For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બાળપણ વિશે થોડું ચિંતન .

Updated: May 4th, 2024

બાળપણ વિશે થોડું ચિંતન                                  .

- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- તમારા બાળક પાસેથી વધુ પડતી અપેક્ષાઓ ન રાખશો. જ્યારે બાળક તેનાં મા-બાપની અપેક્ષા પૂરી નથી કરી શકતું ત્યારે મા-બાપ તેના પર ગુસ્સે થાય છે...

બા ળક પ્રભુનો પર્યાય, માણસની જિંદગીનો સર્વોત્તમ કાળ બાળપણનો છે. બાળક વિજ્ઞાનની આંખે જુએ છે, અવકાશયાનની પાંખે ઊડે છે. વિચારની તાર્કિકતા અને ઘટનાની વૈજ્ઞાનિકતામાં બાળકને રસ પડવા માંડયો છે. એનું માનસ હવે જૂની વતો સ્વીકારી લેતું નથી. પૌરાણિકતાનો એ હવે વિરોધ પણ કરે છે. આગના ભડકામાં ભક્ત પ્રહલાદ કેવી રીતે બચી ગયો એ વાત વિશે એ પ્રશ્ન કરે છે. આકાશના ચંદ્રને 'ચાંદામામા' કહી એ બેસી રહેતો નથી. રાજકુમારી એટલે શું? પરી એટલે શું? સોનાનો વાળ હોઈ શકે? વગેરે પ્રશ્નો બાળક કરે છે. એવા જિજ્ઞાસુ બાળક વિશે વિદ્વાનોએ, કેળવણીકારોએ અને સાહિત્યકારોએ કરેલાં વિધાનો જોઈએ :

તમારા બાળકને પ્રામાણિક બનવા સક્ષમ બનાવો તે શિક્ષણની શરૂઆત છે. - જોન રસ્કિન

બાળક એ ચમકતો તારો છે એ ભગવાનના હાથમાંથી છૂટીને ધરતી ઉપર આવી ગયો છે.

- રાજગોપાલાચારી

બાળકોની કર્તવ્યશીલતા જ બધા ગુણોનો પાયો છે. - સિસરો

સુંદર બાળક એ કુદરતની સૌથી સુંદર ચીજ છે.  - ચાર્લ્સ લૅમ્બ

દરેક બાળક એવા સંદેશ સાથે આવે છે કે, પ્રભુએ હજી માનવને નિરાશ કર્યો નથી.

- રવીન્દ્રનાથ ટાગોર

 બાળકો વર્તમાનને માણી શકે છે, કારણ કે તેમની પાસે ભૂતકાળ કે ભવિષ્ય હોતાં નથી.

- જીન દ-લે-બુ્રયા

બાળકો સંપૂર્ણ હોય છે. બાળકના સ્વમાનને અનુભવો. તેમનાથી વધુ શ્રેષ્ઠ તમને ન માનો, કેમ કે તમે તે નથી.    - રોબર્ટ હેન્રી

બાળપણ અને જ્ઞાનની વચ્ચે જિજ્ઞાસા એ સામાન્ય અને સરખું શ્રેષ્ઠ અંગ છે.    - ઇ. જી. બુલવેર

જો સ્વર્ગમાં જવાની ઇચ્છા હોય તો બાળક બનો. - ઇજિલ

બાળકનું વધુ પડતું લાલનપાલન એને બગાડે છે. એને તો કઠોરતા અને બધી જ જાતના વાતાવરણ અને મોસમમાં સહનશીલ બનાવવું જોઈએ. - ગાંધીજી

નાનકડા શરીરમાં રહેલા મહાન આત્માને હું વંદન કરું છું.

- ગિજુભાઈ બધેકા

બાળકને તાલ આપો, એ નૃત્યનું ભૂખ્યું છે. અને હાલરડાંની લહેરીઓ આપો, એ સંગીતનું તરસ્યું છે. જનેતાઓના જીવનમાં છેક ગર્ભધાનથી જ કવિતાના સિંચન શરૂ કરી દો. એને કંઠે કૂણાં, મીઠાં, કલ્પના નીતરતાં હાલરડાં રેડીને તેને બોજારૂપ બનેલા જીવનમાં આનંદ પ્રગટાવો. અને આજકાલ તો કેવળ પુરૂષોની લાલસામાંથી જ નીપજી રહેલાં બાળકો વિષે માવતરને સાચું ભાન કરાવો કે,

તમે મારા દેવના દીધેલ છો,

તમે મારા માગી લીધેલ છો.

