For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચીન-પાકિસ્તાન કાશ્મીર પર આક્રમણની ફિરાકમાં ?

Updated: May 4th, 2024

ચીન-પાકિસ્તાન કાશ્મીર પર આક્રમણની ફિરાકમાં ?

- ચીન અને પાકિસ્તાન બંનેના બદઇરાદા સ્પષ્ટ છે બંનેનો ડોળો ભારતના પ્રદેશો પર છે : ચીનને અરૂણાચલ અને પાકિસ્તાનને આખું કાશ્મીર જોઈએ છે

- વિદેશી એક્સપર્ટ્સના મતે, સાક્શગામ વેલીમાં બની રહેલા રોડથી ભારતની સુરક્ષા સામે મોટો ખતરો ઉભો થશે જ. આપણી સરહદથી 49 કિલોમીટર દૂર રોડ બનાવે એ ખતરાનો સંકેત કહેવાય જ. ચીન પાસે અત્યાધુનિક ડ્રોન સહિતનાં હથિયારો છે. સિયાચીન ગ્લેશિયરથી માત્ર 49 કિલોમીટર દૂર રોડ બનેલો હોય એ સંજોગોમાં ચીન માટે ઝડપભેર લશ્કરી સરંજામ ઠાલવવાનું શક્ય બનશે તેથી તેનો હાથ ઉપર થઈ જશે. 

ચીને થોડા સમયની શાંતિ પછી ફરી પોતાની જાત બતાવી છે અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)ની સાક્શગામ વેલીમાં ચીનના શિનજિયાંગ પ્રાંતના યારકાન્દથી પીઓકેના મુઝફ્ફરાબાદ સુધીનો રોડ બાંધવા માંડયો છે. 

ભારતે તેની સામે વિરોધ નોંધાવ્યો છે પણ ચીન ભારતના વિરોધને પહેલેથી ગણકારતું નથી તેથી રોડ બનાવવાનું કામ ધમધોકાર ચાલુ કરી દીધું છે. 

આ રોડ ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વના મુશ્તાઘ પાસમાંથી પસાર થશે. આ રોડ દ્વારા ચીન પીઓકેથી શરૂ કરીને લડાખ સુધીનો આખો વિસ્તાર કવર કરી લેશે તેથી પાકિસ્તાન સાથે મળીને ચીન આખું કાશ્મીર કબજે કરવા માટે આક્રમણની તૈયારી તો નથી કરી રહ્યું ને એ સવાલ પણ ઉઠી રહ્યો છે. 

ચીન ગૂપચૂપ આ રોડ બનાવી રહ્યું હતું પણ સેટેલાઈટ ઈમેજમાં તેનું કારસ્તાન કેદ થઈ ગયું હતું. એક ભારતીયે આ સેટેલાઈટ ઈમેજ ટ્વિટર પર મૂકી પછી ચીનનું પાપ છાપરે ચડીને પોકાર્યું છે. 

ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વના સિયાચીન ગ્લેશિયરથી માત્ર ૪૯ કિલોમીટર દૂર આ રોડ બની રહ્યો છે. 

સિયાચીન ગ્લેશિયરમાં ભારતની ચોકીઓ ઉંચાઈ પર છે જ્યારે રોડ નીચે સાક્શગામ વેલીમાં બની રહ્યો હોવાથી ભારત પર કોઈ ખતરો નથી એવો દાવો આપણા કહેવાતા ડીફેન્સ એકસપર્ટ્સ કરી રહ્યા છે પણ આ એક્સપર્ટ્સની વાત બહુ ભરોસાપાત્ર નથી. 

તટસ્થ વિદેશી એક્સપર્ટ્સના મતે, સરકારની ચાપલૂસી કરવા એ લોકો ઓલ ઈઝ વેલની ઘંટડી વગાડયા કરે છે પણ આ રોડથી ભારતની સુરક્ષા સામે મોટો ખતરો ઉભો થશે જ કેમ કે ટેકનોલોજીના જમાનામાં કોણ ઉંચાઈ પર છે ને કોણ નીચે છે એ બહુ મહત્વનું નથી. ચીન દુનિયામાં અમેરિકાને ટક્કર આપે એવી લશ્કરી તાકાત ધરાવે છે એ જોતાં આપણી સરહદથી ૪૯ કિલોમીટર દૂર રોડ બનાવે એ ખતરાનો સંકેત કહેવાય જ. ચીન પાસે અત્યાધુનિક ડ્રોન સહિતનાં હથિયારો છે. 

