For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દયાબાની વાડી .

Updated: May 3rd, 2024

દયાબાની વાડી                                       .

- દયાબા ફરી ગુસ્સાથી બોલ્યાં, 'કેરીઓ હાથમાં લઈ લો. અને ચાલો બધા સૌ મારી સાથે... અને જો ભાગ્યા છો તો મારાં કૂતરાં તમારી પાછળ છોડીશ અને પછી...'

- એ ઝાડ પર કેરીઓ લટકતી હતી. પાકી પાકી, પીળી પીળી કેરીઓ જોઈને રોહન બોલ્યો, 'વાઉ! આટલી બધી કેરીઓ! પાકી પાકી કેરીઓ ખાવાની મઝા આવશે.'

- ભરત પંચોલી

પ રીક્ષા પૂરી થઈ ગઈ હતી. ઉનાળુ વેકેશનની રજાઓ પડી હતી. રોહન તેના મામાના ઘરે ગામડે રહેવા આવ્યો હતો. રજા પડે એટલે છોકરાઓ ધમાલ-મસ્તી કરે. તેમની મમ્મીઓ કહે, ઘરની બહાર રમવા જાવો અને અમને કામ કરવા દો.

છોકરાઓ કહે, 'અમે ક્યાં રમવા જઇએ ?' ત્યાં માનવ બોલ્યો : 'ગામથી દૂર દયાબાની વાડી છે. ત્યાં આપણે સૌ જઈએ. ત્યાં આબા પણ બહુ છે. મઝા આવશે.'

તોફાની માન્યા બોલી:

'ચાલોને દયાબાની વાડીએ જઈએ રે,

છાના માના કેરીઓ તોડશું રે.

આંબાના છાંયે કરીઓ ખાઈ શું રે

પકડાય જવાય તો ભાગશું રે.'

ત્યાં હીર બોલી, 'ના.ના. આપણે કોઈને પૂછ્યા વગર છાનામાના કેરીઓ ના તોડાય. એને ચોરી કહેવાય.' 

છોકરાઓ એ હીરની વાત ના માની અને માન્યા હીરનો હાથ પકડીને વાડી તરફ જવા લાગી. સૌ વાડીમાં પહોંચી ગયા. ત્યાં ઘણા બધા આંબાના ઝાડ હતા. એ ઝાડ પર કેરીઓ લટકતી હતી. પાકી પાકી, પીળી પીળી કેરીઓ જોઈને રોહન બોલ્યો, 'વાઉ! આટલી બધી કેરીઓ! પાકી પાકી કેરીઓ ખાવાની મઝા આવશે.'

કોયલ કૂઉં કૂઉં કરીને છોકરાઓને બોલાવતી હતી. છોકરાઓને પણ અવાજ સાંભળવાની મઝા આવી. તેઓ પણ કૂઉં...કૂઉં.. કરીને કોયલ સાથે વાત કરતા હતા. માન્યાએ ગીત ગાયું:

'દયા બાની વાડીએ પેઠાજી રે,

આંબા ડાળે હિંચકા ખાશું રે,

ધમ્માલ મસ્તી કરશું રે

પથ્થરથી કેરીઓ તોડશું રે.'

સનનન કરતો પથ્થર કેરીના ઝૂમખાં પર પડયો. અનુજનું નિશાન ચોક્કસ જગ્યાએ વાગ્યું અને બે-ત્રણ કેરીઓ નીચે પડી. કોયલ ઉડી ગઈ.  તેને આ ના ગમ્યું.

રોહન, માનવ, માન્યા, તનુજ વગેરે પથ્થર મારીને કેરીઓ પાડવા લાગ્યા. ઝીલ, મીલી, ત્રિષા, પ્રિયા બધા કેરીઓ વીણવાં લાગ્યાં અને કિકીયારીઓ પાડવા લાગ્યાં.

તેમનો અવાજ સાંભળીને દયાબા હાથમાં લાકડી લઈને બહાર નીકળ્યાં. એમણે બૂમ પાડી, 'ખબરદાર.. જો ભાગ્યા છો તો! તમારી પાછળ કૂતરાં છોડીશ અને આ મારા કૂતરાં તમને બચકું ભરી દેશે.' છોકરાઓ બધા ગભરાઈ ગયા અને કેરીઓ હાથમાં હતી તે ફેંકી દીધી.

દયાબા ફરી ગુસ્સાથી બોલ્યાં, 'કેરીઓ હાથમાં લઈ લો. અને ચાલો બધા સૌ મારી સાથે... અને જો ભાગ્યા છો તો મારાં કૂતરાં તમારી પાછળ છોડીશ અને પછી...'

છોકરાઓ ગભરાઈ ગયા.

