For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ખાંડમાં બે લાખ ટન વધુ જથ્થો બજારમાં આવશે

Updated: May 6th, 2024

ખાંડમાં બે લાખ ટન વધુ જથ્થો બજારમાં આવશે

- ઉભી બજારે : દિલીપ શાહ

- વર્તમાન મોસમ અંતે ખાંડનો સિલ્લક જથ્થો નોંધપાત્ર રહેવાની શક્યતા વચ્ચે નિકાસની મંજૂરી આપવા શરૂ થયેલી માગણી

દે શમાં ગરમીનો પારો ઉંચો જતાં તથા રેકોર્ડબ્રેક ગરમી વચ્ચે તાપમાન વધતાં ઠંડા પીણા સહિતની વિવિધ ચીજોની  માગ વધી છે. આ ઉપરાંત ચૂંટણીનોમાહોલ પણ જામતાં વિવિધ શહેરો તથા રાજ્યોમાં પોલીટીકસ મિટિંગો, રેલીઓ,  પ્રચાર સરઘસો,સભાઓ શરૂ થતાં તેના કારણે પણ આવી માગ ઉંચી જતાં ખાંડ બજાર તથા ઉદ્યોગમાં પણ આના પગલે માગ વધ્યાના વાવડ તાજેતરમાં મળ્યા હતા. જોકે સામે ખાંડની સપ્લાય પણ જળવાઈ રહેતાં બજાર ભાવ કાબુમાં રહ્યા છે તથા ચૂંટણી ટાંણે સરકારની બારીક નજર પણ ખાંડના ભાવ પર રહેતી જોવા મળી છે.ખાંડની વધતી માગને  પહોંચી વળતા સરકારે તાજેતરમાં મે મહિના માટે ખાંડનો મુક્ત વેંચાણનો ક્વોટા પણ મોટો છૂટ્ટો કરવાનો નિર્ણય કર્યો હોવાના  વાવડ બજારમાંથી મળ્યા હતા. ખાંડના ભાવ આશરે ૩થી ૫ ટકા ઉંચા ગયાના વાવડ મળ્યા હતા. અને આ પ્રશ્ને સરકાર ચિંતીત પણ જણાઈ હતી. આના પગલે મે મહિના માટે સરકારે ખાંડનો મુક્ત વેંચાણનો ક્વોટા વધારી ૨૭ લાખ ટન છૂટોે કરવાનું નક્કી કર્યાના વાવડ મળ્યા હતા. આ પૂવે સરકારે એપ્રિલ મહિના માટે આવો ક્વોટા ૨૫ લાખ ટનનો છૂટ્ટો કર્યો હતો   એ જોતાં મે મહિનાનો મુક્ત વેંચાણનો ક્વોટા બે લાખ ટન વધુ આપવામાં આવ્યો હોવાનું ખાંડ ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું  હતું. ગયા વર્ષે સરકારે મે મહિના માટે આવો ક્વોટા ૨૪ લાખ ટનનો આપ્યો હતો.  દેશમાં સામાન્યપણે દર મહિને ખાંડનો વપરાશ સરેરાશ ૨૨.૫૦થી ૨૩.૦૦ લાખ ટન આસપાસ થાય છે  પરંતુ આ વખતે માગ અપેક્ષા કરતાં વધુ ઉંચી જણાઈ હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. આ વર્ષે સરકારે ખાંડનો આવો ક્વોટા ફેબુ્રઆરી માટે ૨૨ લાખ ટન તથા માર્ચ માટે વધારી ૨૩.૫૦ લાખ ટન અને એપ્રિલ માટે વધુ વધારી ૨૫ લાખ ટનનો છૂટ્ટો કર્યો હતો. રમઝાન તથા ઈદના તહેવારોના પગલે પણ ખાંડની માગ વધી હતી એવું બજારના જાણકારોએ જણાવ્યું હતું.

દરમિયાન, ભારત સરકારે ખાંડની નિકાસ પર અંકુશો લાદયા છે  તથા સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ઓકટોબરમાં વર્તમાન ખાંડ મોસમ પૂરી થાય ત્યાં સુધી આવા નિકાસ અંકુશો ચાલુ રહેશે એવી શક્યતા જણાય છે. જો કે ખાંડની ૧૦ લાખ ટનની નિકાસછૂટ આપવાની માગણી ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિયેશને સરકારને કર્યાના વાવડ મળ્યા હતા. ખાંડની વર્તમાન મોસમમાં માર્ચ સુધીના ગાળામાં દેશમાં ખાંડનું ઉત્પાદન ૩૦૦ લાખ ટનની સપાટીને પાર કરી ગયાના સમાચાર મળ્યા હતા. આ વર્ષે એકંદરે વાર્ષિક ઉત્પાદન વધી ૩૨૦ લાખ ટન થવાની શક્યતા એસોસીએશને બતાવી છે. સરકારનો અંદાજ ૩૧૫થી ૩૨૦ લાખ ટનનો રહ્યો છે. ગયા વર્ષના મે મહિનાની સરખામણીએ આ વર્ષે મે મહિનાનો મુક્ત વેંચાણનો ક્વોટા સરકારે ૩ લાખ ટન વધુ આપ્યો છે. દેશમાં તાજેતરમાં ગરમી વધતાં ઠંડા પીણાના વપરાશમાં ખાંડની માગ વધ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી. દરમિયાન, નવી મુંબઈ જથ્થાબંધ ખાંડ બજારમાં ખાંડના કિવ.દીઠ ભાવ રૂ.૩૬૭૬થી ૩૭૪૦ તથા સારા માલોના  ભાવ રૂ.૩૭૪૬થી ઉંચામાં મળ્યા હતા. દેશમાં વર્તમાન ખાંડ મોસમમાં  ૧૫ એપ્રિલ સુધીના ગાળામાં ખાંડનું ઉત્પાદન ૩૧૧ લાખ ટન નોંધાયું છે તથા ૧૫ એપ્રિલની સ્થિતી મુજબ દેશમાં આશરે ૮૪ જેટલી ખાંડ  મિલોમાં હજી પણ પિલાણ કામગીરી ચાલુ રહી હતી એવું જાણકારોએ જણાવ્યું હતું. આ ૮૪ કાર્યરત મિલો પૈકી એકલા ઉત્તર પ્રદેશમાં આશરે ૪૨ ખાંડ મિલો કાર્યશિલ રહી હોવાના સમાચાર હતા. મોસમના આરંભમાં દેશમાં કુલ ૫૩૨ ખાંડ મિલોએ પિલાણ શરૂ કર્યું હતું. દેશમાં હવે તામિલનાડુને બાદ કરતાં ખાંડ મિલોમાં પિલાણની પુર્ણાહુતી થવાની ગણતરી બજારમાં બતાવાઈ રહી હતી. મહારાષ્ટ્રમાં ૧૫ એપ્રિલ સુધીમાં આશરે ૧૦૯થી ૧૧૦ લાખ ટન ખાંડનું ઉત્પાદન નોંધાયું છે. જ્યારે કર્ણાટકમાં આ આંકડો ૫૦થી ૫૧ લાખ ટનનો નોંધાયો છે.


Gujarat