સિયાચીન ગ્લેશિયરથી માત્ર ૪૯ કિલોમીટર દૂર રોડ બનેલો હોય એ સંજોગોમાં ચીન માટે ઝડપભેર લશ્કરી સરંજામ ઠાલવવાનું શક્ય બનશે તેથી તેનો હાથ ઉપર થઈ જશે. 

આ રોડના કારણે માત્ર ચીન જ નહીં પણ પાકિસ્તાનનું લશ્કર પણ તાકાતવર બની જશે. ચીન અને પાકિસ્તાન અત્યારે એક જ છે. આ રોડના કારણે પાકિસ્તાનના લશ્કર માટે ભારત-પાકિસ્તાન સરહદે નવી સપ્લાય લાઈન ખૂલી જશે. ચીન જંગી પ્રમાણમાં ને ગણતરીના કલાકોમાં પાકિસ્તાનના લશ્કરને જે જોઈએ એ સપ્લાય આપી શકશે તેથી કાશ્મીર પર કબજા માટે આક્રમણની તૈયારીની વાત સાવ મોં-માથા વિનાની નથી લાગતી. ૨૦૧૭માં ચીન અને ભારતના સૈનિકો વચ્ચે ડોકલામમાં થયેલા ઘર્ષણ પછી ચીને સાક્શગામ વેલીમાં ચાલી રહેલા બાંધકામમાં તેજી લાવી દીધી છે. 

આ તેજી કોઈ મોટા કાવતરા તરફ સંકેત આપી રહી છે. 

પાકિસ્તાને પચાવી પાડેલા ભારતના પ્રદેશોમાં ગિલગિત-બાલ્તિસ્તાન પણ છે. ગિલગિત-બાલ્તિસ્તાનમાં યુરેનિયમ સહિતની ખનિજોના ભંડાર ધરબાયેલા છે. 

ચીનને આ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં યુરેનિયમની ખાણો મળતાં યુરેનિયમને ચીન લઈ જવા રોડ બનાવાઈ રહ્યો હોવાની વાતો પણ ચાલી રહી છે.  આ વાત સાચી હોય તો પણ ચીનને રોડ બનાવવાનો અધિકાર નથી કે યુરેનિયન સહિતની ખનિજો કાઢીને લઈ જવાનો અધિકાર નથી કેમ કે આ વિસ્તાર ભારતનો છે. તેની ખનિજ સંપત્તિ અને જમીન બંને પર ભારતનો અધિકાર છે. 

ચીન-પાકિસ્તાન આ અધિકારને માનતાં નથી ને ભારત આ અધિકાર છિનવી લેવાની હિમત બતાવતું નથી. 

ચીન અને પાકિસ્તાન બંનેના બદઈરાદા સ્પષ્ટ છે. 

બંનેનો ડોળો ભારતના પ્રદેશો પર છે. ચીનને આખું અરૂણાચલ પ્રદેશ જોઈએ છે જ્યારે પાકિસ્તાનને આખંન કાશ્મીર જોઈએ છે.  બંનેના બદઈરાદાને પાર પાડવા માટે સાક્શગામ વેલીમાં તખ્તો તૈયાર કરાઈ રહ્યો હોવાની શક્યતા નકારી ના શકાય. 

આ માહોલમાં ભારતે શું કરવું જોઈએ એ સવાલ મહત્વનો છે. ભારત રાજદ્વારી રીતે વિરોધ નોંધાવે એ વાંઝિયો છે કેમ કે તેનાથી પાકિસ્તાન કે ચીનને કોઈ ફરક પડતો નથી. ભારત ચીન સામે સીધું ઘર્ષણમાં ઉતરવાનું જોખમ લઈ શકે તેમ નથી પણ પાકિસ્તાન સાથે ચોક્કસ સીધું ઘર્ષણ કરી શકે ને પીઓકે કબજો કરીને તેને ચમકારો પણ બતાવી શકે. 

