For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની વાત : બહેન પ્રિયંકા સામે વરૂણ ચૂંટણી નહીં લડે

Updated: Apr 30th, 2024

દિલ્હીની વાત : બહેન પ્રિયંકા સામે વરૂણ ચૂંટણી નહીં લડે

નવી દિલ્હી : ગાંધી પરિવારમાં ઈન્દિરા ગાંધીને સોનિયા સાથે બનતું એટલું મેનકા સાથે બનતું નહીં એમ કહેવાય છે. સોનિયા અને મેનકા વચ્ચે બોલવાનાય સંબંધો નથી. મેનકા ગાંધીએ ૧૯૮૪માં અમેઠીની બેઠક પરથી રાજીવ ગાંધી સામે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું ત્યારથી બંને પરિવારો વચ્ચે સંબંધો વણસી ગયા હતા. તેમ છતાં પ્રિયંકા અને વરૂણને સારું બને છે. પ્રિયંકા કાયમ વરૂણને નાનો ભાઈ ગણે છે અને રિસ્પેક્ટ બતાવે છે. બીજી તરફ રાહુલ પણ વરૂણ મુદ્દે આક્રમક નથી. લોકસભામાં બંને ભાઈઓ મળે ત્યારે હસીને વાતો કરે છે. પ્રિયંકા રાયબરેલીથી ચૂંટણી લડે તો વરૂણને ટિકિટ આપવા ભાજપે તખ્તો તૈયાર કર્યો હતો. વરૂણની નજીકના સૂત્રોના કહેવા પ્રમાણે વરૂણે ખાસ ઉત્સાહ બતાવ્યો નથી. વરૂણે સ્પષ્ટ કહ્યું છે કે રાહુલ કે પ્રિયંકા સામે તે ચૂંટણી નહીં લડે. તેના બદલે બીજા કોઈ ઉમેદવારની જાહેરાત થશે તો ચોક્કસ ભાજપની ટિકિટ પરથી લડશે.

અરવિંદરના રાજીનામાએ દિલ્હીમાં મુશ્કેલી સર્જી

દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ અચાનક રાજીનામું આપીને કોગ્રેસ હાઈકમાન્ડને ચોંકાવી દીધું છે. દિલ્હીની સાત બેઠકોની ચૂંટણીને મહિનો પણ બાકી નથી ત્યારે કોંગ્રેસ પ્રમુખના રાજીનામાએ દિલ્હી કોંગ્રેસની આંતરિક ખેંચતાણ જાહેર કરી દીધી છે. દાવાઓ તો ત્યાં સુધી થાય છે કે અરવિંદર સિંહ ભાજપમાં જોડાઈ જશે. જોકે, અરવિંદર એનો ઈનકાર કરી રહ્યા છે. આપ-કોંગ્રેસના ગઠબંધનના કારણે મતોનું વિભાજન અટકે તો ત્રણ-ચાર બેઠકો મળે એવી આશા હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં છે એ મુદ્દે સહાનુભૂતિ મેળવીને ઈન્ડિયા ગઠબંધનને સારા દેખાવની અપેક્ષા હતી, પણ કોંગ્રેસ પ્રમુખના રાજીનામાથી સ્થિતિ રાતોરાત બદલાઈ ગઈ છે. કોંગ્રેસ કાર્યકરોનો ઉત્સાહ શમી ગયો છે ને તેની અસર પરિણામો પર પડી શકે છે.

બંગાળમાં બિષ્ણુપુર બેઠક પર પતિ-પત્ની વચ્ચે જંગ

વડીલો કહેતાઃ આ રાજકારણ ઘરમાં વેર કરાવે. એ વાતને સાચી સાબિત કરતાં ઘણાં કિસ્સા જોવા મળતા હોય છે. ક્યાંક ભાઈઓ વચ્ચે ચૂંટણીજંગ જામે છે તો ક્યાંક નણંદ-ભાભી વચ્ચે. એક બેઠક એવીય છે જ્યાં પતિ-પત્નીએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. પશ્વિમ બંગાળના બિષ્ણુપુર લોકસભા બેઠકનો કિસ્સો દેશભરમાં ચર્ચાસ્પદ બન્યો છે. તૃણમૂલ કોંગ્રેસે સુજાતા મંડલને ઉમેદવાર બનાવ્યા છે. તો ભાજપે તેમનાં પતિ સૌમિત્ર ખાનને મેદાનમાં ઉતાર્યા છે. ૨૦૧૯માં સૌમિત્ર ખાનને ભાજપે ટિકિટ આપી ત્યારે સુજાતાએ તેમના માટે પ્રચાર કર્યો હતો. સૌમિત્ર જીતીને સાંસદ બન્યા હતા. પછીથી પતિ-પત્ની વચ્ચે ખટરાગ થયો અને બંને અલગ થઈ ગયા. પ્રેમલગ્ન કરનારા આ દંપતીએ હવે એકબીજાને હરાવવા માટે એડીચોટીનું બળ લગાવ્યું છે. સુજાતા પછીથી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. પાર્ટીએ તેમને એ જ બેઠક પરથી ટિકિટ આપીને જંગને રસપ્રદ બનાવ્યો છે. મતદારોમાં બંનેના ચૂંટણીજંગની ભારે ચર્ચા છે.

