For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

‘પહેલા પુરાવા આપો, આ કેનેડાની આંતરિક મજબૂરી’, નિજ્જર કેસમાં ત્રણ ભારતીયની ધરપકડ મુદ્દે જયશંકરનો જવાબ

Updated: May 5th, 2024

‘પહેલા પુરાવા આપો, આ કેનેડાની આંતરિક મજબૂરી’, નિજ્જર કેસમાં ત્રણ ભારતીયની ધરપકડ મુદ્દે જયશંકરનો જવાબ

India-Canada Controversy : કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) ભારતની ટીકા કરતાં ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકરે (S Jaishankar) ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જર (Hardeep Singh Nijjar)ની હત્યા મામલે કેનેડાને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો છે કે, ‘નિજ્જર મુદ્દે કેનેડામાં જે પણ થઈ રહ્યું છે, તે તેમના આંતરિક રાજકારણને કારણે થઈ રહ્યું છે. તેમાં ભારતને કોઈ લેવા-દેવા નથી.’

જયશંકરે વડાપ્રધાન મોદીના કર્યા વખાણ

જયશંકરે કહ્યું કે, દેશને વિકસિત ભારત બનાવવા માટે, વિદેશ સહિત વિવિધ ક્ષેત્રોમાં સુધારા લાવવા માટે નરેન્દ્ર મોદી જેવા મજબુત અને સક્રિય વડાપ્રધાનની જરૂર છે. વિશ્વ સ્તરે ભારતની છબી પહેલા કરતા વધુ સારી છે, જ્યારે કેનેડા એક અપવાદ છે. વિવિધ દેશના વડાઓ ભારત અને ભારતના વડાપ્રધાનની પ્રશંસા કરે છે.

અમે તેમનું ધ્યાન દોર્યું, પણ કેનેડા સરકારે કશું ન કર્યું : જયશંકર

તેમણે વધુમાં કહ્યું કે, કેનેડામાં ખાલિસ્તાનને સમર્થન આપતો એક વર્ગ ત્યાંની લોકશાહીનો ઉપયોગ કરી રહ્યા છે અને વૉટ બેંક માટે એક લૉબી બનાવી રહ્યા છે. કેનેડાની સત્તાધારી પાર્ટી પાસે સંસદમાં બહુમતી નથી અને કેટલાક પક્ષો ખાલિસ્તાને સમર્થક આપતા નેતાઓ પર નિર્ભર છે. અમે તેમને ઘણી વખત સમજાવ્યા છે કે, તેઓ એવા લોકોને વિઝા, કાયદેસરતા અથવા રાજકીય જગ્યા ન આપે જેઓ તેમના (કેનેડા), અમારા અને અમારા સંબંધો માટે સમસ્યા ઊભી કરી રહ્યા છે. પરંતુ કેનેડાની સરકારે કંઈ કર્યું નથી.

ભારત-કેનેડા વચ્ચેનો વિવાદ કેવી રીતે વધ્યો? 

ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)ના પ્રમુખ હરદીપ સિંહ નિજ્જર (45)ની કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરેમાં 18 જૂન-2023ના રોજ એક ગુરુદ્વારાની બહાર બે અજાણ્યા શખ્સો દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. ભારતે કેનેડામાં રહેતા નિજ્જરને જૂલાઈ 2020માં ગેરકાયદે ગતિવિધિ અધિનિયમ (UAPA) હેઠળ આતંકવાદી જાહેર કર્યો હતો. નિજ્જરની હત્યા બાદ કેનેડાની સંસદમાં પીએમ ટ્રુડોએ આ આતંકીની હત્યામાં ભારતીય એજન્ટોનો હાથ હોવાનો દાવો કર્યો હતો. તેમણે ત્યાંની પાર્લામેન્ટમાં કહ્યું કે અમને એ વાતના પુરાવા મળ્યા છે કે નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી છે. જેના બાદ ભારતે  કેનેડા પાસે પુરાવા માગ્યા પણ કંઈ મળ્યું નહીં. ટ્રુડોના નિવેદન બાદથી જ ભારત અને કેનેડા વચ્ચે વિવાદ વકર્યો હતો. ભારતે ટ્રુડોના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

નિજ્જર કેસમાં ત્રણ ભારતીયની ધરપકડ મુદ્દે જયશંકરનો જવાબ

કેનેડામાં નિજ્જર કેસમાં ત્રણ ભારતીય નાગરિકોની ધરપકડ કરનારા કેનેડીયન અધિકારીઓએ કહ્યું કે, તેમની તપાસ હજુ પુરી થઈ નથી અને હત્યામાં સામેલ અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવશે, ત્યારે આ મુદ્દે જયશંકરે જવાબ આપતા કહ્યું કે, ‘કેનેડાએ કોઈ પુરાવા આપ્યા નથી. તેઓ કેટલાક કેસમાં અમારી સાથે કોઈ પુરાવા શેર કરતા નથી, પોલીસ એજન્સીઓ પણ અમને સહકાર આપતી નથી. કેનેડામાં ભારતને દોષ આપવો એ તેમની રાજકીય મજબૂરી છે. કેનેડામાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તેઓ વોટ બેંકની રાજનીતિમાં સામેલ થઈ ગયા છે. ઘણા દેશોના વડાઓ ભારતના વડાપ્રધાનનું ખૂબ સન્માન કરે છે.’

Gujarat