For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

2900 યુવતીઓ સાથે સેક્સ, પ્રજ્વલનો ખેલ કાકા કુમારે પાડયો?

Updated: Apr 30th, 2024

2900 યુવતીઓ સાથે સેક્સ, પ્રજ્વલનો ખેલ કાકા કુમારે પાડયો?

- ભૂતપૂર્વ વડાપ્રધાન દેવગૌડાના પૌત્ર અને સાંસદ પ્રજ્વલના શરમજનક કારસ્તાનની ચૂંટણી ટાણે હવસ કથા રાજકીય રંગે રંગાઇ ચૂકી છે

- કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, પ્રજ્વલે હજારો યુવતીઓ સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધીને વીડિયો ઉતાર્યા છે અને પછી બ્લેકમેઈલિંગ કરીને વારંવાર હવસનો શિકાર બનાવી. મીડિયા રીપોર્ટ પ્રમાણે પ્રજ્વલે 2900 યુવતીઓ સાથે સેક્સ સંબંધો બાંધ્યા છે.  લગભગ બે હજાર જેટલા વીડિયો-ફોટોમાં 600 જેટલી અલગ અલગ યુવતીઓ દેખાય જ છે તેથી આ દાવો સાચો હોઈ શકે.   આ સીડી-ફોટો સાચા હોય તો પ્રજ્વલ હવસખોરીમાં બધાંને ટપી ગયો છે એ કહેવાની જરૂર નથી. પ્રજ્વલની સેક્સ સીડી ફરતી થઈ એ માટે દેવગૌડાના બે દીકરા કુમારસ્વામી અને રેવન્ના વચ્ચેની હરીફાઈ કારણભૂત મનાય છે

કર્ણાટકમાં લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કા પહેલાં જ જેડીએસના સાંસદ પ્રજ્વલ રેવન્નાની સેક્સ સીડીઓ ફરતી થતાં ખળભળાટ મચી ગયો છે. ભૂતપૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાના મોટા પુત્ર રેવન્નાનો પુત્ર પ્રજ્વલ હાસ્સન લોકસભા બેઠકનો ઉમેદવાર છે. હાસ્સનમાં ૨૬ એપ્રિલે મતદાનના બે દિવસ પહેલાં અચાનક જ ફરતી કરાયેલી પેન ડ્રાઈવમાં પ્રજ્વલના યુવતીઓ સાથે સેક્સ માણતો હોય એવા ૨૦૦૦ જેટલા પોર્ન વીડિયો, અંગત પળોના ફોટા વગેરે છે. 

આ ઓછું હોય તેમ પ્રજ્વલના ઘરે કામ કરતી મહિલાએ પ્રજ્વલના બાપ રેવન્નાએ પોતાને હવસનો શિકાર બનાવીને વારંવાર શરીર સંબધ બાંધ્યા હોવાની ફરિયાદ નોંધાવી દીધી છે. પ્રજ્વલ પણ પોતાની દીકરીને વીડિયો કોલ કરીને ગંદી વાતો કરતો એવો ફરિયાદમાં ઉલ્લેખ છે. ફરિયાદ નોંધાવનારી ૪૭ વર્ષની મહિલા પાછી પ્રજ્વલની માતા ભવાનીની સંબંધી છે. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ છે કે, રેવન્ના-પ્રજ્વલ નોકરાણીઓને સ્ટોર રૂમમાં બોલાવીને ગમે ત્યાં ટચ કરતા ને તેમની મજબૂરીનો લાભ ઉઠાવીને શરીર સંબંધો બાંધતા. 

આ વીડિયો વાયરલ થયા પછી કર્ર્ણાટક મહિલા પંચે કરેલી રજૂઆતના પગલે કર્ણાટકની કોંગ્રેસ સરકારે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) બનાવતાં પ્રજ્વલ અને રેવન્નાની હાલત બગડી ગઈ છે. કર્ણાટકમાં ૭ મેએ બાકીની ૧૪ લોકસભા બેઠક માટે મતદાન છે. પ્રજ્વલ અને રેવન્નાનાં કુકર્મોના કારણે પોતે ના ડૂબી જાય એ ફફડાટમાં પોતાને આ વાત સાથે લેવાદેવા નથી એમ કહીને હાથ ખંખેરી નાંખ્યા છે. 

