For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લગ્ને લગ્ને કુંવારાઃ ફકત હારવા માટે ચૂંટણી લડતા વિરલાઓ

Updated: May 3rd, 2024

લગ્ને લગ્ને કુંવારાઃ ફકત હારવા માટે ચૂંટણી લડતા વિરલાઓ

- ઇલેક્શન કિંગથી માંડીને ધરતી પકડ સેંકડો વાર ચૂંંટણી લડયા છે

- પ્રસંગપટ

- લાતુરમાં લોકોએ  વિજય કોડેકરને સ્ટીલનું ગાડું હાંકતા જોયેલા છે. આ ગાડા પર લખ્યું છે- 'મૈં પ્રધાનમંત્રી'

ચૂંટણી આવે એટલે લગ્ને લગ્ને કુંવારા સમાન કેટલાક ઉમેદવારો સપાટી પર આવે છે અને પરાજયનો હાર પહેરીને નૃત્ય કરવા લાગે છે. વિધાનસભાની ચૂંટણી  હોય કે લોકસભાની, આ લોકો મેદાનમાં અચૂક ઉતરે છે. દરેક ચૂંટણીમાં આવા  કેટલાક લોકો હારનો રેકોર્ડ નોંધાવવા માટે ઉધામા કરતા હોય છે.  

કોઈ સમાજમાં રોફ મારવા ચૂંટણીમાં ઝંપલાવે છે, તો કોઈ વળી પિતાનો વારસો જાળવવા વારંવાર ચૂંટણીમાં ઊભા રહે છે. આ એ લોકો છે જેમને ચૂંટણીમાં હારજીત કરતાં વધુ રસ પોતાનું નામ સમાચારોમાં ગાજતું રહે તેમાં હોય છે. આવા લોકોમાં ઇલેક્શન કિંગથી માંડીને ધરતી પકડ સુધીનાં પાત્રોનો સમાવેશ થાય છે. આવા ઉમેદવારો અપક્ષ તરીકે લડે છે અને સૌથી ઓછા વોટ સાથે હારનારાઓમાં મોખરે રહે છે.

આ વિચિત્ર માનવપ્રાણીઓમાં તમિળનાડુના કે. પદ્મરાજન, પરમાનંદ ટોલાની, વિજય પ્રકાશ કોડેકર, હૈદ્રાબાદના રવિન્દ્ર ઉપ્પુલા વગેરેનો આ સમાવેશ થાય છે. કે.પદ્મરાજન મૂળ તમિળનાડુના છે. એ ગર્વથી પોતાને ઇલેક્શન કિંગ તરીકે ઓળખાવે છે. ચૂંટણી જંગમાં તેઓ મતદારોને વિનંતી કરીને કહે છે કે પ્લીઝ મને મત ના આપતા, કારણ કે મારા પર સૌથી વધુ અસફળ ઉમેદવારનું લેબલ ચીપકેલું રહે અને મારા નામે રેકોર્ડ પણ બોલતો રહે. 

ટાયર રીપેરીંગની દુકાન ચલાવતા ૬૫ વર્ષીય ઇલેક્શન કિંગે સૌથી વધુ વાર ચૂંટણી લડનાર તરીકે રકોર્ડ બનાવ્યો છે. એ દાવો કરે છે કે મેં અત્યાર સુધીમાં ચૂંટણી જંગમાં ઉતરવા માટે ૮૦ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. એ જાણે છે કે પોતે હારવાના છે છતાં ખર્ચ કરે છે. તેઓ ખુદ કહે છે કે હું હારવા માટે જ તો હું ઊભો રહું છું. પદ્મરાજન કહે છે કે મેં અનેક મુખ્ય પ્રધાનો સામે ઉમેદવારી નોંધાવી છે.  જયલલિતા, એમ. કરૂણાનિધિ, વાયએસાર રેડ્ડી, એ.કે. એન્ટોની ઉપરાંત હેમા માલિની અને વિજયકાંત જેવાં ફિલ્મ સ્ટાર્સ સામે પણ ઉમેદવારી નોંધાવી હતી.

