For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતે આતંકવાદીઓને મારવા ગેંગસ્ટર્સની 'હીટ સ્ક્વોડ' બનાવી ?

Updated: May 6th, 2024

ભારતે આતંકવાદીઓને મારવા ગેંગસ્ટર્સની 'હીટ સ્ક્વોડ' બનાવી ?

- અમેરિકા અને રશિયા જેવા દેશોમાં એજન્સીઓ દેશના દુશ્મનોને સાફ કરવા માટે ગેંગસ્ટર્સની મદદ લે છે, જેથી ભારત પણ એવું કરે તેમાં કશું ખોટું નથી

- કેનેડામાં ખાલિસ્તાનવાદી આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ત્રણ ભારતીયોની ધરપકડ કરાઈ છે. આ ત્રણેય લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર સાથે સંકળાયેલા હોવાના દાવા વચ્ચે એવો રસપ્રદ દાવો કરાયો છે કે,  ભારતનો મોસ્ટ વોન્ટેડ અપરાધી ગોલ્ડી બ્રાર વાસ્તવમાં ભારતનો  એજન્ટ છે. ગોલ્ડી બ્રારની મદદથી ભારતીય એજન્સીઓએ ગેંગસ્ટર્સની 'હીટ સ્ક્વોડ' બનાવી છે કે જે ભારત વિરોધીઓને સાફ કરી રહી છે. ભારતે 'હીટ સ્ક્વોડ'ની મદદથી કેનેડામાં નિજ્જર ઉપરાંત બીજા બેની હત્યા કરાવી છે. 

પંજાબનો સૌથી ખતરનાક ગેંગસ્ટર મનાતો સતિન્દરજીતસિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર ફરી ચર્ચામાં છે. એક તરફ અમેરિકાના કેલિફોર્નિયાના ફ્રેસનોમાં થયેલા શૂટઆઉટમાં ગોલ્ડી બ્રાર મરાયો હોવાનો સમાચારથી ફેલાયેલી ઉત્તેજના શમી નથી ત્યાં હવે કેનેડામાં થયેલી ખાલિસ્તાનવાદી આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ગોલ્ડી બ્રારની સંડોવણીનો દાવો કરાઈ રહ્યો છે. 

મજાની વાત એ છે કે, ભારતનો મોસ્ટ વોન્ટેડ અપરાધી ગોલ્ડી બ્રાર ભારતનો એજન્ટ હોવાનો દાવો કેનેડાની સરકારનાં સૂત્રોના હવાલાથી કરાઈ રહ્યો છે. આ દાવા પ્રમાણે, ગોલ્ડી બ્રારની મદદથી ભારતીય એજન્સીઓએ ગેંગસ્ટર્સની 'હીટ સ્ક્વોડ' બનાવી છે કે જે ભારત વિરોધીઓને સાફ કરી રહી છે. ભારતે ગેંગસ્ટર્સની 'હીટ સ્ક્વોડ'ની મદદથી કેનેડામાં નિજ્જર ઉપરાંત બીજા બે લોકોની હત્યા કરાવી હોવાના દાવા પણ કરાઈ રહ્યા છે. 

ગોલ્ડી બ્રાર ક્યાં રહે છે એ ખબર નથી પણ ભારત સરકારે તેને આતંકવાદી જાહેર કર્ર્યો છે. પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં ગોલ્ડી મુખ્ય આરોપી છે. બ્રારે કેનેડામાં બેઠાં બેઠાં સોપારી આપીને મુસેવાલાને પતાવી દીધો હોવાનું કહેવાય છે. બ્રાર ૨૦૨૨ના નવેમ્બરમાં કેલિફોર્નિયામાં ઝડપાયો હોવાની વાત આવેલી પણ પછી પડીકું સાબિત થયેલી. એ પછી ગોલ્ડી અમેરિકા અને કેનેડા વચ્ચે ફર્યા કરતો હોવાનું કહેવાય છે. 

આ કારણે જ કેલિફોર્નિયામાં થયેલા ગોળીબારમાં ગોલ્ડી બ્રાર મરાયો હોવાની વાતો વહેતી થયેલી પણ ફ્રેસનો પોલિસે આ વાતને ખોટી ગણાવી છે. પોલીસના કહેવા પ્રમાણે, શૂટઆઉટમાં ૩૭ વર્ષનો ઝેવિયર ગેલ્ડની નામનો ગુંડો મરાયેલો. તનાં કદ-કાઠી ગોલ્ડી જેવાં હોવાથી ગોલ્ડી મરાયો હોવાની વાત ચાલી હતી.  

