કાગડાને પાઠ ભણાવ્યો .
- દેડકી ધીમા અવાજે ડર સાથે બોલી : 'હવે શું કરશું? એ ચાંચ મારી મારીને આપણને લોહીલુહાણ કરી દેશે!'
- દેડાકાનાં મનમાં થોડો ડર તો જાગ્યો હતો, પણ પછી એણે શાંત ચિત્તે એક યુક્તિ વિચારી. ભયથી ફફડતી દેડકીનાં કાનમાં એણે આ યુક્તિ કહી.
- કાગડાને મન એ રમત થાય પણ દેડાકાનો તો જીવ જાય!
- હવે પછી હું નાનાં જીવજંતુને હેરાન નહી કરું!
હરીશ નાયક
ચોમાસાના દિવસો હતા.
એક દેડકો અને દેડકી નવાં રહેઠાણ માટેની શોધમાં નીકળ્યાં હતાં.
ત્યાં દેડકાઓ પાસેની એક સોસાયટી જોઈ. દેડકાએ દેડકીને કહ્યું, 'જો, સામે જ એક સોસાયટી છે. ઘણાં બધાં મકાનો છે. કોઈ મકાનમાં પાણીની કૂંડી કે હોજ તો હશે જ. તું મારી પાછળ ચાલ! આપણે દિવાલની ઓથે ચાલવાનું છે.'
'ભલે,' કહીને દેડકી દેડકા પાછળ ચાલી. એટલામાં દેડકો ઉભો રહી ગયો.
દેડકી પૂછી બેઠી : 'કેમ, આગળ ચાલતાં અટકી ગયાં?' દેડકાએ ધીમા અવાજે કહ્યું, 'જો, સામેની દીવાલ પર એક કાગડો બેઠો છે. એની નજર આપણી તરફ જ છે.' એ આપણને પજવે નહીં, એ જોવાનું!'
'અરે, હા. મારાં દાદીમાએ મને એ વાત કરેલી. અને છેલ્લે એવું પણ કહેલું કે, ચાંચ મારીને એ દેડકાને હેરાન કરતો હતો. કાગડાને મન એ રમત થાય પણ બિચારાં પેલાં દેડાકાનો તો જીવ જાય!' દેડકીએ કહ્યું.
દેડકો બે મિનિટ મૌન રહ્યો.
પછી એ ધીમા અવાજે બોલ્યો : 'જો, પાસે જ બોરડીનું નાનું પણ ઝાઝાં કાંટાવાળું ઝાડ છે. આપણે ધીમે ધીમે જઈને એ બોરડીનાં મૂળ પાસે બેસી જઈએ.'
'હા, બરાબર છે, ચાલો!' દેડકી બોલી
બંને કૂદતાં કૂદતાં બોરડીનાં એ નાનાં ઝાડ પાસે જઈને ઠેઠ મૂળ પાસે જઈને બેસી ગયાં.
દિવાલ પરનાં કાગડાએ એમને કૂદતાં અને બોરડીનાં ઝાડ તરફ જતાં જોયાં હતાં.
કાગડો તરત પાંખો ફફડાવતો બોરડીનાં ઝાડ પાસે પહોંચી ગયો. અને ઝીણી નજરે દેડકા-દેડકીને શોધવા લાગ્યો.
દેડકી ધીમા અવાજે ડર સાથે બોલી : 'હવે શું કરશું? એ ચાંચ મારી મારીને આપણને લોહીલુહાણ કરી દેશે!'
દેડાકાનાં મનમાં થોડો ડર તો જાગ્યો હતો. પણ પછી એણે શાંત ચિત્તે એક યુક્તિ વિચારી, ભયથી ફફડતી દેડકીનાં કાનમાં એણે પોતાને સૂઝેલી યુક્તિ કહી.
આ સાંભળીને દેડકીમાં થોડી હિંમત આવી. આ બાજુ કાગડો ધીમા પગલે બોરડાની કાંટાળી ડાળીઓ વચ્ચેથી પોતાની ચાંચ ખૂલ્લી રાખીને દેડકો-દેડકી દેખાય એની તપાસ કરવા લાગ્યો.
દેડકાએ જોયું. કાગડાને પાઠ ભણાવવાનો આથી સારો મોકો મળવાનો નથી.
દેડકાએ દેડકીને ઈશારો કર્યો. અને પછી પૂર્વયોજના મુજબ દેડકો અને દેડકી બંને પગથી બોરડીની કાંટાળી ડાળીઓ કાગડા પર નીચે નમાવવા લાગ્યાં.
કાગડો તો બિચારો ખરેખરનો ફસાયો હતો. ડાળીમાંનાં કાંટા એનાં આખા શરીરે ભોંકાવા લાગ્યા હતાં. અને લોહીની ટશરો ફૂટવા લાગી હતી. એ બહાર નીકળવા જેવો પ્રયત્ન કરતો હતો કે કાંટા એનાં શરીરમાં ઊંડે સુધી ભોંકાતા હતાં.
કાગડાને હવે બધી વાત સમજાય ગઈ. એ રડમસ અવાજે બોલ્યો : 'દેડકાભાઈ! મને માફ કરો. તમે નમાવેલી આ ડાળીઓને દૂર કરો. હું તમને ચાંચ મારીને વેદના પહોંચાડવાની મજા લેવાના ઈરાદે આવ્યો હતો. પણ... ને હવે બરાબર સમજાય ગયું છે. કોઈને પીડા પહોંચાડીને આનંદ લેવો જોઈએ નહીં. મને માફ કરો!'
દેડકીને દયા આવી. એણેં દેડકાને કાગડાને મુક્ત કરવા માટે કહ્યું.
દેડકાએ બોરડીના ઝાડીની ડાળીઓ ઊંચી લઈ લીધી. કાગડો તુરંત બહાર આવ્યો. પીડાના ઊંહકારા ભરતો એ બોલ્યો : 'હવે પછી હું નાનાં જીવ-જંતુને હેરાન નહી કરું!' અને તે પાંખો ફફડાવી ઊડી ગયો.
દેડકી માનથી દેડા સામે જોઈ રહી.