For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અઠવાડિયે એક જ વાર નેલ્સનને પુરૂં ભાણું ખાવા મળતું..

Updated: May 1st, 2024

અઠવાડિયે એક જ વાર નેલ્સનને પુરૂં ભાણું ખાવા મળતું..

- યુવાનીના કાળમાં નેલ્સન મન્ડેલા ગરીબીની જબરજસ્ત ભીંસમાં

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-5

- બસ ભાડું બચાવવા નેલ્સન ઓફિસ જવા-આવવાના 12 માઈલ ચાલી નાંખતા..

- બસ ભાડામાં કરાયેલો માત્ર 1 પૈસાનો વધારો પાછો ખેંચાવવા માટે ઉગ્ર આંદોલન

મારા હૃદયમાં અલેકસાન્ડ્રાનું એક આગવું મહત્વ છે. અહીંના લોકો પ્રેમાળ અને નાત-જાતના ભેદભાવ વગર હળીમળીને સંપથી રહેતા હતા. જેથી ગોરાઓની Divide-and-Rule  નીતિ અહીં કારગત નહોતી નીવડતી.

મારા બાળપણના દિવસોમાં હું, જે જાણી, સમજી કે અનુભવી શક્યો નહોતો, એ ગરીબી શું ચીજ છે; તેની મને અહીં સારી પેઠે ખબર પડી હતી. જે લો ફર્મમાં હું ઇન્ટર્નશિપ કરતો હતો, ત્યાં મને અઠવાડિયે ૨ પાઉન્ડનો પગાર મળતો હતો. આમાંથી એકાદ પાઉન્ડ તો મારા ખાવા-પીવામાં ખર્ચાતા હતા અને અમારી વસાહતમાં લાઇટ નહીં હોવાથી તેમજ લોનો કોરસપોન્ડન્સ કોર્સ હું કરતો હોવાથી રાત્રે વાંચવા માટે મીણબત્તી બાળતો હતો એટલે અઠવાડિયે મીણબત્તી પાછળ પણ ખર્ચ થતો હતો. દર મહિને થોડા પેન્સની ઘટ પડતી રહેતી હતી. બસ ભાડું બચાવવા માટે હું ઘણાં દિવસ અલેકસાન્ડ્રાથી શહેર સુધી બસમાં જવા-આવવાના બદલે સવારે છ માઇલ ચાલીને જતો અને એ જ રીતે સાંજે શહેરથી છ માઇલ ચાલીને પાછો અમારી વસાહતમાં આવતો હતો. મહિનામાં ઘણાં દિવસ હું અર્ધ ભૂખ્યો રહી ખાવાના ખર્ચમાં પણ બચત કરતો હતો. લો ફર્મના એક પાર્ટનરે મને તેનો જૂનો સૂટ પહેરવા આપી દીધો હતો. તેનો આ સૂટ મેં પાંચ વર્ષ સુધી ચલાવ્યો હતો.

હું જેના ઝૂંપડા જેવા ઘરમાં ભાડે રહેતો હતો, તે લેન્ડલોર્ડ હોમા, ભલે એ ધનવાન નહોતો, પણ પુરેપુરો માનવતાવાદી હતો. દર રવિવારે એ અને એની પત્ની મને તેમના ઘરે લંચ માટે બોલાવતા હતા. એ દિવસે ગરમાગરમ પોર્ક અને વેજિટેબલ્સ મને ખાવા મળતા. આખા અઠવાડિયામાં આ એક જ દિવસ એવો હતો કે જ્યારે મને ગરમાગરમ ખાવાનું મળતું...આખું અઠવાડિયું હું ભલે ગમે ત્યાં હાઉ કે ગમે તે કામમાં પરોવાયો હોય, પણ રવિવારે હું અચૂક મારા લેન્ડલોર્ડને ત્યાં પહોંચી જતો. બાકીના દિવસો હું બ્રેડથી ચલાવી લેતો, ક્યારેક હું જ્યાં નોકરી કરતો હતો ત્યાંની સેક્રેટરીઓ મારા માટે કશુંક ને કશુંક ખાવાનું લઇ આવતી.

