For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કિંમતી ધાતુમાં સાંકડી વધઘટ: ક્રુડ તેલમાં સ્થિરતા

- વૈશ્વિક સોનુ ઘટયા બાદ પુન: ૨૩૦૦ ડોલરને પાર : રૂપિયામાં મિશ્ર પ્રવાહ

Updated: May 4th, 2024

કિંમતી ધાતુમાં સાંકડી વધઘટ: ક્રુડ તેલમાં સ્થિરતા

મુંબઈ : વિશ્વબજારમાં કિંમતી ધાતુના ભાવમાં વોલેટિલિટી વચ્ચે ઘરઆંગણે કિંમતી ધાતુના ભાવમાં સાંકડી વધઘટ રહી હતી. પ્રમાણમાં ભાવ હજુપણ ઊંચા બોલાતા હોય રિટેલમાં ઘરાકી પાંખી હોવાનું બજારના વર્તુળો જણાવી રહ્યા છે.  સોનાચાંદી પર આયાત ડયૂટીની ગણતરી માટે  કસ્ટમ્સ સત્તાવાળા દ્વારા ડોલરના એકસચેન્જ રેટ જાહેર કરવામાં આવ્યા હતા.

સપ્તાહ અંતે ક્રુડ તેલના ભાવમાં પણ નીચા મથાળે સ્થિરતા જોવા મળી હતી. વૈશ્વિક ચલણો સામે રૂપિયામાં મિશ્ર પ્રવાહ રહ્યો હતો. અમેરિકામાં રોજગારના આંકડા અપેક્ષા કરતા નબળા આવતા ડોલર ઈન્ડેકસ નબળો પડયો  હતો. નબળા રોજગાર આંકથી અમેરિકામાં વ્યાજ દરમાં ઘટાડાની શકયતા વધી ગયાનું જાણકારો જણાવતા હતા. 

મુંબઈ ઝવેરી બજારમાં સોનું ૯૯.૯૦ દસ ગ્રામના જીએસટી વગરના ભાવ જે ગુરુવારે રૂપિયા ૭૧૩૨૭ રહ્યા હતા તે સપ્તાહ અંતે સાધારણ ઘટી રૂપિયા ૭૧૧૯૧ કવોટ કરાતા હતા. ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૭૦૯૦૬ મુકાતા હતા. જીએસટી વગર ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.  ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ જે ગુરુવારે રૂપિયા ૭૯૭૧૯ રહ્યા હતા તે સપ્તાહ અંતે સાધારણ વધી રૂપિયા ૭૯૯૮૯ મુકાતા હતા. 

કસ્ટમ્સ સત્તાવાળા દ્વારા ગુરુવારે આયાતકારો માટે ડોલરનો એકસચેન્જ રેટ ૮૪.૩૫ રૂપિયા નિશ્ચિત કરાયો હતો. 

અમદાવાદ બજારમાં સોનું ૯૯.૯૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૭૩૫૦૦ જ્યારે ૯૯.૯૫ના દસ ગ્રામ દીઠ રૂપિયા ૭૩૩૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૮૦,૦૦૦ કવોટ થતા હતા.

વિશ્વબજારમાં સોનું ઔંસ દીઠ ૨૩૦૦ ડોલરની અંદર ઊતરી મોડી સાંજે ૨૨૯૮ ડોલર બોલાતું હતું જ્યારે ચાંદી પ્રતિ ઔંસ ૨૬.૩૮ કવોટ કરાતી હતી. જો કે  અમેરિકામાં  રોજગારના નબળા આંકને પગલે સોનું ફરી ઊંચકાઈને ૨૩૦૦ ડોલરને પાર કરી ગયું હતું. 

ક્રુડ તેલ સપ્તાહ અંતે નીચા મથાળે સ્થિર જોવા મળતું હતું. એપ્રિલમાં ભારતની ક્રુડ તેલની આયાત માર્ચની સરખામણીએ આઠ ટકા નીચી રહી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈનો ભાવ પ્રતિ બેરલ ૭૯.૨૨ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૮૪.૦૩ ડોલર મુકાતુ હતું.  વૈશ્વિક ચલણોમાં ડોલર સામે રૂપિયો સાધારણ ઊંચકાયો હતો. ડોલર ૪ પૈસા ઘટી ૮૩.૪૩ રૂપિયા બંધ રહ્યો હતો. પાઉન્ડ ૩૩ પૈસા વધી ૧૦૪.૭૯ રૂપિયા જ્યારે યુરો ૨૮ પૈસા વધી ૮૯.૬૨ રૂપિયા  મુકાતો હતો. 

અમેરિકામાં એપ્રિલમાં નવા રોજગાર ઉમેરાના આંક ૧.૭૫ લાખ આવ્યા હતા જ્યારે અપેક્ષા ૨.૫૦ લાખના ઉમેરાની હતી.

Gujarat