પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાન પર હિંસા ભડકાવવાનો આરોપ, થઈ શકે છે ફાંસીની સજા !
ઈમરાન ખાન પર સૈન્ય ઠેકાણાઓ પર હુમલાનું ષડયંત્ર રચવા અને લોકોને હિંસા માટે ભડકાવવા ‘ગુનાહિત કાવતરું’ રચ્યાનો આરોપ : ‘ગુનાહિત કાવતરું’ રચવાના કેસમાં વધુમાં વધુ ફાંસીની સજાની જોગવાઈ
ઈસ્લામાબાદ, તા.21 સપ્ટેમ્બર-2023, ગુરુવાર
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર 9મી મેના રોજ થયેલી હિંસામાં ‘ગુનાહિત કાવતરું’ રચવાનો આરોપમાં લાગ્યો છે, જેની વધુમાં વધુ સજા ફાંસી હોવાનું કહેવાય છે. સમાચાર એજન્સી પીટીઆઈએ પંજાબ (પાકિસ્તાન)ના વરિષ્ઠ પોલીસ અધિકારીને ટાંકીને જણાવ્યું છે કે, ઈમરાન ખાન પર સૈન્ય ઠેકાણાઓ પર હુમલાનું ષડયંત્ર રચવાનો અને લોકોને હિંસા માટે ભડકાવવા માટે ‘ગુનાહિત કાવતરું’નો આરોપ લાગ્યો છે.
ઈમરાન ખાન પર શું લાગ્યો આરોપ ?
ઉલ્લેખનિય છે કે, ભ્રષ્ટાચારના કેસમાં 9મી મેના રોજ ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ પાકિસ્તાનમાં હિંસાત્મક ઘટનાઓના અહેવાલો સામે આવ્યા હતા. હિંસા દરમિયાન રાવલપિંડીમાં સેનાના હેડક્વાર્ટર ઉપરાંત ડઝનથી વધુ સરકારી ઈમરતો પર આગ ચાંપવામાં આવી હતી, ત્યારે ઈમરાન ખાન સહિત તેમની પાર્ટી તહરીક-એ-ઈન્સાફ સહિત ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓ પર લાહોર કોર કમાન્ડર હાઉસ અને અસ્કરી ટાવર પર હુમલા કરવાનો આરોપ લાગ્યો છે.
ઈમરાન સામે વધુ 9 ગુનાઓ દાખલ કરાશે
લાહોર પોલીસના સિનિયર તપાસ અધિકારી અનૂશ મસુદે કહ્યું કે, 9મી મેના રોજ સૈન્ય અને રાજ્યની ઈમરતો પર હુમલો કરવા માટે સમર્થકોને ભડકાવવા મામલે ઈમરાન ખાન, અન્ય પીટીઆઈ નેતાઓ અને કાર્યકર્તાઓ પર ‘ગુનાહિત કાવતરું’ રચવાનો આરોપ લાગેલો છે. મસૂદે કહ્યું કે, ઈમરાન અને અન્યો ઉપર કલમ 120-બી ઉપરાંત હિંસા ભડકાવવા, બળવો કરવા ઉશ્કેરવા અને પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધ કરવાના પ્રયાસ સંબંધીત અન્ય 9 ગુનાઓના મામલા દાખલ કરવામાં આવશે.
ઈમરાન ખાનની 2 વખત થઈ હતી ધરપકડ
ઉલ્લેખનિય છે કે, ઈમરાન ખાન 5 ઓગસ્ટ-2023થી પંજાબ પ્રાંતની અટક જેલમાં બંધ છે. તોશાખાના મામલે ઈમરાનની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ ખાનને 3 વર્ષની જેલની સજા ફટકારાઈ હતી. આ મામલે થોડા દિવસો બાદ ખાનને જામીન મળી ગયા હતા. જોકે ત્યારબાદ સત્તાવાર ગોપનિયતા અધિનિયમ હેઠળ સિફર મામલે ખાનની ફરી ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે ધરપકડ બાદ ઈમરાને જામીન માટે ઈસ્લામાબાદ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.
સિફર મામલો શું છે ?
સિફર મામલો રાજદ્વારી દસ્તાવેજો સંબંધી છે. આ દસ્તાવેજો ઈમરાન ખાન પાસેથી કથિત રીતે ગાયબ થઈ ગયા છે. ઈમરાન ખાને આરોપ લગાવ્યો હતો કે, તેમને સત્તામાં હાંકી કાઢવા અમેરિકા દ્વારા ધમકી આપવામાં આવી છે.