જમ્મુ અને કાશ્મીરનો કુલ વિસ્તાર ૨,૨૨,૨૩૬ ચોરસ કિલોમીટર છે. તેમાંથી પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)નો કુલ વિસ્તાર ૧૩,૨૯૭ ચોરસ કિલોમીટર છે. તેનો અર્થ એ થાય કે, આખા કાશ્મીરના કુલ વિસ્તારમાં પીઓકે ૧૦ ટકાથી પણ ઓછો વિસ્તાર ધરાવે છે. આ સંજોગોમાં ભારત માટે પીઓકે પર કબજો કરવો અઘરો નથી. 

યોગ્ય આયોજન સાથે એક વાર હલ્લાબોલ કરાય તો પીઓકે ભારતના હાથમાં આવી જાય.  પીઓકે પર કબજો થાય એટલે પાકિસ્તાનનું નાક વઢાય અને ચીનને ભારતની સરહદથી દૂર ધકેલી શકાય એ જોતાં ભારત માટે પીઓકે પર કબજો જ શ્રેષ્ઠ વિકલ્પ છે. 

પાકિસ્તાને ચીન સાથે કરાર કરીને સાક્શગામ આપી દીધું

સાક્શગમ વેલી વિસ્તાર ભારતનો છે પણ પાકિસ્તાને ૧૯૬૩માં ચીન સાથે સરહદના કરાર કર્યા ત્યારે ચીનને આપી દીધેલો. 

પાકિસ્તાને આ વિસ્તાર પોતાનો હોવાના ચીનના દાવાને સ્વીકારીને ૫૩૦૦ ચોરસ કિલોમીટર વિસ્તાર ચીનને આપી દીધો છે.  ભારતે આ કરારને કદી સ્વીકાર્યો નથી પણ ચીન ભારતના વિરોધને ઘોળીને પી જઈને સાક્શગામ વેલીમાં બાંધકામ કર્યા કરે છે. ગિલગિટ-બાલ્તિસ્તાનનો વિસ્તાર પહેલાં નોર્ધન એરીયાઝ તરીકે ઓળખાતો હતો. દેશ આઝાદ થયો ત્યારે કાશ્મીરના મહારાજા હરિસિંહે મહામૂર્ખામી કરીને ભારત સાથે જોડાણ ના કર્યું કેમ કે હરિસિંહને કાશ્મીરના આઝાદ દેશના મહારાજા બનીને રાજ કરવાના અભરખા હતા. ગિલગિટ-બાલ્તિસ્તાનમાં સુરક્ષાની જવાબદારી સંભાળતી કાશ્મીર સ્ટેટની ગિલગિટ સ્કાઉટ્સનો કમાન્ડર  મેજર વિલિયમ બ્રાઉન નામનો અંગ્રેજ હતો જ્યારે ગવર્નર તરીકે ઘનસારા સિંહ હતો. 

પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર પચાવી પાડવા હુમલો કર્યો ત્યારે મેજર બ્રાઉને બળવો કરીને ઘનસારાસિંહને ઉથલાવી દીધો. 

જમ્મુ અને કાશ્મીરના લશ્કરના સેનાપતિ મિર્ઝા હસનખાને તેને સાથ આપ્યો. 

