For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

તરુણદીપ રાય : આધુનિક ભારતીય ધનુર્વિદ્યાનો એકલવ્ય

Updated: May 5th, 2024

તરુણદીપ રાય : આધુનિક ભારતીય ધનુર્વિદ્યાનો એકલવ્ય

- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- છેલ્લા બે દશકથી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં સફળતાના શિખરો સર કરી ચૂકેલા ૪૦ વર્ષીય તરુણદીપનો જુસ્સો હજુ તરુણોને શરમાવે તેવો છે

સ ખત મહેનત છતાં ધાર્યા પરિણામ ન મળેે, ત્યારે સ્પર્ધામાં ટકી રહેવાનો જુસ્સો અકબંધ રાખવો અત્યંત મુશ્કેલ હોય છે. પ્રત્યેક પળે પ્રતિભા સામે પ્રશ્નાર્થ સર્જાતો રહે છે. તૈયારીઓની સાથે સાથે કટિબદ્ધતામાં રહી જતી કચાશ અંગે તો ક્યારેય ભાગ્યમાં જશ-રેખાના અભાવ પર પણ દોષારોપણ થતું હોય, ત્યારે જાત પર ભરોસો ટકાવી રાખીને આગળ વધતા રહેવાનો સંઘર્ષ કેટલો કઠિન હોય છે, તેની કલ્પના તો માત્ર સામા પવને હોડી હંકારનારને જ હોય છે. જોકે તમામની આશંકાઓ અને મૂલ્યાંકનોને પાછળ છોડીને આગળ વધી જનાર ખેલાડીઓ જ એવો વિશિષ્ટ ઈતિહાસ આલેખે છે કે, જેની કલ્પના પણ કોઈએ કરી હોતી નથી.

છેલ્લા બે દશકથી આંતરરાષ્ટ્રીય તીરંદાજીમાં અવનવા શીખરો સર કરી ચૂકેલા ભારતના અનુભવી ધનુર્ધર તરુણદીપ રાયનો જુુસ્સો ૪૦ વર્ષની ઊંમરે પહોંચ્યા બાદ પણ અડીખમ છે. તરુણદીપની ઉંમરની અસર તેની ધનુર્વિદ્યા પર પડી નથી. ઉલ્ટાનું જેમ જેમ તેની ઊંમર વધવા માંડી છે, તેમ તેમ તેની એકાગ્રતા અને નિશાન તાકવાની સટિકતામાં નોંધપાત્ર વધારો થયો છે. સતત બે દશક સુધી દેશ-દુનિયાના ટોચના તીરંદાજોની વચ્ચે ટકી રહેવાની સિદ્ધિ પણ નાની-સૂની નથી. જોકે, તરુણદીપે ક્યારેય તેની અત્યાર સુધીની સિદ્ધિઓને વાગોળવા માટેનો સમય કાઢયો જ નથી અને એટલે જ તે ભારતીય જ નહીં, વૈશ્વિક ધનુર્વિદ્યામાં નવા સીમાચિહ્નો અંકિત કરી રહ્યો છે. 

પૃથ્વી પરના સર્વોચ્ચ રમતોત્સવ - ઓલિમ્પિકમાં ત્રણ વખત ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા તરુણદીપે ચીનના શાંઘાઈમાં યોજાયેલી તીરંદાજી વર્લ્ડ કપની સ્ટેજ વન સ્પર્ધામાં પુરુષોની રેક્યુર્વે ઈવેન્ટમાં ભારતને સુવર્ણ સફળતા અપાવવામાં પાયાની ભૂમિકા ભજવી હતી. તરુણદીપનો સાથ આપતાં ધીરજ બોમ્મદેવારા અને પ્રવીણ જાધવની ભારતીય ટીમે ફાઈનલમાં ઓલિમ્પિક ચેમ્પિયન દક્ષિણ કોરિયાના ધુરંધર ધનુર્ધરોને મહાત કરીને અનોખો ઈતિહાસ રચી દીધો હતો. ભારતે આ સાથે ૧૪ વર્ષના લાંબા વનવાસ બાદ તીરંદાજી વર્લ્ડ કપમાં પુરુષોની રેક્યુર્વે ટીમ સ્પર્ધામાં સુવર્ણ સફળતા મેળવી હતી. યોગનુંયોગ ભારતે છેલ્લે વર્ષ ૨૦૦૦માં સ્પર્ધામાં વર્લ્ડ કપનો સુવર્ણ જીત્યો ત્યારે પણ તરુણદીપ ભારતીય ટીમમાં સામેલ હતો. આમ, ૧૪ વર્ષના અંતરાલમાં વર્લ્ડ કપમાં બે સુવર્ણ જીતનારો તે વિશ્વનો સંભવત: સૌપ્રથમ તીરંદાજ બન્યો હતો. 