Law Firm  ની ઓફિસમાં મારો જોડીદાર ગોર રાડેબે નામનો એક આફ્રિકન કર્મચારી હતો. મારાથી તે દશ વર્ષ સિનિયર હતો. હાઇટમાં તે થોડો ટૂંકો હતો, જો કે શરીરે ભરાવદાર અને સશક્ત હતો. તે અંગ્રેજી, સોથો અને ઝુલુ ભાષામાં સરસરીતે બોલી શકતો હતો. આ દરેક ભાષામાં તે રમૂજી રીતે અને પુરતા આત્મવિશ્વાસ સાથે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતો હતો. જોહાનિસબર્ગની બ્લેક કોમ્યુનિટિમાં તે જાણીતો ચહેરો હતો.

Law Firm માં હું ગોરની ખૂબ નજીક હતો. જો કે ફર્મના પાર્ટનર સાઇડલ્સ્કીને આ ગમતું નહોતું. ગોર સાથેની મારી નિકટકતા તેમને ખટકતી હતી.

વર્ષ ૧૯૪૨ના અંતમાં મારી BA ડિગ્રીની છેલ્લી પરીક્ષા મે પાસ કરી. મને તેથી આનંદ તો થયો પરંતુ મને એ પણ હવે ખ્યાલ આવી ગયો હતો કે ડિગ્રી એ કાંઇ જીવનમાં સરળતાથી સફળતા મેળવવાનો પાસપોર્ટ નથી.

ગોર મને કહેતો કે જીવનમાં આગળ વધવા માટે શિક્ષણ જરૂરી છે, પણ કોઇ પ્રજા કે કોઇ રાષ્ટ્રે માત્ર શિક્ષણથી સ્વતંત્રતા નથી મેળવી. 

ગોર તેની દલીલ આગળ વધારતા કહે તો, શિક્ષણ મેળવવું એ સારી વાત છે. પણ આપણે માત્ર એકલા શિક્ષણ પર આધાર રાખીને બેસી રહીશું, તો સ્વતંત્રતા મેળવવા આપણે ૧૦૦૦ વર્ષ રાહ જોવી પડશે. આપણે ગરીબ છે, આપણી પાસે ટિચર્સ ઓછા છે, અને તેમનાથીય ઓછી સ્કૂલો છે. શિક્ષણના ફેલાવા માટે આપણી પાસે પુરતા સાધન-સમ્પત્તિ નથી.

ગોરના સ્વભાવનું એક પાસું બહુ સચોટ હતું કે તે માત્ર થિયરી રજૂ કરવાને બદલે પ્રશ્નનો ઉકેલ શોધવામાં માનતો હતો. 

ગોર ભારપૂર્વક કહેતો કે આફ્રિકનો માટે, આફ્રિકન નેશનલ કોંગ્રેસ, એ પરિવર્તન માટેનું એન્જિન છે. સાઉથ આફ્રિકામાં સત્તા હસ્તગત કરવી હશે તો આપણે આફ્રિકન નેશનલ કોંગ્રેસની નીતિઓ અનુસરવી પડશે. આફ્રિકામાં આ સંસ્થા સૌથી જૂની છે. તેની સ્થાપના વર્ષ ૧૯૧૨માં થઇ હતી. તેના બંધારણમાં રંગભેદ નીતિની સખત શબ્દોમાં ઝાટકણી કઢાઇ છે. જુદા જુદા ટ્રાઇબલ જૂથોના નેતાઓ વારાફરતી આફ્રિકન નેશનલ કોંગ્રેસના પ્રમુખપદે રહી ચૂક્યા છે.