કન્નૌજમાં છ બોલમાં છ સિક્સ મારીશ : અખિલેશ

કન્નૌજની બેઠક મુલાયમ સિંહ યાદવના પરિવારનો ગઢ ગણાય છે. ૧૯૯૮થી આ બેઠક સમાજવાદી પાર્ટી પાસે હતી. એ બેઠક પરથી મુલાયમ સિંહ એક વખત તો અખિલેશ યાદવ ત્રણ વખત ચૂંટાયા હતા. ડિમ્પલ યાદવ એક વખત બિનહરીફ અને એક વખત ૨૦૧૪માં જંગી બહુમતીથી સુબ્રત પાઠક સામે જીત્યા હતા, પરંતુ ૨૦૧૯માં સુબ્રત પાઠકે અપસેટ સર્જીને ડિમ્પલને પરાજિત કર્યાં તે પછી આ વખતે અખિલેશ યાદવ મેદાનમાં ઉતર્યા છે. ભાજપના સુબ્રત પાઠકે વ્યંગ કર્યો હતો કે હવે કન્નૌજમાં ભારત-પાકિસ્તાન જેવો જંગ જામશે. એ વ્યંગનો અખિલેશે જે જવાબ આપ્યો એ પણ ચર્ચાસ્પદ બન્યો છે. અખિલેશે કહ્યું કે હું છ બોલમાં છ સિક્સ મારીશ. બોલરને કોઈ તક નહીં મળે. આઈપીએલની તડાફડી વચ્ચે આવી નિવેદનબાજીથી મતદારોને મજા પડી રહી છે. 

ભારતની ચૂંટણી પર ચીન-પાકિસ્તાનની નજર

ભારતમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે. દુનિયાની સૌથી વિશાળ લોકશાહી હોવાથી આમ તો જગતભરની નજર આ ચૂંટણી પર છે, પરંતુ જેની ખાસ નજર છે એવા બે દેશો છે - ચીન અને પાકિસ્તાન. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં અહેવાલ પ્રસિદ્ધ થયો હતો અને એમાં કહેવાયું કે ભારતની ચૂંટણી પર ચીન નજર રાખે છે. ભારત ચીન માટે ખૂબ અગત્યનું છે અને ભારતમાં કોની સરકાર આવે છે તેના પર બંને દેશોના સંબંધોનો આધાર રહેશે. પાકિસ્તાનના અખબારોમાં ભારતની ચૂંટણીના અહેવાલો નિયમિત પ્રસિદ્ધ થાય છે. ટ્રિબ્યૂન અખબારના અહેવાલમાં કહેવાયું હતું કે બંને મુખ્ય રાજકીય પાર્ટીઓનો ચૂંટણી વ્યૂહ બહુમતી હિન્દુઓને ધ્યાનમાં રાખીને તૈયાર થયો છે. પાકિસ્તાનના સીનિયર પત્રકારો સીએએ અને એનઆરસી બાબતે પણ એક્સ્ટ્રિમ ઓપિનિયન આપે છે.

******

પ્રથમ બે તબક્કામાં મતદાનની ટકાવારી ઘટતા ચિંતા 

સાત તબક્કાની લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કાના મતદાનમાં નોધપાત્ર ઘટાડાથી ભાજપ ચિંતિત છે. હાઈકમાન્ડે બાકી રહેલા તમામ રાજ્યોના એકમોને એ બાબતે નિર્દેશ કર્યો છે અને મતદાન વધે તે માટે કાર્યકરોને સક્રિય બનવા કહેવાયું છે. પાર્ટીમાં એવી દૃઢ માન્યતા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેહદ લોકપ્રિય છે અને તેમને ટક્કર આપે એવો વિપક્ષ પાસે કોઈ ચહેરો નથી એટલે ૪૦૦ બેઠકોનો લક્ષ્યાંક બહુ મુશ્કેલ નથી, પરંતુ ૨૦૧૪ અને ૨૦૧૯ની સરખામણીએ પહેલી વખત વોટિંગ ઘટયું છે. એનાથી હકારાત્મક અસર થશે કે નહીં તે કહી શકાય તેમ નથી. મોટો વર્ગ મતદાનથી દૂર રહે તેનાથી વિપક્ષને ફાયદો થઈ શકે છે તે બાબતે પાર્ટીના વ્યૂહરચનાકારોમાં ચિંતા છે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ તાકીદ કરવામાં આવી છે કે બૂથ કાર્યકરો સોશિયલ મીડિયા પર ઝુંબેશ ચલાવવાને બદલે જમીન પર ઉતરીને મતદાતાઓને મિજાજ ચકાસે અને તેમને મતદાન કરવા પ્રેરે તે જરૂરી છે.

