For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મર્યાદા બની સિદ્ધિનું સ્પ્રિંગબોર્ડ .

Updated: May 4th, 2024

મર્યાદા બની સિદ્ધિનું સ્પ્રિંગબોર્ડ                            .

- આજકાલ-પ્રીતિ શાહ

- પક્ષી ઊડી શકે છે, પણ માનવી નહીં. એનો અર્થ એ છે કે આપણે સહુ કોઈને કોઈ રીતે અક્ષમ છીએ. કોઈ પણ પ્રકારની વિકલાંગતા ક્યારેય મર્યાદા બની શકે નહીં

૧૯ ૭૦માં પશ્ચિમ જર્મનીમાં જન્મેલી સાબ્રિયે ટેનબરકેનને રેટિનાઈટિસ પિગમેંટૉસાને કારણે માત્ર બાર વર્ષની ઉંમરે દ્રષ્ટિ ગુમાવવી પડી. આને પરિણામે એનું જીવન અને એની શૈક્ષણિક પરિસ્થિતિ બદલાઈ ગઈ. એના પ્રત્યેનો લોકોનો વ્યવહાર પણ બદલાઈ ગયો, ત્યારે એણે પોતાની જાતને પ્રશ્ન પૂછયો કે, 'પ્રજ્ઞાાચક્ષુ બનવામાં સારું શું છે ?' અને ધીમે ધીમે એનો દ્રષ્ટિકોણ બદલાયો. તેને એક વિશિષ્ટ પ્રકારની દિવ્યાંગો માટેની સ્કૂલમાં દાખલ કરવામાં આવી, જ્યાં તેને સ્કીઈંગ, ઘોડેસવારી, વિંડસર્ફિંગ અને કાયાકિંગ શીખવવામાં આવ્યું. તેણે બૉન યુનિવર્સિટીમાં તિબ્બતી વિજ્ઞાાનમાં અભ્યાસ કર્યો. ૧૯૯૨માં એણે તિબ્બતી બ્રૅઇલ લિપિ વિકસિત કરી. તિબ્બતી બ્રૅઇલ એ જર્મન બ્રૅઇલ પર આધારિત છે. તિબ્બતી વિદ્વાનોએ એની ચકાસણી કરી અને તેને માન્યતા મળી.

૧૯૯૭માં તેણે તિબેટની યાત્રા કરી અને ૧૯૯૮માં લ્હાસામાં નેત્રહીન લોકોને શિક્ષિત કરવા માટે 'સેન્ટર ફૉર ધ બ્લાઇન્ડ'ની સ્થાપના કરી. પાંચ બાળકો સાથે સ્કૂલની શરૂઆત કરી, જેને સાબ્રિયેએ જ અભ્યાસ કરાવ્યો. ૨૦૦૨માં તેનું નામ બદલીને બ્રૅઇલ વિધાઉટ બોર્ડર્સ રાખ્યું. સ્કૂલ ઉપરાંત શિગાત્સે પાસે એક ફાર્મ અને પનીર ફેક્ટરી શરૂ કરી. તે ઉપરાંત તેઓ વયસ્ક નેત્રહીનો માટે વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર પણ ચલાવે છે.

અભ્યાસ પૂરો કરીને આંતરરાષ્ટ્રીય માનતાવાદી નૅટવર્ક સાથે કામ કરવાનું તેનું સ્વપ્ન હતું, પરંતુ તેને પૂછવામાં આવ્યું કે તે પ્રજ્ઞાાચક્ષુ હોવાથી કેવી રીતે કામ કરશે, ત્યારે એણે પોતાનું કોઈ સંગઠન બનાવાનો વિચાર આવ્યો અને તેમાંથી ૨૦૦૯માં શરૂ થયું કંથારી. ૧૯૯૭માં તિબેટની યાત્રા દરમિયાન સાબ્રિયેને એના ડચ એન્જિનિયર સાથી પૉલ ક્રોનબર્ગ સાથે મુલાકાત થઈ હતી. એમણે સાથે મળીને કંથારીની સ્થાપના કરી. તેમણે જોયું કે ગ્રામીણ ભારતના લોકોમાં આકાંક્ષાઓ છે, પરંતુ સંગઠનનો અભાવ છે. તેઓ માને છે કે જેમની પાસે કંઈક કરવાનાં સ્વપ્નાં છે, તો તેને માટે ડિગ્રી એટલી મહત્ત્વની નથી. વિશ્વને વધુ સુંદર બનાવવા માટે કંઈક સિદ્ધ કરવાની હિંમત ધરાવતી વ્યક્તિને તાલીમ આપીને તેને આવશ્યક સંસાધનોથી સજ્જ કરી શકાય. આ વિચાર સાથે કેરળના તિરુવનંતપુરમમાં 'ઈન્ટરનેશનલ ઇન્સ્ટિટયૂટ ફૉર સોશિયલ આંત્રપ્રિન્યોરશિપ'ની શરૂઆત કરી, પરંતુ એક દિવસ બપોરે સાબ્રિયેના ભોજનમાં કંથારી મરચાએ એને પરેશાન કરી દીધી અને આંખોમાં પાણી આવી ગયા. એણે વિચાર્યું કે પોતાની ભ્રામક ઉપસ્થિતિ છતાં મરચાંમાં બહુ તાકાત હતી. આવું જ કંઈક એવા લોકો સાથે થાય છે, જેમણે સમાજમાં પરિવર્તન લાવવા માટે વિપરીત પરિસ્થિતિઓ પર વિજય મેળવ્યો છે. આ રીતે તેનું નામ કંથારી પડયું.

