Get The App

મણિપુરમાં ફરીથી હિંસા, પોલીસ સાથે સંઘર્ષમાં 50થી વધુ મહિલાઓને ઈજા

Updated: Sep 22nd, 2023

GS TEAM

Google News
Google News
મણિપુરમાં ફરીથી હિંસા, પોલીસ સાથે સંઘર્ષમાં 50થી વધુ મહિલાઓને ઈજા 1 - image


- પાટનગર ઈમ્ફાલમાં બે દિવસ સંપૂર્ણ કર્ફ્યૂ જાહેર

- પોલીસે પકડેલા પાંચ આરોપીઓને છોડાવવાની માગણી સાથે ઠેર-ઠેર પ્રદર્શનો : વિફરેલા ટોળાને વિખેરવા પોલીસે ફાયરિંગ કર્યું

ઈમ્ફાલ : મણિપુરમાં ફરીથી હિંસા ફાટી નીકળી છે. પોલીસે જે પાંચ આરોપીઓની હથિયારો સાથે ધરપકડ કરી હતી એને છોડાવવા માટે પ્રદર્શનો થયા હતા. ટોળાએ પોલીસની ગાડીઓને રોકી હતી અને પોલીસ સ્ટેશનો પર પણ હુમલો કરવાની કોશિશ કરી હતી. એમાં મહિલાઓની સંખ્યા મોટા પ્રમાણમાં હતી. પોલીસ સાથેની અથડામણમાં ૫૦ જેટલી મહિલાઓને ઈજા પહોંચી હતી. ઈમ્ફાલમાં બે દિવસનો કર્ફ્યૂ લગાવી દેવાયો છે.

મણિપુરમાં પોલીસ સાથેના ઘર્ષણમાં ૫૦થી વધુ મહિલાઓ ઈજાગ્રસ્ત બની હોવાના અહેવાલો આવ્યા હતા. પોલીસને નિશાન બનાવી રહેલી મહિલાઓનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સ્થિતિને અંકુશમાં લેવા માટે પોલીસે ટીઅર ગેસ છોડયો હતો. તો પણ સ્થિતિ કાબૂમાં ન આવતા પોલીસ જવાનોએ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ પછી અનેક લોકો ભાગ્યા હતા અને તેનાથી પણ લોકો વચ્ચે અથડામણ થઈ હતી. પાંચ આરોપીઓ હથિયારો સાથે પકડાયા તે પછી એ આરોપીઓને છોડી મૂકવા માટે પ્રદર્શનો શરૂ થયા હતા. સુરક્ષાદળોનો પાટનગરમાં ચાંપતો પહેરો ગોઠવી દેવાયો હતો અને બે દિવસ માટે સંપૂર્ણ લોકડાઉનનો આદેશ અપાયો હતો.

આ પ્રદર્શનો મેતેઈ મહિલાઓએ કર્યા હતા. મૈતેઈ મહિલાઓએ દાવો કર્યો હતો કે પોલીસ કુકી સમુદાયમાંથી કોઈની ધરપકડ કરતી નથી. માત્ર મૈતેઈ સમુદાયના યુવાનોને જ નિશાન બનાવે છે. સરકારે થોડા દિવસથી કર્ફ્યૂમાં છૂટછાટ આપી હતી. તેનાથી જનજીવન થાળે પડશે એવી અપેક્ષા હતી. સંવેદનશીલ જિલ્લામાં ફરીથી કડક પહેરો ભરવાનો આદેશ સુરક્ષા દળોને અપાયો છે.

Tags :