For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આઝાદ ભારતની સર્વપ્રથમ ચૂંટણીનું પ્રભાત કેટલી રાત પછી ખીલ્યું, એની કદર કે ખબર છે?

Updated: May 5th, 2024

આઝાદ ભારતની સર્વપ્રથમ ચૂંટણીનું પ્રભાત કેટલી રાત પછી ખીલ્યું, એની કદર કે ખબર છે?

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- લોકશાહી છે તો વિરોધ કે મજાકનો પણ હક છે. સાંસ્કૃતિક ભારત રાજકીય રીતે નવો નકશો બનાવી લોકશાહી સંવિધાન નીચે એક થયું અને પ્રજાને નાગરિક બનવા મળ્યું એ એની સૌથી મોટી સિદ્ધિ છે.

માલુમ નહીં હૈ દુનિયા કો, 

હમ કૌન હૈ કયા કર સકતે હૈ

ચાહે તો હકૂમત ઝૂકા કર 

હર ચીજ ફિદા કર સકતે હૈ

ઇતને કરોડ ઇન્સાનો કો 

કયા સમજા હૈ નાદાનોને

ન મુફલિસ સમજો હમ કો, 

એકતા દી દૌલત રખતે હૈ।

ક્રૂ ર જનરલ ડાયરે ભારતમાં જલિયાવાલા બાગનો ઘૃણાસ્પદ હત્યાકાંડ કર્યો ત્યારે હિલાલ નામના કવિએ આ રચના લખેલી. દાયકાઓ બાદ એ સાચે જ સાકાર થઇ જયારે ભારતમાં પહેલી વખત લોકસભાની ચૂંટણી યોજાઈ. અન્ય દેશોની સરખામણીએ ભારતમાં ત્યારે લોકશાહી તો ઘોડિયે હીંચતા શિશુ જેવી હતી. વળી, સદીઓની ગુલામીને લીધે સમૃદ્ધિનું નૂર અને પ્રજાનું હીર મોટેભાગે ચૂસાઈ ગયેલુ હતું. પણ આપણા વડવાઓએ ત્યારે આપણા માટે સપના જોયેલા કે હવે નવી પેઢી સ્વતંત્ર ભારતમાં મુક્તિ અને મોકળાશના સ્વદેશી શ્વાસ લેશે. અને આઝાદ નયા હિન્દુસ્તાનમાં (ત્યારે નહેરુ 'નયા હિન્દુસ્તાન ઝિન્દાબાદ' એવો નારો લગાવતા હતા ) એક ઝાટકે અમીર ગરીબ સવર્ણ દલિત સ્ત્રી પુરુષ કાળા ગોરા તમામને કોઈ જાતના ભેદ વિના જ્ઞાાતિ કે ધર્મના વાડા વિના એકસમાન મતાધિકાર મળી ગયેલો. ડેમોક્રસીમાં આપણાથી સિનિયર એવા દેશોમાં પણ આવું ભાગ્યે જ થયેલું. 

આજે પણ સ્વાધીનતાના ૭૫ વર્ષ પછી ધર્મ, વર્ણ, જ્ઞાાતિના ભેદથી આપણો વર્તમાન ખદબદતો રહ્યો હોય તો ત્યારે કેટલું કપરું હશે આ મહાપરાક્રમ ? એમાં પણ હજુ શિક્ષણ પૂરું ફેલાયું નહોતું. એવા માધ્યમો કે રસ્તાઓ પણ નહોતા દેશને તરત જોડતા. વળી કોમવાદના નામે થયેલા ભારતના ભાગલાના જખમ તાજા હતા, જનતા સાથે કામ લેનારા ગાંધી, સુભાષ, સરદાર, ટાગોર જેવા અનેક દિગ્ગજો વિદાય લઇ ગયા હતા. પણ  ઋષિઓના વારસાને કારણે આજે પણ જે ટકેલી છે, એ માનવતા ભારતમાં હતી અને બહુમતી પ્રજા સહનશીલ, આસ્થાવાન અને સમજ વિના પણ ભરોસો રાખી ચીંધ્યું કામ કરનારી હતી. દરિદ્રતા આર્થિક હતી. માનસિક નહોતી. (આજે આ સમીકરણ એકદમ ઉલટું થઇ ચૂક્યું છે!)

