For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સિવિલ એન્જિનીયરિંગ,આર્કિટેક્ટ સ્ટુડન્ટને ઉપયોગી : BIM

Updated: Apr 28th, 2024

સિવિલ એન્જિનીયરિંગ,આર્કિટેક્ટ સ્ટુડન્ટને ઉપયોગી : BIM

- ykÃkýe fku÷uskuLkk yÇÞkMk¢{ Lkðe xufLkku÷kuS MkkÚku íkk÷ r{÷kðe þfíkk LkÚke, yuLkwt yuf WËknhý yux÷u...

પાછલા થોડા સમયથી, દેશની ટોચની એન્જિનીયરિંગ શિક્ષણ સંસ્થાઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઇઆઇટી)માં પણ પ્લેસમેન્ટમાં સમસ્યાઓ સર્જાઈ રહી હોવાની ચર્ચા જાગી છે. બીજી તરફ અન્ય કોલેજની વિવિધ સ્ટ્રીમ્સમાંથી બી.ટેક. કે બી.ઇ. થઈને બહાર પડતા વિદ્યાર્થીઓ ‘ઇન્ડસ્ટ્રી રેડી’ ન હોવાની ચિંતા પણ લાંબા સમયથી ચાલે છે.

પહેલી તકલીફ માટે વૈશ્વિક સ્તરનાં અનેક કારણો હશે - પણ આપણા ફ્રેશ એન્જિનીયર્સ ઇન્ડસ્ટ્રી રેડી નથી એનું નિષ્ણાતોને એક જ કારણ દેખાય છે - આપણા અભ્યાસક્રમો ઇન્ડસ્ટ્રીની નવી જરૂરિયાતો સાથે તાલ મિલાવી શકતા નથી. ટેક્નોલોજી તેજ ગતિએ વિકસી રહી છે, પણ વિદ્યાર્થીઓને એ નવી વાતો કોલેજમાં શીખવા મળતી નથી.

એવું એક ઉદાહરણ એટલે સિવિલ એન્જિનીયરિંગમાં બિલ્ડિંગ ઇન્ફર્મેશન મોડેલિંગ (BIM-બિમ) ટેક્નોલોજી. આ એવી ટેક્નોલોજી છે જે - સિવિલ એન્જિનીયરિંગની ભાષામાં કહીએ તો - ભવિષ્યનાં બધાં કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો નવેસરથી પાયો તૈયાર કરી રહી છે.

આમ છતાં, આપણી સિવિલ એન્જિનીયરિંગ કોલેજોના અભ્યાસક્રમમાં બિમ હજી સામેલ નથી (સુખદ અપવાદો હોય, તો બહુ સારું!).

બિમ વિશે વધુ વાત કરીએ એ પહેલાં એક સ્પષ્ટતા - હું એન્જિનીયર નથી, આ વિષયનો નિષ્ણાત પણ નથી, પણ એટલું જરૂર સમજું છું કે જે કોઈ ટેક્નોલોજી દૂરના ભવિષ્યમાં નહીં, અત્યારથી જ આખી ઇન્ડસ્ટ્રીને હચમચાવી રહી હોય, એ ટેક્નોલોજી એ જ ઇન્ડસ્ટ્રીના સ્ટુડન્ટે વહેલી તકે જાણવી-સમજવી જોઈએ.

આવતી કાલે કાર ચલાવવાની હોય અને આપણે સાયકલ શીખીને સંતોષ માની લઈએ એ બિલકુલ ન ચાલે.

‘બીમ’ શું છે અને તેના વિશે સિવિલ એન્જિનીયરિંગના વિદ્યાર્થીઓએ શું જાણવું જોઈએ એ સમજીએ. આ વિષયના એક્સપર્ટ્સ, પ્રોફેશનલ્સ અને પ્રોફેસર્સ વધુ પ્રકાશ પાડશે તો આનંદ થશે! યાદ રહે, બિમ ફક્ત એક ઉદહારણ છે. ટેકનોલોજી સાથે સંબંધ ધરાવતા દરેક વિષયના વિદ્યાર્થીએ નવા સમય મુજબ અપડેટ રહેવું જ પડશે - અભ્યાસક્રમો ન બદલાય ત્યાં સુધી જાતે જ.

બિમ વિશે વધુ સમજતાં પહેલાં, થોડી પાયાની વાતો કરીએ. આપણી આસપાસ ઊભાં થતાં વિશાળ બિલ્ડિંગ્સનું બાંધકામ થઈ રહ્યું હોય ત્યારે એ જોઇને તમને ક્યારેય એવો વિચાર આવે છે કે બિલ્ડિંગના બાંધકામમાં સંકળાયેલા જુદા જુદા પ્રકારના લોકો એકબીજા સાથે માહિતીની સચોટ આપલે કઈ રીતે કરતા હશે?

