For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બદલાપુરની બારવી નદીમાં ડૂબી જવાથી 3 યુવાનના મોત

Updated: May 3rd, 2024

બદલાપુરની બારવી નદીમાં ડૂબી જવાથી 3 યુવાનના મોત

ગરમીથી છૂટકારો મેળવવા  ન્હાવા પડયા હતા

1 મિત્રને ડૂબતો બચાવવાના પ્રયાસમાં  વારાફરતી દોડેલા બાકીના 2 મિત્રો પણ ડૂબી ગયા

મુંબઇ :  બદલાપુર પાસેની બારવી નદીમાં નહાવા પડેલા અંબરનાથના ત્રણ યુવાનનાં ડૂબી જવાથી મોત થયા હતા.હાલ ગરમી વધુ પડી રહી હોવાથી આ વિસ્તારમાં રહેતા યુવાનો મોટી સંખ્યામાં ચિપલોલી, ઉલ્હાસનદી તેમજ બારવી નદી/ડેમમાં નહાવા ઉમટી પડે છે. આવી જ રીતે આ યુવાનો નહાવા નદીમાં પડયા હતા અને કાળનો કોળીયો બની ગયા હતા.

આ સંદર્ભે વધુ વિગતાનુસાર બુધવારે બપોરે અંબરનાથ (વે)માં આવેલ ઘાડગે નગર વિસ્તારમાં રહેતા તિકેશ મુરગુ (૨૩) સુહાસ કાબળે (૨૦) અને યુવરાજ હુલી (૧૮) નામના ત્રણ યુવાનો બદલાપુર પાસેના બારવી ડેમ વિસ્તારની બારવી નદીમાં નહાવા આવ્યા હતા.

આ સમયે ઉંડા પાણીનો અંદાજ ન આવતા યુવરાજ હુલી ઉંડા પાણીમાં ડૂબવા માંડયો હતો. આ દ્રશ્ય જોઇ પ્રથમ સુહાસ તેને બચાવવા દોડયો હતો પણ તે પણ ડૂબવા માંડયો હતો. પોતાના બન્ને મિત્રોને ડૂબતા જોઇ તિકેશ પણ તેમને બચાવવા ગયો હતો જોકે ત્રણેય મિત્રો નદીના ઉંડા પાણીમાં ગરક થઇ ગયા હતા.

આ ઘટનાની જાણ થતા જ પોલીસ  અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ શોધખોળ આદરી ત્રણેય યુવાનોના મૃતદેહ નદીના પાણીમાંથી શોધી કાઢી બહાર કાઢ્યા હતા.  આ ત્રણેય કોલેજના વિદ્યાથી છે અને આ પ્રકરણે કુળગાવ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મૃત્યુની નોંધ કરવામાં આવી છે. આ ઘટના બાદ પોલીસે જાહેર જનતાને સાવધ કરતા જણાવ્યું હતું કે હાલ ગરમી પડી રહી હોવાથી યુવાનો મોટી સંખ્યામાં ચિકખલોલી અને ઉલ્હાસ તેમજ બારવી નદી સહિત નાના મોટા તળાવમાં ગરમીથી રાહત મેળવવા નહાવા પડે છે. જોકે અજાણ્યા અને ઊંડા પાણીમાં ઝંપલાવવા સામે તાકીદ કરાઈ છે.


Gujarat