For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મરીન હીટવેવ : દરિયાઈ દુનિયાને દઝાડતો દૈત્ય

Updated: May 5th, 2024

મરીન હીટવેવ : દરિયાઈ દુનિયાને દઝાડતો દૈત્ય

- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- દરિયાની સપાટીનું તાપમાન એટલું વધવા માંડયું છે કે સમુદ્રી જીવો ઉપરાંત કાંઠા વિસ્તારોમાં રહેતા લોકો પર પણ તેની ગંભીર અસરો થવા લાગી છે

હીટવેવ.

આ શબ્દ છેલ્લાં એક-દોઢ દશકાથી બહુ જ પ્રચલિત બની ચૂક્યો છે. ઉનાળામાં આકરો સૂર્યતાપ આપણી ચામડી સાથે અથડાય છે તેમ આખાય ઉનાળામાં વારંવાર હીટવેવ શબ્દ પણ આપણી સાથે અથડાતો રહે છે. હવામાન વિભાગ દેશના અલગ અલગ રાજ્યોમાં હીટવેવની ચેતવણી આપે છે એટલે આ શબ્દ ક્લાઈમેટ ચેન્જના જમાનામાં બિલકુલ અજાણ્યો રહ્યો નથી. ઈનફેક્ટ, હવે તો હીટવેવ શબ્દ જૂનો થઈ ગયો છે. ભારત જેવા દરિયાકાંઠાના દેશો માટે ખૂબ જ ચિંતાજનક એવો એક નવો શબ્દ કોઈન થઈ રહ્યો છે - મરીન હીટવેવ.

જી હા! હીટવેવ ભૂલી જાઓ. હવે મરીન હીટવેવ માટે તૈયાર થવાનો સમય આવી ચૂક્યો છે. વિશાળ દરિયાકાંઠો ધરાવતા ભારત માટે મરીન હીટવેવ મોટો ચિંતાનો વિષય બનશે. અત્યારે કદાચ એને લઈને એટલી ગંભીરતા નથી, પરંતુ ગુજરાત જેવા લાંબો દરિયાકાંઠો ધરાવતા રાજ્ય માટે આગામી દિવસોમાં મરીન હીટવેવ મોટું ફેક્ટર બનશે. જેમ આજે અમદાવાદ, અમરેલી, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ડિસા, ઈડર, રાજકોટ જેવા શહેરો ઊંચું તાપમાનના સાક્ષી બને છે તેમ એ દિવસો દૂર નથી કે ગુજરાતના દરિયાકાંઠે રહેતા લોકો મરીન હીટવેવથી ત્રાહિમામ પોકારી ગયા હશે.

;;;

ગ્લોબલ ક્લાઈમેટ સિસ્ટમ, દરિયાઈ જીવસૃષ્ટિ, બાયોડાઈવર્સિટી, માઉન્ટેઈન ઈકોસિસ્ટમ, હ્મુમન હેલ્થ પર મહાસાગરના તાપમાનની સીધી અસર થાય છે. દરિયાના પાણીને સાયન્ટિસ્ટ્સ ત્રણ હિસ્સામાં વહેંચે છે: અપર લેયર યાને સપાટી, મિડલ લેયર યાને સમુદ્રનો મધ્યભાગ અને ડીપ લેયર યાને ૬૬૦ ફૂટના ઊંડાણ પછીનો ભાગ. આ ત્રણેય ભાગ મળીને સરેરાશ દરિયાઈ તાપમાન બનાવે છે. દરિયાનું ઉપરનું પડ કાયમ ગરમ-ઠંડું થતું રહે છે. ઋુતુ પ્રમાણે એમાં તફાવત આવતો રહે છે. ઉનાળામાં દરિયાની સપાટી ગરમ થાય છે, તો શિયાળામાં ઠંડી થાય છે. બાહ્ય સપાટી ઝડપભેર ઠંડી-ગરમ થાય છે અને તાપમાનમાં વધ-ઘટ થાય કે થોડી કલાકોમાં જ એમાંય વધઘટ થવા માંડે છે. ઉનાળામાં ભરબપોરે દરિયાની સપાટીનું પાણી ઉકળી ઉઠે છે, પરંતુ સાંજ થતાં નોર્મલ થવા માંડે છે અને રાતે લગભગ ઠંડું પડી જાય છે. સપાટીના પાણીની અસર મિડલ લેયરમાં પડે છે અને એ પણ થોડું-ઘણું ઠંડું-ગરમ થાય છે, પણ એની તીવ્રતા એટલી હોતી નથી કે ડીપ વોટર યાને ૬૬૦ ફૂટથી વધારે ઊંડાણમાં એની અસર થાય. ત્યાં પાણી કાયમ ઠંડુ રહે છે. સદીઓથી આ ક્રમ ચાલે છે.

