For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ફબ્બી ખિસકોલી રડી પડી

Updated: May 3rd, 2024

ફબ્બી ખિસકોલી રડી પડી

- ફબ્બી ખિસકોલી ખૂબ જ હોશિયાર હતી, પણ એની હોશિયારી ક્યાંય કામ લાગતી નહોતી.

દિગ્ગજ શાહ

ફ બ્બી ખિસકોલી રડતી હતી.. એકલી એકલી ડૂસકા ભરતી હતી. એ ખૂબ જ દુખી હતી. 

વાત એમ હતી કે એનાં મમ્મી-પપ્પા હંમેશાં લડતાં-ઝગડતાં જ રહેતા હતાં. જરા નવરા પડે એટલે એમની ફાઈટ ચાલુ જ હોય...

મમ્મી-પપ્પાની સતત ફાઈટના કારણે ઘરનું વાતાવરણ ખૂબ જ ખરાબ રહેતું હતું. ઘણીવાર તો મમ્મી-પપ્પાના ઝઘડામાં ફબ્બી ખિસકોલીનું પણ આવી બનતું. એને ગુસ્સાભર્યા શબ્દો સાંભળવા પડતા...!

મમ્મી-પપ્પાના સતત ઝગડાને કારણે ફબ્બી ખિસકોલીની માનસિક હાલત ખૂબ જ ખરાબ રહેતી હતી. ભણવામાં એનું ધ્યાન રહેતું નહીં. રમત-ગમતમાં, દોસ્તો જોડે ધીંગા-મસ્તી કરવામાં, પાર્ટી કરવામાં એનું મન લાગતું નહીં...!

ફબ્બી ખિસકોલી એકલી એકલી જીવતી હતી. ઉદાસ ઉદાસ રહેતી હતી. સ્માઈલ કરવાનું તો ભૂલી જ ગઈ હતી!

એ પોતાની તકલીફ કોઈને કહી શકતી નહોતી. એને સમજવાવાળું કોઈ હતું જ નહીં!

મમ્મી-પપ્પા તો ફબ્બી ખિસકોલીને જ્યારે જુઓ ત્યારે ધમકાવતાં જ રહેતાં હતા. બેસ...બેસ... તને કાંઈ જ ખબર ના પડે... ડફોળ છે... અમારે માથે પડી છે... વગેરે.

આવી કડવી વાતો સતત સાંભળીને ફબ્બી ખિસકોલીને ખૂબ જ માનસિક ત્રાસ થતો હતો.

ફબ્બી ખિસકોલી ખૂબ જ હોશિયાર હતી, પણ એની હોશિયારી ક્યાંય કામ લાગતી નહોતી.

આજે આખા ક્લાસ વચ્ચે જિરાફ ટિચરે એક પ્રશ્ન પૂછયો. ફબ્બી  ખિસકોલીને ના આવડયો!

જિરાફ ટિચરે કહ્યું : 'ફબ્બી..! તને આટલો સરળ પ્રશ્ન પણ નથી આવડતો...? તારું શું થશે...? દિવસે દિવસે તું વધારે ડમ્બ થતી જાય છે...  શરમ આવવી જોઈએ..!'

બસ ખલાસ!

આ સાંભળીને ફબ્બી ખિસકોલી આખા ક્લાસ વચ્ચે છૂટા મનથી રડી પડી...

જિરાફ ટિચર અને આખા ક્લાસને ખૂબ આશ્ચર્ય થયું .

જિરાફ ટિચરે મહામુશ્કેલીથી ફબ્બીને ચૂપ કરાવી. જિરાફ ટિચર ખૂબ જ સમજદાર હતાં. એમને જિંદગીનો કડવો-મીઠો અનુભવ હતો.

જિરાફ ટિચર સાંજે અગાઉથી જણાવ્યા વગર ફબ્બી ખિસકોલીના ઘરે પહોંચી ગયા.

