હિન્દુ-કેનેડિયન્સ ભયભીત રહેલા છે : ટ્રુડોની પાર્ટીના સાંસદે ટાર્ગેટ કીલીંગની ટીકા કરી : હિન્દુઓને સતત સતર્ક રહેવા કહ્યું

- એસએફજેના પ્રમુખ પન્નુની હિન્દુઓને કેનેડા છોડી જવા કહ્યા પછી ત્યાં હિન્દુઓ માટે પરિસ્થિતિ વધુ ને વધુ ગંભીર બની રહી છે
ઓટાવા : ખાલિસ્તાની વિઘટનવાદી નેતા હરદીપસિંહ નિજ્જરની જૂન મહિનામાં થયેલી હત્યામાં ભારતની સંડોવણી હોવાનો કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ કરેલા આક્ષેપ પછી ભારત-કેનેડા વચ્ચેના સંબંધો વણસી રહ્યા છે. તેવે સમયે કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ હિન્દુઓનાં થઈ રહેલા ટાર્ગેટ કીલીંગની ટીકા કરવા સાથે હિન્દુઓને સતત સતર્ક રહેવા અનુરોધ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે આ પૂર્વે ભારતનાં વિદેશ મંત્રાલય તથા ઓટાવા સ્થિત ભારતના હાઈકમિશને પણ ભારતીઓને સતત સાવચેતી રહેવાનું કહેવા સાથે જોખમકારક વિસ્તારોથી દૂર રહેવા સલાહ આપી હતી.
કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ ખાલીસ્તાન તરફથી જૂથ શિખ્શ-ફોર-જસ્ટીસ (એસએફજે)ના વડા ગુરપતવંત સિંહ પન્નુએ કેનેડા છોડી જવા હિન્દુઓને આપેલી ધમકી પછી પરિસ્થિતિ ઘણી ગંભીર બની છે.
ચંદ્ર આર્યએ વધુમાં જણાવ્યું હતું કે, ખાલિસ્તાની આંદોલનના નેતાઓ હિન્દુઓને ઉશ્કેરી- કેનેડા સ્થિતિ હિન્દુ અને શિખ ધર્મીઓ વચ્ચે ખાઈ પાડવા માગે છે. જે થવા દેવું જોઈએ નહીં. વાસ્તવમાં શિખોની એક બહુ મોટી બહુમતિ ખાલીસ્તાન આંદોલનને ટેકો આપતી જ નથી.
ઉલ્લેખનીય છે કે ચંદ્ર આર્ય એવા ઇન્ડો કેનેડીયન નેતા છે કે જેઓ ટ્રુડોની પાર્ટી લિબરલ પાર્ટી તરફથી જ કેનેડાની સંસદમાં ચૂંટાઈ આવ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હિન્દુઓના થઈ રહેલા ટાર્ગેટ કીલીંગ ઉપરાંત હિન્દુ મંદિરો ઉપર થતા હુમલાઓ તેમજ થોડા સમય પૂર્વેજ ભારતના હિન્દુ વડાપ્રધાન ઇદિરા ગાંધીની કરાયેલી હત્યાની ઉજવણી ત્રાસવાદીઓના માનસને છતું કરે છે. પરંતુ અમે તો કાયદાના શાસનને પુરેપુરો ટેકો આપનારા છીએ.
તેઓએ વધુમાં કહ્યું હતું કે કેનેડીયન ઇન્ડીયન્સને સોફટ ટાર્ગેટ માનવામાં આવે છે, કારણ કે તેઓ લો પ્રોફાઈલ રાખે છે.
આ સાથે આર્યએ ત્રાસવાદને પણ ભવ્યતા આપવાના વલણની ઉગ્ર ટીકા કરવા સાથે ફ્રીડમ ઓફ એક્સ્પ્રેશન (અભિવ્યકિતની મુક્તિ) નાં નામે ધીક્કારની ભાવનાના પ્રસારની મુકિતની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, જો એક શ્વેતની હત્યા થઈ હોત કે કોઈ જૂથ દ્વારા તેની ઉપર હુમલો થયો હોત તો સમગ્ર કેનેડામાં ધમાલ-ધાંધલ મચી ગઈ હોત, બીજી તરફ કટ્ટરવાદીઓ હિન્દુઓને કેનેડા છોડી દેવા ધમકી આપે છે તેમ છતાં ખાલિસ્તાની નેતાઓ ઉપર કોઇ કાર્યવાહી જ થતી નથી. તેઓ હેટ ક્રાઇમ ફેલાવતા હોવા છતાં દેશમાં મુક્ત રીતે ફરે છે.

