For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બજારની વાત .

Updated: May 5th, 2024

બજારની વાત                                                                           .

કેન્સરના દર્દીને ૧૧ હજાર કરોડની લોટરી લાગી

અમેરિકાના ન્યુ જર્સીમાં ગયા મહિને એક વ્યક્તિ મેગા મિલિયન જેકપોટમાં ૧.૧૩ અબજ ડોલર (લગભગ ૯૫૦૦ કરોડ રૂપિયા) જીતી હતી.  આ લકી વિનર કોણ તેની અટકળો વચ્ચે હવે ઓરેગોનના પોર્ટલેન્ડમાં ચેંગ સીફન નામના લાઓસની વ્યક્તિને પાવરબોલ લોટરીમાં ૧.૩ અબજ ડોલર (લગભગ રૂપિયા ૧૧ હજાર કરોડ)નું ઈનામ લાગ્યું છે. 

ચેંગે ટેક્સ કાપ્યા પછી ૪૨.૨૦ કરોડ ડોલર (૩૬૦૦ કરોડ રૂપિયા)ની રોકડ રકમ લેવાનો વિકલ્પ પસંદ કર્યો છે. ચેંગ આ રકમ પોતાની પત્ની અને પોતાના ખાસ મિત્ર વચ્ચે વહેંચશે. આ મિત્રે અમેરિકામાં આવવામાં અને સ્થાયી થવામાં તેને મદદ કરી હતી. 

ચેંગ અત્યારે કેન્સરથી પીડિત છે તેથી કેટલું જીવશે એ નક્કી નથી પણ હવે તેને પોતાના મોત પછી પરિવારનું શું થશે તેની ચિંતા નથી. ચેંગ પરિવાર માટે સરસ ઘર ખરીદીને પરિવારને  શાંતિની જીંદગી આપવા માગે છે.

Article Content Image

અમેરિકામાં સૌથી મોંઘી પ્રોપર્ટી ૫૦ હજારની વસતીના શહેરમાં

અમેરિકામાં સૌથી મોંઘી પ્રોપર્ટી ક્યા વિસ્તારમાં મળે છે ? આ સવાલના જવાબમાં કોઈને પણ વોશિંગ્ટન, લોસ એન્જલસ, ન્યુ યોર્ક કે સાન ફ્રાન્સિકોના પોશ એરીયા યાદ આવે પણ વાસ્તવમાં અમેરિકામાં સૌથી મોંઘો વિસ્તાર કોરલ ગૈબલ્સ છે. ફ્લોરિડાના મિયામીના દક્ષિણ પશ્ચિમના આ શહેરની વસતી માંડ ૫૦ હજારની આસપાસ છે પણ પ્રોપર્ટીના ભાવ આસમાનને સ્પર્શી રહ્યા છે. કોરલ ગૈબલ્સમાં કોઈ પણ પ્રોપર્ટીની સરેરાશ કિંમત ૧૯ લાખ ડોલર એટલે કે લગભગ ૧૬ કરોડ રૂપિયા છે. કોરલ ગેબલ્સમાં કોઈ ઝૂંપડપટ્ટી નથી તેથી લોકો તેને પસંદ કરે છે. 

અમેરિકામાં અત્યાર સુધી કેલિફોર્નિયાનો બેવરલી હિલ્સ વિસ્તાર મનાતો હતો પણ હવે કોરલ ગૈબલ્સ છે. કોરલ ગૈબલ્સમાં એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજો રહે છે. સ્પેનિશ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમના સીઈઓ રાઉલ અલારકોન સહિતના ઘણા વિદેશી દિગ્ગજો આ શહેરમાં રહે છે.

Article Content Image

યુવકે એઆઈની મદદથી યુવતીને પ્રેમમાં પાડી પણ...

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી પ્રેમમાં પણ છેતરપિંડી થઈ શકે તેનો અનુભવ બેંગલુરૂની એક યુવતીને થઈ ગયો છે. આ યુવતીને ડેટિંગ એપ પર એક યુવકનો પરિચય થયેલો. આ યુવક સાથે ચેટ કર્યા પછી તેને તે ફની અને મનોરંજક લાગતાં તેને મળવાનું નક્કી કર્યું. યુવતી તેને મળવા ગઈ ત્યારે તેને અનુભવ થયો કે, યુવકની પર્સનાલિટી સાવ અલગ છે. ચેટમાં હ્યુમરના ચમકારા બતાવતો યુવક રૂબરૂમાં બે વાક્ય પણ સરખી રીતે બોલી શકતો નહોતો. 