નિજ્જરની હત્યા કરવા ગોલ્ડી બ્રાર પાસે સીધું કોણ કારણ નથી. કેનેડાના સરે શહેરના ગુરુદ્વારામાંથી ૧૮ જૂન, ૨૦૨૩ની સાંજે નિજ્જર બહાર નિકળતો હતો ત્યારે બે યુવકે નિજ્જરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. કેનેડિયન પોલીસે નિજ્જરની હત્યા બદલ એડમન્ટન શહેરમાંથી ત્રણ ભારતીયોની ધરપકડ કરી છે.  આ પૈકી  કરણ બ્રાર અને કરણપ્રીત સિંહ ૨૨-૨૨ વર્ષના છે જ્યારે કમલપ્રીત સિંહ ૨૮ વર્ષનો છે. કેનેડિયન પોલીસની ચાર્જશીટ મુજબ, નિજ્જરની હત્યામાં કરણ બ્રારે નિજ્જર પર નજર રાખીને એ નિયમિત રીતે ગુરુદ્વારા આવે છે તેની માહિતી આપેલી. કરણપ્રીતસિંહ હત્યા વખતે ડ્રાઈવર હતો જ્યારે કરણ બ્રાાર અને કમલપ્રીતસિંહે નિજ્જરને ગોળીઓ મારીને તેનું ઢીમ ઢાળી દીધું હતું. 

કેનેડા પોલીસે થોડા સમય પહેલાં જાહેર કરેલા ૯૦ સેકન્ડના સીસીટીવી ફૂટેજમાં નિજ્જર ગ્રે પીકઅપ ટ્રક  પાર્કિંગમાંથી બહાર કાઢતો હોય છે ત્યારે સીખના ગેટ-અપમાં આવેલા બે હુમલાખોરો દેખાય છે. બે કારમાં લાંબા સમયથી નિજ્જરની પીકઅપ ટ્રકનો પીછો કર્યા પછી તેમણે કાર એ રીતે ઉભી રાખી કે નિજ્જરે ટ્રક રોકવી પડી. નિજ્જર ઉભો રહેતાં જ કારમાંથી ઉતરેલા બે જણાંએ ઓટોમેટિક ગનથી લગભગ ૫૦ રાઉન્ડ ફાયર કરીને ૯૦ સેકન્ડમાં તો નિજ્જરનો ખેલ ખતમ કરી નાંખ્યો અને ફરાર થઈ ગયા હતા. નિજ્જરના શરીરમાંથી ૩૪ ગોળીઓ મળી હતી.

પોલીસનો દાવો છે કે, ત્રણેય આરોપી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના છે અને ગોલ્ડી બ્રાર સાથે સંપર્ક ધરાવે છે. બિશ્નોઈ જેલમાં છે ત્યારે ગોલ્ડી બ્રાર બિશ્નોઈ ગેંગનો મુખ્ય કર્તાહર્તા મનાય છે. આ તમામ ૨૦૨૧માં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયા હતા પણ ભણવાના બદલે કેનડામાં રખડી ખાધું ને પછી ગોલ્ડી ગેંગના સંપર્કમાં આવતાં ભારતના એજન્ટ બની ગયા.  

કેનેડાની પોલીસે સત્તાવાર રીતે નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીનો આક્ષેપ નથી કર્યો કેમ કે કેનેડા પાસે કોઈ પુરાવા નથી. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ મોટા ઉપાડે સંસદમાં ભારતની સંડોવણીના આક્ષેપો કરેલા પણ હજુ સુધી કોઈ પુરાવા આપ્યા નથી. ત્રણ ભારતીયોની ધરપકડ પછી પણ એ જ સ્થિતી છે તેથી કેનેડાના જગમીતસિંહ સહિતના  સીખ નેતાઓ પાસે ભારતની સંડોવણીના આક્ષેપો કરાવાઈ રહ્યા છે. કેનેડાના મીડિયામાં પણ પોલીસ ભારતની સંડોવણીના અહેવાલો છપાવડાવી રહી છે. કેનેડાના મીડિયાના અહેવાલ પ્રમાણે ૨૦૨૩ના સપ્ટેમ્બરમાં કેનેડાના વિનીપેગમાં ગેંગસ્ટર સુખદુલ સિંહ ગિલ ઉર્ફે સુખા દુન્નાકેની હત્યા થઈ તેમાં પણ આ હીટ સ્ક્વોડનો હાથ હતો.  દુન્નાકેને ૧૫ ગોળીઓ મારીને પતાવી દેવાયેલો. 