ફબ્બી ખિસકોલી જિરાફ ટિચરને જોઈને ખૂબજ ડરી ગઈ. ફબ્બીનાં મમ્મી-પપ્પાએ જિરાફ ટીચરને આવકાર આપ્યો.

જિરાફ ટિચરે કહ્યું : 'ફબ્બી બેટું..! ડર નહીં..! હું તને અને તારા મમ્મી-પપ્પાને આમ જ ખાલી મળવા આવ્યો છું..!'

ફબ્બીનાં મમ્મી-પપ્પા કહે : 'બોલો સરજી, અમારી ફબ્બીએ શું ભૂલ કરી છે? તમે કહેતા હોય તો હમણાં જ એને સજા કરીએ. તમે પણ એ ભૂલ કરે તો પનિશ કરી જ શકો છો. અમને કાંઈ જ વાંધો નથી...!''

જિરાફ ટિચરે કહ્યું : 'ના...ના એવું કશું જ નથી. ફબ્બી તો ખૂબ જ હોશિયાર છે. મને ખાલી એટલું જણાવો કે એ ખૂબ જ દુખી અને ઉદાસ કેમ રહે છે? એનું મન ક્યાંય લાગતું નથી. ખોવાયેલી ખોવાયેલી રહે છે. કોઈનાં જોડે હસતી-બોલતી નથી. એકલી એકલી રહે છે... આવું કેમ?'

મમ્મી-પપ્પાને આ સાંભળીને જોરદાર ઝાટકો લાગ્યો. એ કાંઈ બોલે એ પહેલા ફબ્બી ખિસકોલી રડતાં રડતાં બોલી : 'મારા મમ્મી-પપ્પા મને જરા પણ લવ નથી કરતાં... હંમેશા બંને ફાઈટ કરતાં રહે છે... મારા પર ખૂબ  ગુસ્સો કરે છે. મને મારે પણ છે... ઘરનું વાતાવરણ ખૂબજ ખરાબ છે... અને આજે તમે પણ આખા ક્લાસ વચ્ચે મને ખરાબ શબ્દો બોલ્યા... એટલે મારો મૂડ ખરાબ છે, સર!'

આ સાંભળીને જિરાફ ટિચરની આંખમાં આંસુ આવી ગયા. ફબ્બીનાં મમ્મી-પપ્પાને ખૂબ જ શરમ આવી. એમની પણ આંખો ભીની થઈ ગઈ!

ફબ્બીનાં મમ્મી-પપ્પાએ તાત્કાલીક ફબ્બીને સોરી-સોરી કહ્યું. એને પંપાળી... વહાલ કર્યું. 'ભૂલ થઈ ગઈ બેટા... માફ કરી દે! આજ પછી અમે ફાઈટ નહીં કરીએ.. ગુસ્સાભર્યા શબ્દો નહીં બોલીએ... તને ખૂબ જ લવ કરીશું..! તારી બધી ફરિયાદો આજ પછી ક્યારેય નહીં રહે... સોરી બેટા...!'

ફબ્બી ખિસકોલીએ પણ એનાં મમ્મી-પપ્પાને સોરી કહ્યું... અને એમને ગળે લાગીને ડૂસકા ભરવા લાગી.

જિરાફ ટિચર આ દ્રશ્ય જોઈને ખૂબ જ ખુશ થયા... એમની આંખો ભીની જ હતી!

ફબ્બીનાં મમ્મી-પપ્પાએ જિરાફ ટિચરની માફી માંગી.

જિરાફ ટિચરે બધાને પ્રેમથી સમજાવ્યા.

છેલ્લે જિરાફ ટિચર ફબ્બીને વ્હાલ કરીને ગિફ્ટમાં બે મોટી ચોકલેટ આપીને વિદાય થયાં.

ફબ્બી ભીની આંખોએ સરને જતાં જોઈ રહી...    

Gujarat