યુવતી સાથેની વાતચીતમાં તેણે અજાણતાં  કબૂલ્યું કે પોતે ચેટ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદ લીધી હતી ને યુવતીને ઈમ્પ્રેસ કરી દીધી હતી. યુવકે પોતે ક્યા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ્સ યુઝ કરે છે તેની વાતો પણ કરી. યુવતી માંડ માંડ યુવકથી છૂટીને ઘરે પાછી આવી પછી મનમાં ગાંઠ વાળી કે, હવે પછી પહેલાં રૂબરૂ મળ્યા પછી જ કોઈ યુવક સાથેના રીલેશનમાં આગળ વધવું. 

Article Content Image

26 વર્ષની ઉંમરે ૨૨ સંતાનોની માતા, 100નો ટાર્ગેટ

જ્યોર્જિયાની ક્રિસ્ટિના ઓજટર્ક નામની યુવતી માત્ર ૨૬ વર્ષની યુવતી ૨૨ સંતાનોની માતા બની ચૂકી છે. સાંભળીને આંચકો લાગશે પણ આ વાત સાવ સાચી છે. અલબત્ત ક્રિસ્ટિનાએ પોતે આ તમામ સંતાનોને જન્મ નથી આપ્યો પણ સરોગસીના માધ્યમથી ૨૨ સંતાનોની માતા બની છે. ક્રિસ્ટિનાનું સપનું સો બાળકોની માતા બનવાનું છે. 

રશિયન મૂળની ક્રિસ્ટિના બ્લોગર છે અને ૫૭ વર્ષના અબજોપતિ ગૈલિપ સાથે લગ્ન કર્યાં છે. ક્રિસ્ટિનાએ ૮ વર્ષ પહેલાં એક પાર્ટનર સાથે લગ્ન કર્યા વિના માતા બનવાનું પસંદ કરેલું. એ વખતે તેને દીકરી જન્મી હતી કે જે અત્યારે ૮ વર્ષની છે. દીકરી વિક્ટોરીયાના બાળપણે ક્રિસ્ટિનાને એટલી મજા કરાવી કે તેણે કોઈ ધનિકને પરણીને બહુ બધાં બળકો પેદા કરવાનું નક્કી કરી લીધું. ગૈલિપના રૂપમાં તેને એવો જીવનસાથી મળી જતાં તેણે એક સાથે ૨૧ બાળકો સરોગસીથી પેદા કરાવ્યાં. 

Article Content Image

પુડુચેરીમાં ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન શેટ નેટ

પુડુચેરીમાં કાળઝાળ ગરમીથી લોકોને બચાવવા માટે પબ્લિક વર્ક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા અનોખો પ્રયોગ કરાયો છે. ડીપાર્ટમેન્ટ દ્વારા ટ્રાફિક સિગ્નલ પાસેના વિસ્તારમાં ગ્રીન શેડ નેટ્સ બાંધી દીધી છે કે જેથી ટ્રાફિક સિગ્નલ પાસે ઉભાં રહેતાં લોકોને ગરમીથી રાહત મળે. દરેક સિગ્નલની ચારે બાજુના રોડ પર પચાસ-પચાસ ફૂટ સુધી બાંધવામાં આવેલા આ શેડની નીચે ઉભા રહીને ટુ વ્હીલર્સ ચાલકો ગરમીથી બચી શકે છે.

સોશિયલ મીડિયા પર આ શેડના વીડિયો વાયરલ થયા પછી લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે, બીજાં  શહેરોમાં પણ આ પ્રયોગ કરવા જેવો છે કે જેથી લોકોને રાહત આપી શકાય. ક્લાઈમેટ ચેન્જની અસરોથી બચી શકાશે. ઘણાંએ કોમેન્ટ કરી છે કે, પુડુચેરી પબ્લિક વર્ક્સ ડીપાર્ટમેન્ટને સૂઝી એવી બુધ્ધિ અમારા શહેરના સત્તાધીશોને પણ સૂઝે એવી પ્રાર્થના કરજો.


Gujarat