સુખા દુન્નાકે ભારતની આતંકવાદ વિરોધી નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સી (એનઆઈએ)ના સૌથી ખતરનાક એટલે કે એ કેટેગરીના આતંકવાદીઓના લિસ્ટમાં હતો. સુખા દુન્નાકે  નકલી પાસપોર્ટની મદદથી ૨૦૧૭માં પંજાબથી ભાગીને કેનેડા જતો રહ્યો હતો. કેનેડામાં દુન્નાકે ખાલિસ્તાની આતંકવાદી અર્શ ૨ડલ્લાના ઈશારે કામ કરતો હતો. 

બંબિહા ગુ્રપના નામે પંજાબમાં ખંડણીખોરીનું નેટવર્ક ચલાવતા દુન્નાકેની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. ગુરલાલ બ્રારની હત્યાનો બદલો લેવા દુન્નાકેની હત્યા કરાઈ હોવાનો બિશ્નોઈ ગેંગનો દાવો હતો. નિજ્જર અને દુન્નાકે ઉપરાંત ત્રીજા એક ખાલિસ્તાનવાદી આતંકવાદી અમરપાલની હત્યા પણ બિશ્નોઈ ગેંગે કરાવી હતી. બિશ્નોઈ ગેંગ એ રીતે કેનેડામાં હત્યાઓમાં સામેલ છે એ વાત નવી નથી પણ ભારત સરકારના ઈશારે કામ કરી રહી છે એ વાત નવી છે. ભારતના અધિકારીઓ આ વાતને ખોટી ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, બિશ્નોઈ ગેંગ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ સાથે મળીને કામ કરે છે. પંજાબ સહિતનાં ઉત્તર ભારતનાં રાજ્યોમાં ડ્રગ્સનું નેટવર્ક બંનેની સાંઠગાંઠથી ચાલી રહ્યું છે. 

અલબત્ત ભારતના અધિકારીઓ સાચું જ બોલતા હોય એ જરૃરી નથી. ભારતે ભૂતકાળમાં દાઉદ ઈબ્રાહીમ ગેંગની કમર તોડવા છોટા રાજનની મદદ લીધેલી એવું કહેવાય છે. કેનેડા, અમેરિકા કે પાકિસ્તાનમાં ભારત વિરોધી આતંકવાદીઓને મારવા એ જ સ્ટ્રેટેજી અપનાવાઈ હોય એ શક્યતા નકારી ના શકાય.  અમેરિકા અને રશિયા જેવા દેશોમાં એજન્સીઓ દેશના દુશ્મનોને સાફ કરવા માટે ગેંગસ્ટર્સની મદદ લે છે જ તેથી ભારત પણ એવું કરે તો કશું ખોટું નથી. 

- નિજ્જર ૧૩ વર્ષે આતંકી બન્યો, 'રવિ શર્મા' બનીને કેનેડા પહોંચ્યો

હરદીપસિંહ નિજ્જર ૧૯૯૦માં માત્ર ૧૩ વર્ષની ઉંમરે આતંકવાદી બની ગયો હતો. પંજાબના જલંધર જિલ્લાના ભરસિંહ પુરામાં જન્મેલા હરદીપ સિંહ નિજ્જર બહુ ભણેલો નથી ને નાની ઉંમરે જ પ્લમ્બર તરીકે કામ કરતો હતો.  ૧૯૮૪માં અમૃતસરના સુવર્ણ મંદિરમાં લશ્કર મોકલીને ઓપરેશન બ્લુ સ્ટાર હાથ ધરાયું તેના કારણે સીખોની ધાર્મિક લાગણી દૂભાઈ હતી. તેનો લાભ લઈને ખાલિસ્તાનવાદીઓએ ૧૨ થી ૧૫ વર્ષની વયના છોકરાઓને હાથમાં મશીનગનો પકડાવીને આતંકવાદના રસ્તે વાળી દીધા હતા.  