અને લોકશાહીની ભારતના ભૂતકાળને ટેવ નહોતી. હજુ પણ હીરો વર્શિપમાં જીવતી જનતાને લોકશાહી ક્યાં સરખી સમજાઈ છે ? એમને એ ખ્યાલ પણ નથી કે એ જે મનફાવે એમ બોલી-લખી શકે છે, એ અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પણ ડેમોક્રેટિક ગિફ્ટ છે. આપણે ઇતિહાસના નામે અભિમાન બહુ લઈએ છીએ પણ તટસ્થભાવે સાચો અભ્યાસ કરતા નથી. એમાં તો ગમતું અને અણગમતું બંને બહાર આવે. અમૃતમંથનની પ્રાચીન કથા જ એ સમજાવે છે. અમૃત હોય ત્યાં વિષ પણ હોય. દીવો હોય ત્યાં મેશ પણ હોય. જીવન રંગીન છે, બ્લેક એન્ડ વ્હાઈટ નથી. બધું એકદમ ઉત્તમ ના હોય ને બધું સાવ ખરાબ પણ ના હોય. બધે કોઈને કોઈ વિરોધાભાસ સાથે જીવંત હોય. અયોધ્યાના જે મહેલમાં મૈથિલી હોય, ત્યાં મંથરા પણ હોય. કૃષ્ણ જે વંશમાં પેદા થાય ત્યાં કોઈ કંસ પણ હોય. 

મહાભારતના શાંતિપર્વમાં (૫૯/૧૪) ગંગાપુત્ર પિતામહ ભીષ્મ શાકવદ્વીપના મંક, મશક, માનસ, મદંગ જેવા જનપદના સંદર્ભે કહે છે કે આદર્શ વ્યવસ્થામાં રાજ્યસત્તા (વહીવટી અધિકાર) કે રાજા (શાસક)ના હોય પણ ધર્મ એટલે સત્ય સદાચારના ન્યાય, નીતિ, નિયમોથી લોકો જ એકમેકનું રક્ષણ કરીને જીવે. આ ભારતવર્ષનું સ્વપ્ન છેક ૧૯૫૧-૫૨ની પ્રથમ સંસદીય ચૂંટણી સાથે સાકાર થયું ! એ અગાઉનો આપણો ઇતિહાસ ભવ્ય હતો. દિવ્ય હતો. પણ એમાં લોકશાહીની ચૂંટણી નહોતી. મફતમાં મળે એની કદર હોતી નથી. એવી જ રીતે વ્યક્તિના રાજને બદલે કાયદાના રાજમાં જે પરિવર્તન થયું આખા દેશનું એ આપણને હજુ પૂરું સમજાતું નથી કે મહત્વપૂર્ણ લાગતું નથી.

આખો મામલો એક વ્યક્તિ આધારિત શાસન વ્યવસ્થા અને કાયદાનીતિ આધારિત શાસન વ્યવસ્થાનો છે. એક જન્મ આધારિત વિશેષ છે, અને બીજી કર્મ આધારિત વિશેષ છે. જ્યાં જન્મ આધારિત શાસન હોય ત્યાં ઘણું બધું ભાગ્ય ઉપર છોડી દેવું પડે. કોઈ જરાસંઘ કે રાવણ આવે તો કોઈ શ્યામ કે કોઈ રામ આવીને બધું બદલાવે એની રાહ જોવી પડે. ધનનંદ સામે ચાણક્યે એ જ રીતે ચંદ્રગુપ્તનું સત્તાપરિવર્તન કરેલું ને ! ગોંડલના મહારાજા ભગવદસિંહજી કે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિહજી કે વડોદરાના મહારાજા સયાજીરાવ જેવા પ્રજાવત્સલ અને દૂરંદેશી ધરાવતા માનવતાવાદી અને વિદ્વાન રાજવીઓ આવે તો લોકો સુખી થાય. પણ એવું ના થાય તો ? 

