં મા તારા બની ચૂક્યાં હતાં. જીવનકાળ દરમિયાન એમણે અનેક દુ:ખિયારાઓની પીડા દૂર કરીને એમને માનો પરચો બતાવ્યો હતો. આ કારણોસર, ૧૯મી સદીમાં થઈ ગયેલાં એ મહાન ઉપાસકને આજે પણ લોકો ભક્તિભાવપૂર્વક યાદ કરે છે.

Gujarat