આવ્યા ત્યારે અમ્મર થઇને રો!

- મેઘાણી

તમારા બાળક પાસેથી વધુ પડતી અપેક્ષાઓ ન રાખશો. જ્યારે બાળક તેનાં મા-બાપની અપેક્ષા પૂરી નથી કરી શકતું ત્યારે મા-બાપ તેના પર ગુસ્સે થાય છે. તેની અસર બાળકના મન પર પડે છે. તેથી બાળક ઘરની બહાર કે સ્કૂલમાં ઉધામા મચાવી મૂકે છે. તેના કરતાં બાળકનાં રસ-રુચિને મા-બાપે મહત્ત્વ આપવું જોઈએ.

જ્યારે બાળક પજવતું હોય, જિદ કરતું હોય ત્યારે તેને ધમકાવવા મારવાને બદલે યોગ્ય નિયંત્રણો છે તેનો ઉપયોગ કરો, બાળકો એ સ્નેહનું જળ શોધતાં મૃગલાં છે. બાળક મા-બાપ પાસેથી પ્રેમથી કોઈ વસ્તુ બજારમાંથી મગાવે છે ત્યારે તેને બે-પાંચ રૂપિયા આપી દેવાને બદલે જાતે જ લાવી આપવાથી બાળક ખુશ થાય છે. તે લાગણીનું ભૂખ્યું હોઇ તેને રોકડો રૂપિયો આપી દેવાથી તેની લાગણીની ભૂખ સંતોષાતી નથી.

આજે બાળકનાં મા-બાપ નોકરી કરતાં હોવાથી બાળક મહદ્અંશે પ્રેમથી દૂર રહ છે. માણસની જિંદગી સ્નેહની અનંત યાત્રા જેવી છે. તે પ્રેમ શોધે છે અને પ્રેમ આપવો પણ છે ને લેવો પણ છે. પણ આજે કોઈ મા-બાપ બાળકને પ્રેમ જોઈએ છે તેવો આપી શકતાં નથી. હવે મા બાળકને બેબી સીટરમાં મૂકે છે ને બાઈ રાખી લે છે. તે પ્રેમ આપી શકતાં નથી. રોકડો ચાર્જ ચૂકવવાની તેમની તૈયારી હોય છે.

પરંતુ માણસ એ ભૂલી ગયો છે કે પિતાએ હાથે છોલીને ખવરાવેલી શેરડીનો રસ બાળકના જીવનમાં ઊતરે છે. મહોરે છે. પુત્ર કે પુત્રીને હાથે પાયેલી દવા માનવીના વૃદ્ધાવસ્થામાં મોક્ષનો માર્ગ મોકળો કરી આપે છે. આમાં રૂપિયાનો વહેવાર ન હોય. તેમાં તો માણસની લાગણી યાદ રહે છે, નોટના નંબર યાદ નથી રહેતા.

બાળક ક્યારેય ભૂલ કરતું નથી, એ કરે છે તો પ્રયત્ન, કોશિશ... એની કોશિશ બર ન આવે એને આપણે ભૂલ કહીએ છીએ, બાળકને મન એ ભૂલ નથી. બાળપણની આંખો ચોખ્ખી હોય છે. અને તેનું મન નિર્દોષ હોય છે. બાળકોની પ્રત્યેક ક્રિયા-પ્રતિક્રિયા આગ્રહ-પૂર્વગ્રહ વિનાની હોય છે. બાળકને ઝરણા જેવું જ કલ્પી શકાય, કહી શકાય. ઝરણું જેટલું પવિત્ર એટલું બાળક પણ પવિત્ર. બાળકની બોલીમાં નિખાલસતા હોય છે ઝરણા જેવી. એ ઘણીવાર ચોંકી જવાય એવા પ્રશ્નો પણ કરે છે. માનવી-જીવનના અનેક મર્મો અનાયાસે એની વાણીમાં પ્રગટે છે. કૃષ્ણની બાળલીલાનું રોમાંચક ગાન ગાનાર ભાગવતકાર બાળકનું મહત્ત્વ કરે તેમાં નવાઈ શું ? આપણી શાળાઓમાં ઠેર ઠેર આ મંત્રનું રટણ થવું જોઈએ. 'નમ: શિશુભ્ય'!

Gujarat