For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સિક્કાની એક બાજુ ચીનની ચાલ તો બીજી બાજુ કેન્સરજન્ય તત્વો

Updated: May 5th, 2024

સિક્કાની એક બાજુ ચીનની ચાલ તો બીજી બાજુ કેન્સરજન્ય તત્વો

- ભારતના મસાલા સામે ચીને કોલ્ડ વોર શરૂ કરી હોય એમ દેખાઇ આવે છે : ભારતના એક્સપોર્ટને ૨.૧૭ અબજ ડોલરનો ફટકો

- ભારતની બે મસાલા બ્રાન્ડ સામે વિશ્વમાં વિવાદ 

- ચીને ઇલોન મસ્ક સાથેના તમામ મતભેદો સાથે સમાધાન કરી લઇને ટેસ્લા કાર મારફતે ભારત આવનાર સંભવિત ૨થી ૩ અબજ ડોલરનું રોકાણ અટકાવી દીધું હતું એમ ચીન હવે ભારતના મસાલા ઉદ્યોગને વિશ્વના તખ્તા પર બદનામ કરી રહ્યું છે

- આ કેસમાં સિક્કાની બીજી બાજુ એ છે કે જો આ ભારતના મસાલામાં કેન્સર કરી શકે એવા તત્વો હોય તો પ્રોડક્ટ સામે લેવાયેલા પગલાં વાજબી કહી શકાય. સામે છેડે મસાલા કંપની એમડીએચ અને એવરેસ્ટ કહે છે કે અમારી પ્રોડક્ટ પરફેક્ટ છે અને અમને કોઇ નોટિસ નથી મળી

ચી ને ઇલોન મસ્ક સાથેના તમામ મતભેદો સાથે સમાધાન કરી લઇને ટેસ્લા કાર મારફતે ભારત આવનાર સંભવિત ૨થી ૩ અબજ ડોલરનું રોકાણ અટકાવી દીધું હતું એમ ચીન હવે ભારતના મસાલા ઉદ્યોગને વિશ્વના તખ્તા પર બદનામ કરી રહ્યું છે. વિશ્વના ચાર દેશોએ ભારતના મસાલા પર પ્રતિબંધ મુકી દીધો છે અને મસાલાના એક્સપોર્ટ બિઝનેસને મોટો ફટકો માર્યો છે. ભારતમાં લોકસભાનો જંગ ચાલી રહ્યો છે. તેથી કોઇને ચીનની ચાલ સમજવામાં કે તેને વળતો જવાબ આપવામાં રસ હોય એમ લાગતું નથી.

ભારતના મસાલા સામે ચીને કોલ્ડ વોર શરૂ કરી હોય એમ દેખાઇ આવે છે. જે ખાદ્ય ચીજોનું એક્સપોર્ટ નિર્વિધ્ન ચાલતું હતું તેના પર ચીનનું ગ્રહણ લાગી ગયું છે એમ કહી શકાય. ચીનની સિન્ડીકેટ સાથે સંકળાયેલા દેશો હવે ભારતીય મસાલામાં વાંધા વચકા પાડવા લાગ્યા છે. કોઇ પણ ખાધ્ય પદાર્થ જ્યારે આરોગ્ય માટે વાંધાજનકનું લેબલ લાગે ત્યારે તેનું વેચાણ પણ ધટે છે અને તેના પર પ્રતિબંધ પણ મુકી દેવાય છે.

આ કેસમાં સિક્કાની બીજી બાજુ એ છે કે જો આ ભારતના મસાલામાં કેન્સર કરી શકે એવા તત્વો હોય તો પ્રોડક્ટ સામે લેવાયેલા પગલાં વાજબી કહી શકાય. સામે છેડે મસાલા કંપની એમડીએચ અને એવરેસ્ટ કહે છે કે અમારી પ્રોડક્ટ પરફેક્ટ છે અને અમને કોઇ નોટીસ નથી મળી.

જ્યારે લોકોના આરોગ્યની વાત આવે ત્યારે પ્રોડક્ટ સામે અવાજ ઉઠાવવો જરૂરી બની જાય છે. અમેરિકાએ પણ ભારતીય મસાલામાં રહેલા તત્વો સામે તપાસ શરૂ કરી છે.

ભારતીય મસાલાની પ્રોડક્ટ વિદેશમાં અનેક ઘરોના રસોડાંમાં જોવા મળે છે. તે માત્ર જમવાને ટેસ્ટી નથી બનાવતું પણ તેના પોષક તત્વો પણ શરીરને ઉપયોગી બને છે. જેમકે મસાલામાં વપરાતો મેથીનો પાવડર કે આખી મેથીમાં પોષક તત્વો હોય છે.

