For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લોભી શેઠ .

Updated: May 3rd, 2024

લોભી શેઠ                               .

'શેઠજી, મારે તમારી આ ધર્મશાળામાં ત્રણ-ચાર દિવસ રહેવું છે. બોલો કેટલું ભાડું થશે?'

હસમુખ રામદેપુત્રા

એ ક ગામમાં લોભી શેઠ રહેતા હતા. દાન-પૂણ્યમાં કાંઈ સમજતાં જ નહીં. બસ, આખો દિવસ કામ જ કર્યા કરવું અને પૈસા ભેગા કરવા એ જ તેનો જીવનમંત્ર હોય તેમ જીવતા હતા.

ફંડ-ફાળામાં ક્યારેય એક રૂપિયો ય આપતાં નહીં. તેથી ગામલોકો તેનાથી નારાજ હતા.

ગામમાં એક વાર સાધુ આવ્યા. ખૂબ જ જ્ઞાાની અને વિદ્વાન હતા. ગામના લોકોએ લોભી શેઠની વાત કરી અને દાન પૂણ્યનો મહિમા સમજાવવા તેને શેઠની પાસે મોકલવાનું વિચાર્યું.

સાધુ સહમત થયાં. તેઓ શેઠના બંગલે આવ્યાં અને શેઠને કહ્યું : 'શેઠજી, મારે તમારી આ ધર્મશાળામાં ત્રણ-ચાર દિવસ રહેવું છે. બોલો કેટલું ભાડું થશે ?'

શેઠે કહ્યું : 'આ ધર્મશાળા નથી. મારો બંગલો છે.'

સાધુએ કહ્યું : 'આ બંગલામાં તમારા પહેલાં કોણ રહેતું હતું ?'

શેઠે કહ્યું : 'મારી પહેલાં મારા પિતા રહેતા હતા.'

સાધુએ પૂછયું : 'તેની પહેલાં ?'

શેઠે ક્રોધથી કહ્યું : 'તેની પહેલાં તેના પિતા અને તેની પહેલાં તેના પિતા રહેતાં હતાં.'

સાધુએ પૂછયું : 'તમારા પછી આ બંગલામાં કોણ રહેશે ?'

શેઠે કહ્યું : 'મારા પછી મારા પુત્રો આ બંગલામાં રહેશે.'

સાધુએ કહ્યું : 'તો પછી આ બંગલાને ધર્મશાળા જ કહેવાય ને ! કોઈ કાયમી રહ્યું નથી. તમે પણ કાયમી રહેવાના નથી તો પછી આ બંગલાને ધર્મશાળા જ કહેવાય ને !''

શેઠે કહ્યું : 'હા, તમારી વાત તો ખરી છે. આમાં કોઈ કાયમી રહેવાનું નથી. આવવાના અને જવાના છે.'

સાધુએ કહ્યું : 'તો પછી દાન-પુણ્ય પણ કરવું જોઈને ને !'

શેઠને સાધુની વાત સમજાઈ ગઈ. તેણે સાધુને કહ્યું : 'હવેથી હું પણ દાન-પુણ્ય કરીશ. લોભ નહીં કરું.'

આ સાંભળી સાધુ ખુશ થયા અને ગામલોકો પણ રાજી થયાં. 

Gujarat