For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિપક્ષી જોડાણ હવે કોંગ્રેસના ભરોસેઃ દિલ્હી કોંગીમાં ડખો

Updated: May 1st, 2024

વિપક્ષી જોડાણ હવે કોંગ્રેસના ભરોસેઃ દિલ્હી કોંગીમાં ડખો

- રાહુલ અને પ્રિયંકા પર પ્રચારનો ભાર

- ઇનસાઇડ સ્ટોરી

- વિપક્ષી જોડાણના નેતાઓ પ્રચાર માટે અન્ય રાજ્યોમાં જતા નથી

લોકસભાનો ચૂંટણી જંગ રસપ્રદ બનતો જાય છે. વિપક્ષોના જોડાણમાં કોંગ્રેસ સર્વોપરી સાબિત થઇ છે. ચૂંટણી જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો હોય એવું દેખાઇ રહ્યો છે. 

વિપક્ષી જોડાણના મુખ્ય પક્ષો પૈકી મમતા બેનરજી અન્ય  રાજ્યોમાં પ્રચાર કરવા ગયા નથી કે ત્યાં જવા તે તૈયાર નથી એમ કહી ચૂક્યા છે. 

દક્ષિણના રાજ્યોના કોઇ નેતા હજુ સુધી અન્ય રાજ્યમાં પ્રચાર કરવા નથી ગયા. લાલુપ્રસાદ યાદવ હવે મતદારો પર પ્રભાવ ઉભો કરી શકે ેએમ નથી .

 અરવિંદ કેજરીવાલ મતદારોને ખેંચી શકે છે પરંતુ તે જેલમાં છે. આમ વિપક્ષો તરફથી પ્રચારની ઝુંબેશ માત્ર કોંગ્રેસ પાસે હોય એમ દેખાઇ રહ્યું છે. એવી જ રીતે અખિલેશ યાદવ અન્ય રાજ્યામાં પ્રભાવ ઊભો કરી શકે એમ નથી.

 કોંગ્રસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી તેજાબી પ્રચાર કરી રહ્યા છે. વિપક્ષોની સંખ્યા વધુ છે પરંતુ તેમની પાસે પ્રચાર કરી શકે એવા નેતાઓની બહુ મોટી અછત છે એમ કહી શકાય.  સામે છેડે ભાજપ પાસે એગ્રેસીવ પ્રચાર કરી શકે એવી મોટી ફોજ છે.

રાહુલ અને પ્રિયંકાના માથે વિપક્ષી જોડાણના પ્રચારની જવાબદારી આવી પડી છે. આ જવાબદારી બહુ મોટી અને થકાવી નાખે એવી છે. ભાજપ અને કોંગ્રસ બંને પ્રચારની મર્યાદા ગુમાવી ચૂક્યા છે. 

બંને પક્ષે ટોચના નેતાઓની ભાષણ બાજીમાં શરૂઆતમાં સંયમ જોવા મળતો હતો પરંતુ હવે તો વડાપ્રધાન મોદીના ભાષણમાં ગાંધી પરિવારનો ઉલ્લેખ ફરજીયાત બની ગયો હોય એમ લાગે છે. ગાંધી પરિવારના ઉલ્લેખ વિના તેમનું ભાષણ અધુરૂં હોય એમ લાગે છે.

કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હવે અડધી પીચે આવીને ફટકા બાજી કરતા હોય એમ નજરે પડે છે. જેમ ભાજપમાં ગુજરાત ખાતે રૂપાલા સામે વિરોધ છે એમ દિલ્હીમાં કનૈયા કુમારને આપેલી ટિકીટનો વિરોધ જોવા મળે છે. કનૈયા કમારને આપેલી ટિકીટથી દિલ્હી કોંગ્રેસના કાર્યકરો નારાજ ચાલી રહ્યા છે.

આ વિવાદ એટલો આગળ વધ્યો હતો કે તેના કારણે દિલ્હી કોંગ્રસના પ્રમુખ અરવિંદરસિંહ લવલીએ રાજીનામું આપી દીધું હતું. આમ આદમી પાર્ટી સાથેના જોડાણનો પણ દિલ્હીમાં વિરોધ જોવા મળે છે. આ બંને પક્ષના કાર્યકરોને એક બીજા સાથે ઉભ્ભેય બનતું નથી. અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં દખાવો થયા તેમાં કોંગ્રસનો કોઇ ટોચનો નેતા જોવા નહોતો મળ્યો.

લવલીએ પોતાને કઇ વાતનો વિરોધ છે તે દર્શાવતો કાગળ પણ કોંગ્રેસ પ્રમુખને લખ્યો છે. તેમાં બે મુદ્દા મહત્વના હતા. પહેલો મુદ્દા એ હતો કે દિલ્હી કોંગ્રેસના પ્રભારી દિપક બાબરીયા મને સ્વતંત્ર રીતે કામ કરવા નથી દેતા અને બીજો મુદ્દો કનૈયા કુમારને ઇસ્ટ દિલ્હી બેઠકની ટિકીટ આપવાનો છે.

ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શિલા દિક્ષીત બહુ ભ્રષ્ટાચારી છે એમ કહેનાર આમ આદમી પાર્ટી સાથે દિલ્હીમાં જોડાણથી શીલા દિક્ષીતના પુત્ર સંદીપ દિક્ષીતનું જૂથ નારાજ ચાલી રહ્યું છે.

 વિપક્ષી જોડાણ સાથે સંકળાયેલા પ્રાદેશિક પક્ષો હવે કોંગ્રસના ભરોસે હોય એમ લાગી રહ્યું છે. મોડો મોડે પણ કોંગ્રેસ ચૂંટણીમાં સક્રિય બની છે.

Gujarat