૧ નવેમ્બર, ૧૯૪૭ના રોજ ઘનસારાને ઉથલાવ્યા પછી ગિલગિટ-બાલ્તિસ્તાનમાં  કામચલાઉ સરકાર રચાયેલી કે જેના પ્રમુખ તરીકે રાજા શાહ રઈસ ખાન અને હસન ખાન કમાન્ડર-ઈન-ચીફ હતો. મેજર બ્રાઉને  પાકિસ્તાનને ગિલગિટ-બાલ્તિસ્તાન સોંપવાનો તખ્તો ઘડી કાઢેલો તેથી બળવા પછી તરત તાર કરી દીધેલો. ૧૮ દિવસ પછી પાકિસ્તાનના  પોલીટિકલ એજન્ટ ખાન મોહમ્મદ ખાન લશ્કર લઈને આવ્યા ત્યારે મેજર બ્રાઉને ગિલગિટ-બાલ્તિસ્તાન પાકિસ્તાનને સોંપી દીધું. મીર અને રાજાઓને પોતાની તરફ કરીને ગિલગિટ-બાલ્તિસ્તાનના પાકિસ્તાનમાં વિલિનીકરણને મંજૂરી પણ અપાવી દીધી પણ ભારતે તેને માન્ય નથી રાખી કેમ કે ગિલગિટ-બાલ્તિસ્તાન કાશ્મીરનો હિસ્સો હતું. 

ચીને અક્સાઈ ગામ પણ પચાવી પાડયું 

ચીને ભારતના અક્સાઈ ચીનના ૩૭,૨૪૪ ચોરસ કિલોમીટર વિસ્તાર પર પણ ગેરકાયદેસર કબજો કર્યો છે. અગ્રેેજોએ ભારત અને ચીન વચ્ચેની સરહદ નક્કી ના કરી તેથી ચીને તેના પર દાવો કરેલો પણ આઝાદી વખતે આ વિસ્તાર ભારત પાસે હતો.  ભારતના દાવા પ્રમાણે અક્સાઇ ચીન  કાશ્મીર રાજ્યનો ભાગ હતું જ્યારે ચીનના દાવા મુજબ અક્સાઈ ચીન શિનજિયાન્ગનો હિસ્સો છે. અક્સાઈ ચીન  તિબેટ અને શિન્જીયાન્ગને જોડે છે.

ગિલગિટ-બાલ્તિસ્તાનની નજીક આવેલો અક્સાઈ ચીનનો વિસ્તાર બર્ફીલી પહાડીઓમાં ફેલાયેલો છે. અક્સાઇ ચીન એ બરફીલી ભૂમિનો વિશાળ રણપ્રદેશ છે. સમુદ્રસપાટીથી આશરે ૫,૦૦૦ મીટરની ઊંચાઇએ આવેલા અક્સાઈ ચીનમાં બહુ લોકો રહેતાં નથી. પર્વતાળ પ્રદેશને કારણે છૂટીછવાયા સંખ્યાબંધ સ્થાનિક આદિવાસીઓના કબિલા છે. અત્યારે ચીનનો કબજો છે તેથી ચીનના અધિકારીઓ તથા કબિલાઓની મળીને માંડ દસ લાખની વસતી છે.

અક્સાઈ ચીન કારાકોરમની પેલે પાર હોવાથી ભારત માટે તેના પર નજર રાખવું શક્ય નહોતું તેથી ચીને આ વિસ્તાર પર કબજો કરવા માંડયો અને તિબેટથી શિનજિયાંગને જોડતો ૧૨૦૦ કિલોમીટર લાંબો રોડ બનાવી દીધો. 

ભારતને આ વાતની ખબર છેક ૧૯૫૮માં પડી. ભારતે તેની સામે વાંધો લેતાં ભારત-ચીનના સંબંધો તંગ બન્યા ને તેનું પરિણામ ૧૯૬૨માં ભારત-ચીન યુધ્ધમાં આવ્યું. ભારત આ યુધ્ધમાં હાર્યું તેથી અક્સાઈ ચીન કાયમ માટે ભારતના હાથમાંથી ગયું એમ કહી શકાય. ભારત હજુ આ પ્રદેશ પર દાવો કરે છે પણ ચીન ભારતને ગાંઠતું નથી. ૧૯૬૩ના સરહદ કરાર દ્વારા પાકિસ્તાને આ પ્રદેશ પરનો ચીનનો દાવો માન્ય રાખ્યો પછી તો ચીન તેને પોતાનો જ વિસ્તાર ગણાવે છે.

Gujarat