રેવન્નાની કેટલીક ક્લિપ્સ ડીસેમ્બરમાં પણ ફરતી થયેલી. ભાજપ હાઈકમાન્ડે જેડીએસ સાથે જોડાણ કર્યું ત્યારે કર્ણાટક ભાજપ પ્રમુખ વિજયેન્દ્રે હાઈકમાન્ડનું ધ્યાન દોરેલું પણ હાઈકમાન્ડે આ વાતને અવગણી હતી. હવે પ્રજ્વલનો બચાવ કરવા જતાં પોતની હાલત બગડશે તેથી ભાજપ આ બખેડામાં પડવા માગતો નથી. બીજી તરફ પ્રજ્વલે આ વીડિયો અને ફોટા મોર્ફ કરાયેલા હોવાનો દાવો કરીને ફરિયાદ નોંધાવી છે પણ એ પોતે જર્મની ભાગી ગયો છે તેથી શંકાના દાયરામાં આવી ગયો છે.

કોંગ્રેેસે આ ખેલ કર્યો કે તેને બગાસુ ખાતાં પતાસુ મળી ગયું એ ખબર નથી પણ કોગ્રેસે પૂરી તાકાતથી આ મુદ્દાને ચગાવી દીધો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, પ્રજ્વલે હજારો યુવતીઓ સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધીને તેના વીડિયો ઉતાર્યા છે અને પછી તેમને બ્લેકમેઈલિંગ કરીને તેમને વારંવાર હવસનો શિકાર બનાવતો હતો. મીડિયા રીપોર્ટ પ્રમાણે પ્રજ્વલે ૨૯૦૦ યુવતીઓને હવસનો શિકાર બનાવી છે. લગભગ બે હજાર જેટલા વીડિયો-ફોટોમાં ૬૦૦ જેટલી અલગ અલગ યુવતીઓ દેખાય જ છે તેથી આ દાવો સાચો હોઈ શકે.  આ સીડી-ફોટો સાચા હોય તો પ્રજ્વલ હવસખોરીમાં બધાંને ટપી ગયો છે એ કહેવાની જરૂર નથી. 

પ્રજ્વલની સેક્સ સીડી ફરતી થઈ એ માટે દેવગૌડાના બે દીકરા કુમારસ્વામી અને રેવન્ના વચ્ચેની હરીફાઈ કારણભૂત મનાય છે. દેવગૌડાએ કુમારસ્વામીને પોતાના રાજકીય વારસ બનાવતાં કુમારસ્વામી બે વાર મુખ્યમંત્રી બન્યા. કુમારસ્વામી હવે પોતાના દીકરા નિખિલને રાજકીય વારસ બનાવવા માગે છે પણ નિખિલમાં દમ નથી. 

કન્નડ ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂકેલો નિખિલ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં માંડયા બેઠક પરથી ફિલ્મ એક્ટ્રેસ સુમાલતા સામે હારી ગયેલો. ગયા વરસે વિધાનસભાની ચૂંટણીમાં પણ કુમારસ્વામીનો ગઢ મનાતી રામનગર બેઠક પરથી હારી ગયેલો. કુમારસ્વામી રામનગર બેઠક પરથી વારંવાર જીત્યા છે. તેમનાં પત્ની અનિતા કુમારસ્વામી પણ આ બેઠક પરથી જીત્યાં છે પણ નિખિલ જીતી શક્યો નથી તેથી નિખિલની રાજકીય કારકિર્દી શુરુ હોને સે પહલે હી ખતમ થઈ જવાનાં એંધાણ છે. 

બીજી તરફ નિખિલથી બે વર્ષ નાના પ્રજ્વલે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં હાસ્સન બેઠક પરથી જીતીને રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. ૨૦૧૯ની ચૂંટણીમાં જેડીએસને એક માત્ર લોકસભા બેઠક પ્રજ્વલે જીતાડી હતી. આ વખતે પ્રજ્વલ ફરી હાસ્સન લોકસભા બેઠક પરથી ઉભો રહ્યો છે. જેડીએસનું ભાજપ સાથે જોડાણ છે તેથી તેના જીતવાના પૂરા ચાન્સ છે. પ્રજ્વલ જીતે તો રાજકીય રીતે તેનું મહત્વ વધી જશે. 