ફિલ્મસ્ટાર્સ બીજેડી છોડીને ભાજપમાં જોડાયા

ભારતના રાજકારણમાં સેલિબ્રિટીઝ કાયમ ભીડ એકઠી કરવામાં અને જનસમર્થન મેળવવામાં રાજકીય પાર્ટીઓને મદદ કરતા આવ્યા છે. પાર્ટીની એક ઈમેજ બનાવવામાં ફિલ્મસ્ટાર્સનો ફાળો બહુ મહત્ત્વનો ગણાતો આવ્યો છે. ઓડિશા પણ એમાંથી બાકાત નથી. ઓડિશાના ઘણાં ફિલ્મસ્ટાર્સ રાજ્યની સત્તાધારી બીજેડી પાર્ટી સાથે જોડાયેલા છે. બીજુ જનતા દળ ઓડિશાના ફિલ્મસ્ટાર્સ માટે મનપસંદ પક્ષ રહ્યો છે. પરંતુ આ ચૂંટણીની સીઝનમાં બીજેડીએ સ્ટાર પાવર ગુમાવી દીધી હોય તેવું લાગે છે. 

આપના થિમ સોંગમાં ફેરફારની ચૂંટણી પંચની તાકીદ  

આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે ચૂંટણી પંચે પાર્ટીના થિમ સોંગ જેલ કા જવાબ વોટ સે દેંગે પર પ્રતિબંધ મૂક્યો છે. એ પછી દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયે આમ આદમી પાર્ટીના દાવાને નકારી કાઢયો હતો. ચૂંટણી પંચે આ દાવાને ભ્રામક અને ગેરમાર્ગે દોરતો દાવો ગણાવ્યો હતો અને સ્પષ્ટતા કરી હતી કે આપને ગીતની સામગ્રીમાં ફેરફાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. કારણ કે એમાં પંચની માર્ગદશકા અને જાહેરાત કોડનું ઉલ્લંઘન થતું હતું. પક્ષને જાણ કરવામાં આવી હતી કે જો તે નિર્ણય સાથે સહમત ન હોય તો તે રાજ્યની મીડિયા પ્રમાણપત્ર અને દેખરેખ સમિતિ સમક્ષ અપીલ દાખલ કરી શકે છે. આપના ધારાસભ્ય દિલીપ પાંડેએ લખેલું આ બે મિનિટથી વધુનું પ્રચાર ગીત ગત સપ્તાહે પાર્ટીએ રીલિઝ કર્યું હતું.

દેવગૌડાના પૌત્ર પ્રજવલ રેવન્નાનું સેક્સ સ્કેન્ડલ 

ભૂતપૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાના સેક્સ સ્કેન્ડલનો દાવો થયો છે. ચૂંટણી વખતે જ વિડીયો ક્લિપના આધારે સેક્સ સ્કેન્ડલનો ઘટસ્ફોટ થતાં મોટો વિવાદ સર્જાયો છે. કર્ણાટક સરકારે મહિલા આયોગના અધ્યક્ષ ડા. નાગલક્ષ્મીના પત્ર પછી તપાસ માટે સીટની રચના કરી હતી. રેવન્નાના ઘરે કામ કરતી એક મહિલાની ફરિયાદના આધારે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પ્રજ્વલ ઉપરાંત તેના પિતા એચડી રેવન્ના પર પણ આ સેક્સ સ્કેન્ડલમાં સંડોવણીનો આરોપ લાગ્યો છે. તેનાથી રાજકીય ઉત્તેજના આવી છે. કર્ણાટકની ૨૮ બેઠકો પર બે તબક્કામાં ચૂંટણી છે. બીજા તબક્કાની ૧૪ બેઠકો પર મતદાન થઈ ચૂક્યું છે. ત્રીજા તબક્કામાં ૭મીએ મેના રોજ ૧૪ બેઠકો પર મતદાન થશે. કર્ણાટકમાં ભાજપે દેવગૌડાના પક્ષ જેડીએસ સાથે ગઠબંધન કર્યું છે.

Gujarat