For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીમાં ભાજપને ભાવતું મળ્યું

Updated: Apr 29th, 2024

દિલ્હીમાં ભાજપને ભાવતું મળ્યું

નવીદિલ્હી: દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ઉદયથી વધારે નુકસાન કોંગ્રેસને થયું છે. તેવા સંજોગોમાં આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસ નેતાગીરીએ આપ સાથે હાથ મિલાવ્યા છે અને બેઠક સમજૂતી પણ કરી છે. ભૂતકાળમાં અરવિંદ કેજરીવાલ સહિતના આપના નેતાઓએ સોનિયા ગાંધી વિરુદ્ધ બોલવામાં કશું બાકી  રાખ્યું ન હતું પરંતુ સોનિયાએ વિપક્ષી એકતા ખાતર બધી ગઈ ગૂજરી ભૂલી જઈને હાલ જેલવાસ ભોગવી રહેલા અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનિતાને આગળ ધરી રહ્યાં છે. જોકે, આ ઘટનાક્રમ તો લાંબા સમયથી ચાલે છે પરંતુ કોંગ્રેસના દિલ્હીના પ્રમુખ લવલી આનંદને છેક હવે આ બાબતોનો અહેસાસ થયો હોય તેમ તેમણે  રાજીનામું ધરી દીધું છે. આ ડ્રામાથી ભાજપને મજા પડી ગઈ છે. ભાજપે આ રાજીનામાં બાબતે ચુટકી લેતાં કહ્યું હતું કે એ વાતે કોઈ બેમત નથી કે દિલ્હીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસને ગળી ગઈ છે. ભાજપના નેતા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું હતું કે શરુઆતથી જ આપ અને કોંગ્રેસની જોડી તદ્દન  મેળ વગરની છે. ભૂતકાળમાં તો અરવિંદ કેજરીવાલે પોતે  સોનિયા  ગાંધીને જેલમાં ધકેલશે અને તે પહેલાં શીલા દીક્ષિતને પણ જેલ કરાવશે તેવી બધી જાહેરાતો કરી હતી. પણ, કોંગ્રેસનો કોઈ જનાધાર રહ્યો ન હોવાથી તેણે બધી શરમ મૂકીને આપ સમક્ષ શરણાગતિ સાધી તેનાથી તેના ખુદના નેતાઓ જ ભારે દુઃખી દુઃખી છે. 

મહારાષ્ટ્રમાં કોનો મતદાર નિરસ

મહારાષ્ટ્રમાં કુલ પાંચ તબક્કામાં મતદાન થવાનું છે. તેમાં પહેલા બંને તબક્કામાં મતદાન બાકીના દેશની સરેરાશની સરખામણીએ ઓછું રહ્યું છે. આથી રાજકીય પક્ષો ચિંતામાં મૂકાયા છે. જાહેરમાં તો સૌ ગરમી અને લગ્નગાળા જેવાં કારણો ઉચ્ચારી રહ્યા છે પરંતુ ખાનગી ખૂણે દરેક પાર્ટી તલાશી રહી છે કે મતદાન મથક સુધી પહોંચવાની આળસ કરનારો મતદાર ખરેખર કોનો છે. મહારાષ્ટ્રમાં મુકાબલો સીધો અને સટ નથી. અહીં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત બે-બે શિવસેના અને બે-બે એનસીપી આમનેસામને છે. દાયકાઓ સુધી સાથે ચૂંટણી લડનારા હવે સામસામે છે અને આટલાં વર્ષો સુધી એકબીજાનું રાજકારણ ખતમ કરી દેવાની કોશીશ કરનારા નેતાઓ હવે એકમેકની સાથે છે. આ બધી કડાકૂટમાં મતદાર બિચારો મૂંઝાઈ ગયો છે. પોતે જેને વોટ આપશે તે ભવિષ્યમાં કઈ છાવણીમાં હશે તેની તેને કોઈ સૂઝ પડતી નથી.  રાજકીય જાણકારો કહે છે કે  ગામડાં કે શહેરનાં વોર્ડ સ્તરે આવું સંગઠન ગોઠવવામાં અત્યાર સુધી ભાજપ-શિંદે-અજિત પવારની ત્રિપૂટી મોખરે છે જ્યારે ઉદ્ધવ-શરદપવાર-કોંગ્રેસની આઘાડીમાં બધો મદાર સ્થાનિક નેતાઓની સૂઝબૂઝ અને રિસોર્સિસ પર જ છે. 

પ્રિયંકાની અટક ગાંધી કેમ ? અંગત હુમલા શરુ

ચૂંટણીઓમાં એક તબક્કો એવો આવે છે જ્યારે નેતાઓ મુદ્દાઓ વિસારે પાડીને વ્યક્તિગત આક્ષેપબાજી અને મેણાટોણા પર ઉતરી આવે છે. ભાજપે કોંગ્રેસ તો માતા-બહેનોનાં મંગળસૂત્ર પણ ઉતરાવી લેશે તેવો પ્રચાર શરુ કર્યો તેની સામે પ્રિયંકા ગાંધીએ એવો જવાબ આપ્યો કે મારી માતાનું મંગળસૂત્ર આ દેશ માટે હોમાઈ ગયું છે. હવે ભાજપના નેતાોએ આ  મુદ્દે   પ્રિયંકા પર વ્યક્તિગત પ્રહારો ચાલુ કરી દીધા છે. મધ્યપ્રદેશના નવાસવા મુખ્યપ્રધાન મોહન યાદવે એક ચૂંટણી સભામાં કહ્યું હતું કે આપણા સમાજની પરંપરા પ્રમાણે છોકરી સાસરે જાય તે પછી તે સાસરિયાંની અટક અપનાવે છે. તો પછી પ્રિયંકાની અટક હજુ પણ ગાંધી જ કેમ લખાવાય છે. જવાહરલાલ નહેરુ પણ સ્વગર્માં એ વાતે આંસુ સારતા હશે તેમના દૌહિત્રની પત્નીએ લગ્ન પછી  ક્યારેય મંગળસૂત્ર પહેર્યું નથી. જોકે, મોહન યાદવના આ નિવેદનની સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ રહી છે. 

