વારાણસી: એક વર્ષ સુધી માતાના મૃતદેહ સાથે રહી પુત્રીઓ, સગા-વ્હાલા પાડોશીઓને અણસાર પણ આવ્યો નહીં
Image Source: Twitter
- 52 વર્ષીય ઉષા તિવારીનું નિધન 8 ડિસેમ્બર 2022ના રોજ થઈ ગયુ હતું
વારાણસી, તા. 30 નવેમ્બર 2023, ગુરૂવાર
વારાણસી માથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્યાં માતાના મૃતદેહ સાથે બે પુત્રીઓ એક વર્ષ સુધી રહી. ચોંકાવનારી વાત એ છે કે, મિત્રો, સંબંધીઓ અને આસપાસના લોકોને તેનો અણસાર પણ ન આવ્યો. મહિલાનું શરીર હાડપિંજર બની ગયું પરંતુ તેનો અંતિમ સંસ્કાર નહોતો કર્યો. આ દરમિયાન બંને પુત્રીઓ ઘરમાં બર્થ ડે પાર્ટી વગેરેનું સેલિબ્રેશન કરતી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે બંને દીકરીઓ માનસિક રીતે અસ્વસ્થ છે. એટલા માટે તેમણે તેમની માતાના મૃત્યુ વિશે કોઈને જાણ નહોતી કરી. પિતા ઘરમાં રહેતો ન હોવાથી બંને પુત્રીઓ તેમની માતા સાથે ઘરમાં એકલી રહેતી હતી.
એક વર્ષ સુધી માતાના મૃતદેહ સાથે રહી પુત્રીઓ
પોલીસ સ્ટેશનના ચીફે જણાવ્યું કે, મદરવા નિવાસી 52 વર્ષીય મહિલા ઉષા તિવારીનું નિધન 8 ડિસેમ્બર 2022ના રોજ થઈ ગયુ હતું. ઉષા તિવારી બીમાર જ રહેતા હતા. મૃતક મહિલાની બે પુત્રીઓ માંની એક નાની પુત્રીની ઉંમર 19 વર્ષ અને મોટીની ઉંમર 27 વર્ષ છે. બંને માતાના મૃતદેહ સાથે રહેતી હતી. માનસિક બીમારીના કારણે તેમણે માતાના નિધનની સૂચના સબંધીઓને ન આપી. છેલ્લા બે વર્ષથી તેમનો પિતા પણ તેમની સાથે નહોતો રહેતો. માતા અને પુત્રીઓ ઘરમાં એકલી રહેતી હતી. બંને પુત્રીઓનું ઘરમાંથી નીકળવાનું ખૂબ ઓછું થતું હતું.
પાડોશીઓને શંકા જતા પોલીસની ઘરમાં એન્ટ્રી
બંને પુત્રીઓની કોઈની સાથે વાતચીત પણ નહોતી થતી. થોડા દિવસ પહેલા પડોશીઓને શંકા ગઈ હતી. બંને દીકરીઓ પડોશીઓ પાસેથી ખાવાની વસ્તુઓ માંગતી હતી. શંકા જતાં પડોશીઓએ નજીકના સંબંધીઓને જાણ કરી. ત્યારબાદ સંબંધીઓએ પોલીસને સૂચના આપી. સૂચના મળતા જ પોલીસકર્મીઓ મહિલાના ઘરે પહોંચ્યા.
બંને પુત્રીઓ ઘરનો દરવાજો નહોતી ખોલી રહી. ત્યારબાદ પોલીસે બળજબરીથી દરવાજો તોડી ઘરમાં ઘૂસ્યા. પોલીસે ઘરની અંદર કંપારી છૂટી જાય તેવું દ્રશ્ય જોયું. બંને પુત્રીઓ હાડપિંજર થયેલ ગયેલા મૃતદેહ સાથે જોવા મળી હતી. પોલીસે હાડપિંજર બની ચૂકેલા મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. પોલીસે જણાવ્યું કે, ડીએનએ ટેસ્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.