હીર બોલી, 'દાદી. તમે એવું ના કરતાં. અમે તમે જેમ કહેશો તેમ કરીશું. પણ કૂતરાં ના દોડાવતાં...' અને તે રડવા લાગી.

દયાબાએ ડોળા કાઢતાં ફરી વાર એ જ વાત કરી, 'ચાલો તમે બધા ચૂપચાપ મારી પાછળ અને જો ભાગ્યા છો તો... યાદ છેને?'

છોકરાઓ હાથમાં કેરી લઈને દયાબાની પાછળ પાછળ જવા લાગ્યા. છોકરાઓ ગભરાઈ ગયા હતા. હવે અમને જરૂર માર પડશે. આપણે હીરની વાત માની હોત તો ?

દયાબાએ કડકાઈથી કહ્યું, 'ચાલો અંદર રૂમમાં... અને ચૂપચાપ બેસી રહેજો આ સોફા પર... અને જો ભાગશો તો...' 

'ના, ના દાદી, અમે નહી ભાગીએ. અમે ચોરી કરી છે,' માનવે કબૂલી લીધું. 

અનુજે કહ્યું, 'દાદી, આ બધું માનવ અને માન્યાને લીધે થયું છે.' દાદીએ બૂમ પાડી, 'રામુ ઓ રામુ... અહીં આવ તો!' રામુ આવ્યો.  દાદીએ કહ્યું, 'આ બધી કેરીઓ છોકરાઓ પાસેથી લઈ લે.' રામુ બોલ્યો, 'કેરીઓ છાનામાના તોડીને લાવ્યાને? હવે તમને મઝા ચખાડીશું.'

દાદી અને રામું અંદર ગયા. છોકરાઓનો ડર વધતો જતો હતો. હીરે કહ્યું, 'હવે શું કરીશું? આપણાં મમ્મી-પપ્પાને શો જવાબ આપીશું? માન્યા બોલી, 'આપણે ઘરે ક્યારે જઇશું. મારી મમ્મી મારી રાહ જોતી હશે. હું તો તેમને કહ્યા વગર આવી છું. હવે શું થશે ?'

બધા છોકરાઓ ઉદાસ અને ચિંતાતુર હતા. હવે આપણે ઘરે ક્યારે ને કઈ રીતે જઇશું?

રોહન બોલ્યો, 'ભાગવાનો કોઈ રસ્તો શોધો!'

દયાબા સાંભળી ગયાં. એમણે કહ્યું: 'ભાગવાની કોઈ જરૂર નથી.' રામુ એક થાળીમાં કેરીઓ કાપીને લાવ્યો. દયાબાએ કહ્યું, 'રામુ, બધાને એક-એક ડિશ આપી દે. છોકરાઓ... તમેતમારે ટેસથી કેરીઓ ખાવ.'

માન્યા ગભરાતાં ગભરાતાં બોલી, 'દાદી, તમે સાચું કહો છો?' માનવ બોલ્યો, 'દાદી અમે કેરીઓ ખાઈએ તો તમે કૂતરાં તો નહીં છોડોને?'

દાદી હસતાં હસતાં બોલ્યાં: 'અમે કૂતરાં રાખતા જ નથી. પણ જો કેરીઓ નહીં ખાવ તો બહારના કૂતરાંને હું બોલાવીશ! ખાવ ખાવ કેરીઓ ખાવ, બાળકો, તમને કેરીઓ બહુ ભાવે છેને! પણ આમ છાનામાના કોઈની વાડીમાં પેસીને પથ્થરો મારીને કેરી ચોરી કરીને તો ના જ ખવાય હો!' બધા છોકરાઓ બોલ્યા, 'સોરી દાદી, અમારી ભૂલ થઈ ગઈ. હવેથી અમે કેરીની ચોરી નહીં કરીએ.'

દયાબા બોલ્યાં: 'કાલે હું તમને બધાને ઇનામ આપીશ. રસ-પૂરી ખાવા તમારે બધાએ આ દાદીના ઘરે આવવાનું છે.'

માન્યા બોલી :

'રસ ને પૂરી ખાઈશું

દયાબાની વાડીએ જઇશું જી,

આંબા ડાળે હિંચકાં ખાઈશું

વાડીમાં રમવા જઈશું જી.'

દયાબા બોખાં મોંઢે હસવા લાગ્યા. 'આવો છોકરાઓ મારી વાડીએ. ધમ્માલ મસ્તી કરજો. તમને હું રસ-પૂરી ખવડાવીશ. પંખીડા ભેળા તમેય આવજો. તમેય પંખીડાં છોને!'

બધા બોલ્યાં, 'હા દાદી, અમે રોજ આવીશું, પણ કેરી ચોરી કરીને ખાઈશું નહીં.' 

Gujarat