ખટ્ટરને હરીફ સાથે વ્યક્તિગત ખટરાગ

લોકસભા ચૂંટણી પહેલાં જ ભાજપે હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરને ગડગડિયું પકડાવ્યુ ંહતું. હવે ૬૯ વર્ષીય ખટ્ટરને કર્નાલ બેઠક પરથી લોકસભા જંગમાં ઊભા કરી દેવાયા છે. તેમનો મુકાબલો ૩૧ વર્ષના  તરવરિયા યુવાન દિવ્યાંશુ બુધિરાજા સાથે છે. દિવ્યાંશુ હાલ હરિયાણા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે છે અને તે પહેલાં તે એનએસયુઆઈમાં પણ પ્રમુખ રહી ચૂક્યા છે. મજાની વાત એ છે કે  દિવ્યાંશુ અને ખટ્ટર સામસામે આવી ગયા હોય તેવી આ પહેલી ઘટના નથી. ૨૦૧૮માં દિવ્યાંશુ બેરોજગારી મુદ્ આંદોલન કરી રહ્યા હતા. ત્યારે તેમણે  પંચકુલાની સરકારી કોલેજમાં તત્કાલીન સીએમ  મનોહરલાલ ખટ્ટરના કાફલાને અટકાવ્યો હતો અને વિરોધ પ્રદર્શન કર્યુ ંહતું.  દિવ્યાશુએ ત્યારે ખટ્ટરના કાફલામાં વચ્ચે જ ઘૂસ મારી હતી અને સૂત્રોચ્ચારો કરી ધમાલ મચાવી હતી. ખટ્ટરે ત્યારે દિવ્યાંશુને જેલના સળિયા ગણાવી દીધા હતા. ભાજપે જેમને સીએમ તરીકે પડતા મૂક્યા તેમને હવે લાયક સાંસદ તરીકે આગળ ધરી મત માગવામાં આવી રહ્યા છે. ખટ્ટરના અનુભવ અને ભાજપના સંગઠનનો મુકાબલો દિવ્યાંશુના જોમ અને જોશ સાથે થઈ રહ્યો છે. 

ક્ષત્રિયોનાં અપમાન મુદ્દે હવે રાહુલ ટાર્ગેટ 

ગુજરાત અને પશ્ચિમ ી ઉત્તર પ્રદેશમાં ક્ષત્રિયોના રોષનો સામનો કરી રહેલા ભાજપન ેકાઉન્ટર મળ્યું છે. રાહુલ ગાંધીએ  કર્ણાટકમાં એક ચૂંટણી સભાને સંબોધતાં એવું કહ્યું હતું કે રાજામહારાજાઓ ધારે તેમ કરતા હતા. તેઓ ઈચ્છે તેમની જમીન પડાવી લેતા હતા. આઝાદી પછી કોંગ્રેસ શાસનમાં સૌને સમાન અધિકારી  પ્રાપ્ત થયા હતા.  ભાજપ આઈટી સેલ દ્વારા રાહુલનાં આ પ્રવચનની ક્લિપ વાયરલ કરવામાં આવી રહી છે. રાહુલે ક્ષત્રિયોની લાગણી દૂભવી છે અને તે માટે તેમણે માફી માગવી જોઈએ તેવો પ્રચાર કરવામાં આવી રહ્યો  છે. 

તૃણમૂળ ખુદ ત્રાસવાદી સંગઠનઃ ભાજપ

ભાજપનો ચૂંટણી  પ્રચાર હોય અને ત્રાસવાદનો મુદ્દો ચર્ચામાં આવે તેવું બને નહીં. પાર્ટીના બંગાળાના વર્ધામાન દુર્ગાપુર સીટના ઉમેદવાર દીલિપ ઘોષ તો એક કદમ  આગળ વધ્યા છે. તેમણે તૃણમૂળ કોંગ્રેસને જ ત્રાસવાદી સંગઠનની ઉપમા આપી દેતાં  કહ્યું છે કે બંગાળમાં તૃણમૂળ શાસનમાં ત્રાસવાદીઓને ઘી કેળાં થઈ પડયાં છે. દુર્ગાપુરમાં સંદેશખલી હિંસાના મુખ્ય આરોપી શેખ શાહજહાંના સાગરિત અબુ તલબ શેખની બે જગ્યાઓ પર સીબીઆઈએ છાપો મારી શસ્ત્રો અને  દારુગોળોનો મોટો જથ્થો  પક્ડી પાડયો તે પછી દીલિપ ઘોષે આવાં સ્ફોટક ઉચ્ચારણો કર્યાં હતાં. 

-ઈન્દર સાહની


Gujarat