For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઈઝરાયેલમાં અલ-જઝીરાની ઓફિસો બંધ કરવાનો આદેશ

Updated: May 6th, 2024

ઈઝરાયેલમાં અલ-જઝીરાની ઓફિસો બંધ કરવાનો આદેશ

હમાસની તરફેણ અને સહયોગ કરવાના આરોપ વચ્ચે

અલ જઝીરા પર હમાસ સાથેના સંઘર્ષમાં ઈઝરાયેલ વિરુદ્ધ વલણ અપનાવવાની ટીકા થતી રહી છે

તેલ અવીવ: ઈઝરાયેલી વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ રવિવારે જાહેર કર્યું કે તેમની સરકારે કતારની માલિકીના બ્રોડકાસ્ટર અલ જઝીરાની સ્થાનિક ઓફિસ બંધ કરવા સર્વાનુમતે નિર્ણય લીધો છે. આ નિર્ણય સાથે ખાસ કરીને જ્યારે હમાસ સાથે કતારની મધ્યસ્થી સાથે વાટાઘાટો ચાલી રહી છે ત્યારે ઈઝરાયેલના ચેનલ સાથે ચાલી રહેલા સંઘર્ષમાં વધારો થયો છે. ઈઝરાયેલી વડા પ્રધાનની જાહેરાતમાં ઓફિસો બંધ કરવા વિશેના સમયની વિગતો જાહેર નથી કરાઈ. અલ જઝીરાએ ઈઝરાયેલ સામે ઉશ્કેરણી કરી હોવાના આરોપો નકાર્યા હતા.

નેતાન્યાહુની સરકારના નિર્ણયથી ઈઝરાયેલ અને પૂર્વ જેરુસલમમાં અલ જઝીરાની પ્રવૃત્તિને અસર થશે. અગાઉ ઓક્ટોબરમાં થયેલા હુમલામાં તેણે લાઈવ શોટ પ્રસારિત કર્યા હતા. જો કે પેલેસ્ટાઈનમાં તેની પ્રવૃત્તિઓ પર કોઈ અસર નહિ થાય. ઈઝરાયેલી મીડિયા અનુસાર બંધનો આદેશ ૪૫ દિવસ સુધી અમલમાં રહેશે જેમાં તેના તમામ ઉપકરણો જપ્ત કરવામાં આવશે. આ નિર્ણયથી ગાઝા સંઘર્ષમાં મુખ્ય મધ્યસ્થી રહેલા કતાર સાથે ઈઝરાયેલના સંબંધોમાં તણાવ વધુ તીવ્ર બનશે. 

સંઘર્ષના રિપોર્ટિંગ દરમ્યાન એક પત્રકાર અને એક કેમેરામેનના મોત સહિત તાજેતરની અથડામણો અને નુકસાન પછી ઈઝરાયેલ અને અલ જઝીરા વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો હતો. અલ જઝીરાએ યુદ્ધના રિપોર્ટિંગમાં ઈઝરાયેલ વિરુદ્ધ વલણ અપનાવીને તે મુજબની તસવીરો પ્રસારિત કરતા બંને વચ્ચના સંબંધો વધુ વણસ્યા હતા. કતારની માલિકીની આ ચેનલ સામે અરબના આતંકી જુથોની તરફેણ કરવાની ટીકા સતત થતી રહી છે. આ પગલા સાથે ઈઝરાયેલે અલ જઝીરા પર હમાસ પ્રત્યે પક્ષપાત રાખવાનો અને સહયોગ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે અલ જઝીરાએ મધ્ય પૂર્વના અન્ય દેશોમાં પણ શટડાઉન અથવા પ્રવૃત્તિ બંધ કરવાના નિર્ણયનો સામનો કરવો પડયો છે જે ૨૦૧૩માં લશ્કરના સત્તા ગ્રહણ દરમ્યાન ઈજિપ્તની કાર્યવાહીની યાદ અપાવે છે.


Gujarat