રોયલ ફેમિલી તરફ ભક્તિભાવ ધરાવતા બ્રિટનમાં પણ ઓલિવર ક્રોમવેલની આગેવાની નીચે વિપ્લવ થયેલો. સમ્રાટ ચાર્લ્સનો શિરચ્છેદ થયેલો જેમ ફ્રાન્સમાં રાજા રાણી લુઈ અને મેરી સામે ક્રાંતિ થયેલી અને રશિયામાં ઝાર સામે. વંશઆધારિત શાસનમાં ભાઈ દારાને મારી બાપ શાહજહાંને જેલમાં નાખતો ઔરંગઝેબ પણ આવે અને હિરણ્યકશ્યપુ સામે પડકાર ફેંકતો પુત્ર ભક્ત પ્રહલાદ પણ આવે. દુબઈના શેખ મક્તૂમ કે ઓમાનના સુલતાન કાબૂસ જેવા શાસકો લાંબુ રાજ કરે એમાં દેશનો જબરદસ્ત વિકાસ થાય. પણ પૂર્વ વડાપ્રધાન દાદા દેવગોવડા ભારતમાં ગાદી મુજબ જો શાસક થયા હોત, તો હજારો સ્ત્રીઓના શોષણના વિડીયો બાદ ઉમેદવાર હોવા છતાં પરદેશ ભાગી ગયેલા પ્રજ્વલ રેવન્ના જેવા પણ ગાદીવારસ થઇ જાય એ નેપોટીઝમની શક્યતા રહે ને !

ઈલેકશનનું મહત્વ એ છે કે એ જો ફ્રી એન્ડ ફેર હોય. કાયદાની અદાલતો ને સ્વાયત્ત ચૂંટણીવ્યવસ્થાથી સુરક્ષિત હોય તો એમાં પ્રજાને દર પાંચ વર્ષે પરિવર્તનની તક મળે છે. જેમાં એ પોતાની અહિંસક નારાજગી બતાવી શકે. અથવા રાજીપો ઠાલવી શકે. અને શાસકો પર પણ એક પ્રકારનો ચેસની રમતમાં હોય એવો 'ચેક' રહે છે. એટલે તો ચૂંટણી વખતે જાતભાતના પ્રચાર અને નિવેદનો ઢગલામોઢે આવે છે, મધરાતના ઉજાગરા કરાવતા કેમ્પેઈન ને બેઠકો ચાલે છે. આજીવન સત્તા મળતી ના હોઈને લોકલુભાવન જાહેરાતોથી પબ્લિકને રિઝવવી પડે છે ! 

ડુ યુ નો ? આપણા પડોશમાં રહેલા ટચુકડા પણ હેપિનેસ ઇન્ડેક્સમાં જગત આખાનું ધ્યાન ખેંચતા રાજ્ય ભૂતાનમાં વંશપરંપરાગત રાજાશાહીમાં એક્ધારા સારા શાસકો આવતા હોઈને જનતા સુખી હતી. પણ વર્તમાન રાજવી જિગ્મે ખેસાર નામગ્યાલ વાંગચૂકે ૨૦૦૮થી સામે ચાલીને પોતાનું મહત્વ ને સત્તા ઘટાડી ત્યાં ૨૦૦૮થી લોકશાહી ઢબે સંસદની સ્થાપના કરી ચૂંટણીઓ કરાવી. એમના દાદા ને પિતા પણ આ મતના હતા. પણ વર્તમાન રાજાએ સિંહાસને બેસી તત્કાળ એનો અમલ કરાવી ચૂંટણીઓ અલાયદી વ્યવસ્થા પોતાની દેખરેખ હેઠળ ગોઠવી કરાવી ને પછી પોતે ખસી ગયા ! લોકોને આવા ઉમદા રાજા ગુમાવવા ગમ્યા નહિ, પણ મનાવવા ગયેલી પ્રજાને મક્કમ રહીને ખુદ કિંગ વાંગચૂકે સમજાવ્યું કે 'લોકશાહી સ્વીકારી લો. એ તમારા હિતમાં છે. આજે તમને અમારા પર વિશ્વાસ છે ને અમારી જવાબદારી અમે સમજીએ છીએ. પણ આવતીકાલે કોઈ ખતરનાક ને નાલાયક કે જનતાનું શોષણ કરી એમના ભોગે અય્યાશી કરનાર કોઈ અમારા પરિવારમાં પેદા થશે ને આવશે તો તમારું નુકસાન થશે. તમે એને બદલી નહિ શકો કે એના જુલ્મસિતમમાંથી છૂટી નહિ શકો. એના કરતા આદરથી હું ખસીને તમારા પ્રજાના હાથમાં સત્તા સોંપી દઉં છું. પ્રેમ રાખજો અમારા પરિવાર તરફ. પણ સેવકો તમારા જાતે નક્કી કરતા આત્મનિર્ભર બનો !' વાહ. યુવા રાજાએ લગ્ન પણ દેશમાં ઈલેકશન થયા પછી ૨૦૧૧માં કર્યા. રાજવંશ તરીકે એમને સન્માન તો કાયદેસર મળે છે. પણ વહીવટીતંત્ર ચૂંટાયેલા વડાપ્રધાન સંભાળે છે.

