For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હતાશાની પળોમાં ચમત્કારીક ઔષધનું કામ કરતા સુવાક્યો

Updated: May 1st, 2024

હતાશાની પળોમાં ચમત્કારીક ઔષધનું કામ કરતા  સુવાક્યો

- સોશ્યલ નેટવર્ક પરના સુવાક્યો બચાવી રાખો

- પ્રસંગપટ

- સુવાક્યોમાં અલગ પ્રકારની સુગંધ હોય છે. જેમ જેમ તે વાંચો તેમ તેમ તેની સુગંધ પ્રસર્યા કરે છે

સોશીયલ મીડીયાનાં વ્યાપક આગમન તથા ઉપયોગ બાદ આજકાલ ''મેસેજ મેનીયા'' ઘણા લોકોને થઈ ગયો છે. કંઈ ન હોય તો છેવટે 'ગુડ મોર્નીંગ' કે 'ગુડ નાઈટ'ના મેસેજ મોકલવાનું ભુલાતું નથી. મેસેજ એક રીતે સારૂં સાધન કે માધ્યમ છે પરંતુ જો તેનો સાચો કે મર્યાદિત ઉપયોગ થાય તો. કોઈપણ સારી કે ખરાબ માહિતી કે સમાચાર મેસેજ દ્વારા મોકલી શકાય છે. મેસેજની પ્રથાનો સાચો ઉપયોગ કરવાવાળા બહુ ઓછા લોકો છે. એક રીતે જોવા જોઈએ તો આ એક પ્રકારની આધુનિક પંચાત જ છે. કોઈને પણ મેસેજ મોકલીએ ત્યારે તેની પાછળનો ભાવ, અર્થ પણ જાણવા જોઈએ. 

મેસેજ આપણને માત્ર મોબાઈલમાંથી જ મળતા હોય તેવું નથી. સામાન્ય જીવનમાં આપણે ઘણા પાસેથી ઘણું શીખવાનો મેસેજ પણ મળતો હોય છે. કેટલાક સારા ચિંતકો, વિચારકો, વકતાઓ, કથાકારો તથા વાર્તાલપોમાંથી પણ આપણને શીખવાલાયક વાતો મળતી હોય છે. નાનાં બાળકોની વાણી કે વર્તન પણ આપણને ઘણું શીખવી જાય છે. ઘણીવાર મૌન ધારકની મુક વાણીમાંથી પણ આપણે ઘણું શીખવા જેવું હોય છે.

સામાન્ય રીતે આપણે ઘણા મેસેજ 'ડીલીટ' કરી નાખતા હોઈએ છીએ પરંતુ કેટલાક વિચારો, મંતવ્યો કે મેસેજ ડીલીટ કરી શકાતા નથી. ઘણા સંતો, દેશપ્રેમીઓ કે નેતાઓનાં જીવનમાંથી પણ પ્રેરણા મળતી હોય છે. ઘણી વાતો એવી હોય છે જે અનુકરણીય હોય છે.

મેસેજનો મહિમા આજકાલ અનોખો છે. મેસેજનું આંધળું અનુકરણ નુકશાનકારક પણ બની શકે છે. આજના જમાનામાં સવારથી રાત સુધી મેસેજનો ધોધ વહેતો હોય છે ત્યારે મેસેજની બાબતમાં સમ્યક તથા તટસ્થ બનવાની જરૂર છે અને તે જ આજના કાળની માંગ છે. ટાઉન લેવલ અને ગામડાની સ્કુલોમાં જોવા મળતી વિશેષ ખાસિયતમાં સ્વચ્છતા અને તેની દિવાલો પર લખેલા સુવાક્યોનો સમાવેશ થાય છે. દરેક સુવાક્ય વાંચવા લાયક અને જીવનમાં ઉતારવા લાયક હોય છે.  આવા સુવાક્યો રોજ સોશ્યલ નેટવર્ક પર જોવા મળે છે. જ્યારે સોશ્યલ નેટવર્ક નહોતું ત્યારે લોકો સુવાક્યોનું વિશેષ નોટ રાખતા હતા અને તેમાં તે લખતા હતા. સારા વિચારોને સ્થાન આપતા સુવાક્યોએ અનેકના જીવન બદલી નાખ્યા છે. 

આવા સુવાક્યો લખેલી નોટ્સ કેટલાક રોજ સવારે વાંચીને પ્રફુલ્લીત બનીને દિવસની શરૂઆત કરતા હતા. કેટલાક મોટીવેશન સાથે સંકળાયેલા સુવાક્યો અલગ તારવીને હતાશાના સમયે તે વાંચતા હતા.

સુવાક્યોમાં એક અલગ પ્રકારની સુગંધ હોય છે. તમે જેમ જેમ તે વાંચો તેમ તેમ તેની સુગંધ પ્રસર્યા કરે છે. કેટલાક લોકો સુવાક્યો લખીને તેની નીચે તેની સરળ સમજ આપીને પુસ્તક બનાવી ચૂક્યા છે. હવે સુવાક્યો સોશ્યલ નેટવર્ક પર જોવા મળી રહ્યા છે. કેટલાક અનામી સુવાક્યો પોતાના નામે ચઢાવીને લોકોમાં ફેરવી રહ્યા છે. હવે ભીંત પર લખાતા સુવાક્યોની જગ્યા સોશ્યલ નેટવર્કે લઇ લીધી છે. સોશ્યલ નેટવર્ક પર નીત નવા સુવાક્યો જોવા મળે છે. કેટલાક લોકો સુવાક્યોનું વોટ્સએપ પર ગૃપ ચલાવે છે. આ લોકો રોજ સાવારે મોટિવેશન સાથે સંકળાયેલા ત્રણ-ચાર મેસેજ મોબાઇલ પર મોકલી આપે છે. આવા મેસેજ ડેલી ચાર્જીંગ સમાન હોય છે. 

સોશ્યલ નેટવર્ક પરના પરના મેસેજ દરેકને મોટીવેટ કરનારા, ધર્મ તરફ વાળનારા અને સમાજનું કલ્યાણ કરનારા હોય ત્યાં સુધી ઠીક છે પરંતુ જ્યારે તે સમાજમાં ઝેર ફેલાવવાનો ધંધો કરે ત્યારે આખી સોશ્યલ નેટવર્કની સિસ્ટમ સામે પ્રશ્નો ઉભા કરે છે.

સોશ્યલ નેટવર્કનું પ્લેટફોર્મ અનેક રીતે ઉપયોગી બન્યું છે. પરંતુ જેમ સોશ્યલ નેટવર્કની ગેરહાજરીમાં લોકો નોટમાં સુવાક્યો ટપકાવી દેતા હતા અને સમય મળે તે વાંચીને પ્રફૂલ્લીત થતા હતા એમ હવે સોશ્યલ નેટવર્કના જમાનામાં પણ કરાઇ રહ્યું છે. હવે ગમતા સુવાક્યો સેવ કરવા (બચાવી રાખવા) માટે નોટ નથી રાખવી પડતી પણ નોટપેડ હોય છે. અહીં વાત છે ગમતા વાક્યોને સાચવી રાખવાની. હતાશાની પળોમાં આ સુવાક્યો ચમત્કારીક ઔષધ સમાન સાબિત થાય છે.

Gujarat