For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ખેડા બેઠક પર 20.01 લાખ મતદારો 12 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

Updated: May 6th, 2024

ખેડા બેઠક પર 20.01 લાખ મતદારો 12 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

- 2019 ની ચૂંટણીમાં 10.98 લાખ લોકોએ મતદાન કર્યું હતું

- મંગળવારે જિલ્લામાં 42 ડિગ્રી આસપાસ ગરમી રહેવાની આગાહી : મતદારો મન નહીં કળવા દેતા ઉમેદવારો મૂઝાંયા

નડિયાદ : ખેડા લોકસભા બેઠક ઉપર તા. ૭મીએ મતદાન યોજાવાનું છે. તે દિવસે જિલ્લામાં ૪૨ ડિગ્રી આસપાસ ગરમી રહેવાની હવામાન ખાતાની આગાહી છે. જેના પગલે રાજકીય પક્ષોના કાર્યકરો મતદારોને મતદાન કરાવવા માટે દોડધામ કરવી પડશે. એટલું જ નહીં ખેડા બેઠક પર ૨૦.૦૧ લાખ મતદારો ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના ૧૨ ઉમેદવારોનું ભાવિ ઘડવાના છે. ત્યારે મતદારો પોતાનું મન નહીં કળવા દેતા ઉમેદવારો પણ મૂંઝવણમાં મૂકાયા છે. જ્યારે ૨૦૧૯ની ચૂંટણીમાં ૧૦.૯૮ લાખ મતદારોએ મતદાન કરતા કુલ ૬૧ ટકા મતદાન નોંધાયું હતું.

ખેડા લોકસભા બેઠક પર મંગળવારે મતદાન યોજાશે. આ પહેલા ચૂંટણી પંચે મતદાન વધારે થાય તે માટે તમામ પ્રયાસ કર્યા છે. ત્યારે ખેડા લોકસભામાં સમાવિષ્ટ દસક્રોઈ, ધોળકા, માતર, મહેમદાવાદ, નડિયાદ, કપડવંજ અને મહુધા બેઠક મળી કુલ ૨૦.૦૧ લાખ મતદારોના હાથમાં ૧૨ ઉમેદવારનું ભવિષ્ય છે. આમ તો છેલ્લા અઢી દાયકાથી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ સીધી ટક્કર થઈ રહી છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં પણ બંને પક્ષ વચ્ચે સીધો જંગ છે. ત્યારે હવે ૨૦.૦૧ લાખ મતદારો પૈકી કેટલા મતદારો મતદાન મથક સુધી પહોંચે છે, તેની પર સૌની નજર છે. 

છેલ્લી ત્રણ ચૂંટણીની વાત કરીએ તો વર્ષ ૨૦૧૯માં ૬૧.૦૪ ટકા, વર્ષ ૨૦૧૪માં ૫૯.૮૬ ટકા અને વર્ષ ૨૦૦૯માં ૪૧.૦૬ ટકા મતદાન નોંધાયું હતું. સામાન્ય રીતે મતદાન વધતુ ગયું છે. ત્યારે વર્ષ ૨૦૦૯માં ૬.૦૨ લાખ લોકોએ, વર્ષ ૨૦૧૪માં ૯.૫૭ મતદારોએ અને વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૧૦.૯૮ લાખ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પરંતુ આ વખતે તા. ૭મી મેના દિવસે તાપમાનનો પારો ૪૨ ડિગ્રી રહેશે, ત્યારે આ આકરા તાપ વચ્ચે કેટલુ મતદાન થાય છે, તેની પર સૌની નજર છે. તો વળી, આ મતદાન કરનારા મતદારો કોને ખેડા લોકસભામાંથી દિલ્હી મોકલશે, તે પરીણામ આવ્યા બાદ જ જાણ થશે.

વિધાનસભા દીઠ નોંધાયેલા મતદારોની સંખ્યા

કઈ વિધાનસભામાં કેટલા મતદારો

વિધાનસભા

મતદારો

દસક્રોઈ

૪.૦૩ લાખ

ધોળકા

૨.૫૩ લાખ

માતર

૨.૫૨ લાખ

નડિયાદ

૨.૭૨ લાખ

મહેમદાવાદ

૨.૫૩ લાખ

મહુધા

૨.૫૪ લાખ

કપડવંજ

૩.૦૨ લાખ

Gujarat