આવા રાજાને પ્રજા કેમ કાયમ માટે યાદ ના કરે ? આજે પણ ભૂતાનમાં ઘેર ઘેર યુવા રાજારાણીના ફોટા જોવા મળે ! ભૂતાન નાનો દેશ ગણો તો ભારત પણ આઝાદ થઇ સંવિધાન આધારિત લોકશાહીમાં પાપા પગલી માંડતું હતું, એ વખતે મોટા ભાગના પ્રિન્સલી સ્ટેટ્સ નાના જ હતા એટલે તો સરદાર પટેલે જે એક નકશો કંડારવામાં સિંહફાળો એ વખતે દેશી રજવાડા ૫૬૦ (અમુક રીતે ગણતરી કરતા ૫૬૫ )  જેટલા હતા ! એમાં હિંદુ શાસકો પણ હતા ને મુસ્લિમ પણ હતા. આદિવાસીઓ પણ હતા. નેચરલી, ક્ષત્રિયો તો અગ્રગણ્ય હતા જ. પણ મરાઠાથી લઇ બ્રાહ્મણો અને અન્ય અનેક વંશો હતા. દક્ષિણ ભારતથી પૂર્વોત્તર ભારત સુધી. જેમ કે જેમની જીવનકથા 'પ્રિન્સ ઓફ ગુજરાત' નામે પ્રસિદ્ધ થઇ એ ગાંધીવાદી ગોપાળદાસ દેસાઈ ઢસાના રાજવી હતા અને પાજોદ ગામમાં બાબી નવાબ રુસ્વા મઝલૂમી હતા. બંગાળમાં રાજા રામમોહનરાય અને દક્ષિણમાં વિજયનગરના રાજા કૃષ્ણદેવરાય જેવા જાણીતા રાજાઓની જ્ઞાાતિ પ્રચલિતથી અલગ રહી એવા અનેક નામો છે. પણ માણસ જન્મથી નહિ કર્મથી ઓળખાય એ ખરંમ ગીતાજ્ઞાાન. સ્વેચ્છાએ ભારતમાં ભળનારા જે શરૂઆતના રજવાડા હતા એમાં આ ગુજરાતી નામો પણ છે. એ વખતે મહારાજા કૃષ્ણકુમારસિંહજી જેવા ઘણા રાજવીઓને નૂતન ભારતની લોકશાહીમાં ભરોસો હતો અને એને મજબૂત કરવા એ લોકો ચૂંટણીઓમાં પણ જોડાયા કે ગર્વનર જેવા માનદ હોદ્દા લઇ દેશઘડતમાં અમૂલ્ય યોગદાન આપતા પણ થયેલા. સરદારે આ સમજીને જ બધાને સાલિયાણા નામે ઓળખાતા પ્રિવી પર્સ એમના ભારતમા વિલયની મજૂરી આપતા જોડાણને સન્માનિત કરવા ઠરાવેલા. પણ એ પાછળથી તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ બંધારણમાં ૨૬માં સુધારો કરીને એકઝાટકે ૧૯૭૧માં રદ કરી દીધેલા!