...પણ ક્લાઈમેટ ચેન્જ પછી સ્થિતિ ચિંતાજનક રીતે બદલાઈ ગઈ. તાપમાન સતત વધતું ગયું. એની સીધી અસર મહાસાગરોની સપાટીના તાપમાન પર પડી. પાણી વર્ષ દર વર્ષ ગરમ થયું એટલું ઠંડું પડયું નહીં. પરિણામે સપાટીના ગરમ પાણીએ મહાસાગરના મધ્યભાગના પાણીને ગરમ કર્યું. તેનાથી દરિયાઈ પ્રવાહોમાં અણધાર્યા પરિવર્તનો આવ્યા. દરિયાઈ જીવસૃષ્ટિ પર ઘાતક અસરો થવા માંડી. કેટલાય સજીવો વધતા દરિયાઈ તાપમાનમાં અનુકૂલન સાધી ન શક્યા એમાં નાશ પામ્યાં.

આ ગરમાવો એટલો વધ્યો કે પછી એક તબક્કે સમુદ્રના પાણીપ્રવાહોની ઠંડા પડવાની પ્રક્રિયા ધીમી પડી ગઈ. એટલું જ નહીં, એના કારણે સમુદ્રની સપાટી પરથી પસાર થતી હવા ગરમ બનવા લાગી. એ ગરમ હવા મેદાની પ્રદેશમાં પ્રવેશીને એનેય ગરમ કરવા લાગી. ને તેના પરિણામે જે વેધર કન્ડિશન બની એ મરીન હીટવેવના નામથી ઓળખાઈ.

;;;

મરીન હીટવેવ માટે ક્લાઈમેટ ચેન્જ તો જવાબદાર છે જ, પરંતુ એ સિવાય અલ-નીનો પણ કારણભૂત છે. અકળ રીતે એ ગરમીની પેટર્નને પ્રભાવિત કરે છે. અલ-નીનોનો પ્રભાવ આઠ-દસ મહિનાથી એક વર્ષ સુધી રહેતો હોય છે. અલ-નીનોના કારણે કોઈવાર મરીન હીટવેવ સર્જાય છે, પરંતુ અત્યારે દુનિયાભરના મહાસાગરોમાં હીટવેવની કન્ડિશન છે તેમાં અલ-નીનોની ભૂમિકા ઘણી ઓછી છે. મોટાભાગના સાયન્ટિસ્ટ્સ તેની પાછળ ક્લાઈમેટ ચેન્જને જવાબદાર ગણાવે છે.

મરીન હીટવેવ માટે વૈશ્વિક હવામાન એજન્સીઓએ માપદંડો નક્કી કર્યા છે. વર્ષ દરમિયાન રેન્ડમ દરિયાઈ સપાટીનું તાપમાન જેટલું રહેતું હોય એનાથી ૯૦ ટકા ઉછાળો નોંધાય અને એટલું ઊંચું તાપમાન સતત પાંચ દિવસ રહે તો એને મરીન હીટવેવ કન્ડિશન કહેવાય છે. અત્યારે બધા જ મહાસાગરોમાં મળીને મરીન હીટવેવના ૯૦ દિવસ નોંધાય છે. પાંચ વર્ષ પહેલાં મરીન હીટવેવના દિવસો માંડ ૩૦ દર્જ થતાં હતાં. અડધા દશકાથી ઓછા સમયમાં મરીન હીટવેવના દિવસો ત્રણ ગણા થઈ ચૂક્યા છે. ૨૦૨૨માં ભૂમધ્ય સાગરમાં ૧૨ દિવસ લાંબાં મરીન હીટવેવનો અનુભવ થયો હતો. તેનાથી દરિયાઈ જીવસૃષ્ટિને તો અસર થઈ જ હતી, પરંતુ સમુદ્રકાંઠાના શહેરોમાં કાળઝાળ ગરમીથી લાખો લોકો ત્રસ્ત થયા હતા.

