For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અજિત અને ચન્દ્રાબાબુ, ભાજપને ગાંઠતા નથી

Updated: May 6th, 2024

અજિત અને ચન્દ્રાબાબુ, ભાજપને ગાંઠતા નથી

નવીદિલ્હી: ભાજપવાળા તેમના ચૂંટણી પ્રચારમાં સતત એવો આરોપ લગાવી રહ્યા છે કે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયામાં ં અંદરોઅંદર કોઈ તાલમેલ નથી અને ઘણીવખત તો બધા એકબીજાથી વિરોધાભાસી  વાતો કરે છે. જોકે, ભાજપને પણ તેના સાથી પક્ષો થકી ઓછી તકલીફ નથી. આંધ્રના ભૂતપૂર્વ  સીએમ અને હાલ ભાજપના એનડીએના એક ઘટક ટીડીપીના નેતા ચન્દ્રાબાબુ નાયડુએ મુસ્લિમોને ચાર ટકા અનામતનું વચન આપ્યું છે. હજુ થોડા દિવસો પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગણાના ઝહિરાબાદમાં જ એક ચૂંટણી સભામાં જણાવ્યું હતું કે પોતે ઓબીસી તથા આદિવાસીઓના ભોગે  મુસ્લિમોને અનામત અપાય તેના પક્ષમાં નથી. કર્ણાટકમાં  કોંગ્રેસ સરકારે મુસ્લિમોને ઓબીસી અનામતનો લાભ આપવાનું જાહેર કર્યું છે તેને ભાજપે ચૂંટણી મુદ્દો બનાવ્યો છે. તેવા સમયે જ ચન્દ્રાબાબુ નાયડુની આ જાહેરાત ભાજપને મૂંઝવણની સ્થિતિમાં મૂકી શકે છે. જોકે, ભાજપ માટે ક્ષોભની સ્થિતિ સર્જનારા સાથીઓમાં ચન્દ્રાબાબુ એકલા નથી. થોડા સમય પહેલાં મહારાષ્ટ્રમાં પણ એનડીએના ઘટક પક્ષ એનસીપીના નેતા અજિત પવારે પોતાનો અલાયદો ચૂંટણી ઢંઢેરો પ્રગટ કર્યો હતો તેમાં જાતિ આધારિત વસતી ગણતરીની માંગ ઉચ્ચારવામાં આવી છે. કોંગ્રેસના નેતાઓ તેમના પ્રચારમાં સતત જાતિ આધારિત વસતી ગણતરીની તરફેણ કરતા રહ્યા છે જ્યારે ભાજપ તેના વિરોધમાં છે. પરંતુ, ભાજપના જ સાથી નેતા અજિત પવારે જાતિ આધારિત વસતી ગણતરીની વાત ઉચ્ચારતાં ભાજપના નેતાઓ માથું ખંજવાળી રહ્યા છે. 

પત્ની કરતાં પતિ પાસે વધારે સોનું 

ચૂંટણી ફોર્મ ભરતા ઉમેદવારો  તેમની સંપત્તિના આંકડા જાહેર કરે છે તે ક્યારેક રોચક અને રમૂજ પમાડનારા હોય છે. હરિયાણાના અંબાલાનો જ દાખલો જુઓ. અહીં કોંગ્રેસના ઉમેદવાર વરુણ ચૌધરી  મુલ્લાનાએ પોતાની પાસે ૯૦૦ ગ્રામ સોનું હોવાનું જાહેર કર્યું છે. તેની કિંમત આશરે ૫૮ લાખ થવા જાય છે. બીજી તરફ તેમની પત્નીના નામે ૩૯ લાખ રુપિયાનું ૬૦૦ ગ્રામ સોનું દર્શાવાયું છે. હવે પતિ પાસે પત્ની કરતાં વધારે સોનું હોય તે વાત લોકોને ગળે ઉતરતી નથી. જોકે, નેતાઓની તેમની સંપત્તિના હિસાબો રાખવાની રીત ન્યારી હોય છે. વરુણના પિતા ફૂલચંદ મુલ્લાના અગાઉ  હરિયાણા કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. તેમની સામે ભાજપના ઉમેદવાર બન્ટો કટારીયા છે. બંટો પણ અંબાલાના ત્રણ ટર્મ સાંસદ રહેલા રતન લાલ કટારિયાનાં પત્ની છે. રતનલાલ કટારિયાના અવસાન પછી પક્ષે તેમને ટિકટ આપી છે. બન્ટો કટારિયાએ ૨૫૦ ગ્રામ સોનું જ જાહેર કર્યું છે. 