તો ભારત ૧૯૪૭માં આઝાદ થયું અને એક કોન્સ્ટીટયુશન નીચે ઈલેકશન કરતું થયું, એ પહેલા સ્થિતિ કેવી હતી ને પછી અંગ્રેજોની હાજરી વિનાની ચૂંટણીઓ કેવી રીતે શરુ થઇ? 

૫૬૦ દેશી રાજ્યોનો આંકડો મોટો લાગે પણ એમાં ઘણાના કદ એકાદ ગામ જેટલા નાના હોય એવું પણ હતું. એ સમયે અખંડ ભારત (આજના પાકિસ્તાન બાંગ્લાદેશ સહિત)ની ૨૮% વસતિ અને ૪૮% વિસ્તાર દેશી રાજ્યો (પ્રિન્સલી સ્ટેટ્સ જેમાંના ઘણા આપણા કાઠિયાવાડમાં હતા)માં ગણાતા. બાકીની વસતિ ને વિસ્તાર તો બ્રિટીશ તાજના નામ નીચે ડાયરેક્ટ અંગ્રેજી રાજ હેઠળ જ હતા. ચતુર અંગ્રેજોએ ભણવામાં આવતી એવી વેલેસ્લીની સહાયકારી યોજના ટાઈપની સંધિથી લઇ હેસ્ટિંગ્સ કે હાર્ડીન્જ જેવાઓના યુધ્ધો સુધી બધું અજમાવી રાજ જમાવેલું. પહેલા તો એ ઇસ્ટ ઇન્ડિયા કંપની શાસન કરતી. પણ ૧૮૫૭ના આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં જુસ્સાભેર પોતપોતાના રાજ્યો ખાતર હિંદુ મુસ્લિમ ક્ષત્રિય મરાઠા બધા એકમતે લડયા એ બાદ સીધું ક્વીન વિક્ટોરિયાની આગેવાની નીચે બ્રિટીશ રાજ ભારતમાં દાખલ થઇ ગયું. 

આ બહુ રસપ્રદ પણ લાંબો ઈતિહાસ છે. અલબત્ત, વેલ ડોક્યુમેન્ટેડ છે, ગેઝેટિયરને મોટા દળદાર ગ્રંથો વાંચવાની ટેવ હોય એમના માટે. આપણે ટૂંકમાં સમજવા કોશિશ કરીએ. ભારતમાં જે કોઈ દેશી રાજ્યો હતા એ વખતે એમાંથી હિંદુ મુસ્લિમ બધા મળીને સાડા ત્રણસો તો એવા હતા કે જેમના નાના કદને લીધે 

એમને પોતાનું સ્વતંત્ર લશ્કર નહોતું. થોડાક સૈનિકો હોય એ મોટા યુધ્ધમાં ટકે નહીં. બાકીના જે મોટા વધ્યા એમાં માત્ર ૯૮ એવા હતા જેમને પોતાની સેના રાખવાની છૂટ હતી. બાકીના અંગ્રેજો જોડે કોઈને કોઈ કરારમાં હતા જેની સુરક્ષા અંગ્રેજો સીધી સંભાળતા. જેમને સેના રાખવાની છૂટ હતી એમાં પણ અંગ્રેજ આર્મી સામે યુદ્ધ લડી શકે એવી સેના રાખવાની મનાઈ હતી ! મનસબદારી પ્રથા તો મુઘલોના સમયથી આવી ગયેલી. ૧૮૯૬માં તમામ ૯૮ દેશી રાજ્યો કે જે સેના રાખી શકતા હતા એમની ટોટલ સ્ટ્રેન્થ હતી, ૫૫,૨૦૪ અશ્વદળ (કેવેલરી), ૧,૮૫,૭૨૯ પાયદળ (ઇન્ફન્ટ્રી) અને માત્ર ૪૫૦૭ બંદૂકો !

