For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રજાઓનો સદુપયોગ .

Updated: May 4th, 2024

રજાઓનો સદુપયોગ                                  .

- 'બાળકો, રજાઓમાં રમવા સિવાય ઘણી બધી પ્રવૃત્તિઓ છે. તમે ઘણું બધું શીખી શકો છો, જાણી શકો છો... કેટલાય ઉપયોગી અને સેવાનાં કામ કરી શકો છો...'

- ભારતી પી. શાહ

પ રીક્ષાઓ પૂરી ગઈ. શાળાઓમાં ઉનાળુ વેકેશન શરૂ થયું. બાળકો ખૂબ ખુશ હતાં. અર્શ, તનય, સક્ષમ અને દર્શન બધા રમતના મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા. આજે તેમની પાડોશમાં આવેલી સોસાયટીનાં બાળકો મેચ રમવા આવ્યાં હતાં. આ રીતે બે-ત્રણ સોસાયટીનાં બાળકો ભેગાં મળીને અવારનવાર ક્રિકેટ, વોલીબોલ અને ફૂટબોલની મેચ રાખતાં, અને બાળકો ખૂબ ખુશ થતાં. આમ થોડા દિવસ સુધી મેચો રમ્યા બાદ બાળકો કંટાળ્યાં. રોજ નવું શું કરવું? તેઓ વિચારતાં રહ્યાં. કેટલાક મિત્રો હિલ સ્ટેશન જતાં રહ્યાં હતાં, તો કેટલાક મામાના ઘરે...

આ વખતે અર્શ, તનય અને દર્શનને બહારગામ જવાનું ન હોવાથી તેમને ખૂબ કંટાળો આવવા લાગ્યો. અર્શ બોલ્યો, 'ફ્રેન્ડ્ઝ, રજાઓમાં સવારે આરામથી મોડા ઉઠવા મળે છે તે ગમે છે, પણ આખો દિવસ શું કરવાનું તે સમજાતું નથી...ખૂબ કંટાળો આવે છે...' 'સાવ સાચી વાત છે, હવે રમી રમીને થાકી ગયા. શું કરવું તે સમજાતું નથી,' તનયે કપાળે હાથ મૂકતાં કહ્યું. 'જરાય મજા નથી આવતી,' દર્શન બોલ્યો.

એટલામાં છવી પોતાના ભાઈ દર્શનને બોલાવવા આવી. છવીને જોઇને અર્શ બોલ્યો, 'દીદી, આ રજાઓમાં તમને કંટાળો નથી આવતો ? આખો દિવસ કેવી રીતે પસાર કરો છો?'

'કંટાળો તો મને પણ આવે છે, કરું શું?' છવીએ જવાબ આપ્યો.

એટલામાં સુધાબેન બહારથી આવ્યાં. બાળકોને જોઇને એ બોલ્યાં, 'રજા છે એટલે બધા મજા કરો છો, ખરું ને? કરો...કરો...મજા કરો...'

'આન્ટી, હવે તો અમે રમી રમીને પણ થાકી ગયા, હવે શું કરીએ ?' છવીએ જવાબ વાળ્યો.

'તમે બધા આપણા જનકદાદા પાસે જાવ તેઓ હંમેશા પ્રવૃત્તિશીલ રહે છે. તેઓ જરૂર તમારું માર્ગદર્શન કરશે,' સુધાબેને બાળકોને સમજાવતા કહ્યું.

બાળકો ખુશ થતાં થતાં જનકદાદાના ઘરે ગયાં. જનકદાદા, રમેશદાદા અને ચંપકદાદા સાથે બેઠા બેઠા દૈનિક સમાચારો અંગે ચર્ચા કરતા હતા.

'શું વાત છે! આજે આ બાળમંડળી આ તરફ ક્યાંથી?' ચંપકદાદાએ પૂછ્યું.

પહેલાં તો બાળકો થોડા સંકોચાઈને ઉભા રહ્યાં, પછી તનય બોલ્યો, 'દાદા, રજાઓ પડી ગઈ, પણ ખૂબ કંટાળો આવે છે...' તનય વાત પૂરી કરે તે પહેલાં દર્શન બોલ્યો, 'અમે રમી રમીને થાકી ગયાં. તમે અમને કોઇ આઇડિયા બતાડોને કે જેથી અમારો સમય સરસ રીતે પસાર થાય.'

'બાળકો, રજાઓમાં રમવા સિવાય ઘણી બધી પ્રવૃત્તિઓ છે. તમે ઘણું બધું શીખી શકો છો, જાણી શકો છો... કેટલાય ઉપયોગી અને સેવાનાં કામ કરી શકો છો...' રમેશદાદા બોલ્યા.

'કયાં ઉપયોગી કાર્ય?' સક્ષમ બોલ્યો.

'આપણા દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે છે. ગરીબી અને અજ્ઞાાનતાને લીધે કેટલાય બાળકો શાળામાં જતાં નથી. ગરીબ લોકો પોતાનાં બાળકોને શાળામાં મોકલવાને બદલે મજૂરી કરવા મોકલે છે,' ચંપકદાદાએ બાળકોને સમજાવતા કહ્યું.

'ઓ માય ગોડ... આટલાં નાનાં બાળકો અને મજૂરી...' અર્શ નવાઈ પામતા બોલ્યો.

'આપણે નિરક્ષરતા નિવારણ માટે Each one, teach one -  ઇચ વન, ટીચ વન સૂત્ર અપનાવવું જોઇએ. આનો અર્થ એ થયો કે, દરેક જણ શીખવે એક જણ...' ચંપકદાદા બોલ્યા.

