કદરૂપી ઢાલ .
- 'ના,ના... તારું રૂપ તો જો... તું કેવું સુંદર છે! હું તારી સાથે કેવી રીતે આવું? મને તો શરમ આવે છે. હું તારી સાથે રમી નહીં શકું.'
- ડો. પ્રીતિ કોટેચા
લીલી લીલી વનરાઈવાળું એક કંચનવન નામે મોટું જંગલ હતું. આ જંગલમાં સોનુ હરણ, કર્કટ કાચબો, ડીમ્બી વાઘ, શેરસિંહ બધાં સંપીને રહેતાં હતાં. આ બધામાં પીન્ટુ સસલું, સોનુ હરણ અને કર્કટ કાચબાની વચ્ચે ખૂબ પાકી દોસ્તી હતી. આ ત્રણેય મિત્રોને રોજ મળવાનો નિયમ. ત્રણેય મિત્રો મળે અને અલકા મલકની વાતો કરે.
એક દિવસ આ જંગલમાં સોનુ હરણનો મિત્ર આવ્યો. એનું શરીર સોનેરી રંગનું હોવાથી એ ખૂબ સુંદર દેખાતો હતો. તેણે કાચબાની મસ્તી કરતા કહ્યું, 'આ તમારી ઢાલ છે કે કાળો પથ્થર? જુઓ તો ખરા! તમે સાવ કેવા લાગો છો!'
સોનેરી હરણની આ મશ્કરીથી કર્કટ કાચબાને ખૂબ ખોટું લાગ્યું. એને પોતાની ઢાલ પ્રત્યે અણગમો થઈ ગયો. પછી જ્યારે પણ એ મિત્રોને મળે ત્યારે પોતાની ઢાલની કદરૂપતાની વાત કરે ને દુ:ખી થયા કરે.
એક દિવસ સસલું કાચબાને કહે, 'અરે દોસ્ત, બહાર આવ. આપણે રેતીમાં રમીએ.'
કાચબો કહે, 'ના,ના... તારું રૂપ તો જો... તું કેવું સુંદર છે! હું તારી સાથે કેવી રીતે આવું? મને તો શરમ આવે છે. હું તારી સાથે રમી નહીં શકું.'
ત્યાં જ દોડતું દોડતું સોનું હરણ આવ્યું. હરણે પણ કહ્યું, 'ચાલ, આપણે સાથે રમીએ.'
કાચબો કહે, 'ભગવાને તારું સુંદર સર્જન કર્યું છે. મને તો જુઓ.... કેવી કદરૂપી ઢાલ આપી છે. વળી, એમાં પણ આ ભારેખમ શરીર... હું કેવો કદરૂપો લાગુ છું! હું હવે એકલો જ રહીશ.'
કાચબાની વાત સાંભળી સસલું અને હરણ ઉદાસ થઈ ગયાં.
એક દિવસ કાચબાના ઘર પાસે સસલું અને હરણ ઘાસમાં રમતાં હતાં. કાચબાભાઈ દૂરથી એમને જોઈ રહ્યા હતા. ત્યાં જ એક શિકારીએ બાણ છોડયું. બાણ સનનનન... કરતું હરણ પાસેથી પસાર થઈ ગયું. હરણ તો ઠક... ઠક... કરતો ઠેકડા મારીને ઝાડીમાં સંતાઈ ગયું. બાણ સીધું જ કાચબાભાઈની ઢાલમાં લાગ્યું. કાચબાભાઈ તો અચાનક આવી રીતે થયેલા હુમલાથી ડરી ગયા. એમણે તો તરત જ પોતાનાં અંગો સમેટી લીધાં. ઢાલ એટલી મજબૂત હતી કે કાચબાભાઈને કંઈ થયું નહીં. શિકારીના હાથમાં કંઈ જ લાગ્યું નહીં એટલે એ જતો રહ્યો.
સસલા અને હરણે આ બધું જ જોયું. તેઓ તો દોડતાં દોડતાં આવ્યાં કાચબાભાઈ પાસે. કાચબાભાઈને કહે, 'તમારી ઢાલ તમને કદરૂપી લાગે છે ને! પણ જુઓ, તેણે જ તમને શિકારીના તીરથી બચાવ્યા છે. જો આજે આ ઢાલ તમારી પાસે ના હોત તો તમારા રામ રમી ગયા હોત.'
કાચબાના ગળે વાત ઉતરી ગઈ. એ કહે, 'હા, તમારી વાત સાચી છે. મને કોઈ પકડવા આવે ત્યારે હું ઢાલમાં સંતાઈને બેસી જાઉં છું ને હું બચી જાઉં છું.'
કર્કટ કાચબાને પોતાની ઢાલની કિંમત સમજાઈ ગઈ હતી. તેણે મિત્રોને કહ્યું, 'મારે તો વરસાદ હોય કે ગરમી હોય, આ ઢાલ જ મારી રક્ષા કરે છે. મને દુશ્મનોથી બચાવે છે. તો હવેથી હું મારી ઢાલને ક્યારેય કદરૂપી ગણીશ નહીં. હંમેશાં ભગવાનનો આભાર માનીશ. ભગવાને મને આટલું ઉપયોગી ઢાલ જેવું અંગ આપ્યું છે.'
આ સાંભળીને સસલા અને હરણને નિરાંત થઈ. આનંદ પણ થયો.
જોયું મિત્રો? કુદરતે પ્રાણી માત્રના આખા શરીરનું, એના એકેએક અંગનું અત્યંત બુદ્ધિપૂર્વક નિર્માણ કર્યું છે. તેથી ક્યારેય પોતાના દેખાવની બીજાઓ સાથે સરખામણી કરવી ન જોઈએ અને લઘુતાગ્રંથિ તો બિલકુલ અનુભવવી ન જોઈએ. હંમેશાં ભગવાનનો, પ્રકૃતિદેવીનો આભાર માનવો જોઈએ.