જી હા, આધુનિક હથિયારોનો જથ્થો અંગ્રેજ સેના પાસે. સંખ્યાબળ પણ એમનું જ તગડું એમના પગાર નીચે. એટલે સેના મોટે ભાગે શોભાયાત્રામાં કામ લાગે! સૌથી મોટી સેના હૈદ્રાબાદના નિઝામ પાસે પણ બંદૂકો ફક્ત ૩૫! જયારે અંગ્રેજો પાસે હોવીત્ઝર પ્રકારની તોપો ! અલવર (૨૫૭), ઉદયપુર (૪૬૪), જોધપુર (૧૨૧), ગ્વાલિયર (૪૮), જયપુર (૨૮૧), પતિયાલા (૧૦૯), બરોડા (૩૮), ઇન્દોર (૬૫)... આ કૌંસમાં બધા ૧૯મી સદીના અંતભાગે જે સ્ટેટ પાસે જેલકી બંદૂકો અંગ્રેજોના ચોપડે ચડેલી હતી એના આંકડા છે ! અગાઉ પીલ કમિશન અને પછી એડન કમિશન રાખી અંગ્રેજોએ સિફતથી પોતાનું સૈન્યબળ સ્ટ્રોંગ કરેલું. રાજ્યોને સીધા ભેળવાયા નહિ ત્યાં બ્રિટીશ રેસિડેન્ટની દેખરેખ નીચે મુકેલા. અંગ્રેજોની રજામંદી વિના બહારથી કોઈને નોકરી ના આપી શકાય. બંદર/ પોર્ટ હોય ત્યાં સીધો માલસામાનનો વેપાર ના કરી શકાય આવા તો અનેક આંટીઘૂંટીવાળા નિયમો હતા. 

પેરેલલી, અનેક રાજ્યોમાં ભાવિ શાસકોના શિક્ષકો કે સલાહકારો તરીકે બ્રિટીશ પ્રતિનિધિઓ મુકાતા. એટલે પાછળથી એમનો સંબંધ બ્રિટીશ ક્રાઉન માટે મૈત્રીપૂર્ણ રહે.  બોમ્બે સિવિલ સર્વિસના ફ્રેડરિક ઇલિયટ વડોદરા હતા, તો એના જ સ્ટુઅર્ટ ફ્રેઝર પાસે કોલ્હાપુર, ભાવનગર વગેરેની જવાબદારી હતી. કર્નલ મેલીસ્ન મૈસૂરમાં શિક્ષક તરીકે હતા. બ્ર્રાયન એગરટન અજમેરના પોલીસવડા હતા પણ બિકાનેરમાં ટયુટર હતા. ૧૮૭૦માં રાજકોટમાં રાજકુમાર કોલેજ અને ૧૮૭૨માં અજમેરમાં મેયો કોલેજ થઇ એવી દ્રોણાચાર્યની જેમ માત્ર રાજ્યના શાસકો ને એમના પરિવારજનો માટે શિક્ષણસંસ્થાઓ બની જેમાં મુખ્ય આચાર્ય  અને એડમિનિસ્ટ્રેશન બ્રિટીશરોના હાથમાં રહેતું. લોર્ડ કેનિંગની ભલામણથી મુઘલ સ્ટાઇલમાં ભારતમાં દરબાર યોજવામાં આવતો. જેમાં વિવિધ ખિતાબો ને ભેટસોગાદોથી રાજાઓ, નવાબો વગેરેને નવાજવામાં આવતા. એમાં સૌથી વધુ ૧૦૧ તોપોની સલામી બ્રિટીશ ક્વીન કે કિંગ માટે. અહીંના વાઇસરોય કે ગર્વનર જનરલ માટે ૩૧ ને ભારતના મોટા જે દેશી રાજ્યો હોય એમના માટે ૨૧ ને પછી ૯ એમ સલામી થતી. 

બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ગાંધીજીએ જે ઓજસ્વી ભાષણ આપ્યું, જેનાથી લાલબહાદૂર શાસ્ત્રી જેવા અનેક પ્રભાવિત થયેલા ને જેનો ગુજરાતી અનુવાદ અગાઉ કરેલો એમાં એમણે દ્રઢતાથી લોકશાહીની ક્રાંતિજ્યોતિ જગાવવાની વાત કરેલી. એટલે જ ભારત આઝાદ થયું ત્યારે અગાઉ અંગ્રેેજ શાસન વખતની થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓએ દેખાડેલું જેના પર જૂનાગઢની આરઝી હકૂમત કે હૈદરાબાદના વિલીનીકરણ જેવી ઘટનાઓએ મહોર મારેલી એમ મોટા ભાગની પ્રજા ગાંધીજીના પ્રચંડ જનસંપર્ક અને વૈચારિક આંદોલનને લીધે ભારતમાં લોકશાહીતરફી વલણ અપનાવી સત્ય અને અહિંસાના માર્ગે કાયદાના રાજનો સ્વીકાર કરવા આતુર હતી. 

પ્રથમ ચૂંટણીમાં એ જ વાસ્તવિકતા પર જનમત પણ લેવાયો એમાં ત્યારની ૪૮૯ બેઠકોમાંથી ૩૬૪ પર લોકશાહી, સ્વરાજ, બંધારણ, સમાનતા, વ્યક્તિને બદલે કાનૂન સર્વોપરી, કર્મની ગુણવત્તાનું મેરિટ અને ધાકધમકી કે હિંસાને બદલે અહિંસક ચર્ચાનો અભિગમ રજૂ કરતી ત્યારની મૂળ આઝાદીવાળી કોંગ્રેસ બળદગાડાના ચિહ્ન સાથે એ જીતી ગયેલી ને મુખ્ય ચેલેન્જ કરનારા વિપક્ષ તરીકે ડાબેરીઓ હારી ગયેલા. સાવરકરથી ડો. આંબેડકર કોઈ વિચારધારા એમાં પ્રભાવી બની નહોતી. અલબત્ત, બાબાસાહેબે બંધારણમા અંગત રસ લઈને સંસદીય લોકશાહીનો પાયો નાખેલો ને પછી નેહરુ કેબિનેટમાં મેરિટ પર એમને સમાવી લેવાયેલા. પણ મુસ્લીમોના અલગ મતદાર મંડળ જેમ હિંદુઓમાં જ્ઞાાતિ આધારિત અલગ મતદારમંડળ (એટલે એ બેઠક પર એમના મત જ પ્રભાવી) વાળો પ્રસ્તાવ હિંદુ ધર્મ એક રહે એ હેતુથી ગાંધીજીએ ઠુકરાવી દીધેલો. અંતે તો પ્રથમ ચૂંટણી વખતે એકસાથે બધા જ નાગરિકો સરખા મતાધિકારવાળા થઇ ગયા. દરેક ભારતીય જ ભારતના રાજા ને ભારતની પ્રજા એવા આદર્શ લોકશાહીના સપનાના વાવેતર શરુ થયા. 

લોકશાહીમાં સૌથી મોટી નબળાઈ એ છે કે એમાં એકહથ્થુ નિર્ણય સર્વોપરી નથી. તંત્ર ઢીલું કે ભ્રષ્ટ બને છે એને લીધે. રાજાશાહીમાં જ્યાં ખાનદાન અને હોશિયાર રાજવીઓ હતા ત્યાં કુશળ શાસન ફટાફટ ચાલતું. પણ લોકશાહીમાં કર્મ આધારિત કિસ્મત ફેરવવાની તક રહે છે. સંવિધાન અને ઈલેકશન છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરિવારવાદની પક્કડ સામે સામાન્ય બિનરાજકીય પરિવારમાંથી હનુમાનકૂદકો મારી લોકપ્રિય વડાપ્રધાન થઇ શક્યા ! લોકશાહી છે તો એમના પ્રભાવ છતાં વિરોધ કરીને ચૂંટણી લડનારા ને જીતનારા પણ છે. લોકશાહીને ચૂંટણીનો સબંધ રસપુરી જેવો છે. ગુજરાતમાં મતદાન આવે છે ને મહારાષ્ટ્રમાં એ પછી આવશે. બીજું કશું નહિ તો યાદ કરજો એ પહેલી ચૂંટણીને...

