For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કસાબ નહિ, પણ સંઘના સમર્થક પોલીસ અધિકારીની ગોળીથી હેમંત કરકરેનું મોત

Updated: May 6th, 2024

કસાબ નહિ, પણ સંઘના સમર્થક પોલીસ અધિકારીની ગોળીથી હેમંત કરકરેનું મોત

કોંગ્રેસના વિજય વડેટ્ટીવારના દાવાથી રાજકીય ધમાલ

ઉજ્જવલ નિકમે વાત છૂપાવી દેશદ્રોહ કર્યો ઃ વડેટ્ટીવારનો દાવો કોંગ્રેસ એક આતંકીને ક્લિનચીટ આપી રહી ઃ ભાજપનો પ્રહાર

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષી નેતા કોંગ્રેસના અગ્રણી વિજય વડેટ્ટીવારે ૨૬-૧૧ના મુંબઈ હુમલા વખતે આતંકી અજમલ કસાબ નહિ પણ આરએસએસને સમર્થન આપનારા એક પોલીસ અધિકારીએ છોડેલી ગોળીના કારણે મહારાષ્ટ્ર એટીએસના તત્કાલીન વડા હેમંત કરકરેનું મોત થયું હતું તેવો દાવો કરતાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. હાલ ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી રહેલા ઉજ્જવલ નિકમે આ વાત છૂપાવી દેશદ્રોહ આચર્યાનો દાવો વડેટ્ટીવારે કર્યો છે. જોકે, ભાજપે વળતો પ્રહાર કરતાં કહ્યું છે કે કોંગ્રેસ એક આતંકીને ક્લિનચીટ આપી રહી છે. ભાજપે આ મુદ્દો તરત જ ઉઠાવી લઈ મુંબઈ સહિત રાજ્યભરમાં દેખાવો યોજ્યા હતા. 

૨૬-૧૧ના હુમલાને  લગતા કેસમાં ઉજ્જવલ નિકમ સરકારી વકીલ હતા. આ કેસમાં કસાબને ફાંસીની સજા થઈ હતી. નિકમ હાલ મુંબઈની નોર્થ સેન્ટ્રલ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. 

વડેટ્ટીવારે કહ્યું હતું કે નિકમે બિરિયાનીનો મુદ્દો ચગાવીને કોંગ્રેસને બદનામ કરી હતી. બાદમાં નિકમે પોતે જ  કબૂલી લીધું હતું કે બિરિયાનીની વાત ખોટી હતી. આ તે કેવા વકીલ છે. તેઓ દેશદ્રોહી છે. તેમણે કોર્ટમાં પણ આ વાત જણાવી ન હતી. હેમંત કરકરેનું મોત થયું તે ગોળી કસાબની ગન નહિ પણ  આરએસએસના વફાદાર એક પોલીસ અધિકારીની ગોળીથી છૂટી હતી. ભાજપે કોર્ટથી આ સત્ય છૂપાવનારા વ્યક્તિને કેમ ટિકિટ આપી છે. ભાજપ કેમ આવા દેશદ્રોહીઓને છાવરે છે તેમ વડેટ્ટીવારે કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે  અજમલ કસાબને ફાંસી થઈ તેમાં એક વકીલ તરીકે ઉજ્જવલ નિકમે કોઈ ખાસ કામ કર્યું નથી. કોઈપણ સામાન્ય વકીલ હોત કે માત્ર જામીનો અપાવી દેનારા સામાન્ય વકીલ હોત તો પણ કસાબને ફાંસી થવાની હતી એ નક્કી હતું. 

વડેટ્ટીવારના નિવેદનનો પ્રત્યાઘાત આપતાં મહારાષ્ટ્રના ભાજપના નેતા તથા રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડેએ કહ્યું હતું કે કોંગ્રેસ તેની ચોક્કસ વોટબેન્કને સાચવવા માટે ગમે તે સ્તરે જઈ શકે  છે  તેનો આ પુરાવો છે. મહારાષ્ટ્ર કોંગ્રૈેસના સિનિય નેતાએ એક આતંકીનો બચાવ કરીને આ વાત પુરવાર કરી છે. તેઓ એક આતંકીને ક્લિનચીટ આપી રહ્યા છે. તેમના દાવા મુજબ  શહીદ હેમંત કરકરેને કસાબે ગોળી ન હતી મારી. શું  કોંગ્રેસને એક આતંકીનો બચાવ કરવામાં શરમ નથી આવતી. કોંગ્રેસ જીતે તે માટે પાકિસ્તાનમાં શા માટે બંદગી થઈ રહી છે તેની હવે આખા દેશને ખબર પડી ગઈ છે. ે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે  આ બાબતે વડેટ્ટીવારને પ્રત્યુતર આપતા જણાવ્યું હતું કે ઉજ્જવલ નિકમ જેવા દેશભક્તને અમે ટિકિટ આપી છે, એટલે કોંગ્રેસને મુંબઈ પર આતંકી હુમલો કરનાર અજમલ કસાબની ચિંતા છે.

ઉલ્લેખનીય છે કે કસાબના હુમલામાં શહીદ થયેલા હેમંત કરકરેને મરણોપરાંત અશોક ચક્રના શૌર્ય પુરસ્કારનું સન્માન અપાયુ ંહતું. મુંબઈ હુમલા વખતે જીવતા પકડાયેલા એકમાત્ર આતંકી અજમલ કસાબ પર બાદમાં કેસ ચાલ્યો હતો. તેમાં ઉજ્જવલ નિકમ સરકારી વકીલ હતા. નિકમ હાલ મુંબઈ નોર્થ સેન્ટ્રલ બેઠક પર ભાજપના ઉમેદવાર છે અને તેમની સામે કોંગ્રેસનાં વર્ષા ગાયકવાડ ચૂંટણી લડી રહ્યાં છે. 

- મુશરીફના હુ કિલ્ડ કરકરે પુસ્તકના આધારે દાવોઃ વડેટ્ટીવાર

આ વિવાદ ભારે ચગતાં  વડેટ્ટીવારે  કહ્યુ ંહતું કે હેમંત કરકરે પર કોણે ગોળી ચલાવી હતી ત ેઅંગે મેં જે કહ્યું છે તે મારા પોતાના શબ્દો નથી. મહારાષ્ટ્ર પોલીસના તત્કાલીન અધિકારી એસ.એમ. મુશરીફનાં પુસ્તકમાં આ વાતનો ઉલ્લેખ છે. જે ગોળી હેમંત કરકરેને વાગી હતી તે કસાબની ગનમાંથી ચાલી ન હતી તેવું આ પુસ્તકમાં જણાવાયું છે. વડેટ્ટીવાર જે પુુસ્તરનો ઉલ્લેખ કરી રહ્યા છે તે  મહારાષ્ટ્રના ભૂતપૂર્વ આઈજીપી તથા એનસીપી નેતા હસન મુશરીફના ભાઈ એસ.એમ. મુશરીફનું પુસ્તક 'હુ કિલ્ડ કરકરે' છે.  આ પુસ્તક ૨૦૦૯માં  પ્રગટ કરાયું હતું. 

Gujarat