હાથમાં ચોખા લ્યો કે મતદાન કરશો

દેશમાં ધોમધખતા ઉનાળામાં ચૂંટણી યોજાઈ રહી છે. વળી કોઈ ખાસ ભાવનાત્મક મોજું પણ નથી. એટલે મતદાન પ્રમાણમાં ઓછું થશે તેવી ગણતરીઓ મૂકાઈ રહી છે. આ સંજોગોમાં ચૂંટણી તંત્ર ઉપરાંત અન્ય સંસ્થાઓ પણ મહત્તમ મતદાન થાય તે માટે પ્રયાસો કરી રહ્યાં છે. છત્તીસગઢના બલરામ પુર જિલ્લામાં એક એનજીઓએ મતદાન જાગૃતિ સાથે પરંપરાને જોડી દીધી છે. અહીં મતદારોને આંબલીના પત્તાં સાથે પીળા ચોખા વહેંચવામાં આવી રહ્યા છે. મહિલા સેલ્ફ હેલ્પ ગૂ્રપ દ્વારા આ પહેલા કરાઈ છે. આ વિસ્તારમાં સામાન્ય રીતે કોઈને લગ્નમાં આમંત્રણ આપવું હોય કે કોઈ સામુદાયિક પ્રસંગે નોતરાં પાઠવવાના હોય તો આ રીતે આમંત્રણ અપાય છે. તે પરથી આ મહિલાોએ ચૂંટણી પણ એક પ્રસંગ પર્વ છે તેમ માની લોકોને આ દિવસે મતદાન મથક સુધી આવી મતદાનની પવિત્ર ફરજ બજાવવા માટે સમજાવવા આ પરંપરાગત આમંત્રણ રીતિ અખત્યાર કરવામાં આવી છે. 

નડ્ડા, માલવિયા સામે કર્ણાટકમાં ફરિયાદ

દેશમાં જ્યાં વિપક્ષ શાસિત રાજ્યો છે ત્યાં ભાજપના નેતાઓને ચૂંટણી આચારસંહિતા કે અન્ય બાબતે કાનૂની ભીંસમાં લેવાનો સિલસિલો ચાલુ છે. કર્ણાટકમાં આ બાબતે સૌથી ઉગ્ર માહોલ જોવા મળા છે. અહીં શિડયૂલ્ડ કાસ્ટ તથા શિડયૂલ્ડ ટ્રાઈબના મતદારોને ધાકધમકી આપવાના ઈરાદાનો દાવો કરીને એક સોશિયલ મીડિયા પોસ્ટ માટે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા તથા આઈટી ે સેલના ઈન્ચાર્જ અણિત માલવિય ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રમુખ બી. વાય. વીજેન્દ્ર સામે કોંગ્રેસ દ્વારા ઔપચારિક ફરિયાદ કરવામાં આવી છે. કર્ણાટક સરકારે મુસ્લિમોને ઓબીસી અનામતનો લાભ આપવાનો ફતવો પ્રગટ કર્યો હોવા બાબતે વડાપ્રધાન દ્વારા કરાયેલા આક્ષેપોના સંદર્ભમાં ભાજપ દ્વારા આ વીડિયો રીલીઝ કરાયો હતો. આ વીડિયોમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તથા કર્ણાટકના સીએમ સિદ્ધારામૈયાહનું જે રીતે ચિત્રણ કરાયું છે તેની સામે કોંગ્રેસે વાંધો લઈ આ ફરિયાદ કરી છે. 