'તે કેવી રીતે?' છવીએ પૂછ્યું.

જનકદાદાએ બાળકોને સમજાવતાં કહ્યું, 'શાળા અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ રજાઓ દરમ્યાન સાક્ષરતા અભિયાન શરૂ કરે. એક ભણેલો વિદ્યાર્થી એક અભણને ભણાવે, તેને સાક્ષરતાનું દાન કરે.'

'પણ આવાં અભણ બાળકો અમે ક્યાંથી લાવીએ?' નાનકડો સક્ષમ બોલ્યો.

સક્ષમની વાત સાંભળી બધાના મુખ પર સ્મિત રેલાયું.

'તમારા ઘરમાં વાસણ સાફ કરવા, ઝાડુ-પોતાં મારવાનું કામ કોણ કરે છે?' ચંપકદાદાએ પૂછ્યું.

'અમારા ઘરમાં બધું કામ રઘુ અને તેની દીકરી શકુ કરે છે,' છવી બોલી.

'આ બધા કામવાળા તો ભણેલા હશે, ખરુંને?' જનકદાદા બોલ્યા.

'ના...ના, એને તો પૂરા પૈસા ગણતાં પણ નથી આવડતું. ગામડે કાગળ લખવો હોય તો તે મને કહે છે...' અર્શ બોલ્યો.

''હા..અમારો રઘું પણ...એને તો કશું જ વાંચતા લખતાં નથી આવડતું... એ તો પોતાની સહી પણ કરી શકતો નથી. અંગૂઠાછાપ છે.''

''બાળકો, આ રજાઓમાં તમે ભેગા મળીને એક સુંદર કામ...સેવાનું કામ...વિદ્યાદાનનું કામ કરો... તેમને અભ્યાસનું મહત્વ સમજાવો..તેમને વાંચતા લખતા શીખવો...'' રમેશદાદા બોલ્યા.

''આપણાં દેશના વડાપ્રધાન પણ બધાને શિક્ષણ મળે, કન્યાઓ ભણે તે માટે પ્રયત્ન કરે છે. તમે પણ સમાજની, દેશની પ્રગતિ માટે તમારું યોગદાન આપી શકો છો.'' ચંપકલાલ દાદા બોલ્યા.

તમારા ઘરમાં દાદા-દાદી અથવા તો પડોશમાં વસતાં પ્રૌઢોને પણ લખતાં-વાંચતા શીખવાડી શકો છો. આજે અહીંની ગુજરાત વિદ્યાપીઠ પ્રૌઢ શિક્ષણનું ઉમદા કાર્ય કરી રહી છે. પ્રૌઢોને અક્ષરજ્ઞાાનની સાથેસાથે શિક્ષણનું મહત્વ પણ સમજાવો, જેથી તેઓ પોતાના બાળકોને શાળામાં અવશ્ય મોકલે. રમેશદાદા બોલ્યા.

''દીવા થકી દીવો પ્રગટાવો'' સૂત્ર પ્રચલિત કરો. લોકોમાં જાગૃતિ આવશે. દેશની સંસ્કૃતિ સમૃદ્ધ બનશે.'' ચંપકલાલ દાદા બોલ્યા.

વડીલોએ બાળકોને સચોટ માર્ગદર્શન આપ્યું. બધા બાળકો ખૂબ ખુશ થઇ ગયા.

''કાલથી હું ભગલાને સમજાવીશ અને ભણાવીશ.'' ''હું પણ રઘુ અને શકુને ભણાવીશ.'' બાળકો માંહે માંહે ચર્ચા કરતાં રહ્યા.

અર્શ, તનય, સક્ષમ અને દર્શને વડીલોએ આપેલું માર્ગદર્શન પોતાની માતાઓ સમક્ષ રજુ કર્યું.

''બીજા દિવસે સુધાબેન, ખૂશ્બુબહેન અને હીનાબેન ભેગા થયા, તેમણે બાળકોએ રજુ કરેલી વાતો વિશે ચર્ચા વિચારણા કરી.'' હીનાબેન બોલ્યા, ''શહેરમાં લોકો શિક્ષણ અને રીતિરિવાજ પ્રત્યે સભાન અને સક્રિય બન્યા છે, પરંતુ ગામડાના લોકો હજુપણ અજ્ઞાાની અને અભણ છે. કુરિવાજને કારણે તેઓ હજુ જૂની પ્રણાલિકાને પોષે છે.''

''તેમાં આપણે શું કરવું જોઇએ ?'' ખૂશ્બુબેન બોલ્યા.

''આપણાં મહિલામંડળે ગામડાની મુલાકાતે જઇને બહેનોને સમાજ સુધારાની સમજણ આપવી જોઇએ. શિક્ષણનું મહત્વ સમજાવવું જોઇએ. બાળકોને શાળામાં રજાઓ પડી ગઈ છે અને આપણી પાસે નવરાશની પળો છે. આપણે તેનો સદુપયોગ કેમ ના કરીએ ?'' સુધાબેન બોલ્યા.

''ખૂબ સરસ...આવતા અઠવાડિયે જ આવો કોઇક સરસ પ્રોગ્રામ બનાવીએ.'' ખૂશ્બુબહેને કહ્યું.

વ્હાલા વાચકો લાંબી રજાઓ દરમિયાન શું આપણે આવું સમાજસેવાનું કામ ના કરી શકીએ ?

Gujarat