આઝાદીની ચળવળમાં ગોરના પુરેપુરા લગાવે મારા પર ઊંડી છાપ પાડી હતી. સાઉથ આફ્રિકાની સ્વતંત્રતા માટે જ તેણે જીવન સમર્પિત કરી દીધું હતું.

ઘણી વખત ગોર નેશનલ કોંગ્રેસની દિવસમાં સંખ્યાબંધ મીટિંગોમાં હાજરી આપતો અને એ દરેક મીટિંગમાં પ્રભાવક વકતા તરીકે ઉપસી આવતો હતો. ક્રાંતિ સિવાય બીજો કશો વિચાર જાણે એ કરતો જ નહોતો.

હું ઘણી વખત ગોર સાથે ટાઉનશિપ એડવાઈઝરી બોર્ડની તથા આફ્રિકન નેશનલ કોંગ્રેસની મીટિંગોમાં જતો હતો. હું ત્યાં માત્ર એક શ્રોતા તરીકે જ જતો હતો. એકેય મિટિંગમાં હું કશું બોલ્યો હોય એવું મને યાદ નથી.

૧૯૪૧માં બસનું ભાડું ૪ પેન્સથી (એક પાઉન્ડ બરાબર ૧૦૦ પેન્સ) વધારી ૫ પેન્સ કરી દેવાયું. અર્થાત બસ ભાડામાં ૧ પેન્સનો વધારો કરાતા તેના વિરોધમાં હું ગોર સાથે રેલીમાં જોડાયો, એ રેલીમાં ૧૦,૦૦૦ આફ્રિકનો જોડાયા હતા..!

લોકોએ બસનો બોયકોટ શરૂ કર્યો. નવ દિવસ બસો સાવ ખાલીખમ દોડી એટલે બસ કંપનીવાળાએ ઝુકવું પડયું. કંપનીએ ભાવ વધારો પાછો ખેંચી ફરી બસ ભાડુ ૪ પેન્સ કરી દીધું.

(આ વાત છે વર્ષ ૧૯૪૧ની, એટલે કે આજથી લગભગ ૮૩ વર્ષ અગાઉની, કે જ્યારે માત્ર ૧ પેન્સનો બસ ભાડા વધારો પણ લોકોને આકરો લાગતો હતો. આપણા ૧ રૂપિયાના ૧૦૦ પૈસા છે, તેમ ૧ પાઉન્ડના ૧૦૦ પેન્સ છે. કહેવાનો મતલબ બસ ભાડામાં કેવળ ૧ પૈસા જેટલા ભાડા વધારા માટે લોકો આંદોલને ચઢયા હતા. આજે સીંગતેલમાં કિલોએ સડસડાટ ૮ થી ૧૦ રૂપિયા, કે પેટ્રોલમાં લિટરે ૫ થી ૭ રૂપિયા અથવા ગેસ સિલિન્ડર સો-બસ્સોનો વધારો થઈ જાય છે. તોય લોકો મુંગા મોઢે ચૂપચાપ બેહદ ભાવવધારો સહી લે છે... કદાચ છેલ્લા ૮૩ વર્ષમાં લોકોની સહનશક્તિ વધી ગઈ છે કાં તો પછી ૮૩ વર્ષમાં સત્તાધિશો વિરૂધ્ધ બોલવાની લોકોની શક્તિ શૂન્ય થઈ ગઈ છે.)

બસ ભાડા વિરોધી આંદોલને મારા પર મોટી અસર કરી. અગાઉ મીટિંગો કે રેલીમાં હું માત્ર જોવા-જાણવા અને મઝા માટે જતો હતો, પણ આ આંદોલનની મારા પર થયેલી ઘેરી અસરને કારણે હવે હું મીટિંગોમાં કે આંદોલનોમાં માત્ર શ્રોતા થવા માટે નથી જતો, હવે સક્રિય રીતે સહભાગી થવા જઉં છું.

(ક્રમશઃ)

Gujarat