₹500ની અસલી નોટ કેવી રીતે ઓળખવી?.
બજારમાં નકલી નોટોનું ચલણ વધતું જાય છે ત્યારે RBIએ કેટલીક ખાસ રીતો જણાવી છે, જેના દ્વારા તમે મિનિટોમાં અસલી અને નકલી નોટનો તફાવત સમજી શકો છો.
નોટની ડાબી બાજુએ એક પારદર્શક ભાગ હોય છે, જ્યાં પ્રકાશની સામે જોતા અંકોમાં '500' લખેલું દેખાય છે. તેની નીચેની તરફ છુપાયેલી રીતે પણ '500' લખેલું હોય છે.
અસલી નોટ પર '500' અંક દેવનાગરી લિપિમાં પણ લખાયેલું હોય છે. આ ઉપરાંત, મહાત્મા ગાંધીના ફોટોની બાજુમાં અત્યંત સૂક્ષ્મ અક્ષરોમાં 'Bharat' અને 'India' લખેલું જોવા મળશે.
નોટની વચ્ચે એક સિક્યોરિટી પટ્ટી હોય છે, જેને ત્રાંસી કરવા પર તેનો રંગ લીલામાંથી બ્લૂ થાય છે. આ પટ્ટી પર 'RBI' અને 'ભારત' સ્પષ્ટપણે લખેલું હોય છે.
મહાત્મા ગાંધીના ફોટોની જમણી બાજુએ RBIના ગવર્નરની સહી અને ગેરંટીનું વાક્ય હોય છે. તેની બાજુના ખાલી ભાગમાં ગાંધીજીનો ફોટો અને '500'નો વૉટરમાર્ક પ્રકાશમાં જોવા મળે છે.
નોટની નીચેની બાજુ જમણી તરફ જે '₹500' લખેલું છે, તેને જો તમે ત્રાંસી કરીને જોશો તો તેની શાહીનો રંગ લીલામાંથી બદલાઈને બ્લૂ થઈ જશે.
દૃષ્ટિહીન લોકો નોટ ઓળખી શકે તે માટે મહાત્મા ગાંધીનો ફોટો અને અશોક સ્તંભનો લોગો ઊપસેલો(Raised Print) હોય છે. જમણી બાજુએ 5 ત્રાસી લાઇન(Bleed Lines) પણ સ્પષ્ટ સ્પર્શ કરી શકાય તેવી હોય છે.
નોટની ઉપર ડાબી બાજુ અને નીચે જમણી બાજુએ જે નંબર લખેલા હોય છે, તે નાનાથી મોટા થતા ક્રમમાં હોય છે. નોટની જમણી બાજુએ અશોક સ્તંભનું ચિહ્ન અંકિત હોય છે.