....જેમાં બ્રિટનમાં લોકશાહીના ૧૦૦ વર્ષે ને અમેરિકામાં ૧૪૪ વર્ષે સ્ત્રીઓને મતાધિકાર મળેલો એ આપણે ત્યાં તરત જ મળ્યો. ત્યારે બંગાળી સુકુમાર સેનના વડપણ નીચે ૨૫ જાન્યુઆરી, ૧૯૫૦થી ઈલેકશન કમિશને કામ શરુ કર્યું. ૮૨% પ્રજા અભણ હતી, ઘણાને મતદાનનો કોઈ અનુભવ નહોતો. સ્ત્રીઓ ઓળખમાં નામને બદલે ફલાણાની પત્ની એમ કહેતી. પણ છતાં એ સંજોગો જોતા વધુ મતદાન ૨૫ ઓક્ટોબર ૧૯૫૧થી શરુ થઈને ૨૧ ફેબુ્રઆરી ૧૯૫૨ સુધી ચાલેલી એ ચૂંટણીમાં ૬૮ તબક્કામાં થયું. હિમાચલ પ્રદેશના ચિની અને પાંગીથી શરુ થયેલું મતદાન ૪૫.૭% જેટલું કુલ થયું સૌથી વધુ કોટ્ટાયમમાં ૮૦% અને સૌથી ઓછું મધ્યપ્રદેશના શારડોલમાં ૧૮% થયેલું. ત્યારે મુખ્ય પક્ષ અને ઉમેદવારોના નામ અને ચિહ્ન સાથે અલગ અલગ રંગોની મતપેટી બનતી. જેણે જેને મત આપવાનો હોય એના બોક્સમાં નાખવાનો. ૧,૯૬,૦૮૪ પોલિંગ બૂથ હતા ત્યારે જેમાં ૨૭.૫૨૭ માત્ર સ્ત્રીઓ માટે હતા. ૮૨૦૦ ટન સ્ટીલની ટોટલ મતપેટીઓ બની હતી. રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પણ સાથે જ હતી. અમુક બેઠકોમાં ક્વોટા હતા.બીજી એપ્રિલ પર રિઝલ્ટ આવ્યું ત્યારે ૩૭ તો અપક્ષ એ વખતે લોકસભામાં ચૂંટાયા હતા !

બહુ મહેનત અને મનોબળથી, બલિદાન અને બુદ્ધિથી, ત્યાગ અને તપસ્યાથી, ભણતર અને ઘડતરથી ભારતમાં આઝાદી સાથે જ નાગરિક હક આવ્યા અને કાનૂનથી ખોટું થતું હોય એ પડકારવાની હિંમત આવી. આ વારસો બેશકીમતી ખજાના જેવો છે, જેમાં આપણે બધા ફાયદા ભોગવવા માટે બસ થોડી મિનિટો આપીને ફરજ સમજીને માત્ર મતદાન કરવાનું છે. સંકુચિત ભૂતકાળવાદી ઈગો મૂકીને સમજપૂર્વક દેશના ભવિષ્ય માટે ભરોસો નક્કી કરવાનો છે. ગુજરાતે ભારતને લોકશાહી અપાવી અને ચૂંટણી શરુ કરાવી. આજે પણ ગુજરાતીના હાથમાં ભારતની આવતીકાલ છે. ગુજરાતે તો મતદાનમાં પાછી પાની ના કરાય. કમ ઓન, વોટેગા ઇન્ડિયા તો હી ખાટેગા ઇન્ડિયા !

ફાસ્ટ ફોરવર્ડ 

'કોઈ પણ બાબતનું ખરું મૂલ્ય એ નથી કે બજારમાં એની કિંમત કેટલી છે, પણ એ છે કે એના માટે કેટલો ભોગ અપાયો છે ને એનું કેટલું યોગદાન છે !' (જ્યોર્જ વેસ્ટીંગહાઉસ )

Gujarat