હસે બાળક ! હસે ભગવાન ! .
- જ્યાં દીન-દુ:ખિયાની સેવા થાય છે ત્યાં જ દેવ છે. માનવજાતનાં દુ:ખ દૂર કરવાં -એથી વધારે મોટી કોઈ પ્રાર્થના નથી.'
નાનકડા ઈસુ સુથારીકામ કરે. સુથારીકામના તો તે ઉસ્તાદ. લોકો ચાહીને એની પાસે આવે. પોતાની જ મસ્તીમાં એ મગ્ન રહેતો. ત્યારે જ એક ઘટના બની.
એક બાજુથી એક બાળક આવતું હતું. તેની ચાલણગાડી ભાંગી ગઈ હતી. બીજી બાજુથી એક ખેડૂત આવતો હતો. તેનું હળ ભાંગી ગયું હતું.
બાળક કહે, 'ઈસુ ! મારી ગાડી સમી કરી દે.'
ખેડૂત કહે, 'ઈસુ ! મારું હળ સમું કરી દે.'
બંને ચડસાચડસી પર ચઢ્યા. બાળક રહીને કહેવા લાગ્યું, 'મારી ગાડી પહેલી કર, મારે રમવું છે.'
ખેડૂત કહે, 'મારે ખેતીનું મોડું થાય છે. મારું હળ જલદી કર.'
ઈસુને માટે તો મૂંઝવણ આવી. એકનું કામ પહેલું કરે તો બીજું નારાજ થાય. અંતમાં તેણે ખેડૂતને કહ્યું, 'ભાઈ ! હું એક છું અને કામ બે છે. એક સાથે કામ થવાનાં નથી. ગમે તેનું પહેલું તો કરવું જ પડશે. બાળક તરત મોટું બની શકતું નથી, પણ આપણે નાના બની શકીએ છીએ. બાળક હંમેશાં રાજી રહેવું જોઈએ, કેમ કે એ ભગવાનની ભેટ છે. તું કહે તો આપણે બંને ભેગા થઈ પહેલાં બાળકની ગાડી સમી કરી નાંખીએ. પછી એ જ રીતે તારું હળ ઠીક કરીશું.'
ખેડૂત કહે, 'ભલે તો એમ. જલદી કરો.'
બે માનવી ભેગા થાય પચી ચાલણગાડી તૈયાર થતાં કેટલી વાર? ઝપાટાબંધ ચાલણગાડી તૈયાર થતી ગઈ. તો ઈસુએ ખેડૂતના મનને પણ તૈયાર કરવા માંડયું.
તે કહે, 'ભાઈ! બાળકનાં આંસુ લૂછવાં એ મોટામાં મોટું કામ છે. જે દુનિયામાં બાળક નારાજ હશે એ દુનિયાનો ભગવાન નારાજ થશે. બાળક તો નાદાન છે જ, પણ આપણે એની સાથે નાદાન થઈએ એ કેવું કહેવાય. ?'
ચાલણગાડી તૈયાર થતાં જ બાળક હસતું હસતું દોડી ગયું. એ તરફ જોઈને ઈશુ કહે, 'બાળકને હસતું જોઈને મને ઈશ્વર હસતો દેખાય છે. બાળકના નિર્દોષ અને નિખાલસ હાસ્યમાં જ ભગવાનનો વાસ છે, ભાઈ !'
બીજી જ ઘડીએ એ બંને જણાએ ભેગા થઈને હળ પણ સમારી નાખ્યું. હળ જાણે એકદમ નવા જેવું થઈ ગયું. ખેડૂત જાતે પણ નવો બની ગયો. તેણે પૂછ્યું,
'શું આપું?'
ઈસુ કહે, 'મારે કંઈ ન જોઈએ, કેમ કે કામ તો આપણે ભેગા મળીને જ કર્યું છે. પણ તારે જો આપવું જ હોય તો હાસ્ય આપ ! મને નહીં, દુનિયાને. હાસ્યની વહેંચણી એ દુનિયાની મોટામાં મોટી વહેંચણી છે. વાદ મિટાવો, ભેગા મળી કામ પતાવો. એક થઈને સહકાર કેળવો. હાસ્ય તમને નવી પ્રેરણા, નવું પ્રોત્સાહન આપશે.'
હસતો હસતો ખેડૂત જવા લાગ્યો. તેને લાગ્યું કે, આ છોકરો ઈસુ ! માત્ર હળ જ સુધારતો નથી, તે જડ માણસને પણ સુધારે છે ! તે જતો હતો અને તેની પાસે હતું હળવું ફૂલ જેવું હળ. તે જતો હતો અને તેની પાસે હતું નવું જ જીવનબળ.
'ઈસુ ! ઈસુ !' માતા મેરી બાળકને શોધતી હતી.
કોઈકે કહ્યું, 'એ તો દેવળ તરફ ગયો છે.'
માતા એ તરફ ગઈ. પણ ઈસુ ત્યાં નહોતા. ખબર પડી કે એ તો રોગીઓની વસતિમાં ગયા છે.
માતા ત્યાં પહોંચી. જોયું તો ચારે બાજુએ રોગીઓ હતા. બધા જાતજાતના રોગથી રિબાતા-પીડાતા હતા. ઈસુ એ બધાંના ઘા ધોતો હતા, દર્દ દૂર કરતો હતા. તેમની સાથે હેતપ્રેમથી વાતો કરતા હતા.
માતા કહે, 'અરે! મારા મનમાં કે તું દેવળમાં હશે! ઈસુ, તું તો અહીં છે !'
ઈસુ હસીને કહે, 'મા ! તારી વાત સાચી છે. જ્યાં દીનદુ:ખિયા છે ત્યાં જ દેવળ છે અને જ્યાં દીન-દુ:ખિયાની સેવા થાય છે ત્યાં જ દેવ છે. માનવજાતનાં દુ:ખ દૂર કરવાં એથી વધારે મોટી કોઈ પ્રાર્થના નથી.'