For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કેમેરાવાળી કીડી .

Updated: May 3rd, 2024

કેમેરાવાળી કીડી                                         .

- 'એ મંકોડા... મને ગોળનું ગાડું બતાવને...!' 'ચાલો મારી સાથે. ગોળનું ગાડું તો નહીં લાવી શકું. પણ ગોળની કાંકરી જરૂર મેળવી આપીશ.'

- કીડી જે કીડીઓને બહેનપણી માનતી એ જ  તેની પોલ છતી કરતી હતી, ને ખી... ખી... કરીને ચૂપચાપ હસતી હતી.

વાસુદેવ સોઢા

એ ક કીડી હતી. એ ખૂબ અભિમાની અને ઘમંડી હતી. બસ એ કહે એ જ સાચું, એવું માનનારી હતી.

એક દિવસ કીડી બાઈને એક શાંત મંકોડો મળ્યો. તેને કહે, 'એ મંકોડા... મને ગોળનું ગાડું બતાવને...!'

'ચાલો મારી સાથે. ગોળનું ગાડું તો નહીં લાવી શકું. પણ ગોળની કાંકરી જરૂર મેળવી આપીશ.'

બંને એક દિવસ ઉપડયા. અને કેટલાએ મંકોડા અને કીડીઓ ઉભરાઈ હતી તે જગ્યાએ આવ્યાં.

કીડી અને આ શાંત મંકોડાને બધા સાથે ઓળખાણ થઈ. અભિમાની અને ઘમંડી. આસપાસનાં કેટલાક મંકોડાઓ તેના અભિમાન અને ઘમંડને પારખી ગયા. તેઓ તેના ઘમંડને પોષનારા હતા.

કીડી પાસે કેમેરો પણ હતો. બધે ફોટા પાડતી જાય ને ચાલતી જાય.

એ જ જગ્યાએ એને એક મંકોડો મળી ગયો. એ મંકોડો અહીં જ રહેતો હતો. એ ભારે ઉસ્તાદ હતો. કીડી તો એની ઉસ્તાદીના જ વખાણ કરવા લાગી. જ્યાં જ્યાં એ મંકોડો જાય ત્યાં એની પાછળ પાછળ કીડી જાય. કદાચ આની પાસેથી ગોળનું ગાડું મળી જાય. કીડીને થયું કે જે કંઈ છે તે આ મારો મંકોડો જ છે. કેમેરો લઈને કીડી એની પાછળ પાછળ ઘૂમે.

આસપાસનાં મંકોડા અને કીડીઓ બધું જોયે રાખે. કોઈ કંઈ બોલે નહીં. ક્યારેક અંદરોઅંદર ઈશારા પણ કરી લે.

એક દિવસ બધા કીડી-મંકોડા એમની પાછળ પાછળ ગયાં.

પેલો અહીંનો મંકોડો કીડીને ક્યાંને ક્યાં લઈ ગયો. નદીને ઘાટે. જંગલની વાટે. જ્યાં મોટી મોટી પથ્થરની ભેખડો હતી. આસપાસ મોટાં ઝાડ હતા. આ મંકોડા પાસે પણ કેમેરો. મંકોડાભાઈ અને કીડીબાઈ બધાથી દૂર છેક નદીની ઘાટીમાં ગયાં. મંકોડો કીડીના ફોટા લે. કીડી ઠેકડા મારે. મંકોડો મશગુલ થઈને કીડીબાઈના ફોટા લે. વીડિયો ઉતારે. ત્યાં બે જ જણ. બીજા બધા ઉપર છેક દૂર દૂર.

બધા વિચારે અને પેલા મંકોડા અને કીડીને દૂર દૂરથી જુએ. એક બીજા સાથે જોઈ ઈશારા પણ કરે.

અંધારું થવા આવ્યું. પણ એ બંને ન આવ્યાં. મંકોડાભાઈ કીડીની ફિલમ ઉતારતા હતા. અંધારે અંધારે પણ ફિલમ ઉતારતા હતા.

બધા કીડી મંકોડાને થયું. હવે જોઈએ. પેલી કીડીને મંકોડો છેલ્લે આવશે.

એવું જ થયું. કીડીનો હાથ કચકચાવી પકડીને મંકોડાભાઈ આવી રહ્યા હતા. કીડી જે કીડીઓને બહેનપણી માનતી એ જ કીડીઓ તેની પોલ છતી કરતી હતી. ને ખી... ખી... કરીને ચૂપચાપ હસતી હતી.

બીજો એક મૂછાળો મંકોડો હતો. એ તો છેક નદીને તળિયે ઉતારી ગયો હતો. તે મંકોડો પણ કેમેરાવાળો હતો. એ તો આ બંને ફિલમ ઉતારનાર જોડીની ફિલમ ચૂપચાપ ઉતારતો હતો. લાગતા વળગતા એના મંકોડા ભાઈબંધોને ફિલમ બતાવતો હતો. બધા જોઈ જોઈને હસતા હતા. શાંત મંકોડો આમાંથી બાકાત હતો. એ કંઈ બોલતો ન હતો.

પેલી કીડીને થયું, હું હોશિયાર છું. બોલ્ડ છું. પણ આસપાસ ઉભરાયેલી કીડીઓ અને મંકોડાઓ પેલી કીડીની ખાનગીમાં હાંસી જ ઉડાવતા હતા.

સૌની પોછળ એ કીડી અને મંકોડો અંકોડા ભીડીને આવ્યાં. ત્યારે અંધારું થઈ ગયું હતું.

પેલો મંકોડો કીડીની ફિલ્મ ઉતારતો હતો, તેની પણ કોઈ કીડી ચૂપચાપ ફિલ્મ ઉતારતી હતી. આ તો ફિલ્મની પણ ફિલ્મ ઉતરતી હતી.

અને ચૂપચાપ બીજી કીડીઓ અને મંકોડાને ફિલમની ફિલ્મ સેન્ડ કરી ત્યારે અભિમાની કીડીનું ઘમંડ પકડાય ગયું.

એ શાંત મંકોડો હતો, જે કીડીને લાવ્યો હતો. એણે કહ્યું, 'કીડીબાઈ હવે આપણાં દરમાં પાછા જશું ને?'

તરત પેલો મંકોડો બોલ્યો, 'ના, નહીં આવે. તારે જવું હોય ત્યાં જા. કીડી તો હવે હું કહું એમ જ કરશે.'

પેલો શાંત મંકોડો કંઈ ન બોલ્યો. પણ ત્યારે તેને મૂછાળા મંકોડાની ફિલમ યાદ આવી.

હા. સાચું હવે કીડી ન આવે. એ ચૂપચાપ ત્યાંથી ચાલ્યો. ઘમંડી કીડીનું ધગધગતું અટ્ટહાસ શાંત મંકોડાભાઈને સંભળાયું. જાણે પીઠ પર અગ્નિજ્વાળા લાગી છે.

શાંત મંકોડાભાઈ આગળ ચાલ્યા. ત્યાં તેને ગોળનું ગાડું મળ્યું. તેને પેલી ઘમંડી કીડી યાદ આવી. પણ હવે શું ? 

Gujarat