મહાસાગરોની સપાટીનું સરેરાશ તાપમાન ૧૭ ડિગ્રી છે. સપાટી, મધ્યભાગ અને પેટાળની ગણતરી કરીને સંશોધકોએ અંદાજ લગાવ્યો છે કે એવરેજ ૩.૫ ડિગ્રી તાપમાન રહે છે. અંદાજ એવો છે કે એક સૈકામાં આ તાપમાન સરાસરી અડધો ડિગ્રી વધી ચૂક્યુ છે. ક્લાઈમેટ ચેન્જના કારણે તાપમાન સતત વધી રહ્યું છે. જો આગામી એક દશકામાં સરેરાશ દરિયાઈ તાપમાન અડધો ડિગ્રી સુધી ઓછું નહીં થાય તો ૨૦૫૦ સુધીમાં મરીન હીટવેવના ૨૦૦ દિવસ નોંધાતા હશે એવી આશંકા યુએન ઓશન કોન્ફરન્સમાં ગયા વર્ષના અંતે જ વ્યક્ત થઈ હતી.

;;;

ભારતનો દરિયાકાંઠો અંદાજે ૭૫૦૦ કિલોમીટર લાંબો છે. નવ રાજ્યોમાં ૩૩ કરોડથી વધુ લોકો દરિયાકાંઠે રહે છે. દરિયાકાંઠાના રાજ્યોની કુલ વસતિ તો ૪૫ કરોડથી વધુ છે એટલે દરિયામાં થતાં ફેરફારો આ બધા જ લોકોને જ અસર કરે છે. હિન્દ મહાસાગરની સપાટીનું સરેરાશ તાપમાન ૨૨થી ૨૩ ડિગ્રી રહે છે. મહાસાગરની સપાટીના સરેરાશ તાપમાની રેન્જ માઈનસ બે ડિગ્રીથી ૩૬ ડિગ્રી સુધીની હોય છે. એટલે ૩૬ ડિગ્રી સુધી તાપમાનનો પારો જાય તો સહન થઈ શકે છે.

પણ જો દરિયાઈ સપાટીનું તાપમાન સતત પાંચ-સાત દિવસ સુધી ૩૦થી ૩૫ ડિગ્રી રહે તો કોસ્ટલ વિસ્તારના લોકોને અસહ્ય બફારો, આકરો તાપ સહન કરવો પડે છે. અત્યારે બંગાળની ખાડીમાં મરીન હીટવેવ જેવી કન્ડિશન બની છે. બંગાળની ખાડીની સપાટીનું તાપમાન ૩૧-૩૨ ડિગ્રીએ પહોંચી ગયું છે. ભારતમાં તો હજુ મરીન હીટવેવ અંગે ખાસ અવેરનેસ નથી, પરંતુ ગ્લોબલ વેધર એજન્સીઓએ ભારતમાં કાયમી મરીન હીટવેવની સ્થિતિની ચેતવણી આપી છે.

દેશમાં આમેય ઉનાળો વર્ષ દર વર્ષ આકરો બનતો જાય છે અને હીટવેવના દિવસો વધવા જાય છે. એમાં જો મરીન હીટવેવની કન્ડિશનનો સામનો કરવાનો થાય તો દેશ સામે હીટવેવ-મરીન હીટવેવનો બેવડો પડકાર સર્જાશે. કમનસીબે દેશ પાસે આવી સીરિયસ કન્ડિશન સામે લડવા માટે કોઈ જ રોડમેપ નથી.