કેરળના તિરુવનંતપુરમમાં બેકવૉટર અને પર્યટનની સાથે સાબ્રિયે અને પૉલના નવા વિચારો પ્રત્યે સમાજ ઉત્સાહિત હતો. તેમણે કંથારીની સ્થાપના બાદ પંચાવન જેટલા દેશોના ૨૮૦ લોકોને તાલીમ આપી છે, જેમાં સાઠથી સિત્તેર ટકા પોતાની એન.જી.ઓ. ચલાવી રહ્યા છે. જેમણે આવી સમાજકલ્યાણ કરનારી સંસ્થાની સ્થાપના કરવી છે તેવા લોકો માટે અહીં એક વર્ષનો કોર્સ છે, જેમાંથી સાત મહિના તેમની સંસ્થામાં રહેવાનું હોય છે. આ સમય દરમિયાન તેઓ નેતૃત્વ પ્રભાવ, ફંડ એકત્ર કરવું, વક્તવ્ય આપવું અને અસરકારક રજૂઆત કરવી, સામાજિક વ્યવસાય કે સંગઠન કેવી રીતે ચલાવવું તે શીખે છે. દરેક બાબત સૈદ્ધાંતિક રીતે તેમજ રચનાત્મક રીતે શીખવવામાં આવે છે. તેમની પાસે ત્રેવીસ વર્ષથી માંડીને છાસઠ વર્ષ સુધીની વ્યક્તિઓ શીખવા આવે છે. અહીં સમગ્ર વિશ્વમાંથી શીખવા માટે જે લોકો આવે છે તેમને સ્કોલરશિપ આપવામાં આવે છે. જેમાં રહેવાનું, ભોજન, શિક્ષણસામગ્રી તેમજ યાત્રાનો ખર્ચ સમાવિષ્ટ છે. આ લોકોમાં પ્રોત્સાહનની ભાવના જગાડવામાં આવે છે. વર્કશોપમાં બજેટ બનાવું, વક્તૃત્વ શક્તિ, રજૂઆત કરવાની શક્તિ તથા વેબસાઇટ બનાવવાનું શીખવવામાં આવે છે. તેઓ આંત્રપ્રિન્યોરશિપ સ્કીલ ડેવલપમેન્ટનો ડિપ્લોમા કોર્સ કરાવે છે. સાબ્રિયે ટેનબરકેને અદ્વિતીય આંત્રપ્રિન્યોરશિપ મૉડલ આપ્યું છે. એ કહે છે કે ૧૯૯૭ની તિબેટની યાત્રાએ એને શીખવ્યું કે મર્યાદા કેવી રીતે સ્પ્રિંગબોર્ડ બની શકે છે કે જે તમને વધુ ઊંચાઈ સુધી લઈ જાય છે. તિબેટમાં પ્રજ્ઞાાચક્ષુ બાળકોએ પોતાની દિયાંગતા અંગે ક્યારેય ફરિયાદ નથી કરી, એને ગુણરૂપે જ જોઈ છે. તિબેટમાં સ્વિટ્ઝર્લૅન્ડ પ્રજ્ઞાાચક્ષુ ફિઝીયોથેરપિસ્ટ તાલીમ આપવા લ્હાસા આવેલા, ત્યારથી ઘણા પ્રજ્ઞાાચક્ષુઓ મેડિકલ મસાજ ક્લિનિક ચલાવે છે. સોશિયલ આંત્રપ્રિન્યોરશિપ વિશ્વને વધુ સારું બનાવવાનું એક સબળ સાધન છે તેવું માનનારા સાબ્રિયે અને પાલ બ્રેલ વિધાઉટ બોર્ડર્સ અને કંથારી દ્વારા માનવતાનું કામ કરી રહ્યા છે. તેઓ કહે છે કે પક્ષી ઊડી શકે છે, પણ માનવી નહીં. એનો અર્થ એ છે કે આપણે સહુ કોઈને કોઈ રીતે અક્ષમ છીએ. કોઈ પણ પ્રકારની વિકલાંગતા ક્યારેય મર્યાદા બની શકે નહીં.