ભારતીય મસાલાની બે બ્રાન્ડમાથીં મળી આવેલ ઇથીલીન ઓક્સાઇડ જોવા મળ્યું છે. જો આ વાત સાચી હોય તેા તે બહુ ગંભીર કહી શકાય છે. એમડીએચ અને એવરેસ્ટ એમ બંનેની પ્રોડક્ટમાં કેન્સરજન્ય તત્વો મળી આવ્યા છે. એમડીએચની મદ્રાસ કરી પાવડર, એમડીએચ સંભાર મસાલા મિક્સ્ડ મસાલા પાવડર પર શંકાની સોય ઉભી કરાઇ છે.

વિદેશમાં જે બે બ્રાન્ડના મસાલા વધુ ચાલે છે તેમાં એમડીએચ અને એવરેસ્ટનો સમાવેશ થાય છે. આ મસાલામાં કેન્સર કરી શકતું તત્વ કાર્સીનોજનીક પેસ્ટીસાઇડ ઇથીલીન ઓક્સાઇડ જણાતાં માલદિવ્સ,હોંગકોંગ અને સિંગાપુરમાં પ્રતિબંધ મુકાયો છે. માલદિવ્સના ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રોલરે કહ્યું છે કે બંને બ્રાન્ડના મસાલામાં ઇથીલીન ઓક્સાઇડ જોવા મળ્યું હતું. જેનો ઉપયોગ ઉભા કૃષિ પાક પર ધૂમાડો છોડીને કીટાણુ મારવા માટે થાય છે. જે આરોગ્યને હાનિકારક છે.

માલદિવ્સમાં ચાલતા ઇન્ડિયા આઉટ કેમ્પેઇનનો ભોગ ભારતનો મસાલા ઉદ્યોગ બન્યો છે એમ ચર્ચાઇ રહ્યું છે. 

સિંગાપુર ફૂડ એજંસી અને હોંગકોંગની સેન્ટર ફોર ફૂડ સેફ્ટીએ ભારતના મસાલાનો વપરાશ નહીં કરવા જણાવ્યું છે. સિંગાપુરે એવરેસ્ટના સ્પાઇસ મિક્સના પેકેટ્સ બજારમાંથી પરત લેવા કહ્યું છે. કેમકે તેમાં ઇથીલીન ઓક્સાઇડ જોવા મળ્યું છે જે માનવ સમુદાય માટે હાનીકારક છે.

ચીનનું પ્રભુત્વ એસિયન (એસોસીયેશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ) દેશો પર વિશેષ છે. જેમાં બૂ્રનેઇ દેરૂસલામ, બર્મા,  કંબોડીયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, ફિલીપીન્સ, સિંગાપુર, થાઇલેન્ડ, વિયેટનામનો સમાવેશ થાય છે. 

જુન ૨૦૨૩માં અમેરિકા ખાતે ફૂડ એન્ડ ડ્રગ ખાતાએ એવરેસ્ટના સંભાર મસાલા અને ગરમ મસાલા તેમજ નેસલેના મેગી મસાલા ૧૧ રાજ્યોમાંથી પાછા ખેંચવાનો આદેશ આપ્યો હતો. કેમકે તેમાં આરોગ્યના હાનીકારક સલ્મોનેલીયા બેક્ટેરીયા જોવા મળ્યા હતા.આ બેક્ટેરીયા માનવ શરીરમાં જાય તો ઝાડા થાય છે અને ચક્કર આવે છે.

સપ્ટેમ્બર ૨૦૧૯માં ઉત્તરીય કેલિફોેર્નિયામાં ફૂડ એન્ડ ડ્રગ એસોસિયેશને સલ્મોનેલા બેક્ટેરીયાના કારણે એમડીએચના સંભાર મસાલાના પેકેટ્સ પાછા ખેંચાવડાયા હતા. હોંગ કોંગની ફૂડ રેગ્યુલેટરી ઓથોરીટીની વેબસાઇટના હોમપેજ પર ૫ એપ્રિલની તારીખમાં લખ્યું છે કે ભારતની ત્રણ મસાલા પ્રોડક્ટમાં કેન્સરજન્ય તત્વો છે.