સવાલ સાવ નાનો છે પણ એને હળવાશથી લેશો નહીં. આપણે ઘરમાં કંઈક નાનું એવું રિપેરિંગ કરવાનું હોય અને તેમાં ફર્નિચરનું કામ સંભાળતા સુથાર, પ્લમ્બર અને ઇલેક્ટ્રિશન ત્રણેય સંકળાયેલા હોય તો તમારો અનુભવ હશે કે એ ત્રણેય એકમેકને ખો આપતા હોય!

એમનો વાંક પણ નહીં. એ ત્રણેયનાં કામ એવાં ઓવરલેપ થતાં હોય કે કોનું કામ પહેલાં કરવું એ નક્કી કરવું જ મુશ્કેલ બને. છેવટે આપણે ક્રમ નક્કી કરીએ ને એ મુજબ કામ કરાવીએ, એ પછી જો ત્રણેય એક સમયે હાજર રહીને કામ બરાબર સમજે નહીં તો કામમાં લોચા થવાની પૂરેપૂરી શક્યતા. જો ઘરના નાના એવા રિપેરિંગમાં કમ્યુનિકેશનના અભાવે આવી મુશ્કેલી થતી હોય તો વિશાળ બહુમાળી બિલ્ડિંગ્સમાં પ્રોપર કમ્યુનિકેશન કેટલું મહત્ત્વનું હોય એ વિચારી જુઓ.

બિલ્ડિંગના નિર્માણ માટે ફાયનાન્સ અને મેનેજમેન્ટ સંભાળતા ડેવલપર્સ, બિલ્ડિંગનો પ્લાન તૈયાર કરતા આર્કિટેક્ટ્સ, બિલ્ડિંગનું સ્ટ્રકચર તૈયાર કરતા સ્ટ્રકચરલ એન્જિનીયર્સ, બિલ્ડિંગમાં તમામ પ્રકારના પ્લમ્બિંગની લાઇન્સ, ઇલેક્ટ્રિકલ લાઇન્સ, ફાયર સેફ્ટી વગેરે બાબતો સંભાળતા લોકો, ખરેખરું ચણતર કામ કરતા લોકો…

આ બધા જ વચ્ચે સતત, સચોટ કમ્યુનિકેશન થવું બહુ જરૂરી હોય છે.  આ માટે અત્યાર સુધી કાગળ પર દોરાતા પ્લાન્સનો ઉપયોગ થતો આવ્યો છે. આર્કિટેક્ટ્સ અને તેમની સાથે જોડાયેલા લોકો બિલ્ડિંગના કન્સ્ટ્રકશનમાં સંકળાયેલા અન્ય લોકોના કન્સલ્ટેશનમાં દરેક બાબતની ઝીણવટભરી નોંધ સાથેના પ્લાન તૈયાર કરે અને પછી એક્ચ્યુઅલ બાંધકામ શરૂ થાય. કાગળ પરના પ્લાનિંગમાં તકલીફ એ કે તેમાં ક્યાંક પણ ભૂલ રહી ગઈ હોય તો એ સહેલાઈથી પરખાય નહીં. બિલ્ડિંગનું બાંધકામ આગળ ધપવા માંડે ત્યારે ઝાટકા સાથે ખ્યાલ આવે કે ઇલેક્ટ્રિકલ લાઇન્સ અથવા પ્લમ્બિંગના પાઇપ્સ માટે અમુક જગ્યાએ પૂરતી વ્યવસ્થા કે જગ્યા જ નથી!

આનો ઉપાય આપે છે નવી ટેકનોલોજી - બિલ્ડિંગ ઇન્ફર્મેશન મોડેલિંગ (બીઆઇએમ), જે ‘બિમ’ તરીકે વધુ ઓળખાય છે. આપણે બિમને ‘નવી ટેકનોલોજી’ તરીકે ઓળખાવી કેમ કે ભારત માટે એ પ્રમાણમાં નવી વાત છે, પરંતુ બિમનો કન્સેપ્ટ ૧૯૭૦ના દાયકાથી એટલે કે પૂરા ૫૦ વર્ષ પહેલાંથી વિકસવા લાગ્યો હતો! અલબત્ત દુનિયાભરમાં તેનો ઉપયોગ ૨૧મી સદીની શરૂઆતમાં, ૨૦૦૦ના દાયકાથી જ સતત વિસ્તરવા લાગ્યો છે.

બિમ એક્ઝેટલી શું છે?