દાદાએ દીધું મનગમતું મરૂઉદ્યાન

જમીન ખરીદીને તેનાં પર ફળો આપતાં વૃક્ષો વાવવાનું શરૂ કરી દીધું. એ જોઈને દાદાજીએ ઠપકો આપ્યો અને આ ક્ષેત્રમાં તો સ્વદેશી વૃક્ષ વાવવા જોઈએ એમ જણાવ્યું...

પિ તા-પુત્રીનો જેવો અદ્ભુત સંબંધ છે, એવો જ કમાલનો સંબંધ દાદા અને પૌત્ર-પૌત્રી વચ્ચેનો હોય છે. જેનું બાળપણ દાદા-દાદીની છત્રછાયામાં વીત્યું હોય તેનું ઘડતર પણ અનોખા પ્રકારે થતું હોય છે. દાદા-દાદીના જીવનનું અનુભવનું ભાથું અને અઢળક પ્રેમના આ સંતાનો ભાગીદાર બનતા હોય છે. આવા નસીબદારોમાં એક નામ છે લવ શેખાવત. નાનપણમાં જ દાદા સાથે તેનો જન્મદિવસ જયપુરના જંગલોમાં ઉજવવા માટે આવતો હતો. જંગલમાં ફળ ખાવાનાં અને પક્ષીઓનાં ગીતો વચ્ચે આખો દિવસ ક્યાં પસાર થઈ જતો તેની ખબર રહેતી નહીં. લવ શેખાવતના દાદા ડિવિઝનલ ફોરેસ્ટ ઑફિસર હતા. આવા વાતાવરણમાં ઉછરેલા લવને પ્રકૃતિ અને વન્યજીવન પ્રત્યે અત્યંત લગાવ છે. જંગલમાં રહેવું એને ખૂબ ગમતું હતું. તેણે ૨૦૧૦માં રાજસ્થાનના અલવરમાં સરિસ્કા ટાઇગર રિઝર્વની દક્ષિણે જમીન ખરીદીને એક પ્રાકૃતિક રીટ્રીટનું નિર્માણ કર્યું છે.

જયપુરમાં હોટલ વ્યવસાયથી લઈને પ્રાકૃતિક રીટ્રીટના નિર્માણની લવ શેખાવતની યાત્રા રસપ્રદ છે. પ્રકૃતિવાદી લવ હંમેશાં કંઈક પહેલ કરવાનું સ્વપ્ન જોતા હતા, જ્યાં પ્રકૃતિ પ્રત્યેના પ્રેમની સાથે સાથે પોતાની રસોઈકલાને જોડી શકે. વન્યજીવન કેવી રીતે કામ કરે છે તે એણે નાનપણથી જોયું હતું. તેના દાદાને તેણે કામ કરતા જોયા હતા કે તેઓ કેવી રીતે વાસ્તવિક ભૂમિ પર પગ રાખીને યોગ્ય નિર્ણય લેતા હતા. તે જ્યારે જગ્યા શોધી રહ્યા હતા, ત્યારે તેમણે જાણ્યું કે ૨૦૦૨માં નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીના સર્વેમાં જણાવાયું કે સરિસ્કા ટાઈગર રિઝર્વના આઠસો વર્ગ મીટર ક્ષેત્રમાં આશરે સોળ વાઘ હતા, પરંતુ ત્રણ વર્ષ પછી એકેય વાઘ ત્યાં નહોતા. એક સમયે સરિસ્કા ટાઈગર રિઝર્વ વાઘ પર્યટન માટે જાણીતું હતું અને પહાડો અને ઘાસનાં મેદાનોને કારણે પ્રાણીઓ માટે તે આદર્શ ઘર ગણાતું હતું. ગેરકાયદેસર શિકારને કારણે વાઘોની સંખ્યા રહી નહીં. રાજસ્થાન પોલીસ, વનવિભાગ અને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીના સંયુક્ત પ્રયાસોને કારણે સ્થાનિક શિકારીઓને પકડી શક્યા. તે પછી સરકારે દેશમાં વાઘ સંરક્ષણના પ્રયાસોને પુનર્જીવિત કરવા વ્યાપક અભિયાન ચલાવ્યું અને ૨૦૨૧ સુધીમાં સરિસ્કા ટાઈગર રિઝર્વમાં વાઘોની સંખ્યા એકવીસ થઈ ગઈ.