આ માણસ બસ્સો વાર હાર્યો  છે અને ફરી એકવાર હારવા માટે ઊભો રહ્યો છે. 

ઇન્દોરી ધરતી પકડ તરીકે ઓળખાતા પરમાનંદ ટોલાની ૨૩૯ વાર ચૂંટણી લડયા છે. ૧૮મી લોકસભા માટે પણ કેરળના થ્રીસુરમાંથી એ ચૂંટણી લડી રહ્યા છે. ધરતી પકડ સામાન્ય નહીં, પણ નામાંકિત ઉમેદવારો સામે ઊભા રહે છે અને ન્યુઝમાંરહેવાનો પ્રયાસ કરે છે. ઉમેદવારી પત્રક ભરવા એ બહુ ઠાઠથી જાય છે!

ધરતી પકડે વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇ, પી.વી નરસિંહ રાવ અને મનોમોહન સિંહ જેવા ચહેરાઓ સામે ચૂંંટણી લડી હતી. એ કહે છે કે હું ઇચ્છું છું કે મને કોઇ વોટ ન આપે.મારે વોટ નથી જોઇતા, પરંતુ મારે સૌથી વધુ વાર અસફળ થયેલા ઉમેદવારનું ટાઇટલ જાળવી રાખવું છે! એમને પૂછવામાં આવ્યું કે તો પછી તમે ચૂંટણી પ્રચાર કરવા શા માટે જાઓ છો? ધરતી પકડે જવાબ આપ્યો કે પ્રચાર દરમિયાન હું લોકોેને એ જ કહું છું કે મને વોટ ના આપતા. મારે વોટ નથી જોઇતા! 

ટોલાની કહે છે કે મારા પિતા પણ અપક્ષ તરીકે લડતા હતા. મેં તેમનો વારસો સાચવી રાખ્યો છે. ૬૫ વર્ષના ટોલાની કહે છે, 'મારા પિતા કહેતા હતા કે જ્યાં સુધી આપણને જીત ના મળે ત્યાં સુધી ઉમેદવાર તરીકે નામ નોંધાવાનું ચાલુ રાખવાનું છે. જો હું નહીં જીતું તો મારી બે પુત્રીઓ આ પરંપરાને આગળ વધારશે!' 

પૂણેના વિજય પ્રકાશ કોડેકર ૭૮ વર્ષના છે. તેઓ સફેદ ધોતી પહેરીને પ્રચાર કરે છે. પ્રચાર પાછળ તેમનો ખર્ચ શૂન્યવત્ હોય છે. લાતુરમાં લોકોએ તેમને સ્ટીલનું ગાડું હાંકતા જોયેલા છે. આ ગાડા પર એમણે લખ્યું હતુંઃ મૈં પ્રધાનમંત્રી! તેમણે ૨૪ ચૂંટણી લડી છે. તે ઓશો રજનીશના અનુયાઇ હોવાથી ઓઝેનોશો નામથી પણ ચૂંટણી લડયા છે.

આ યાદીમાં સ્થાન પામતા હૈદ્રાબાદના ટેકનોલોજિસ્ટ રવિન્દ્ર ઉપ્પુલા ચૂંટણી પ્રચારમાં વિવિધ ગતકડાં કરે છે. જેમ કે, તેઓ ઘોષણા કરે છે કે જો હું ચૂંટાઈશ તો દર ૧૦૦ દિવસે લાઇવ ડિટેક્ટર ટેસ્ટ કરાવીશ કે જેથી મેં ક્યો ભ્રષ્ટાચાર કર્યો છે તે જાણી શકાશે. કાકા જોગિન્દર સિંહ નામના બીજા એક 'વિભૂતિ' છે, જેમણે ૩૦૦ ચૂંટણી લડી છે. ૧૯૯૨માં રાષ્ટ્રપતિ માટેની ચૂંટણીમાં તે ૧૧૩૫ વોટ સાથે ચોથા સ્થાને આવ્યા હતા. 

અમુક લોકોને જીતવામાં નહીં, પણ હારવામાં પરમ આનંદ મળે છે! 

Gujarat