બિમ પોતે એક કન્સેપ્ટ છે, જેમાં કોઈ પણ નવી આકાર લઈ રહેલી ઇમારતનાં વિવિધ પાસાં જેમ કે અલગ અલગ પ્રકારનાં ડાયમેન્શન્સ, સ્પેસિફિકેશન્સ, મટિરિઅલ્સ, પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિકલ, ફાયર સેફટી વગેરેની લાઇન્સ વગેરે તમામ બાબતોનું કમ્પ્યૂટરમાં થ્રીડી વિઝ્યુઅલાઇઝેશન તૈયાર કરવામાં આવે છે.

પહેલાંના સમયમાં (હજી પણ) બિલ્ડિંગ્સના પ્લાનિંગ આર્કિટેક્ટ, એન્જિનિયર્સ અને ડ્રાફ્ટસમેન કાગળ પર પ્લાન તૈયાર કરતા. એ પછી કમ્પ્યૂટર એઇડેડ ડિઝાઇનિંગ (કેડ-CAD) ચલણી બન્યું અને ઓટોકેડ જેવા સોફ્ટવેરની મદદથી બિલ્ડિંગના પ્લાન તૈયાર થવા લાગ્યા. જોકે આવા પ્લાન ટુડી રહેતા અને છેવટે તો મોટા પ્લોટર મશીન પર તેના પ્રિન્ટઆઉટ મેળવીને બિલ્ડિંગની સાઇટ્સ પર તેનો ઉપયોગ થતો આવ્યો છે.

પરંતુ આપણે આગળ જોયું તેમ બિલ્ડિંગનું બાંધકામ એ ઘણાં બધાં પાસાં ધરાવતું અટપટું કામ છે. તેની દરેક બાબતનો પૂરો અંદાજ ફક્ત ટુડી ડ્રોઇંગથી મળી શકે નહીં. આથી બિલ્ડિંગ ઇન્ફર્મેશન મોડેલિંગ (બિમ)નો કન્સેપ્ટ ચલણી બનવા લાગ્યો છે.

તેમાં, બિલ્ડિંગના બાંધકામની જુદી જુદી બાબતો માટે જુદા જુદા લોકો બિમ સોફ્ટવેરની શેર્ડ ફાઇલ પર કામ કરે અને તેમને કામમાં ક્યાંય પણ ‘કન્ફ્લિક્ટ’ એટલે કે એકમેકના કામમાં અવરોધ ઊભો થાય તો સોફ્ટવેર તરત એરર દર્શાવે. જેમ કે પ્લમ્બિંગનું કામકાજ સંભાળતા લોકો બિલ્ડિંગની ડિઝાઇનમાં જે જગ્યાએ પ્લમ્બિંગ લાઇન્સનું પ્લાનિંગ કરતા રહ્યા હોય એ જ જગ્યાએ ઇલેક્ટ્રિકલ લાઇન્સનું પ્લાનિંગ થયું હોય તો સોફ્ટવેર એરર દર્શાવે અને બંને પ્રકારનાં કામ સંભાળતા લોકોએ સાથે મળીને તેનો ઉપાય  કરવો પડે.

આમ બિમની મદદથી બિલ્ડિંગનું ખરેખરું ચણતર શરૂ થાય એ પહેલાં ખાસ્સી એફિશિયન્ટ રીતે તેનું ડિઝાઇનિંગ થઈ શકે છે. આર્કિટેક્ટ્સ અને એન્જિનિયર્સ બિમની ડિજિટલ ફાઇલ્સ એકમેક સાથે શેર કરી શકે છે અને તેમાં રહેલી ખામીઓ બાંધકામ પહેલાં દૂર કરી શકે છે. બિમની મદદથી બિલ્ડિંગ વિશે વધુ સચોટ અને તમામ પાસાં આવરી લેતી માહિતી મળતી હોવાથી બાંધકામ સંબંધિત નિર્ણયો લેવાનું સહેલું બને છે.

ભારતમાં વધી રહ્યો છે બિમનો ઉપયોગ

ભારતમાં રિઅલ એસ્ટેટ સેકટરમાં બિમ અને તેના રેવિટ જેવા વિવિધ સોફ્ટવેરનો ઉપયોગ હવે પ્રચલિત થઈ રહ્યો છે. ભારતમાં ઓટોકેડ સોફ્ટવેરની ટ્રેનિંગ આપતાં ઘણાં ઇન્સ્ટિટ્યૂટ છે, એ જ રીતે બિલ્ડર ગ્રૂપ્સ કે આર્કિટેક્ટ્સ માટે ઓટોકેડ પર પ્લાન તૈયાર કરતી આપતી કંપનીઓ પણ ઘણી છે. પરંતુ બિલ્ડિંગનું થ્રીડી મોડેલિંગ (ફક્ત બહારનો દેખાવ નહીં, અંદર કી સારી બાતેં!) તૈયાર કરr આપતા બિમ સોફ્ટવેરની ટ્રેનિંગ કે સર્વિસ આપતી કંપનીઓ હવે આગળ આવી રહી છે.

