For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ડ્રાંઉં અને ક્રાંઉં .

Updated: May 3rd, 2024

ડ્રાંઉં અને ક્રાંઉં                                    .

- 'જો આ કાગડો મને જોઇ જશે તો નક્કી એ મને ખાઇ જશે! હવે અહીંથી ભાગી છૂટવાનો પણ કોઇ રસ્તો નથી!'

- કિરીટ ગોસ્વામી

એ ક હતો દેડકો.તે એક નાનકડા તળાવમાં રહે. આખો દિવસ તળાવમાં મોજથી તરતો રહે અને ડ્રાંઉં-ડ્રાંઉં કરતો રહે.

ઉનાળાના દિવસો આવ્યા. આકરો તાપ પડવા લાગ્યો. તાપને લીધે, તળાવનું પાણી સૂકાવા લાગ્યું. આથી દેડકાને ચિંતા થઈ- 'આ તળાવ સાવ સૂકાઈ જશે તો? પાણી વિના તો કેમ જીવાશે?' થોડાક દિવસ પછી તાપ વધી ગયો અને તળાવ સૂકાઈ ગયું. હવે માત્ર થોડો કાદવ રહ્યો. એ કાદવમાં દેડકો પડયો રહેતો. ગરમીથી તો બચી શકાતું હતું પણ તરવાની અને ડ્રાંઉ-ડ્રાંઉ કરવાની મજા, આ કાદવમાં કયાંથી આવે?

વધુ થોડા દિવસ પછી તો કાદવ પણ સૂકાવા લાગ્યો. હવે તો તાપથી પણ બચી શકાય તેમ નહોતું. દેડકાએ કાદવમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો... પણ તેના પગ કાદવમાં ખૂંપી ગયા.

ઉપરથી સૂકો અને નીચેથી થોડો લીલો કાદવ હવે એવો ચીકણો થઈ ગયો કે,દેડકો જેવો એમાંથી બહાર નીકળવા જાય કે તરત પાછો લપસી પડે!

ખૂબ પ્રયાસો કર્યા, પણ તે કાદવમાંથી બહાર નીકળી શક્યો નહીં. એક દિવસ કાદવમાં પડયા-પડયા દેડકાએ આકાશમાં એક કાગડાને ઉડતો જોયો. આથી તેને ખૂબ ડર લાગ્યો-  'જો આ કાગડો મને જોઇ જશે તો નક્કી એ મને ખાઇ જશે! હવે અહીંથી ભાગી છૂટવાનો પણ કોઇ રસ્તો નથી!' દેડકા તો બરાબરની મુસીબતમાં ફસાયો! એવામાં કાગડાની નજર દેડકા પર પડી ગઇ! તરત જ, ક્રાંઉં..ક્રાંઉં..ક્રાંઉં.. કરતો એ તો આવ્યો, નીચે દેડકા પાસે! દેડકો તો ખૂબ ગભરાયો! હવે તો જીવ ગયો જ સમજો-એમ દેડકો વિચારતો હતો... ત્યાં કાગડાએ કહ્યું-

'ક્રાંઉં... ક્રાઉં... ક્રાંઉં...

હું તને નહીં ખાઉં!'

દેડકાને વિશ્વાસ ન બેઠો. તે તો હજીય ડરતો હતો. એટલામાં કાગડાએ ફરી કહ્યું-

'ક્રાંઉં... ક્રાંઉં... ક્રાંઉં...

હું તને નહીં ખાઉં!'

દેડકાએ ડરતાં-ડરતાં પૂછયું- 'તું સાચ્ચે નહીં ખાય મને?!'

'ના, નહીં ખાઉં! મેં તો ઉડતાં-ઉડતાં જોયું કે, દોસ્ત, તું મુસીબતમાં છે એટલે હું તને બચાવવા આવ્યો છું.' કાગડાએ કહ્યું.

'ઓહ..!' દેડકાને કાગડા પર હવે થોડો વિશ્વાસ બેઠો. તેણે કહ્યું- 'તો મને બચાવી લેને, યાર! હવે તો  કાદવની સાથે  જ મારો જીવ સૂકાતો જાય છે... ને ઉપરથી આ આકરો તાપ!'

કાગડો બોલ્યો- 'ચિંતા ન કર! તને કંઇ નહીં થાય!'

કાગડાએ હળવેકથી પોતાની ચાંચ વડે દેડકાને ઉપાડયો અને દૂર સુધી ઉડીને, પાણીથી છલોછલ એવા એક સરસ સરોવરમાં એને મૂકી દીધો!

સરોવરના પાણીમાં પડતાં જ દેડકાના જીવમાં જીવ આવ્યો! ખૂબ રાજી થઈને તેણે કાગડાને કહ્યું- 'દોસ્ત, થેન્ક યુ!'

કાગડાએ કહ્યું- 'એમાં થેન્ક્સ શાને?

ક્રાંઉં..ક્રાંઉં..ક્રાઉં..

હું દોસ્ત તારો થાઉં!'

દેડકાએ પણ હસીને કહ્યું-             

'ડ્રાંઉ..ડ્રાંઉ..ડ્રાંઉ..

હું દોસ્ત તારો થાઉં!'

- ને પછી તો ડ્રાંઉ અને ક્રાંઉં કાયમ માટે પાક્કા દોસ્ત બની ગયા! 

Gujarat