ભાગેડુ મેહુલ ચોકસીની અરજી ફગાવી કોર્ટે આપ્યો ઝટકો, ફ્લેટ અને બંગલા પર ICICI બેંકનો કબજો!
આ પ્રોપર્ટી આરોપીની વ્યક્તિગત માલિકીની નથી : મુંબઈ કોર્ટ
Mumbai Court Rejects Mehul choksi Plea : મુંબઈની એક વિશેષ અદાલતે ભાગેડુ જાહેર કરવા માટેની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અરજીના વિરોધમાં કરેલી મેહુલ ચોકસીની અરજીને ફગાવી દીધી છે. ભારત સરકાર દ્વારા કોર્ટમાં કહેવામાં આવ્યું કે 13 હજાર કરોડ રૂપિયાના PNB કૌભાંડની તપાસને કારણે ભાગી રહ્યો છે અને એન્ટિગુઆમાં છુપાયો છે. PNB કૌભાંડની તપાસ દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જપ્ત કરાયેલી બે મિલકતોનો કબજો મેળવવાની પરવાનગી માંગતી ICICI બેંક દ્વારા દાખલ કરાયેલી અરજી પર કોર્ટ સુનાવણી કરી રહી હતી. આ મિલકતોની કિંમત 636 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
મેહુલ ચોક્સીના વકીલની દલીલ
ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે આ દલીલ કરતા કહ્યું કે, રાયગઢ જિલ્લામાં આવેલ ગોકુલ બિલ્ડિંગનો એક ફ્લેટ મેહુલ ચોક્સીનો છે અને તે પ્રોપર્ટીના માલિક હોવાથી કોર્ટ તેમને સાંભળ્યા વિના બેંકને પ્રોપર્ટી રિસ્ટોર કરી શકે નહીં. જોકે, ICICI બેંકે આ મામલે મેહુલ ચોક્સીના હસ્તક્ષેપનો વિરોધ કર્યો હતો.
અદાલતે શું કહ્યું ?
બંને પક્ષોની દલીલોને સાંભળ્યા બાદ જજે કહ્યું કે, આ પ્રોપર્ટી આરોપીની વ્યક્તિગત માલિકીની નથી. જે કંપનીઓ બંને મિલકતોની માલિકી ધરાવે છે તે N&J Finstock Pvt Ltd, Rohan Mercantile Pvt Ltd, ગીતાંજલિ ઇન્ફ્રાટેક લિમિટેડ અને હૈદરાબાદ જેમ્સ SEZ લિમિટેડ છે. જજે કહ્યું કે, કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરવાની પરવાનગી માટેની મેહુલ ચોક્સીની અરજીમાં મને કોઈ કાયદાકીય વજન દેખાતું નથી. તેથી આ અરજી ફગાવી દેવામાં આવે છે.
શું છે મામલો?
CBIએ 31 જાન્યુઆરી, 2018ના રોજ નીરવ મોદી, ભાઈ નિશાલ અને અન્ય કેટલાક લોકો વિરુદ્ધ PNB સાથે 6,498 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ કેસ નોંધ્યો હતો. આ સિવાય એક અલગ કેસમાં એજન્સીએ તેના મામા મેહુલ ચોક્સી અને PNBના કેટલાક અધિકારીઓ સહિત અન્ય કેટલાક લોકો વિરુદ્ધ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને 7,080 કરોડ રૂપિયાની બેંકની છેતરપિંડી કરવાનો કેસ દાખલ કર્યો હતો. CBI દ્વારા કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું કે, 2011 અને 2017 ની વચ્ચે PNB દ્વારા અંદાજે 23,780 કરોડ રૂપિયાના લગભગ 1,214 LoUs છેતરપિંડીથી વિવિધ વિદેશી બેંકો અને યુએસની ડાયમંડ કંપનીને નાણાં આપવા આવ્યા હતા. જાન્યુઆરી 2018 માં જ્યારે કૌભાંડ સામે આવ્યું ત્યારે કુલ LoUsમાંથી 150 એટલે કે લગભગ 6,498.20 કરોડ રૂપિયાની છેતરપિંડીનો ખુલાસો થયો.