ચૂંટણી જોવા પરદેશી પરોણા પધારશે

આપણને આપણા દેશની ચૂંટણી ભલે નિરસ લાગતી હોય પરંતુ  વિદેશના લોકો તથા સરકારોને આપણા દેશની  ચૂંટણીમાં ભારે રસ પડે છે. માત્ર કોમ જીતશે કે હારશે તે રીતે નહીં પરંતુ આટલા મોટા અને આટલી બધી સંકુલતા ધરાવતા દેશમાં એકસાથે આ રીતે કેવી રીતે ચૂંટણી પાર પાડવામાં આવે છે તે દુનિયાને કેટલાય દેશો માટે અજાયબીનો વિષય છે. દરેક ચૂંટણી વખતે ભારતીય ચૂંટણી પંચ દ્વારા વિદેશી મહાનુભવોને આ ચૂંટણી પ્રક્રિયા જોવા માટે ખાસ આમંત્રણ પણ પાઠવવામાં આવે છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ વખતે જુદા જુદા ૨૩ દેશોના ચૂંટણી તંત્રના લગભગ ૭૫  જેટલા પદાધિકારીઓને આપણી ચૂંટઈ પ્રક્રિયા નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ચૂંટણી પંચ આ સમગ્ર કવાયતને ઈલેક્શન વિઝિટર્સ પ્રોગ્રામ તરીકે ઓળખાવે છે. તેના  દ્વારા ભારતમાં કેવી રીતે મુક્ત અને પારદર્શી રીતે ચૂંટણી યોજાય છે, કેવી કુનેહથી આટલા મોટા દેશમાં આ કામગીરી પાર પાડવામાં આવે છે અને તે રીતે લોકશાહીનાં મૂળિયાં વધારે સુદૃઢ કરવામાં આવે છે તે દર્શાવવામાં આવે છે. ચૂંટણી પંચનો દાવો છે કે આ વખતે સૌથી મોટી સંખ્યામાં આ વિદેશી મહાનુભવો ચૂંટણી જોવા પધારી રહ્યા છે. 

મહારાષ્ટ્રની સ્થિતિનું પ્રતિબિંબ ડુંગળીમાં 

કેન્દ્ર સરકારે ડુંગળની નિકાસ પરનો પ્રતિબંધ સંપૂર્ણપણે ઉઠાવી લેવાની જાહેરાત કરી છે. જોકે, સરકારે કિલો દીઠ રુપિયા ૪૬ આસપાસના ભાવે જ નિકાસ કરી શકાશે તેવી શરત પણ મૂકી છે. આ ઉપરાંત ૪૦ ટકા ડયૂટી પણ લાદવામાં આવી છે. રાજકીય નિરીક્ષકા કહે છે કે આ નિર્ણય મહારાષ્ટ્રના ફિડબેક પર આધારિત છે. મહારાષ્ટ્રના ડુંગળી પકવતા વિસ્તારોમાં હવે પછી મતદાન થવાનું છે. અહીં ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધથી ખેડૂતો નારાજ હતા. ખેડૂતોની અર્થકારણ બરાબર સમજતા  વિપક્ષી નેતા શરદ પવાર  સહિત વિપક્ષે આ નિકાસ પ્રતિબંધને મુદ્દો પણ બનાવ્યો હતો. હવે મહારાષ્ટ્રમાં મતદાનના થોડા દિવસો પહેલાં જ આ પ્રતિબંધ હટાવી ખેડૂતોની નારાજગી દૂર  કરવાનો  પ્રયાસ કરાયો છે. જોકે, કેન્દ્ર  સરકારનો દાવો છે કે આ એક રુટિન વહીવટી નિર્ણય છે. ગ્રાહક બાબતાનો વિભાગ દેશમાં જરુરી ચીજવસ્તુઓના ભાવ પર નજર રાખે છે. તેણે હવે ડુંગળીની નિકાસ થવા દેવામાં વાંધો નથી તેવો અહેવાલ આપ્યા બાદ વાણિજય મંત્રાલયે આ નિકાસ પ્રતિબંધ હટાવી દેવાનો નિર્ણય લીધો હતો. આ માટે ચૂંટણી પંચની યોગ્ય મંજૂરીઓ પણ લેવાઈ હતી તેવો સરકારનો દાવો છે. 

-ઈન્દર સાહની


Gujarat