દેવગૌડા પરિવારનો રાજકીય વારસ નિખિલ નહીં પણ પ્રજ્વલ બની જશે એવા ડરના કારણે કુમારસ્વામીએ જ સેક્સ સીડીઓ ફરતી કરી હોવાનું કહેવાય છે. પ્રજ્વલના લેપટોપ કે સિસ્ટમમાંથી સેક્સ ક્લિપ્સ લીક પરિવારની કોઈ વ્યક્તિ સામેલ હોય તો જ લીક થાય એ પણ કહેવાની જરૂર નથી.  જેડીએસના ધારાસભ્યો પ્રજ્વલને જેડીએસમાંથી તગેડી મૂકવાની માગણી સાથે ખુલ્લેઆમ મેદાનમાં આવ્યા છે તેના પરથી પણ કુમારસ્વામીનો ખેલ હોવાની પ્રબળ શક્યતા છે. 

પ્રજ્વલની સેક્સ સીડીઓ બહુ આયોજનપૂર્વક ફરતી કરાઈ છે એ જોતાં તેની પાછળ રાજકીય હાથ તો છે જ. બે હજાર જેટલા વીડિયો-ફોટોની ૫૦૦૦ જેટલી પેન ડ્રાઈવ ફરતી કરી દેવાયેલી. બસની સીટો પર, પાનના ગલ્લે એમ ઠેકઠેકાણે જાહેર સ્થળો પર પેન ડ્રાઈવ મૂકીને મહત્તમ લોકો સુધી પહોંચે તેની ગોઠવણ કરાયેલી. પેન ડ્રાઈવો મૂકાઈ તેના કલાકોમાં તો સોશિયલ મીડિયા પર વીડિયો-ફોટા વાયરલ થઈ ગયેલા. ઓર્ગેનાઈઝ્ડ નેટવર્ક વિના એ શક્ય નથી. 

કર્ણાટક એસઆઈટી શું શોધી લાવે છે એ જોવાનું રહે છે. ભારતમાં રાજકીય સ્વાર્થના કારણે મોટા મોટા અપરાધોમાં ભીનું સંકેલી લેવાય છે. પ્રજ્વલન કેસમાં એવું ના થાય એવી આશા રાખીએ. 

કુમારસ્વામીએ 28 વર્ષ નાની એક્ટ્રેસ સાથે બીજાં લગ્ન કર્યાં 

દેવગૌડાના રાજકીય વારસ કુમારસ્વામી પણ રંગીન મિજાજના માણસ છે. કુમારસ્વામીને રાજકારણમાં રસ નહોતો પણ પિતા વડાપ્રધાન બન્યા પછી ૧૯૯૬માં ૩૬ વર્ષની ઉંમરે રાજકારણમાં એન્ટ્રી કરી.  એ પહેલાં કુમારસ્વામી કન્નડ ફિલ્મોના સફળ નિર્માતા હતા. કુમારસ્વામીનાં અનિતા સાથે ૧૯૮૬માં લગ્ન થયેલાં પણ કુમારસ્વામીને ઘણી કન્નડ હીરોઈનો સાથે સંબંધ હોવાનું કહેવાય છે. પ્રિયા હસ્સન અને વિજયાલક્ષ્મી સાથેના તેમનાં સંબંધો ચર્ચાસ્પદ બનેલા. 

કુમારસ્વામીની બીજી પત્ની રાધિકા નવમા ધોરણમાં ભણતી હતી ત્યારે જ તેની પહેલી ફિલ્મ 'નીલ મેઘશ્યામ' રીલીઝ થયેલી કે કુમારસ્વામીએ ફાયનાન્સ કરેલી. રાધિકાની ઉંમર ત્યારે માત્ર ૧૫ વર્ષ હતી. ફિલ્મના શૂટિંગ વખતે રાધિકાને પોતાનાથી ૨૮ વર્ષ મોટા કુમારસ્વામી સાથે સંબંધ બંધાયેલા એવું કહેવાય છે.