 ભારતના મસાલા એક્સપોર્ટ પર એક નજર નાખવા જેવી છે. ભારત વિશ્વમાં સૌથી વધુ મસાલાનું ઉત્પાદન કરે છે અને સૌથી વધુ એક્સપોર્ટ પણ કરે છે. વિશ્વમાં પ્રસરેલા મસાલા ઉધ્યોગમાં અડધો અડધ ભાગ ભારતનો છે. ભારતથી  અમેરિકા, વિયેટનામ, ચીન, ઇરાન, યુકે, સાઉદી અરેબીયા,મલેશિયા, જર્મની સહીતના દેશોમાં ભારતના મસાલાની ડિમાન્ડ છે.

  ૨૦૨૨-૨૩માં ભારતે ૧૪૦૪૩૫૭ મેટ્રીક ટન મસાલા અને તેની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી હતી. જેની કિંમત ૩૧૭૬૧ કરોડ થાય છે. ભારત વિશ્વનું સૌથી મોટુ મસાલા ઉત્પાદક છે. ભારતમાં મસાલાનો વપરાશ પણ ઘણો થાય છે એમ ભારત મસાલાનું એક્સપોર્ટ પણ ખુબ મોટા પાયે કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ મસાલાઓનું ઉત્પાદન વધ્યું હતું.

 ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ સ્ટાન્ડર્ડડાઇઝેશન(IOS) હેઠળ આવતા મસાલાની ૧૦૯ વેરાઇટીમાંથી ૭૫ જેટલાં મસાલા ભારતમાં ઉત્પાદીત થાય છે. ભારતમાં મસાલાનું ઉત્પાદન કરતા રાજ્યોમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, તેલંગાણા, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ વગેરેનો સમાવેશ થાય છે.

૨૦૨૩-૨૪ના ડેટા અનુસાર ૨૦૨૪ના ફેબુ્રઆરી સુધીમાં ભારતે ૧૫૯ દેશોમાં મસાલા પ્રોડક્ટ એક્સપોર્ટ કરી હતી.જેમાં મુખ્યત્વે ચીન, અમેેરિકા, બાંગ્લાદેશ,થાઈલેન્ડ, મલેશિયા,શ્રીલંકા વગેરેનો સમાવેશ થાય છે.

ભારતમાંથી સૌથી વધુ એક્સપોર્ટ થતા મસાલામાં મરચાનો સમાવેશ થાય છે. ૨૦૨૨-૨૩માં ચીને ભારતથી ૪૦૯.૪૪ મિલીયન અમેરિકી ડોલરના મસાલા મંગાવ્યા હતા.

GTRI તરીકે ઓળખાતી દિલ્હી સ્થિત થીંક ટેન્ક મનાતી  ગ્લોબલ ટ્રેડ રીસર્ચ ઇનિશ્યેટીવના મતે ભારતના મસાલા ઉદ્યોગ સામે આવેલા સંકટને નિવારવા ભારત સરકારે ત્વરીત પગલાં ભરવા પડશે.

જો આમજ ચાલશે તો ભારતના મસાલા એક્સપોર્ટ ઉધ્યોગને મોટો ફટકો પડી શકે છે. ભારતની મસાલા કંપનીઓના ખુલાસા કોઇ સાંભળવા તૈયાર નથી. કૃષિ નિષ્ણાતો કહે છે કે કોઇ પણ કૃષિ ઉત્પાદનોના છોજ પર જીવાત દૂર કરવા જંતુનાશક દવા ઇથીલીન ઓક્સાઈડ મિશ્રીત દ્રાવણ છાંટવામાં આવે છે. દરેક દેશ આવા જંતુ નાશકનો ઉપયોગ કરે છે. આવા જંતુનાશક બે ત્રણ દિવસ બાદ ડાયલ્યૂટ થઇ જાય છે અને તેની કોઇ અસર રહેતી નથી. મસાલાના પેકીંગ પ્રિઝર્વેટીવ તરીકે મેથી વગેરે હોય છે.

આ સ્થિતિમાં મસાલામાં ઇથિલીન ઓક્સાઇડ મળી શકે એમ નથી હોતો.  એક્સપોર્ટ બિઝનેસ સાથે સંકળાયેલા ગૃપ માને છેકે મુદ્દો મસાલાની ક્વોલિટી કરતાં ચીનની બદમાશીનો વધુ છે. જો ચીન તેની મેલી મૂરાદમાં સફળ થશે તો ભારતને ૨.૧૭ અબજ ડોલરનો ફટકો મારી શકે છે.


Gujarat