આ ક્ષેત્રમાં હોમસ્ટે શરૂ કરવાનો પ્રયાસ ભાગ્યે જ થયો હતો, કારણ કે એક તો આ વિસ્તાર દૂર હતો. રસ્તાઓ ઉબડખાબડ હતા અને વીજળીની સુવિધા નહોતી, પરંતુ આવી મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાં તે વિસ્તારની પ્રાકૃતિક સુંદરતા અને લવ શેખાવતની ક્ષમતાએ એને આગળ વધવામાં મદદ કરી. અહીં પાંચ વર્ષ કામ કર્યા બાદ ઑક્ટોબર ૨૦૧૫માં ઉત્સવ કેમ્પ મહેમાનો માટે ખુલ્લું મૂક્યું. અરવલ્લીના પહાડોની હારમાળાની પશ્ચાદ્ભુમાં પાંત્રીસ હજાર વર્ગ કિમી.માં ફેલાયેલી આ રીટ્રીટ પ્રકૃતિની ભાષા બોલે છે. બાવળ, ટેરાકોટા, વાંસ, કેન, સીસમ અને રેતીના પથ્થરો જેવી સ્થાનિક સામગ્રીનો ઉપયોગ કરીને તેની સુંદર સજાવટ કરી છે. વીસ રૂમમાંથી નવ પથ્થરની કેબિન છે, આઠ સ્વિસ ટેન્ટ છે અને ત્રણ વન બંગ્લોઝ છે. સ્વિસ ટેન્ટમાં તેનો વરંડો બહારની બાજુ ખૂલે છે, જે પ્રકૃતિદર્શન કરાવે છે. જ્યારે બંગલામાં આગળ કાચ હોવાથી જંગલનું દર્શન થાય છે. 

ઉત્સવ કેમ્પ નામ લવ શેખાવતના દાદીએ આપ્યું છે અને માર્ગદર્શન દાદાનું છે. આ કામની પાછળ અને તેની કલાત્મકતામાં દિમાગ લવનું ભલે હોય, પરંતુ તે ઉત્સવ કેમ્પનું શ્રેય નેવું વર્ષના દાદાને આપે છે. પ્રક્રિયાના માધ્યમથી એક નિરંતર માર્ગદર્શક શક્તિ તેના દાદામાં છે. લવ પોતાની ભૂલ વખતે દાદાએ કેવો ઠપકો આપ્યો હતો તેની વાત કરતા કહે છે કે તે વખતે જમીન ખરીદીને તેનાં પર ફળો આપતાં વૃક્ષો વાવવાનું શરૂ કરી દીધું. એ જોઈને દાદાજીએ ઠપકો આપ્યો અને આ ક્ષેત્રમાં તો સ્વદેશી વૃક્ષ વાવવા જોઈએ એમ જણાવ્યું. ત્યારબાદ લવ શેખાવતે પલાશ, લીમડો અને જાંબુનાં વૃક્ષો વાવ્યાં. તે ઉપરાંત ગ્રેવોટર પ્રણાલીનું નિર્માણ કરવામાં તેમણે માર્ગદર્શન આપ્યું. વેસ્ટ વૉટરને ફિલ્ટર કરીને બગીચામાં કેવી રીતે વાપરવું તે શીખવ્યું. ૧૯૪૫માં કોઇમ્બતૂરમાં ભારતીય વન સંસ્થાનમાંથી શિક્ષણ લેનાર અને રાજસ્થાન વન વિભાગમાં રહીને રણથંભોરની સ્થાપનામાં મદદ કરનાર દાદાની દરેક સલાહ પર લવ શેખાવત ગંભીરતાથી ધ્યાન આપે છે.

લવ શેખાવતે ઉભું કરેલું આ મરૂઉદ્યાન સોલર પેનલ દ્વારા સંચાલિત છે. અહીં આવેલા મહેમાનો સફારી અનુભવ, પક્ષીદર્શન અને બફર ટ્રેલ વાકનો આનંદ લઈ શકે છે. પ્રકૃતિદર્શન દરમિયાન જોવા મળતી અનેક પ્રજાતિઓ અંગે માહિતી આપે છે. દાદા અને પૌત્રના પ્રેમના પરિશ્રમના પ્રતીક સમું આ ઉત્સવ કેમ્પ અતીતની ઝલક છે અને સાથે સાથે ભવિષ્ય તરફ ઉઠાવેલું એક કદમ છે. તેઓ માને છે કે ટકાઉ વિકાસ એ કોઈ વિકલ્પ નથી, પરંતુ આપણી જીવન જીવવાની પદ્ધતિ છે.

Gujarat