દિલ્હીમાં આનંદ વિહાર સ્ટેશને રાહુલ ગાંધીએ પોર્ટરો સાથે વાતચીત કરી : તેમનું લાલ શર્ટ, બેઝ પહેર્યાં
- માથા ઉપર લગેજ લઈ કંપાર્ટમેન્ટમાં મુક્યો
- રાહુલજીની કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા ચાલુ જ છે : તેઓ લડાખ પણ ગયા હતા, જનતાના પ્રશ્નો જાણ્યા હતા : કોંગ્રેસે ફોટો પોસ્ટ કર્યો
નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે અહીંનાં આનંદ વિહાર સ્ટેશને ગયા હતા અને પોર્ટરો સાથે વાતચીત કરી હતી. તેમજ તેઓના પ્રશ્નો જાણ્યા હતા. તેટલું જ નહીં પરંતુ તેઓએ પોર્ટરોના ટ્રેડ માર્ક બની રહેલું લાલ શર્ટ પણ પહેર્યું હતું તે પૈકી એકનો બેજ પણ (થોડો સમય પુરતો) હાથે બંધાવ્યો હતો. અને માથા ઉપર લગેજ લઈ કોઈ કંપાર્ટમેન્ટમાં પણ મુકયો હતો.
આ પછી રાહુલ ગાંધી તેઓના પોર્ટરો મિત્રો સાથે બેઠા હતા.
એમ પણ જાણવા મળ્યું છે કે તાજેતરમાં તેઓના કેટલાક પોર્ટર મિત્રો એ તેઓને મળવાની ઇચ્છા પ્રદર્શિત કરી હતી. તે પછી રાહુલ ગાંધી તેઓને મળવા આનંદ વિહાર રેલ્વે સ્ટેશને ગયા હતા. તેમ કોંગ્રેસે X ઉપર કરેલાં પોસ્ટમાં જણાવ્યું હતું. તેમાં રાહુલ ગાંધી પોર્ટર મિત્રો સાથે વાતચીત કરતા પણ દેખાતા હતા.
આ અંગે કોંગ્રેસે જણાવ્યું હતું કે, આજે રાહુલજી તેઓ પાસે પહોંચ્યા હતા, તેઓની વાત સાંભળી હતી.. વાસ્તવમાં તેઓની ભારત જોડો યાત્રા હજી ચાલુ જ છે.
કોંગ્રેસે વધુમાં જણાવ્યું હતું કે રાહુલજી વારંવાર સમાજના વિવિધ વર્ગોને મળતા જ રહે છે. તેઓ મિકેનિકથી શરૂ કરી વિદ્યાર્થીઓ સુધી સૌ કોઇને મળતા રહે છે. સાથે ભારપૂર્વક કહે છે કે, કન્યાકુમારીથી કાશ્મીર સુધીની તેઓની ભારત જોડો યાત્રા આ પ્રકારના સંપર્કોને લીધે ચાલુ જ રહેલી છે.
તે સર્વ વિદિત છે કે રાહુલ ગાંધી થોડા દિવસો પહેલાં જ લડાખ ગયા હતા અને ત્યાંના સમાજનાં વિવિધ વર્ગોને મળ્યા હતા, તેઓની સાથે વાતચીત પણ કરી હતી અને તેઓના પ્રશ્નો જાણ્યા હતા.