કુમારસ્વામીના કારણે રાધિકાને ધડાધડ ફિલ્મો મળવા માંડી. રાધિકા સ્ટાર બની જતાં રતન કુમારે રાધિકાનો પતિ હોવાનો દાવો કરીને હોહા મચાવી દીધેલી. રાધિકા પુખ્ત નહોતી તેથી તેની માતાએ કહેવાતાં લગ્નને રદ્દબાતલ ઠેરવવા કરેલી અરજી માન્ય ઠરી હતી. રતન કુમાર ૨૦૦૨માં રહસ્યમય રીતે ગુજરી ગયેલો. તેના મોતનું કારણ હાર્ટ એટેક અપાયેલું. 

કુમારસ્વામીએ રાધિકા સાથે ૨૦૦૬માં ખાનગીમાં બીજાં લગ્ન કર્યાં ત્યારે રાધિકા ૧૯ વર્ષની અને કુમારસ્વામી ૪૭ વર્ષના હતા. ૨૦૦૯માં તેને દીકરી થઈ કે જેનું નામ શમિકા છે. ૨૦૧૦માં રાધિકાએ કુમારસ્વામી સાથે લગ્ન કર્યાંનું એલાન કરેલું. કુમારસ્વામી એ પછી ખુલ્લેઆમ રાધિકા સાથે ફરે છે ને મજા કરે છે.

દેવગૌડાની 'અપ્પા-મક્કાલુ' પાર્ટી પરિવારમાં 2 સાંસદ, 6 ધારાસભ્ય

કર્ણાટકમાં ભાજપે ભૂતપૂર્વ દેવગૌડાની પાર્ટી સાથે જોડાણ કર્યું તેની સામે ભાજપમાં ભારે અસંતોષ છે કેમ કે દેવગૌડા વંશવાદી રાજકારણને પોષે છે. ભાજપ એક તરફ વંશવાદની ટીકા કરે છે જ્યારે બીજી તરફ હળાહળ વંશવાદી  દેવગૌડા પરિવાર સાથે હાથ મિલાવ્યા તેની સામે ભાજપના જ ટોચના નેતાઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. 

કર્ણાટકમાં જેડીએસને 'અપ્પા-મક્કાલુ' પાર્ટી (બાપ-બેટાનો પક્ષ) કહેવામાં આવે છે. દેવગૌડાના પરિવારમાંથી ૮ લોકો ધારાસભ્ય કે સાંસદ છે અને પંદરેક લોકો બીજા રાજકીય હોદ્દા પર છે. દેવગૌડાનો બાલકૃષ્ણ, રેવન્ના, કુમારસ્વામી અને રમેશ એમ ચાર દીકરા તથા અનસૂયા અને શૈલજા એમ બે દીકરી છે. 

આ પૈકી દૈવગૌડા રાજ્યસભાના જ્યારે રેવન્નાનો દીકરો પ્રજ્વલ લોકસભાનો સભ્ય છે. રેવન્ના ધારાસભ્ય છે, તેનો  બીજો દીકરો સૂરજ વિધાન પરિષદનો સભ્ય છે જ્યારે પત્ની જિલ્લા પંચાયતની પ્રમુખ હતી પણ મુદત પૂરી થતાં અત્યારે સભ્ય છે. કુમારસ્વામી અને તેની પત્ની અનિતા બંને ધારાસભ્ય છે. અનસૂયાના જેઠ સી.એન. બાલકૃષ્ણ ધારાસભ્ય છે અને અનસૂયાના પતિ ડો. સી.એન. મંજુનાથ લોકસભાની ચૂંટણીમાં બેંગલોર રૂરલ બેઠકના  ભાજપના ઉમેદવાર છે. 

દેવગૌડાનો મોટો દીકરો બાલકૃષ્ણ કર્ણાટકમાં ક્લાસ વન ઓફિસર હતો. નિવૃત્તિ પછી એ રાજકારણમાં આવી ગયો છે. સૌથી નાનો દીકરો રમેશ રેડિયોલોજિસ્ટ છે. તેના સસરા ડી.એસ. તમન્ના ધારાસભ્ય છે જ્યારે પત્ની ડો. સૌમ્યા રમેશ વિધાનસભાની ચૂંટણી હારી ગઈ હતી. કુમારસ્વામીનો પુત્ર નિખિલ ગૌડા પણ પહેલાં લોકસભા ને પછી વિધાનસભાની ચૂંટણી હારી ચૂક્યો છે. નિખિલના સસરા કૃષ્ણપ્પા ધારાસભ્ય છે.

Gujarat