સ્ટુડન્ટ માટે બિમની સમજ અનિવાર્ય છે

નવા સમયમાં સિવિલ એન્જિનીયર્સ અને આર્કિટેક્ટ્સ માટે બિમ સોફ્ટવેરની જાણકારી અનિવાર્ય બની રહી છે. પરંતુ નવાઈજનક રીતે હજી પણ આપણી કોલેજોમાં સિવિલ એન્જિનીયરિંગ કે આર્કિટેકચરના અભ્યાસ દરમિયાન બિમની વાત તો છોડો, ઓટોકેડ વિશે પણ પૂરતી સમજ અને ટ્રેનિંગ આપવામાં આવતી નથી (ફરી, સુખદ અપવાદો હોય તો બહુ સારું!).

આપણા અભ્યાસક્રમોમાં માત્ર બિલ્ડિંગ પ્રોસેસના કન્સેપ્ટ પર વધુ ધ્યાન આપવામાં આવે છે. પરંતુ એ માટે જે ટેકનોલોજીનો ઉપયોગ દુનિયાભરમાં ઝડપભેર વધી રહ્યો છે તેના તરફ પૂરતું ધ્યાન અપાતું નથી!

જો તમે સિવિલ એન્જિનીયરિંગ કે આર્કિટેકચરના સ્ટુડન્ટ હો તો કોલેજની સાથોસાથ બિમનો કન્સેપ્ટ તથા તેના ઉપયોગ માટે જરૂરી રેવિટ કે અન્ય સોફ્ટવેર પર હાથ અજમાવવા લાગશો તો તમને તમારી કરિયરમાં એ બહુ ઉપયોગી થશે. ભારતમાં અત્યારે ઘણાં સ્ટાર્ટઅપ એવાં વિકસ્યાં છે જે ફોરેનના ક્લાયન્ટ્સ માટે રેવિટ કે અન્ય સોફ્ટવેર પર બિલ્ડિંગ ઇન્ફર્મેશન મોડેલ્સ તૈયાર કરી આપે છે. ડિગ્રી મળ્યા પછી કોઈ આર્કિટેક્ચર ફર્મ કે કન્સ્ટ્રકશન કંપનીમાં સિવિલ એન્જિનીયર તરીકે જોડાવાનું થાય ત્યારે બિમની સમજ તથા તેના વિવિધ સોફ્ટવેરના ઉપયોગની આવડત તમારી પસંદગીનું એક બહુ મોટું કારણ બની શકે છે. એ જ રીતે સિવિલ એન્જિનીયરિંગ કે આર્કિટેકચરમાં ગ્રેજ્યુએશન પછી વધુ અભ્યાસ માટે તમે પરદેશ જવા ઇચ્છતા હો તો તેમાં પણ બિમ અને તેના વિવિધ સોફ્ટવેરની સમજ ખાસ્સી ઉપયોગી સાબિત થશે.

સાદું કારણ આટલું જ છે - ભણેલા ગણેલા વ્યક્તિ માટે જે મહત્ત્વ કાગળ, પેનથી લખવાની આવડત કે કમ્પ્યૂટરમાં ઝડપથી ટાઇપિંગની કુશળતાનું છે એટલું જ મહત્ત્વ સિવિલ એન્જિનિયર્સ અને આર્કિટેક્ટ્સ માટે બિમ સોફ્ટવેરના ઉપયોગની આવડતનું છે. તેની સમજ વિના તમારી પાસે ડિગ્રી હોય છતાં તમારા સબ્જેક્ટમાં તમે લગભગ અભણ ગણાઓ તેવા દિવસો દૂર નથી!

ફરી યાદ અપાવું, સિવિલ એન્જિનીયરિંગમાં બિમ જેવી ટેક્નોલોજીનો  ઉપયોગ એ માત્ર એક ઉદાહરણ છે. તમે ગમે તે સ્ટ્રીમના સ્ટુડન્ટ હો, આજના સમયમાં નવી દુનિયા સાથે તાલ મિલાવવો હોય તો કોલેજ પર આધાર રાખવાને બદલે, ઘણું બધું તમારે જાતે જ શીખવું પડશે.

Gujarat