ભારતમાં બે વર્ષમાં હીટવેવના 329 દિવસ 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સાથે સંકળાયેલા નિષ્ણાતોએ ૧૯૯૫માં એક રિસર્ચ પેપરમાં પહેલી વખત હીટવેવ શબ્દનો ઉપયોગ કર્યો હતો. એ પછીથી અસહ્ય ગરમીની સ્થિતિ માટે આ શબ્દ દુનિયાભરમાં વપરાતો થયો. ભારતમાં હીટવેવ માટે એક માપદંડ નક્કી થયો છે. મેદાની પ્રદેશમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીથી ઊંચો ચડે તો હવામાન વિભાગ હીટવેવની આગાહી આપી શકે છે. પહાડી પ્રદેશમાં તાપમાનનો પારો ૩૦ ડિગ્રીથી વધે તો એ હીટવેવની સ્થિતિ કહેવાય છે. દરિયાઈ વિસ્તારો માટે ૩૭ ડિગ્રીનો માપદંડ છે. એનાથી તાપમાન વધે તો હીટવેવ કહેવાય છે. આ ઉપરાંત મેદાની-પહાડી કે દરિયાઈ વિસ્તારમાં સરેરાશ તાપમાનથી સાત ડિગ્રી તાપમાન વધારે હોય તો પણ હીટવેવ કહેવાય છે. ઊંચા તાપમાનની આ સ્થિતિ બે દિવસથી વધારે હોય ત્યારે હીટવેવની ચેતવણી આપવામાં આવે છે. ધારો કે કોઈ શહેરનું ઉનાળામાં સરેરાશ તાપમાન ૩૦ ડિગ્રી હોય પણ એકાએક એ ૩૭ ડિગ્રીએ પહોંચી જાય તો એ હીટવેવ ગણાય.

વિદેશોમાં ત્યાંની વેધર કન્ડિશન મુજબ હીટવેવની વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે. અમેરિકામાં ઘણાં રાજ્યોમાં ૩૨ ડિગ્રીને હીટવેવ કન્ડિશન કહેવાય છે તો ઘણામાં ૩૮ ડિગ્રીથી વધુ તાપમાન હોય તેને હીટવેવ ગણાવાય છે. ત્રણ દિવસ સતત નક્કી કરેલા તાપમાનથી વધારે તાપમાન નોંધાવાનું હોય તો હીટવેવની આગાહી અપાય છે. બ્રિટનમાં સતત ત્રણ દિવસ તાપમાનનો પારો ૩૪ ડિગ્રીએ પહોંચે તો હીટવેવ ગણાય. યુરોપના ઘણાં બધા દેશોમાં ૨૮થી ૩૦ ડિગ્રી તાપમાન એકધારું પાંચ દિવસ નોંધાય તો હીટવેવ કન્ડિશન જાહેર થાય છે.

લૂ અને હીટવેવમાં થોડોક તફાવત છે. સરેરાશ તાપમાનથી ચાર-પાંચ ડિગ્રી તાપમાન વધે અને હવા સામાન્ય કરતાં તીવ્ર હોય તો લૂની ચેતવણી આપવામાં આવે છે. ૨૦૨૪નું વર્ષ સૌથી ગરમ રહે એવી પણ શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. ૨૦૨૩નું વર્ષ ઓનરેકોર્ડ સૌથી ગરમ વર્ષ હતું. એક જ વર્ષમાં નવો રેકોર્ડ નોંધાય એવી શક્યતા વૈશ્વિક હવામાન એજન્સીઓ વ્યક્ત કરી રહી છે. અત્યારે ભારત સહિત દુનિયાભરમાં આકરી ગરમી પડી રહી છે. સરેરાશ તાપમાન ગત વર્ષની સરખામણીએ આ વર્ષે થોડુંક વધે એવીય ધારણા બાંધવામાં આવી છે.

છેલ્લાં વર્ષોના હીટવેવના દિવસો પર નજર કરીએ તો ચિંતાજનક ચિત્ર ઉપસે છે. દેશમાં આકરી ગરમીનો અંદાજ એ વાત પરથી આવે છે કે ૨૦૨૨માં ૨૦૩ દિવસ હીટવેવની આગાહી થઈ હતી. ૨૦૨૧માં હીટવેવના દિવસો માત્ર ૩૬ હતા. એક જ વર્ષમાં હીટવેવના દિવસોમાં પાંચ ગણો વધારો થયો હતો. છેલ્લાં બે વર્ષમાં હીટવેવના ૩૨૯ દિવસ નોંધાયા હતા. ૨૦૨૩માં ઓગસ્ટ અને સપ્ટેમ્બર ૧૨૨ વર્ષના ઇતિહાસમાં સૌથી ગરમ રહ્યા હતા. દેશના ગુજરાત સહિત ૧૨ રાજ્યોમાં આ મહિનાઓમાં ગરમીનો હાહાકાર મચ્યો હતો.

Gujarat