ભારતીય ધનુર્વિદ્યાને છેલ્લા બે દાયકાથી વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવી રહેલા તરુણદીપના નામે રાષ્ટ્રીય સ્તરે અવનવા રેકોર્ડ નોંધાયેલા છે. આંતરરાષ્ટ્રીય તીરંદાજીમાં મુખ્ય બેે પ્રકાર છે, જેમાં એક રેક્યુર્વે કેટેેગરી કહેવાય છે, જે પરંપરાગત તીરંદાજીની વધુુ નજીકનું છે.. જ્યારે બીજો પ્રકાર કમ્પાઉન્ડ તીરંદાજીનો હોય છે, જેમાં તીર-ધનુષ વધુ જટિલ અને આધુનિક તકનિકવાળું હોય છે, જેના કારણે  તીરંદાજીના વિશ્વમાં રેક્યુર્વે ઈવેન્ટને કમ્પાઉન્ડ કરતાં ચઢિયાતી મનાય છે. તરુણદીપે પરંપરાગત એટલે કે રેક્યુર્વે તીરંદાજીમાં આગળ વધવાનું નક્કી કર્યું. તેણે આગળ જતાં  એશિયન ગેમ્સની તીરંદાજીની રેક્યુર્વે સ્પર્ધામાં વ્યક્તિગત ચંદ્રક જીતનારો સૌપ્રથમ ભારતીય ખેલાડી  તરીકેનો કીર્તિમાન સ્થાપિત કર્યો. આ ઉપરાંત તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપ, એશિયન ચેમ્પિયનશિપ સહિતની જુદી-જુદી આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠિત તીરંદાજી સ્પર્ધાઓમાં ચંદ્રક જીતવામાં સફળતા મેળવી છે, જે ભારતીય તીરંદાજી અને રમત જગતના ઈતિહાસમાં આગવું સ્થાન ધરાવે છે. વધતી જતી વયની સાથે તરુણદીપની તીરંદાજીમાં આગવું તારુણ્ય ચઢતું જોવા મળી રહ્યું છે અને તેના જ કારણે હવે પેરિસ ઓલિમ્પિકમાં ચંદ્રક જીતવાની દાવેદારી નોંધાવનારા ભારતીય તીરંદાજોમાં તેને પણ સ્થાન મળશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

દેશના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં આવેલા સિક્કમ નામના નાનકડા રાજ્યમાં દરિયાઈ સપાટી કરતાં  અસાધારણ ઊંચાઈ પર આવેલા નામ્ચી ખાતે  વસવાટ કરતાં ડીબી રાય અને મીના રાયના પરિવારમાં ૨૨મી ફેબુ્રઆરી, ૧૯૮૪ના રોજ તરુણદીપ રાયનો જન્મ થયો હતો. સિક્કમમાં તેમના પરિવારની આગવી પ્રતિષ્ઠા હતી. તેનો પિતરાઈ ભાઈ એટલે ભારતીય ફૂટબોલ ટીમનો વર્તમાન કેપ્ટન સુનિલ છેત્રી. બાળપણથી જ તરુણદીપ તેના મોટાભાઈ યોગેનદીપ અને પિતરાઈ સુનિલની સાથે ફૂટબોલ રમતો. ઉત્તર-પૂર્વના મોટાભાગના બાળકોની જેમ તરુણદીપ પણ રાષ્ટ્રીય ફૂટબોલ ટીમમાં સ્થાન મેળવવાનું સ્વપ્ન જોતો. તેણેે ક્યારેય તીરંદાજીમાં પ્રવેશવાનું તો વિચાર્યું સુદ્ધાં નહતુ.

