For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સેવા ક્ષેત્રની નિકાસમાં મજબૂતાઈ ભારતના અર્થતંત્રનું જમા પાસુ

Updated: May 5th, 2024

સેવા ક્ષેત્રની નિકાસમાં મજબૂતાઈ ભારતના અર્થતંત્રનું જમા પાસુ

- આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સની સેવા નિકાસ પર પ્રતિકૂળ અસરની ચિંતા

દે શના બે મસાલા ઉત્પાદકોના કેટલાક પ્રોડકટસ સામે વિદેશની બજારોમાં વિવાદ ઊભો થયો છે અને  તેને કારણે દેશમાંથી મસાલાની નિકાસમાં જોરદાર ઘટાડો થવાનું જોખમ ઊભું થયું છે એટલું  જ નહીં  નાણાં વર્ષ ૨૦૨૩-૨૪ના પ્રથમ ૧૧ મહિનામાં દેશમાંથી ૧૯ મુખ્ય કોમોડિટીઝની નિકાસમાં વોલ્યુમની દ્રષ્ટિએ વધારો થયો છે પરંતુ મૂલ્યની દ્રષ્ટિએ નિકાસ આંકમાં ઘટાડો થયો છે જે નિકાસ મોરચે ભારત માટે ચિંતાનો વિષય બની શકે છે. 

જો કે  વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે પણ ૨૦૨૩માં દેશની સેવા ક્ષેત્રની નિકાસ વાર્ષિક ધોરણે ૧૧.૪૦ ટકા વધી ૩૪૫ અબજ ડોલર રહી હતી. ભારતની સેવા ક્ષેત્રની નિકાસમાં વધારો થયો છે જ્યારે ચીનની સેવા ક્ષેત્રની નિકાસ ગયા વર્ષે ૧૦.૧૦ ટકા ઘટી ૩૮૧ અબજ ડોલર રહ્યાનું એક રિપોર્ટમાં તાજેતરમાં જણાવાયું હતું.પ્રવાસ, પરિવહન, તબીબી તથા હોસ્પિટાલિટી સેગમેન્ટના ટેકા સાથે ભારતની સેવા ક્ષેત્રની નિકાસમાં વધારો જોવા મળ્યો છે. ડોલરના મૂલ્યમાં વધારાને કારણે ગયા વર્ષે સેવા ક્ષેત્રની વૈશ્વિક નિકાસનો આંક ૭.૯૦ ટ્રિલિયન ડોલર રહ્યો હતો. વિકાસસિલ દેશોમાં સેવા ક્ષેત્રની નિકાસના આગેવાન દેશોમાં ભારત, ચીન, સિંગાપુર, તુર્કી, થાઈલેન્ડ, મેક્સિકો તથા સાઉદી અરેબિયાનો મુખ્યત્વે સમાવેશ થાય છે.

૨૦૩૦ સુધીમાં ભારતની સેવા ક્ષેત્રની નિકાસ વધી ૮૦૦ અબજ ડોલર પહોંચવા ધારણાં છે. સેવા ક્ષેત્રની નિકાસમાં વધારો  પૂરવઠા બાજુના આંચકા સામેથી બહારી ક્ષેત્રને સ્થિતિસ્થાપક બનાવે છે અને રૂપિયાની વોલેટિલિટી ઘટાડે છે એમ ગોલ્ડમેન સાસ્ના ગયા સપ્તાહના એક રિપોર્ટમાં જણાવાયું હતું. ગયા વર્ષે જાહેર થયેલી ભારતની વિદેશ વેપાર નીતિમાં સેવા ક્ષેત્રની નિકાસનો ટાર્ગેટ ૨૦૩૦ સુધીમાં એક ટ્રિલિયન ડોલર મુકાયો છે. ૨૦૩૦ સુધીમાં ભારતની સેવા ક્ષેત્રની નિકાસનો આંક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટસ (જીડીપી)ના ૧૧ ટકા પહોંચવા અમારી ધારણાં હોવાનું ગોલ્ડમેનના રિપોર્ટમાં ઉમેરવામાં આવ્યું હતું.જીડીપીના ૧૧ ટકા એટલે ૮૦૦ અબજ ડોલર જેટલો આંક થવા જાય છે. ભારતની ઊંચા મૂલ્યની સેવામાં મજબૂત વધારો જોવા મળવા સંભવ છે. સાનુકૂળ સ્થિતિમાં ૨૦૩૦ સુધીમાં ભારતની નિકાસ વધી ૯૦૦ અબજ ડોલર પહોંચવાની પણ  દ્વારા ધારણાં મૂકવામાં આવી છે.

સેવા ક્ષેત્રની નિકાસમાં મજબૂત સ્થિતિ છેલ્લા કેટલાક દાયકાથી ભારતના અર્થતંત્રનું જમા પાસુ રહ્યું છે. સેવા ક્ષેત્રની ઊંચી નિકાસને કારણે વેપાર ખાધને કાબુમાં  રાખવામાં મદદ મળવા સાથોસાથ રોજગાર નિર્માણમાં પણ ટેકો મળી રહ્યો છે. દેશના સેવા ક્ષેત્રના વૈશ્વિક સ્તરે સ્થાન જોઈએ તો, છેલ્લા ત્રણ દાયકામાં તેમાં વાર્ષિક ૧૪ ટકાના દરે ચક્રવૃદ્ધિ જોવા મળી છે. જ્યારે વૈશ્વિક સ્તરે સેવા ક્ષેત્રની નિકાસમાં આ ગાળામાં ૬.૮૦ ટકા વધારો જોવાયો છે. ૨૦૦૧માં વિશ્વ સ્તરે સેવા ક્ષેત્રની નિકાસમાં ભારતનું સ્થાન જે ૨૪મું હતું તે હાલમાં વધીને સાતમા મોટા સ્થાને છે. વૈશ્વિક નિકાસમાં ભારતનો હિસ્સો પણ ત્રણ દાયકામાં ૦.૫૦ ટકા પરથી વધી ૪.૩૦ ટકા આવી ગયો છે. 

