For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતની પ્રથમ મહિલા કુસ્તીબાજ હમીદાએ વડોદરામાં એવુ શું પરાક્રમ કર્યુ હતુ કે ગુગલે યાદ કરવી પડી

તા.4 મે 1954ના રોજ મહિલા કુસ્તીબાજ હમીદાએ વડોદરાના બાબા પહેલવાનને 1.34 મિનિટમાં હરાવીને વિશ્વ પ્રસિધ્ધ બની હતી

Updated: May 5th, 2024

ભારતની પ્રથમ મહિલા કુસ્તીબાજ હમીદાએ વડોદરામાં એવુ શું પરાક્રમ કર્યુ હતુ કે ગુગલે યાદ કરવી પડી

વડોદરા : ગુગલ આજે જેમના ફોટો સાથે ડૂડલ બનાવીને શ્રધ્ધાંજલિ આપે છે તે ભારતના પ્રથમ મહિલા કુસ્તીબાજ હમીદા બાનું છે.એક સમયે વિશ્વભરના અખબારોની હેડલાઇન બનનાર હમીદા બાનુની જીંદગીના આખરી દિવસો ગુમનામીમાં વિત્યા હતા. હમીદાનો વડોદરા સાથે શુ સંબંધ છે તે પણ જાણો. 

અલીગઢની એમેઝોન તરીકે ઓળખાતી હમીદા બાનુનો જન્મ સન ૧૯૧૦ની આસપાસ ઉત્તર પ્રદેશના અલીગઢ નજીક આવેલા મીર્ઝાપુરમાં કુસ્તીબાજોના પરિવારમાં થયો હતો. હમીદાએ એવા સમયે કુસ્તીમાં પ્રવેશ કર્યો જ્યારે ભારતમાં એથ્લેટિક્સમાં મહિલાઓની ભાગીદારી શૂન્ય હતી.મહિલાઓ ખેલકુદમાં ભાગ લે તેનો સમાજમાં વિરોધ થતો હતો.પરંતુ હમીદાએ તમામ પરંપરાઓ તોડીને પોતાના પ્રબળ આત્મવિશ્વાસથી કુસ્તી જેવા પુરૃષ પ્રભાવિત ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. તેણે ૧૯૪૦ થી ૧૯૫૦ દરમિયાન એક દશકામાં કુશ્તીના ૩૦૦ મુકાબલાઓ જીતી લીધા હતા. હમીદાએ મુંબઇ ખાતે એક મુકાબલામાં રશિયન મહિલા કુસ્તીબાજ વેરા ચિસ્ટિલિનને બે મિનિટથી ઓછા સમયમાં ધૂળ ચાટતી કરી દીધી હતી.

 હમીદાબાનુ સામે હાર્યા બાદ બાબા પહેલવાને નિવૃત્તિ જાહેર કરી દીધી હતી

વર્ષ ૧૯૫૪માં મે મહિનામાં હમીદાએ પુરૃષ કુસ્તીબાજોને પડકાર આપ્યો કે 'મને હરાવો અને હું તારી સાથે લગ્ન કરીશ'. આ ઘોષણા પછી તરત જ, તેણે પંજાબના પટિયાલાના અને પશ્ચિમ બંગાળના કોલક્તાના એમ બે પુરૃષ કુસ્તી ચેમ્પિયનને હરાવ્યા. તે જ વર્ષે હમીદા ચેલેન્જ સાથેના ત્રીજા મુકાબલા માટે વડોદરા આવી પહોંચી હતી. મુકાબલા માટે  મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડે  છોટે ગામા પહેલવાન નામના કુસ્તીબાજને સ્પોન્સર કર્યો હતો, તા.૪ મે ૧૯૫૪ના રોજ છોટે ગામા પહેલવાન સામે હમીદાનો મુકાબલો થવાનો હતો. જો કે,છોટે ગામા પહેલવાન એમ કહીને અચાનક જ સ્પર્ધામાંથી બહાર નીકળી ગયો કે હું મહિલા સાથે નહીં લડુ જેના કારણે હમીદાનો મુકાબલો બાબા પહેલવાન સાથે થયો. આ મુકાબલો હમીદા માત્ર ૧ મિનિટ અને ૩૪ સેકન્ડમાં જીતી ગઇ હતી. એક મહિલા સામે હારના કારણે બાબા પહેલવાને તે દિવસે વ્યવસાયિક કુસ્તીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. કુસ્તીના આ મુકાબલાએ વિશ્વભરમાં હમીદાને ખ્યાતિ અપાવી. વિશ્વભરના અખબારોમાં હમીદા હેડલાઇન બની હતી. એટલે ૪થી મેનો દિવસ ગુગલે હમીદાના નામે સમર્પિત કરીને ડૂડલ બનાવ્યું.
Article Content Image
હમીદા બાનુ

કુસ્તીના કોચ સલમાન પહેલવાને હમીદાને એટલી ફટકારી કે તેનો પગ ભાંગી ગયો

મુંબઈમાં રશિયન કુસ્તીબાજ મહિલા  ચિસ્ટિલિનને હરાવ્યા પછી,હમીદાની ઇચ્છા યુરોપમાં જઇને કુસ્તીબાજોને હરાવવાની હતી. પરંતુ આ વાત હમીદાના કુસ્તી ઉસ્તાદ (કોચ) સલમાન પહેલાનને પસંદ નહતી. હમીદાને યુરોપ જતી રોકવા માટે સલમાને હમીદાને લાકડીથી એટલે ફટકારી કે હમીદાના પગમાં ફ્રેક્ચર થઇ ગયુ હતું.  તે પછીથી સાજી થઈ ગઈ,પરંતુ લાઠી વગર તે વર્ષો સુધી બરાબર ચાલી શકતી ન હતી.આ ઘટના બાદ હમીદા કુસ્તી જગતમાંથી અલોપ થઇ ગઇ.જીવનના છેલ્લા દીવસોમાં હમીદા મુંબઇમાં દુધ વેચીને અને તેના મકાનને ભાડે આપીને થતી આવકમાંથી ગુજરાન ચલાવતી હતી. છેલ્લે તો પરિસ્થિતિ એવી હતી કે ફુટપાથ ઉપર નાસ્તો વેચીને ગુજરાન ચલાવવુ પડતુ હતું. વર્ષ ૧૯૮૬માં હમીદા આ જગતને અલવીદા કહીને જતી રહી.

પ ફુટ ૩ ઇંચ ઊંચાઇ અને ૧૦૮ કિલો વજન ધરાવતી હમીદાનો રોજનો ખોરાક

- ૬ ઇંડા

- ૨ બ્રેડના મોટા પેકેટ

- ૨ પ્લેટ બિરિયાની

- ૩ લીટર સુપ

- ૨ લીટર ફ્રુટ જ્યુસ

- ૧ ચિકન

- ૧ કિલો મટન

- ૫૦૦ ગ્રામ માખણ

- ૨૦૦ ગ્રામ બદામ

Gujarat