તરુણદીપ ૧૩ વર્ષનો હતો, ત્યારે શિલોંગના ગોરખા ટ્રેનિંગ સેન્ટરે પુરાનો નામ્ચી ખાતે ફૂટબોલ, બોક્સિંગ અને તીરંદાજીમાં યુવા પ્રતિભાઓની ખોજ માટેનો કેમ્પ રાખ્યો હતો. તરુણદીપની ઈચ્છા ફૂટબોલની તાલીમ માટે પસંદ થવાની હતી. જોકે, યોગ્ય માહિતીના અભાવે તે ત્યાં પહોંચ્યો, ત્યારે ફૂટબોલ માટે ખેલાડીઓની પસંદગી થઈ ચૂકી હતી. આ સાંભળીને તરુણદીપ ખુબ જ હતાશ થયો. જોકે, ત્યાં ઉપસ્થિત એક વ્યક્તિએ નાનકડા તરુણદીપને સલાહ આપી કે, તું પસંદગી મેળામાં આવ્યો જ છે, તો તીરંદાજી માટેની પસંદગી પ્રક્રિયા ચાલુ જ છે, તેમાં ભાગ લઈ જો. તરુણદીપે અગાઉ ત્યારે ધનુષ-બાણ પકડયા નહતા, પણ રમતવીરનો જીવ અને ફૂટબોલની તાલીમને કારણે તેણે ફિટનેસ પણ કેળવેલી એટલે તેણે તીરંદાજીની પસંદગીમાં ઝૂકાવ્યું અને તેના ખુુદના આશ્ચર્ય સાથે તેની પસંદગી થઈ ગઈ. આમ અચાનક જ તેની જિંદગીમાં પ્રવેશેલું ધનુષ-બાણ તેનું કાયમનું સાથી બની રહ્યું.

નામ્ચીથી શિલોંગ અને ત્યાંથી કિશોરાવસ્થામાં પ્રવેશેલા તરુણદીપને પૂણેની લશ્કરના રમત સંસ્થાનમાં વધુ તાલીમ માટે મોકલવામાં આવ્યો. દેશના ટોચના તીરંદાજી કોચિસના માર્ગદર્શનમાં તરુણદીપની પ્રતિભા ખીલી ઉઠી અને તેણે જુનિયર લેવલે રાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવી અને ૧૯ વર્ષની વયે મ્યાંમારમાં એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લીધો. આ પછી તીરંદાજીની વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેની ભારતીય ટીમમાં પણ તેને સ્થાન મળ્યું હતુ. જોકે શાનદાર દેખાવ છતાં તેઓ થોડા માટે ચંદ્રક ચુકી ગયા અને ચોથા ક્રમે રહ્યા. જોકે આ પછી તેણે ૨૦૦૪માં એથેન્સ ઓલિમ્પિકમાં ભાગ લીધો. આંતરરાષ્ટ્રીય સ્તરની સફળતા બાદ તેને ભારતીય સૈન્યમાં નોકરી પણ મળી ગઈ.

આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં સફળતા મેળવવાની સાથેે આગળ વધી રહેલા તરુણદીપને ૨૦૦૮ના બેઈજિંગ ઓલિમ્પિક અગાઉ જ ખભામાં ઈજા થઈ તેણે દર્દનાશક દવાઓને સહારે ટકી રહેવાનો પ્રયાસ કર્યો. જોકે તેને સફળતા ન મળી અને આખરે તેેને ઓલિમ્પિક ગુમાવવા પડયા. બે વર્ષ સુધી તીરંદાજીથી દૂર રહેવાના કારણેે તેનું પુનરાગમન લગભગ શક્ય લાગવા માંડયું હતુ. આમ છતાં ભારતીય સૈન્યના જવાને હિંમત ના હારી. તેણે પુનરાગમનના પ્રયાસો જારી રાખ્યા. એક સમયે જેની કારકિર્દી પૂરી થઈ ગઈ હોવાનું મનાતું હતુ, તેવા તરુણદીપે ૨૦૦૯ના અંતમાં ધમાકેદાર પુનરાગમન કર્યું. તેણેે ૨૦૧૦માં આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં સફળતા મેળવવાની સાથે ૨૦૧૦ની એશિયન ગેમ્સમાં ભારતની પુરુષ રેક્યુર્વે ટીમને સુવર્ણ અપાવ્યો, જ્યારે વ્યક્તિગત સ્પર્ધામાં રજત હાંસલ કર્યો. જે ભારતનો એશિયાડ તીરંદાજીનો સૌપ્રથમ વ્યક્તિગત ચંદ્રક હતો. આ પછી ચીનમાં યોજાયેલા વર્લ્ડ કપની ટીમ સ્પર્ધામાં સુવર્ણ અને ક્રોએશિયામાં યોજાયેલી ઈવેન્ટમાં રજત હાંસલ કર્યો. ત્યાર બાદ ૨૦૧૨ના લંડન ઓલિમ્પિકમાં તેણે નોંધપાત્ર દેખાવ કરતાં વ્યક્તિગત સ્પર્ધામાં ટોચના ૨૦ સ્પર્ધકોમાં અને ટીમ સ્પર્ધામાં ટોપ-૧૦માં સ્થાન મેળવીને નવો ઈતિહાસ આલેખી દીધો. 

લંડન ઓલિમ્પિક બાદ તેની સફળતાનો ગ્રાફ થોડો ઝાંખો પડવા લાગ્યો અને ૨૦૧૬ના રિયો ઓલિમ્પિકમાં તેને કે ભારતીય રેક્યુર્વે ટીમને પ્રવેશ મળી ના શક્યો. આ સાથે તેની પ્રતિભાની સામે ફરી પ્રશ્નાર્થ સર્જાયા અને તેની કારકિર્દીનો સૂરજ ડુબી ગયો છે, તેવું મનાવા લાગ્યું. જોકે, તેણે ધનુષ-બાણ હેઠાં મુકવાનો વિચાર સુદ્ધા ના કર્યો.

 વર્ષ ૨૦૧૯ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેેણે અતાનુ દાસ અને પ્રવિણ જાધવની સાથે મળીને રજત સફળતા મેળવી તેની સાથે ટોક્યો ઓલિમ્પિકની ટિકિટ પણ હાંસલ કરી. કોરોનાના કારણે ટોકિયો ઓલિમ્પિક એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવ્યા અને દેશભરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું. આ સમયે તરુણદીપ પૂણેના લશ્કરી રમત સંસ્થાનમાં હતો. તેને વતન પાછા ફરવાની તક ન મળી અને તેણે ત્યાં રહીને જ પ્રેક્ટિસ જારી રાખી. 

આખરે ટોકિયો ઓલિમ્પિકમાં તરુણદીપ, અતાનું અને પ્રવીણની બનેલી ભારતીય ટીમે ક્વાર્ટર ફાઈનલ સુધીની સફર ખેડી. જોકે, વ્યક્તિગત સ્પર્ધામાં તે ખાસ કમાલ દેખાડી શક્યો નહતો. આ પછી તેણે વર્લ્ડ કપમાં સુવર્ણ અને રજત ચંદ્રકો હાંસલ કર્યા હતા અને હવે પેરિસ ઓલિમ્પિક નજીક આવી પહોંચ્યા છે, ત્યારે તેણે ભારતીય ટીમની સાથે વર્લ્ડ કપમાં મેળવેલી સુવર્ણ સફળતા ઉજ્જવળ ભવિષ્યના સંકેત સમાન છે. તીરંદાજીમાં અગાઉ ક્યારેય ભારત ઓલિમ્પિકમાં ચંદ્રક જીત્યું નથી. જોકે, ભારતીય તીરંદાજી પરનું આ મહેણું તરુણદીપ રાય દુર કરી શકે તેમ છે.

Gujarat