For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સેન્સેક્સમાં 2600 અને નિફ્ટીમાં 800 પોઇન્ટની ઉથલપાથલ, રોકાણકારોની સંપત્તિ 3 લાખ કરોડ ઘટી

Updated: May 4th, 2024

સેન્સેક્સમાં 2600 અને નિફ્ટીમાં 800 પોઇન્ટની ઉથલપાથલ, રોકાણકારોની સંપત્તિ 3 લાખ કરોડ ઘટી

- કામકાજના અંતે સેન્સેક્સ 733 તૂટીને 73,878 જ્યારે નિફ્ટી 172 પોઇન્ટ તૂટી 22,476

- વિદેશી રોકાણકારોની રૂ. 2,392 કરોડની જંગી વેચવાલી

- આવકવેરામાં ફેરફારના અહેવાલોની અસર

અમદાવાદ : વિવિધ સાનુકૂળ અહેવાલો વચ્ચે લોકસભાની ચૂંટણી બાદ સરકાર દ્વારા આવકવેરાના નિયમોમાં ઘરખમ ફેરફાર કરવામાં આવવાના અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં આજે ભારે વોલેટાલિટી વચ્ચે સેન્સેક્સમાં ૭૩૩ અને નિફ્ટીમાં ૧૭૨ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સના ગાબડા પાછળ રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૨.૨૫ લાખ કરોડનું ધોવાણ થયું હતું.

વૈશ્વિક સ્તરે ઇઝરાયેલ- હમાસ યુદ્ધમાં વિરામના સંકેત, ક્રૂડ ઓઇલમાં ઝડપી પીછેહઠ તેમજ અન્ય સાનુકૂળ અહેવાલો વચ્ચે આજે લોકસભાની ચૂંટણી બાદ સરકાર દ્વારા આવકવેરા ખાતામાં તમામ એસેટ ક્લાસ માટે એકસમાન ધોરણો અમલી બનાવાશે તેમજ પેનલ્ટીના નિયમોમાં પણ ફેરફાર કરશે તેવા અહેવાલો પાછળ આજે ભારતીય શેરબજારમાં કડાકો બોલી ગયો હતો.

કામકાજના પ્રારંભે નવી લેવાલી પાછળ સેન્સેક્સ એક તબક્કે ૪૮૪ પોઇન્ટ ઉછળીને ૭૫૦૯૫ પહોંચ્યા બાદ ઉપરોક્ત અહેવાલો પાછળ ચોમેરથી આવેલ વેચવાલીના દબાણ પાછળ આજે હેવીવેઇટ શેરો સહિત સ્મોલ, મિડકેપ શેરોમાં પણ મોટા પાયે વેચવાલીનું દબાણ આવતાં એક તબક્કે સેન્સેક્સ વધ્યા મથાળેથી ૧૬૨૭ પોઇન્ટ તૂટીને ૭૩૪૬૭ના મથાળે ઉતરી આવ્યો હતો. જો કે, પાછળથી નીચા મથાળે નવી લેવાલી પાછળ અડધો ઘટાડો રિકવર થયો હતો. આમ છતાં કામકાજના અંતે ૭૩૨.૯૬ પોઇન્ટ તૂટીને ૭૩,૮૭૮.૧૫ની સપાટીએ બંધ રહ્યો હતો.

નિફ્ટી પણ આજે કામકાજના પ્રારંભિક તબક્કામાં ૧૪૬.૫૦ વધીને ૨૨,૭૯૪ની નવી ઉંચાઈએ પહોંચ્યા બાદ વેચવાલીના દબાણે ૪૪૬ પોઇન્ટ તૂટીને ૨૨,૩૪૮ ઉતરી આવ્યો હતો. જે કામકાજના અંતિમ તબક્કામાં નીચા મથાળે નવી લેવાલી પાછળ રિકવર થયો હતો આમ છતાં કામકાજના અંતે ૧૭૨.૩૫ તૂટીને ૨૨,૪૭૫.૮૫ના મથાળે બંધ રહ્યો હતો.

આમ, આજે સંપૂર્ણ સત્ર દરમિયાન સેન્સેક્સમાં ૨૬૦૦થી વધુ પોઇન્ટની અને નિફ્ટીમાં ૮૦૦થી વધુ પોઇન્ટની ઉથલપાથલ જોવા મળી હતી. સેન્સેક્સમાં બોલેલા કડાકા પાછળ આજે રોકાણકારોની સંપત્તિ (બીએસઇ માર્કેટ કેપ) રૂ. ૨.૨૫ લાખ કરોડ ઘટીને રૂ. ૪૦૬.૨૪ લાખ કરોડ રહી હતી. વિદેશી રોકાણકારો દ્વારા આજે ૨,૩૯૨ કરોડની વેચવાલી હાથ ધરવામાં આવી હતી.

ડાઉજોન્સમાં 426 પોઇન્ટમાં ઉછાળો

અમેરિકામાં ફરી એકવાર વ્યાજદરમાં કપાતની શક્યતા વધતાં આજે અમેરિકન શેરબજારમાં કામકાજના પ્રારંભિક તબક્કામાં ડાઉજોન્સમાં ૪૨૬ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. અમેરિકામાં જાહેર થયેલા એપ્રિલ માસના રોજગારીના આંકડામાં ૧.૭૫ લાખનો ઉમેરો નોંધાયો હતો. જો કે તેમાં ૨.૫૦ લાખના ઉમેરાનો અપેક્ષા હતી. આમ, રોજગારીના આંકડા નબળા જાહેર થતાં હવે ત્યાં વ્યાજદરમાં કપાતની શક્યતા વધી ગઈ છે. આ અહેવાલો પાછળ આજે કામકાજના પ્રારંભિક તબક્કામાં ડાઉજોન્સ ૪૨૬ પોઇન્ટ ઉછળીને ૩૮૬૫૧ની સપાટીએ કાર્યરત હતો. જ્યારે નાસ્ડેક ૩૦૧ પોઇન્ટ ઉછળીને ૧૬૧૪૦ની સપાટીએ કાર્યરત હતો.

Gujarat