ક્ષેત્ર પ્રમાણે ભારત ટેલિકમ્યુનિકેશન, કમ્પ્યુટર તથા ઈનફરમેશન સર્વિસીઝ એકસપોર્ટસમાં હાલમાં બીજો મોટો ક્રમ ધરાવે છે જ્યારે સાંસ્કૃતિક તથા મનોરંજનની સેવાઓની નિકાસમાં છઠ્ઠું સ્થાન છે. ટેકનોલોજીની શોધનો ભારતને મોટો લાભ થયો છે. ભારતને તેની સેવા ક્ષેત્રની નિકાસમાં વધારો કરવામાં તેની પાસેનું જંગી ટેલેન્ટ પુલ પણ કારણભૂત રહેલું છે. ડિજિટલી પૂરી પડાતી સેવાઓની  નિકાસ ૨૦૧૯ની સરખામણીએ ૨૦૨૨માં ૩૭ ટકા વધુ રહી હતી. 

સેવા ક્ષેત્રના વૈશ્વિક વેપારમાં ભારતે પોતાની સ્પર્ધાત્મકતા દર્શાવી છે ખાસ કરીને ટેલિકમ્યુનિકેશન આઈટી સંબંધિત ક્ષેત્રમાં. પરંતુ આ વૃદ્ધિ મધ્યમથી લાંબા ગાળા સુધી ટકી રહેશે ખરા તે એક મોટો પ્રશ્ન છે. રિઝર્વ બેન્કના તાજેતરના એક રિપોર્ટમાં વિદેશી માગમાં મંદી તથા સ્પર્ધાત્મકતાએ ભારતની સેવાની નિકાસ પર અસર કરી રહી હોવાનું જણાવાયું છે. ભૌગોલિકરાજકીય તાણો ખાસ કરીને મધ્ય-પૂર્વના દેશો વચ્ચેની તંગદિલીથી  પણ ભારતની સેવા ક્ષેત્રની નિકાસને ફટકો પડી શકે છે. 

વિદેશમાં મંદી ભારતના નિકાસકારો માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે,  ત્યારે સેવા ક્ષેત્રની નિકાસમાં જોવા મળી રહેલી મજબૂતાઈનો ભારતે લાભ ઉઠાવવાનું હાલના સંજોગોમાં આવશ્યક બની ગયું છે. ભારતની સેવાની નિકાસમાં સ્પર્ધાત્મકતા એક મોટું  અવરોધરૂપ પરિબળ બની રહ્યું  છે. કર્મચારીબળ પાછળના ઊંચા ખર્ચને પરિણામે ચીન જેવા દેશો સામે ભારત  સ્પર્ધા  કરી શકતું નથી.   આઈટી તથા આઈટી એનેબલ્ડ સેવામાં ભારત પાવરધુ છે ત્યારે આ સેવા ક્ષેત્રને સ્ટેપિંગ સ્ટોન બનાવી અન્ય વ્યવસાયીક સેવામાં નિકાસ વધારવા પ્રયત્ન જરૂરી બની ગયા છે. 

ચોક્કસ પ્રકારની સેવાની નિકાસ પર નિર્ભર રહ્યા વગર  વિદેશમાં ભારતની કેવા  પ્રકારની સેવાઓ માટે બજાર રહેલી છે તે ઓળખી કાઢી ે નિકાસના નવા પ્રોડકટસ વિકસાવવા પર ભાર અપાવા સાથે તે માટે પ્રોત્સાહન પણ પૂરા પડાય તે જરૂરી છે. કોરોના બાદ હવે યુદ્ધના કાળમાં બદલતા વિશ્વમાં  નિકાસ વૃદ્ધિ હાંસલ કરવાનો અવકાશ  ઊભો થયો  છે જેને  દેશના નિકાસકારોએ  ઝડપી લેવો રહ્યો. સ્પર્ધાત્મક ભાવ સિવાય નિકાસ વધી શકે એમ નથી એ એક હકીકત છે. દેશના  નિકાસલક્ષી   પ્રોડકટસને વિશ્વ બજારમાં સ્પર્ધાત્મક બનાવવા  નીચા ટ્રાન્ઝકશન્સ ખર્ચ, કન્ટેનર્સની સમયસર  ઉપલબ્ધતા, માલના ક્લિઅરન્સમાં અમલદારશાહીની દરમિયાનગીરી  અટકાવવા જેવા પગલાં  જરૂરી છે.  વિશ્વભરમાં આર્ટિફિસિલ ઈન્ટેલિજન્સના સ્વીકાર ભારત માટે જોખમ અને તક પણ પૂરી પાડે છે, જો કે ભારતના સેવા ક્ષેત્ર પર મધ્યમથી લાંબા ગાળે તેની કેવી અસર જોવા મળશે તે અંગે હાલમાં કયો કયાસ મેળવી શકાતો નથી, તેમ છતાં આર્ટિફિસિલ ઈન્ટેલિજન્સ ભારતના સેવા ક્ષેત્ર માટે ચિંતાનો વિષય બની રહેવાની શકયતા નકારી શકાય એમ નથી. 

Gujarat