નિજ્જર પણ ૧૯૯૦માં ૧૩ વર્ષની ઉંમરે ખાલિસ્તાન ટાઈગર ફોર્સમાં જોડાઈને આતંકવાદી બની ગયેલો. નિજ્જરે આતંકવાદી તરીકે સંખ્યાબંધ હિંદુઓની હત્યા કરી હોવાનું કહેવાય છે. ૧૯૯૫માં  પંજાબ પોલીસે આતંકવાદીઓની ગોળીનો જવાબ ગોળીથી આપવાનું શરૃ કર્યું ત્યારે ઘણા આતંકવાદી ડરીને છૂપાઈ ગયેલા. પંજાબ પોલીસે તેમને શોધી શોધીને જેલમાં નાંખ્યા ને તેમાં નિજ્જરનો વારો પણ પડી ગયેલો. 

જેલમાં પોલીસે કરેલી બેફામ ધોલાઈથી નિજ્જર ફફડી ગયેલો તેથી જેલમાંથી બહાર આવતાં જ રવિ શર્માના નામનો બનાવટી પાસપોર્ટ બનાવીને કેનેડા ભાગી ગયેલો. 

નિજ્જરે પંજાબમાં પોલીસે તેના પર અત્યાચાર ગુજાર્યો હોવાનો દાવો કરીને નાગરિકતા આપવા અરજી કરેલી પણ કેનેડાની સરકારે તાત્કાલિક તેને નાગરિકતા નહોતી આપી. ૧૯૯૮મા નિજ્જરે કેનેડિયન નાગરિક એવી સીખ યુવતી મનપ્રિત સાથે લગ્ન કર્યાં કે જેનાથી તેને બે દીકરા થયા. આ લગ્ન પછી પણ નાગરિકતા મેળવવા નિજ્જરે સંઘર્ષ કરવો પડેલો પણ ખાલિસ્તાનવાદીઓની લાગવગના કારણે ૨૦૦૨માં નિજ્જરને કેનેડાની નાગરિકતા મળી ગઈ હતી. 

- લેડી ડોન અનુરાધા સાથે ગોલ્ડીની ઈન્ટરનેશનલ ક્રાઈમ સિન્ડિકેટ

ગોલ્ડી બ્રાર ભારતમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી ૨૦૧૭માં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયેલો. એ પહેલાં ભારતમાં તેનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી. આ કારણે બ્રારને ભારતીય એજન્સીઓએ જ કેનેડા મોકલ્યો હોવાની શક્યતા નકારી ના શકાય. કેનેડામાં રહીને ગોલ્ડી બિશ્નોઈ ગેંગ સાથે કઈ રીતે સંપર્કમાં આવ્યો એ કોઈને ખબર નથી પણ ગુરલાલ બ્રારના કારણે બંને વચ્ચે સંપર્ક સ્થપાયાની શક્યતા છે. ગુરલાલ ગોલ્ડીનો પિતરાઈ ભાઈ હતો ને ૨૦૨૦માં ચંદીગઢમાં તેની હત્યા થઈ ગયેલી. ગુરલાલ બિશ્નોઈનો પણ ખાસ માણસ હતો. 

ગુરલાલની હત્યાનો બદલે લેવા ગોલ્ડીએ ફરીદકોટમાં યુથ કોંગ્રેસના નેતા ગુરલાલ પહેલવાનની ધોળા દિવસે હત્યા કરાવી દીધેલી. 

ગોલ્ડીએ એ પછી ડેરા સચ્ચા સૌદાના અનુયાયી પ્રદીપસિંહની હત્યા કરાવેલી. પ્રદીપ પર ૨૦૧૫માં ફરીદકોટમાંથી ગૂરુ ગ્રંથ સાહિબની કોપી ચોરી હોવાનો આરોપ હતો અને એ જામીન પર છૂટેલો. એ પછી સિધ્ધુ મૂસેવાલાની હત્યા ગોલ્ડીએ કરાવી હોવાનો દાવો કરાયેલો. મુસેવાલા હત્યા કેસમાં ગોલ્ડી મુખ્ય આરોપી છે. 

ગોલ્ડી લેડી ડોન અનુરાધા, વિરેન્દ્ર પ્રતાપ ઉર્ફે કાલા રાણા (થાઈલેન્ડ), મોન્ટી (યુકે), સૂબે ગુર્જર (અમેરિકા) સાથે મળીને ઈન્ટરનેશનલ ક્રાઈમ સિન્ડિકેટ ચલાવતો હોવાનું પણ કહેવાય છે.


Gujarat